ચિરંતન યુગો સુધી મહેકતી રહેશે અમૃતના અમરત્વની અમર ગાથા…

ચિરંતન યુગો સુધી મહેકતી રહેશે અમૃતના અમરત્વની અમર ગાથા…

- in Cover Story
734
Comments Off on ચિરંતન યુગો સુધી મહેકતી રહેશે અમૃતના અમરત્વની અમર ગાથા…
Amarnath's immortality of Amrita's life will continue till the chantantan era

– સાધુ અક્ષરવત્સલદાસ

જીવનભર મનાવા-પૂજાવાની લેશમાત્ર ઇચ્છા ન ધરાવનાર પ્રમુખસ્વામીજીએ ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુ યોગીજી મહારાજની ઇચ્છાથી તેમના આધ્યાત્મિક અનુગામી તરીકેનું પદ તો સંભાળ્યું, પરંતુ એક મહાન સંસ્થાના પ્રમુખ અને લાખો ભક્તોના ગુરુ તરીકેનો દોરદમામ કે તેની મહાનતાનો ભાર તેમણે લગીરેક પણ જણાવવા ન દીધો. તેમણે જીવનભર જાતને ભગવાન સ્વામિનારાયણના સેવક તરીકે ગણાવી…

હમણાં એ હેતનો અવાજ સાંભળીશ, જાણે હમણાં એ હોઠ બે મલકશે,

હમણાં લંબાવી હાથ આશિષ દેશે,

ને જાણે હમણાં એ આંખથી અડકશે…

પ્રસિદ્ધ કવિ હરીન્દ્ર દવે લિખિત ઉપરોક્ત પંક્તિઓમાં, વિશ્ર્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજના ધામગમન બાદ ચાર-ચાર દિવસ દરમ્યાન દર્શન કરવા આવનાર લાખો ભક્તોનાં હૈયાંનો સાદ છે..!

આ તેરમી ઓગસ્ટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દેહવિલયને બરાબર એક વર્ષ પૂર્ણ થયું. પરંતુ હજુય મન એ સ્વીકારવા તૈયાર થતું નથી કે, લાખોના પ્રાણપ્યારા પ્રમુખસ્વામી મહારાજનું પ્રેમમય નખશિખ દિવ્ય અસ્તિત્વ હવે આ વસુંધરા પર નજરથી ઓઝલ થયું છે. કોઈ એકલ દોકલ નહીં, પરંતુ લાખો હૈયાની આ સ્થિતિ રહી છે. અને વાત સાચી છે, દાયકાઓ સુધી તેમણે અનરાધાર વરસાવેલી અમૃતવર્ષા કેમેય હૈયેથી વિસરાય?! આપણા સામાન્ય ભૌતિક જીવનના પણ કેટલાક કોયડાઓ એવા હોય છે, જે આસાનીથી ઉકેલી શકાતા નથી. જ્યારે આ તો એક લોકોત્તર દિવ્ય ગુણાતીત મહાપુરુષની લીલાનો કોયડો છે. એ સામાન્ય બુદ્ધિથી તો કેવી રીતે ઉકેલી શકાય?!

પ્રમુખસ્વામી મહારાજના ધામગમન પછી સતત દિવસો સુધી પ્રસાર માધ્યમોએ દિવસ-રાત ગુંજારવ કરીને પ્રમુખસ્વામી મહારાજના નામનો આદરભર્યો નાદ કરોડો લોકોનાં હૈયે ગુંજાવ્યો હતો. એ કરોડો લોકોને હૈયે એ જ સવાલ ગુંજતો હતો : કોણ હતા પ્રમુખસ્વામી મહારાજ?

કોણ હતા પ્રમુખસ્વામી મહારાજ? શી રીતે આપવી એમની ઓળખ?

એ કરોડો લોકો માટે ખૂબ જાણીતા જ નહીં, પરંતુ પરમ આત્મીય સ્નેહી સ્વજન હતા, પરંતુ છતાંય એમની ઓળખ આપવી એ સૌ કોઈ માટે કસોટી બની જાય છે.

મધ્ય ગુજરાતના કાનમ પ્રાંતના ચાણસદ ગામે એક નાનકડા ખોરડે સામાન્ય પાટીદાર પરિવારમાં તેમનો જન્મ થયો ત્યારે, એક અસામાન્ય દિવ્ય વિભૂતિનું અવતરણ થયું છે, એવો અંદાજ સુધ્ધાં કોઈને આવ્યો નહોતો. પરંતુ જીવનભર સાદગી સાથે પોતાની મહત્તાને અવ્યક્ત રાખનારા એ મહાન હીરને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના મહાન સંસ્થાપક સંત બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પારખી લીધું હતું. ચાણસદના પાટીદાર મોતીભાઈ પ્રભુદાસના એ નાના પુત્રને પહેલી જ નજરે જોતાં શાસ્ત્રીજી મહારાજ પામી ગયા હતા કે, આ એક દુર્લભ આધ્યાત્મિક રત્ન છે. ત્યાર પછીનો ઇતિહાસ તો પ્રસિદ્ધ છે. કેવળ અઢારેક વર્ષની ઉંમરના એ તરુણનું ગુરુ શાસ્ત્રીજી મહારાજની બે-ત્રણ લીટીની ચિઠ્ઠી પર જીવતરને યા હોમ કરી દેવું, એ એમની મહાનતાનો કેટલો મોટો પરિચય આપે છે! વય કાચી હતી, પરંતુ હૈયું તો કેવું પરિપક્વ હતું! ગુરુ-ઇચ્છાથી જ ૧૮ વર્ષે શાંતિલાલમાંથી સ્વામી નારાયણસ્વરૂપદાસજી બની ગયા, શાસ્ત્રીજી મહારાજના ચીંધેલા માર્ગે જોતરાઈ ગયા.

