આલ્બર્ટ માથે તો જાણે આભ તૂટી પડ્યું હતું. એને ખાતરી હતી કે જેવા ટીચર નજીક આવશે અને પોતાનું ભીનું પેન્ટ અને લાદી પર પડેલો પેશાબ જોશે એટલે એમનો પિત્તો જશે અને પછી પોતાનું આવી જ બનશે….
પરદેશની આ વાત છે.
એક નિશાળમાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ ભણી રહ્યાં હતાં. એ વખતે આલ્બર્ટ નામના એક બાળકને જોરથી પેશાબ લાગી. એણે ટોઇલેટ જવા માટે ટચલી આંગળી ઊંચી કરી. પણ શિક્ષિકાબહેને એ જોવા છતાં કોઇ જ પ્રતિભાવ ન આપ્યો. છોકરાએ એ પછી પણ બેથી ત્રણ વખત આંગળી ઊંચી કરીને બહેનનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરી જોયો. પરંતુ એમણે તો એવું જ જડસુ વલણ અપનાવીને એ છોકરાની અવગણના કરવાનું ચાલુ રાખ્યું. એને ટોઇલેટ ન જવા દીધો.
બિચારો આઠેક વરસનો બાળક કુદરતના જોર સામે કેટલો સમય ઝીંક ઝીલી શકે? અંતે જે થવાનું હતું એ થઇ જ ગયું! એનાથી પેન્ટમાં પેશાબ થઇ ગયો. એના બંને પગ વચ્ચે પેશાબનું પાટોડું ભરાઇ ગયું. બીજા કોઇને તો એ અકસ્માતની ખબર ન પડી, પરંતુ એની આગળની બેંચ પર બેઠેલી સૂઝી નામની છોકરી એ જોઇ ગઇ.
આલ્બર્ટ માથે તો જાણે આભ તૂટી પડ્યું હતું. એને ખાતરી હતી કે જેવા ટીચર (શિક્ષિકાબહેન) નજીક આવશે અને પોતાનું ભીનું પેન્ટ અને લાદી પર પડેલો પેશાબ જોશે એટલે એમનો પિત્તો જશે અને પછી પોતાનું આવી જ બનશે. એ તો ઠીક પરંતુ પછી બધાં છોકરા-છોકરીઓ પોતાની ઠેકડી ઉડાડશે એ પણ નક્કી હતું. એના મનમાં એક ધાસ્તી પેસી ગઇ કે આ બનાવ અંગે ખબર પડશે એ પછી બધાં એને કાયમ માટે ચીડવ્યા કરશે. એના હૃદયના ધબકારા વધી ગયા.
અચાનક એનું ધ્યાન ટીચર ઉપર પડ્યું. બધાની નોટ તપાસતાં તપાસતાં એ એની તરફ જ આવતાં હતાં. આલ્બર્ટે બંને હાથમાં પોતાનું માથું પકડી લીધું. એને થયું કે બસ, હવે પાંચ જ મિનિટ, પછી જે ફજેતી થશે એ કદાચ કાયમ પોતાને હેરાન કરશે.
ટીચર એકાદ બેંચ દૂર હતાં એ જ વખતે આગળની બેંચ પરથી સૂઝી, જે આ જોઇ ગઇ હતી એ ઊભી થઇ. એના હાથમાં એ દિવસે એ પોતાના ઘરેથી લાવી હતી એ ગોલ્ડ-ફિશનું વાસણ હતું. એ વાસણ (પોટ) લગભગ કાંઠા સુધી પાણીથી ભરેલું હતું.
એમાં એક મોટી ગોલ્ડ-ફિશ તરી રહી હતી. માછલી અંગે ભણવા માટે એ દિવસે એ ખાસ પોતાની ખૂબ વહાલી ગોલ્ડ-ફિશને જોડે લાવી હતી. ટીચર હજુ કાંઇ જુએ કે કહે એ પહેલાં તો સૂઝી આલ્બર્ટ પર પડી. એના હાથમાં રહેલ ફિશ-પોટ આલ્બર્ટના ખોળામાં ઢોળાઇ ગયું. એનું પેન્ટ સાવ ભીનું થઇ ગયું. ગોલ્ડ-ફિશ ફર્શ પર પડીને તરફડવા લાગી.
ટીચરે એ છોકરી સૂઝીને બરાબરની ધમકાવી નાખી. પછી આલ્બર્ટને સ્પૉર્ટ્સ રૂમમાં લઇ જઇને એક ડ્રેસ પહેરવા માટે કાઢી આપ્યો, જેથી એના ભીના પેન્ટ-શર્ટ સૂકવવા માટે નાખી શકાય.
સાંજ પડી. નિશાળ છૂટી. બધા સ્કૂલ બસની રાહ જોઇને બેઠાં હતાં. સૂઝી બધાંથી દૂર બેઠી હતી. આલ્બર્ટ એની પાસે જઇને બેઠો. સૂઝી એની સામે હસી. એ પણ હસ્યો. પછી કહ્યું, ‘સૂઝી! થેન્ક્યુ વેરી મચ. તારો ખૂબ આભાર. મને ખબર છે કે મને બચાવી લેવા માટે જ તેં આ બધું જાણીજોઇને કર્યું હતું ખરું ને? હું તો હજુ આ મહિને જ તારા ક્લાસમાં દાખલ થયો છું. તો પણ તેં મારા માટે તારી વહાલી ગોલ્ડ-ફિશને મરવા દીધી? શું હું જાણી શકું કે તેં આવું શું કામ કર્યું?’
સૂઝી થોડી વાર એની સામે જોઇ રહી. પછી ચહેરા પર એક મોટું સ્મિત લાવીને બોલી, ‘ગયા વરસે મારાથી પણ આવું થઇ ગયું હતું! પછી શું થાય છે અને શું વીતે છે એની મને ખબર હતી એટલે!’