દીક્ષા લીધાને માત્ર દસ જ વર્ષમાં નારાયણસ્વરૂપદાસજીએ શાસ્ત્રીજી મહારાજની કૃપા પૂર્ણપણે ઝીલી લીધી હતી. એટલે જ, સન ૧૯૫૦માં ૨૮ વર્ષની ઉંમરના એ ગુણિયલ સાધુને શાસ્ત્રીજી મહારાજે પોતાના અનુગામી પ્રમુખ તરીકે સ્થાપી દીધા. નારાયણસ્વરૂપદાસજીને બદલે હવે સૌની જીભે ચઢી ગયું – ‘પ્રમુખસ્વામી’ નામ. જેમની પાસે દૂરંદેશી દૃષ્ટિ ન હોય એવા લોકોને ૨૮ વર્ષના નવયુવાન સાધુ પાસે શી અપેક્ષા હોય! પરંતુ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ તો સીમાતીત અને સમયાતીત હતી. સમયની પેલે પાર જઈને તેઓ નીરખતા હતા કે, આ સામાન્ય સુકલકડી જેવું લાગતુ શાંત અને નિર્બળ વ્યક્તિત્વ આગળ જતાં તેની વિરાટ શક્તિઓનું દર્શન કરાવશે ત્યારે જગત તેમનાં ચરણે લળી પડશે. સાચા હીરાને ઓળખવા મૂલવવામાં થાપ ખાય એનું નામ શાસ્ત્રીજી મહારાજ  નહીં.

અમદાવાદના પ્રભાશંકર પંડ્યાને એ દિવસોની સ્મૃતિ જીવનભર યાદ રહી ગઈ હતી. એક દિવસ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામીજીના પૂર્વાશ્રમના પિતાશ્રી મોતીભાઈ તરફ નિર્દેશ કરીને કહ્યું હતું, ‘એમણે તો અમને છત્રીસ લક્ષણો દીકરો આપ્યો છે.’ પ્રભાશંકરને મનમાં થયું કે છત્રીસ લક્ષણો એટલે શું? તેમણે પૂછ્યું, ‘સ્વામી! આ છત્રીસ લક્ષણો એટલે શું?’ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા: ‘ત્રીસ લક્ષણો સાધુનાં હોય એ તો તને ખબર છે ને!’ ‘હા, સ્વામી!’

‘તો આ નારાયણદા’માં (પ્રમુખ સ્વામીજીને શાસ્ત્રીજી મહારાજ આ લાડકવાયા નામથી બોલાવતા) એ ત્રીસ લક્ષણોે સાધુતાના તો ખરાં જ, પણ એ ઉપરાંત રાજાધિરાજની જેમ વર્તશે.’ ત્યારે શાસ્ત્રીજી મહારાજનાં એ વચનોથી પ્રભાવિત થતાં પ્રભાશંકરે કહ્યું હતું, ‘એ મને બતાવજો!’ શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપીને કહ્યું હતું: ‘તને એ જોવા મળશે.’

સન ૧૯૪૯-૫૦ના વર્ષનો એ પ્રસંગ.

૫૪ વર્ષ પછી, સન ૨૦૦૪માં પ્રભાશંકર પંડ્યાએ ગદગદ થઈને આ પ્રસંગની સ્મૃતિ કરતાં કહ્યું હતું : ‘અને અત્યારે હું મારી આંખે એ સત્ય થયેલું જોઈ રહ્યો છું…’

હા, એવા પરમ વિશ્વાસ સાથે આર્ષદ્રષ્ટા શાસ્ત્રીજી મહારાજ બી.એ.પી.એસ. સંસ્થાનું સુકાન પ્રમુખસ્વામીજીને સોંપીને સન ૧૯૫૧માં અંતર્ધાન થયા. ત્યારબાદ સતત ૨૦ વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી અને મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞામાં રહીને તેમણે સેવાઓ કરી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ હોવા છતાં વીસ-વીસ વર્ષ સુધી તેમણે પોતાની જાતને યોગીજી મહારાજની પાછળ રાખી. આગળ આવવાની કે દેખાવાની કોઈ મહત્ત્વાકાંક્ષા વિના સદા પરદા પાછળ રહીને ગુરુ-ઇચ્છાએ તેઓ સંસ્થાની સેવાઓ કરતા રહ્યા. સન ૧૯૬૮માં યોગીજી મહારાજની ઇચ્છાથી, તેઓના સાંનિધ્યમાં જ પ્રમુખ સ્વામીજીની ૪૮મી જન્મજયંતી સૌએ ઊજવી, ત્યારે તેઓ ખૂબ નારાજ થઈ ગયા હતા. અશ્રુભીની આંખે ગદગદ થઈને તેમણે સૌને સંબોધતાં કહ્યું હતું: ‘સ્વામીશ્રીના સાંનિધ્યમાં આ રીતે તમોએ સભા યોજી તે મને જરા પણ યોગ્ય લાગતું નથી. અત્યારે તો આપણા સહુની દૃષ્ટિ એક યોગીજી મહારાજ તરફ જ હોય! એ જ આપણા મોક્ષદાતા છે. એમના વિના આપણું આત્યંતિક કલ્યાણ કરે એવો બીજો કોઈ પુરુષ આપણે માટે નથી. શ્રીજી મહારાજ એ દ્વારા અખંડ પ્રગટ છે. હું તો ઘણો જ નાનો માણસ છું. અને શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજની કેવળ કૃપાદૃષ્ટિ અને આશીર્વાદથી આ સંસ્થાની સેવા કરી રહ્યો છું. તેમાં મારી ઘણી ભૂલો થાય છે. સ્વામીશ્રી યોગીજી મહારાજે અવાર-નવાર માર્ગદર્શન આપી, મારા કાર્યને સરળ બનાવ્યું છે. શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજની અને આપ સહુની મારા પ્રત્યે જે લાગણી છે તેનો બદલો હું કોઈ રીતે વાળી શકું તેમ નથી. છતાં હું આ દેહે કરીને આ સંસ્થાની સેવા કરી શકું, એવા આશીર્વાદ આપ સૌ આપશો. ફરીથી આવો પ્રસંગ કદીપણ ઊભો ન કરવા આપ સૌને મારી નમ્ર અરજ છે.’

તેમની આ વિનમ્રતાએ સૌને નતમસ્તક બનાવી દીધા હતા. જો કે પૂર્વે અનેક વખત કહ્યું હતું તેમ, યોગીજી મહારાજે તો આ દિને પણ તેમનો અપરંપાર મહિમા ગાઈને કહ્યું હતું: ‘પ્રમુખસ્વામી શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે, એમાં રોમનો ફેર નથી. દિવ્યભાવ રાખવો. આપણે સાતસો સાધુ કરવા છે, તે પ્રમુખસ્વામી દ્વારા પૂરા થશે. દર વર્ષે આ જન્મ દિવસ શાનદાર રીતે ઊજવવો.’ આવા અનેકવિધ મહિમાગાન સાથે, પ્રમુખસ્વામીજીને પોતાનું આધ્યાત્મિક ગુરુપદ સોંપીને સન ૧૯૭૧માં યોગીજી મહારાજે દેહલીલા સંકેલી લીધી.

030

જીવનભર મનાવા-પૂજાવાની લેશમાત્ર ઇચ્છા ન ધરાવનાર પ્રમુખસ્વામીજીએ ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુ યોગીજી મહારાજની ઇચ્છાથી તેમના આધ્યાત્મિક અનુગામી તરીકેનું પદ તો સંભાળ્યું, પરંતુ એક મહાન સંસ્થાના પ્રમુખ અને લાખો ભક્તોના ગુરુ તરીકેનો દોરદમામ કે તેની મહાનતાનો ભાર તેમણે લગીરેક પણ જણાવવા ન દીધો. ગુરુ તરીકે ગાદીસ્થાનમાં બેસીને સૌને માત્ર આશીર્વાદ આપવાનું કે અઘરાં પ્રવચનો આપવાનું તો એમની વ્યાખ્યામાં જ નહોતું. તેમણે જીવનભર પોતાની જાતને ભગવાન સ્વામિનારાયણના સેવક તરીકે ગણાવી. ‘આપણે તો સેવક છીએ, આપણે તો સૌની સેવા જ કરવાની હોય ને..!’ એ એમની નખશિખ હાડોહાડ પ્રતીતિ! એટલે તેઓ એક સરળ સેવક બનીને ગામડે ગામડે ઘૂમતા રહ્યા. ન કોઈ સગવડ માંગી કે ન તેની કોઈ અપેક્ષા રાખી. તેઓ તો આ પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ માત્ર વહેંચવા જ આવ્યા હતા. કશું પામવા નહીં, સઘળું આપવા જ આવ્યા હતા. એટલે એક પૈસાના પણ સંગ્રહ વિના જીવનભર અકિંચન રહીને, અનેક કષ્ટોને એમણે હસતે મોંએ સહી તો લીધાં, પરંતુ એ સહન કર્યાની કોઈને જાણ પણ ન થાય એટલી સહજતાથી.!

india_akshardham_temple_beautiful_top_view_panorama_85106_3840x2400

પ્રમુખસ્વામીજી એટલે બહુ કોમળ વ્યક્તિત્વ. માખણની ઉપમા પણ વામણી પડે એવી મુલાયમતા. કોઈનુંય દિલ ન દુભાય એની એમને સતત કાળજી.! નાના શિશુની ભાવનાઓનોય હૃદયથી આદર કરે. માનવમાત્રની ભાવનાઓને જાળવવા માટે, લોકોનાં સુખ-દુ:ખમાં સહભાગી થવા માટે, આધ્યાત્મિક મૂલ્યોના પ્રવર્તનની સેવા કરવા માટે, સંસ્કૃતિના રક્ષણ માટે, સામાજિક આપત્તિઓમાં અસંખ્ય લોકોને હૂંફ આપવા માટે સ્વામીશ્રી દિવસ-રાત દોડતા રહ્યા. સન ૧૯૭૬ના વર્ષમાં તો તેમણે ૭૨૮ ગામડાંઓમાં વિચરણ કર્યું હતું.! સન ૧૯૭૧ થી ૧૯૯૮ સુધીનાં લગભગ ત્રણ દાયકા સુધીનો સમય તેમણે અવિરત વિચરણ કરીને અસંખ્ય લોકોના જીવતરને ધન્ય કર્યાં, માંગલ્યથી શણગાર્યાં, જાતની પરવા કર્યા સિવાય! શરીરના સહજ ભાવોથી સદા પર સ્વામીશ્રીએ ન પોતાની ગંભીર બીમારીઓને ગણકારી કે ન ઉંમરને..!

ખરેખર, સ્વામીશ્રી એટલે કરુણાનું એક અવિરત વહેતું ઝરણું. કરુણાથી હાડોહાડ પીગળી જનાર સ્વામીશ્રી કોઈનુંય દુ:ખ સહન ન કરી શકે. એટલે જ રોજના સેંકડો લોકોને વ્યક્તિગત મળીને તેમનાં દુ:ખો ઉકેલવા તેઓ હંમેશાં તત્પર રહ્યા. જાણીતા ગુજરાતી લેખક ગુણવંત શાહે કહ્યું હતું : ‘હું તેમને કરુણામૂર્તિ કહું છું. આ વિશેષણ બુદ્ધ પછી કોઈનેય લાગ્યું નથી. આજે તેનો ઉપયોગ કરતાં આનંદ થાય છે. કોઈ પણ જાતના ધર્મને વચ્ચે લાવ્યા વગર ઇન્સાનિયત ઉપર કરુણાનો ઉત્તમોત્તમ દાખલો પૂજ્ય પ્રમુખસ્વામીએ બતાવ્યો છે. ગરીબ માટે, પછાત લોકો માટે આવી કરુણા બતાવનાર કોઈ નથી.’

આ બધું તેમણે માત્ર ને માત્ર નિ:સ્વાર્થ ભાવે કરુણાથી કર્યું. ન કોઈ એની જાહેરાત, ન કોઈ એના યશનો દાવો કે તેની ઇચ્છા! ઊલટું બીજાને યશ આપવાની સ્વાભાવિકતા!

સરળતાની તો તેઓ સાક્ષાત મૂર્તિ.! નાના શિશુ કરતાંય વધુ સરળ. પરંતુ આ સરળતાની સાથે, મૂલ્યોની બાબતમાં તેઓ મક્કમ. પ્રચંડ પુરુષાર્થ કરીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને તેમણે બિંદુમાંથી સિંધુ સુધી પહોંચાડી. ઠેર-ઠેર સમર્પણભાવનું એક મોજું પ્રસરાવીને દેશવિદેશમાં સંસ્કૃતિધામ અક્ષરધામ જેવાં મહામંદિરો અને અન્ય ૧૧૦૦થી વધુ મંદિરોનાં નિર્માણ કર્યાં. ૧,૦૦૦ જેટલાં કંચન-કામિનીના ત્યાગી સંતો બનાવ્યા. આરોગ્ય, શિક્ષણ, રાહતકાર્યો, આદિવાસી ઉત્કર્ષ, બાળ-યુવા-મહિલા ઉત્કર્ષ વગેરે અનેક પ્રકારની લોકસેવાઓ અને સત્સંગ સેવાઓ માટે તેમણે જાતને નિચોવીને જીવનની ક્ષણેક્ષણનો ઉપયોગ કર્યો. પરંતુ આંતરરાષ્ટ્રીય સેવાઓ અને વિકાસની સાથે મૂલ્યોમાં કોઈ બાંધછોડ નહીં ! એ મૂલ્ય શુદ્ધતા અને પવિત્રતા એમની સ્નેહ નીતરતી આંખોની અજોડ ચમકમાં સૌએ જીવનભર અનુભવી છે.

૨૦મી સદીના મધ્યાહ્ને એક બાજુ વિજ્ઞાનનો સૂર્ય ઝળહળતો થઈ રહ્યો હતો, ત્યારે બીજી તરફ સમાજનો આધ્યાત્મિકતા અને ધર્મ પ્રત્યેનો ઝોક અસ્ત પામી રહ્યો હતો. મઠાધિપતિઓ-સાધુઓ-ધર્મગુરુઓ પ્રત્યેની ઘૃણા અને ઉપહાસ દિન પ્રતિદિન ચઢિયાતાં બની રહ્યાં હતા. આ એક અસ્વસ્થ અને અસંતુલિત હાલતમાંથી સમાજ જીવનને બહાર લાવવાની અનિવાર્યતા હતી. પુન: લાખો લોકોનાં હૃદયમાં આધ્યાત્મિકતા અને સદાચારરૂપી ધર્મની પુન: પ્રતિષ્ઠા કરનાર મહાપુરુષની પ્રતીક્ષા થઈ રહી હતી. એવા સમયે સૌની નજર સામે એક અકલ્પ્ય આશાનો સૂર્ય ઊગ્યો : પ્રમુખસ્વામી મહારાજરૂપે. નિરાશાજનક અંધકારમાં આશાનો સૂર્યોદય જગાવનારું એક વિરલ વ્યક્તિત્વ પ્રકાશી રહ્યું – પ્રમુખસ્વામી મહારાજરૂપે. જૈનાચાર્ય શ્રી સુશીલકુમારજી હૃદયથી બોલી ઊઠ્યા હતા : ‘બુદ્ધ અને તીર્થંકર, રામ અને કૃષ્ણ, કબીર અને નાનક વગેરે સંતો અને અવતારોએ ભારતને સંવર્ધિત કર્યું છે. હવે કોઈ આવે એની રાહ જોઈએ છીએ કે જે ભારતીય સંસ્કૃતિને દોરે. ભગવાનની કૃપાથી એવા પુરુષ મળ્યા છે. એમનું નામ છે – પ્રમુખ સ્વામીજી. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ નથી, હિન્દુ ધર્મના પ્રમુખ છે. હિન્દુ ધર્મના નહીં ભારતીય સમાજના પણ પ્રમુખ છે.’ અણુવ્રત આંદોલન જગાવનાર તેરાપંથી જૈનાચાર્ય શ્રી મહાપ્રજ્ઞજી બોલી ઊઠ્યા હતા: ‘પ્રમુખસ્વામી મહારાજમાં મેં જે એક મૈત્રીનો ભાવ જોયો તે જોઈ મને લાગ્યું કે,આવું વાતાવરણ આખા દેશમાં ફેલાઈ જાય તો બધી જ સાંપ્રદાયિક સમસ્યાઓનું મોટું સમાધાન થઈ શકે. તેમણે ખરેખર ત્યાગ કર્યો છે, તપશ્ર્ચર્યા કરી છે.’ પ્રસિદ્ધ મધ્વાચાર્ય પેજાવર સ્વામી શ્રી વિશ્ર્વેશતીર્થજી બોલી ઊઠ્યા હતા : ‘આપણું અધ્યાત્મ, સંસ્કૃતિ, ભક્તિ, જ્ઞાન બધું જ માત્ર શાસ્ત્રોની પોથીઓમાં બંધાયેલું હતું. પરંતુ શાસ્ત્રોની એ જટામાંથી સંસ્કૃતિની ગંગાને પુન: પ્રવાહિત કરવાનું કાર્ય પ્રમુખસ્વામીએ કર્યું છે. સમગ્ર વિશ્ર્વમાં ભારતીય સંસ્કૃતિની ગંગાને પ્રવાહિત કરનારા પ્રમુખસ્વામીશ્રી નૂતન ભગીરથ છે.’

સ્વામિનારાયણ સંપ્રદાયની વિવિધ શાખાના વડાઓએ પ્રમુખસ્વામીશ્રીને જે નિવા-પાંજલિઓ અર્પી છે, તેમાં પણ એ જ પ્રતિઘોષ સંભળાય છે. વડતાલ સ્વામિ. સંસ્થાનના સૂત્રધાર પૂ.શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશદાસ સ્વામીએ કથામૃતમાં કહ્યું હતું, ‘જેમણે હજારો જીવોને સંદેશ આપીને દેશ-વિદેશમાં ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરિ ડંકો વગાડ્યો છે, એવા મહાપુરુષને વંદન કરીએ. એમના દ્વારા ઉપાસનાનું જે કાર્ય થયું છે, તે અજોડ છે.’

તીર્થધામ ગઢડાના દીક્ષિત ને ગાંધીનગરમાં ગુરુકુળની વિશાળ સંસ્થાનું સંચાલન કરતાં પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ પણ એ જ પ્રતિસાદ વ્યક્ત કર્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટની અનેકવિધ પ્રવૃત્તિઓના સૂત્રધાર પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ પત્ર દ્વારા લખ્યું હતું: ‘વિશ્ર્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામીજી ભારે પરોપકારી અને જનસમાજમાં આદરણીય સંતવિભૂતિ હતા. વિશ્ર્વભરમાં પ્રવાસ કરીને એમણે ઘણા મુમુક્ષુઓને વ્યસનમુક્ત કરી પ્રભુના સન્માર્ગે દોર્યા છે અને સ્વામિનારાયણ મંત્રને તેમણે ગુંજતો કર્યો છે.’ મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી લખે છે : ‘યુગલ સ્વરૂપની ઉપાસનાના પ્રચારક તેઓશ્રી સાચા અર્થમાં માનવતાના માર્ગદર્શક હતા. સર્વોપરિ શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રબોધેલા સનાતન ધર્મનાં મૂલ્યોની સુવાસ વિશ્ર્વભરમાં પ્રસરાવી તેમણે ઇતિહાસ રચ્યો છે.’

મણિનગર કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી જણાવે છે : ‘શ્રી પ્રમુખસ્વામી મહારાજે દેશ અને વિદેશમાં અનેક સંસ્કૃતિનાં આધારસ્તંભસમા મંદિરો સ્થાપી સ્વામિનારાયણ સંપ્રદાયનું સંવર્ધન કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.’ વિશ્ર્વસંસ્કૃત પ્રતિષ્ઠાન (છારોડી)ના સૂત્રધાર પૂજ્ય માધવ-પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું.. ‘પ્રમુખસ્વામીએ સમગ્ર વિશ્ર્વને માનવતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો. વિશ્ર્વભરના અનેક દેશોમાં તેમણે કરોડો લોકોને હિંદુ સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો. તેમની પ્રેરણાથી હજારો યુવાનો વ્યસનમુક્ત બની સદવિચાર અપનાવી સત્સંગી જીવનને વર્યા છે. વિશ્ર્વવિભૂતિ અને પરમવંદનીય પ્રમુખસ્વામી મહારાજનો અક્ષર વારસો હજુ આવનારી અનેક સદીઓ સુધી પ્રેરણાનો પ્રકાશ પાથરતો રહેશે અને આવનારી પેઢીઓને પણ સમગ્ર પૃથ્વીલોકના પ્રાણીમાત્રના કલ્યાણ અર્થે કામ કરવા માર્ગદર્શન આપતો રહેશે.’

આ ઉપરાંત સંપ્રદાયના અનેક ધુરંધરોએ વ્યક્તિગત કે જાહેર સમુદાયમાં સ્વામીશ્રીના અજોડ પ્રદાનોને બિરદાવ્યા છે.

જો કે વાસ્તવિકતા સાથે આવા અસંખ્ય મહિમાગાનની ઝડીઓ તો વર્ષોથી વરસતી રહી હતી, પરંતુ સ્વામીશ્રી હંમેશાં તેનાથી અલિપ્ત રહ્યા. તેમની અજોડ સિદ્ધિઓ બદલ તેમના માટે નોબલ પ્રાઇઝની દરખાસ્તો આવે, ગિનિસ બુક દ્વારા વિશ્ર્વની સૌથી વધુ પ્રતિભાવંત વ્યક્તિઓમાં તેમનું નામ મૂકાય, દેશ-વિદેશના અનેક ગૌરવવંતા માન-અકરામના ઢગ એમનાં ચરણે ખડકાય, પરંતુ સ્વામીશ્રીને એ લગાર પણ સ્પર્શે નહીં. આ બધા યશનો અંશ પણ સ્વીકાર્યા સિવાય, અહંશૂન્યભાવે તેમણે પૂર્ણ યશ પોતાના ગુરુઓ, ભગવાન સ્વામિનારાયણ અને તમામ સંતો-હરિભક્તોને આપ્યો છે.

તેમનામાં એક વિરલ આધ્યાત્મિક નેતૃત્વનું તેજ ઝગારા મારતું હતું. એક વિરાટ સમુદાયના સૂત્રધાર તરીકે તેઓ ક્રાંતદ્રષ્ટા હતા. પોતાના વ્યક્તિગત જીવન કે સંસ્થાકીય કે સામાજિક સ્તરના દરેક નિર્ણયમાં ખૂબ સ્પષ્ટ હતા. મનોબળ તો જાણે એમનું જ. હિમાલયસમું અડગ. મેરુ ચળે પણ એમનું મન ન ચળે. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના વિરાટ મહોત્સવો કે અક્ષરધામ જેવાં આંતરરાષ્ટ્રીય સર્જનોના સર્જનકાળમાં અનેક વિઘ્નો સામે તેઓ વજ્રની છાતી રાખીને સહજતાથી ગતિ કરતા રહ્યા હતા. મહંતસ્વામી, ઈશ્ર્વરચરણદાસસ્વામી વગેરે સહયોગી સંતોને તે વાતના સેંકડો અનુભવો છે.

pramukhswami_with_bill_clinton1

સામાન્ય રીતે આવા અડગ નેતાઓ પોતે આગળ ચાલે અને બીજાને તે મુજબ અનુસરવાનો હુકમ આપતા હોય છે, પરંતુ સ્વામીશ્રી તેમાં અપવાદ હતા. સૌને આગળ રાખીને, પોતે પાછળ રહીને સેવા કરવાની એમની સ્વાભાવિકતા હતી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટને પ્રમુખસ્વામી મહારાજનાં પ્રથમ દર્શન કર્યા ત્યારે તેમને સૌપ્રથમ કોઈ બાબત સ્પર્શી ગઈ હોય, તો તે આ હતી. તેઓ બીજી વખત ગાંધીનગર ખાતે સ્વામીશ્રીને મળ્યા ત્યારે પોતાના સૂક્ષ્મ નિરીક્ષણ અને અનુભવને વર્ણવતાં બોલી ઊઠ્યા હતા: ‘પ્રમુખસ્વામી મને માયામીમાં મળ્યા ત્યારે એમની આંખોમાં મેં જોયું કે એ બીજાને ઝાંખા પાડીને આગળ નથી આવ્યા. બીજાને આગળ કરીને આગળ આવ્યા છે. પોતાની માન્યતા સિદ્ધ કરવા લોકોએ બીજાનું અને તેમની માન્યતાનું ખંડન કરવું પડતું હોય છે, પરંતુ સ્વામીશ્રીમાં એક એવી વ્યક્તિ મેં જોઈ છે જેઓ આનાથી પર છે.’

માણસને પારખવાની, પામવાની, તેના મનોબળને નીરખવાની, તેના પ્રશ્ર્નોને તમામ પરિપ્રેક્ષ્યમાં સમજવાની સ્વામીશ્રીની અનોખી ક્ષમતા હતી. એટલે એક વિરાટ સમુદાયને પોતાની સાથે લઈને તેઓ ચાલી શક્યા. તેમની આત્મીયતા અને પ્રેમભાવના એટલી વિશુદ્ધ અને પ્રબળ હતી કે પ્રત્યેકનું હૈયું કબૂલ કરે- ‘સ્વામીબાપા મારા છે.’ અને એ ‘અમારાપણા’ની ભાવના સમર્પણનું સૌથી મોટું કારણ બની જતું. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થામાં સમર્પણની વહેતી અવિરત ધારાને આ સિવાય બીજી કોઈ રીતે મૂલવી શકાય તેમ નથી.

સૌને માટે જીવનભર પળેપળ ખર્ચનારા સ્વામીશ્રીના એક શબ્દે હજારો સ્વયંસેવકો અને નવયુવાન સંતો યા હોમ થઈ જવા થનગને, એમાં સ્વામીશ્રીના નિ:સ્વાર્થ પ્રેમનું પ્રતિબિંબ ઝળકે છે. એમના પ્રેમમાં ક્યારેય ઓટ જોઈ નથી.  તેમના જેવા અજાતશત્રુ, ક્ષમાશીલ, સહિષ્ણુ, પવિત્ર, ઉદાર, વિશાળ હૃદયી, હિંમતવાન, આર્ષદ્રષ્ટા, વિનમ્ર, સાધુતા-સંપન્ન, પરમ એકાંતિક, પરમાત્માના અનન્ય અનુરાગી દેહધારી આ ધરતી પર શોધવા કઠણ! પૂજ્ય ડોંગરેજી મહારાજ સાથે વર્ષો સુધી રહીને તેમનો સત્સંગ કરનાર પ્રસિદ્ધ વૈષ્ણવ ભક્ત અને કેળવણીકાર શ્રી જીવરામભાઈ પટેલે હૈદરાબાદની જાહેરસભામાં સૌને જણાવ્યું હતું: ‘ડોંગરેજી મહારાજે મને રૂબરૂ કહ્યું હતું કે, આ પૃથ્વી ઉપર અત્યારે પ્રમુખસ્વામી મહારાજ જેવા પવિત્ર સાધુ મેં ક્યાંય જોયા નથી.’

આવા ગુણાતીત મહાપુરુષની સુવાસ સ્વત: પ્રસરે છે. પુષ્પને ક્યારેય પોતાની સુગંધનો પરિચય આપવો પડતો નથ ી. સ્વામીશ્રી એનો એક પર્યાય હતા. પોતાની જાત વિશે કે પોતાના કાર્ય વિશે ભાગ્યે જ હરફ ઉચ્ચારનાર સ્વામીશ્રીને પ્રસિદ્ધિ કે જાહેરાતમાં રસમાત્ર નહીં. છતાંય એમના તેજસ્વી અને પવિત્ર વ્યક્તિત્વનો આયામ એટલો બધો વિસ્તર્યો હતો કે, દુનિયાભરના માંધાતાઓને એમના મુખેથી ઝરતો એકાદ શબ્દ સાંભળવાનું અનન્ય આકર્ષણ રહેતું.

પ્રમુખસ્વામી મહારાજ સાચે જ એમના સમયથી પર અને ઘણા આગળ હતા,  સમયાતીત હતા. રોબોટિક્સ, આઇમેક્સ ફિલ્મ કે વૉટર શો જેવાં આધુનિકતમ માધ્યમોનો આધ્યાત્મિક મૂલ્યોના સિંચન  માટે સર્વપ્રથમ ઉપયોગ કરવાનો એક નવો ટ્રેન્ડ તેમણે ચાતર્યો. ધાર્મિક કે સાંસ્કૃતિક મહોત્સવો કેવા હોવા જોઈએ, મંદિરો કેવા હોવા જોઈએ, જાહેર ધાર્મિક અને ચેરિટેબલ સંસ્થાઓનું સંચાલન કેવી રીતે થવું જોઈએ, સ્વયંસેવકોનું વ્યવસ્થાતંત્ર કેવું હોવું જોઈએ, ત્યાંથી લઈને અનેકવિધ બાબતોના તેમણે જે આદર્શ સ્થાપ્યા છે તે આવનારી અનેક પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. મેનેજમેન્ટના પ્રખર તજજ્ઞો પણ એમના એ વ્યવસ્થાપન- કૌશલ્ય પર ઓવારી જાય છે. આ એમની એક બાજુ હતી. પરંતુ એમની બીજી બાજુ હતી, આધ્યાત્મિકતા. પ્રમુખસ્વામી મહારાજ એટલે આધ્યાત્મિકતા અને લોકસંગ્રહ-લોકસેવાઓનો વિરલ સમન્વય. અધ્યાત્મના ભોગે લોકસેવા નહીં અને અધ્યાત્મની આડશે લોકસેવાની આળસ કે ઉપેક્ષા નહીં! તેઓ જીવનના છેલ્લા તબક્કામાં પ્રવેશ્યા ત્યારે જીવનના દસમા દાયકામાં અવિરત વિચરણ છોડીને તેઓ સ્થાયી થયા. પરંતુ એમાં પણ એમની દિવ્યતા અને કૃપાભિષેકનો અનુભવ લાખોએ માણ્યો. પૂજ્ય મોરારિબાપુએ યથાર્થ કહ્યું હતું: ‘સંત બોલે ત્યારે તો લાખો સાંભળવા આવે, પરંતુ સંત બોલવાનું બંધ કરે ત્યારે પણ લાખો ઊમટે એવું તો પ્રમુખસ્વામીમાં જ અનુભવ્યું!’

સ્વામીશ્રીના જીવનના એ છેલ્લાં ચારેક વર્ષો નિવૃત્તિના નહીં, નિરાશાના નહીં, પરંતુ અગાધ નિજાનંદનાં રહ્યાં. ભોજનને છોડીને સ્વામીશ્રી ભક્તિમાં મસ્ત બનીને જીવ્યા. તેઓ સ્વયં દિવ્ય આનંદનું સ્વરૂપ હતા. એટલે તેમના સાંનિધ્યમાં અહોરાત્ર સુખ, શાંતિ, આનંદ અને કેફના સ્ફૂલ્લિંગો ઊડતા રહ્યા. પૂર્ણ વિશ્રામના દિવસોમાં પણ સ્વામીશ્રીએ પોતાના વિરાટ સેવા કાર્યોને સમેટવાને બદલે, તેને વિસ્તાર્યાં. તેના વહન માટે પકવેલા સક્ષમ સંતો-હરિભક્તો દ્વારા તેમણે ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસના અને લોકકલ્યાણની ધારાને અવિરત વહાવ્યે રાખી. મહંત સ્વામી, ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભદાસ સ્વામી, ઈશ્વરચરણદાસ સ્વામી, વિવેકસાગરદાસ સ્વામી વગેરે વરિષ્ઠ સંતોથી લઈને નાનામાં નાના અદના સ્વયંસેવક સુધી સૌ પ્રત્યે એમને અનન્ય વિશ્ર્વાસ. તેથી એમને પૂર્ણ સંતોષ અને પૂર્ણ આનંદ હતો. માનસિક કે ચૈતસિક તો નહીં જ, પરંતુ શારીરિક પીડાઓથી પણ તેઓ સર્વથા પર હતા. તેમની આંખોની પવિત્રતાની અજોડ ચમક છેલ્લી ક્ષણ સુધી બરકરાર હતી. તેમની જીવનભરની મુખ-તેજસ્વિતા, દિવ્યતા તો લાખોએ એમનાં અંતિમ દર્શનમાં પણ અનુભવી.

Pramukh Swami New Article - Edited148

૯૫ વર્ષનું તેઓનું જીવન આ પૃથ્વી પરના આધ્યાત્મિક જગતનો એક મહાન અધ્યાય હતો, તો એમણે દેહલીલા સંકેલી ત્યારપછી એમના પ્રેરણાજીવનનો એક બીજો અતુલનીય અધ્યાય શરૂ થયો. તા. ૧૩ ઓગસ્ટની સંધ્યાએ તેમણે સ્વતંત્ર થઈ દેહલીલા સંકેલી, ત્યારે કોઈનેય અંદાજ નહોતો તેટલી ભવ્ય અંજલિ સમગ્ર વિશ્ર્વે તેમને આપી. ગુજરાત સમાચારના કટાર લેખક સુદર્શન ઉપાધ્યાયે સુંદર નિરીક્ષણ કર્યું છે: ‘ટોચ પર બેઠેલા લોકોના મૃત્યુનો માહોલ યાદગીરી સમાન હોય છે. ભારતના લોકોએ અનેક નેતાઓ અને સંતોની અંતિમ વિદાય જોઈ છે, પણ પ્રમુખસ્વામીની વિદાય હરહંમેશ યાદ રહેશે. સંતો કેટલા મહાન છે તે પ્રમુખસ્વામીની વિદાય સમયના માહોલે બતાવી આપ્યું છે. સંતના જીવનની મહેક પૂજ્ય પ્રમુખસ્વામીની અંતિમ વિદાય વખતે સૌને જોવા મળી છે. આવી વિદાય ભારતના કોઈ વડાપ્રધાનને પણ મળી નથી.’

ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, ફ્રાંસ, બેલ્જિયમ, પોર્ટુગલ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, થાઈલેન્ડ, હોંગકોંગ-ચીન, સિંગાપોર, પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના દેશો, આરબ દેશોથી લઈને દિલ્હી સહિત ભારતનાં અનેક મહાનગરો અને છેક આદિવાસી ગામડાંઓ સુધી ઠેરઠેર સ્વામીશ્રી પ્રત્યે અનન્ય આદર વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ સમારંભો યોજાયા હતા. સ્વામીશ્રીના અંત્યેષ્ટિ દિને અમેરિકાના કેપિટલ હાઉસ પર ફરકાવાયેલો ધ્વજ એમના માટે અર્પણ કરીને બહુમાન અપાયું. આરબ દેશોના અમીર શેખોથી લઈને દેશ-વિદેશની પાર્લામેન્ટ અને વિધાનસભાઓ, ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ, યુનિવર્સિટીઓ, નાનાં-મોટાં ધાર્મિક સંસ્થાનો, ચેરિટેબલ ટ્રસ્ટો, વગેરે અનેક સ્થળોએ ખૂબ ભાવપૂર્વક સૌએ શ્રદ્ધાંજલિ સભાઓ યોજી. પ્રત્યેક સભા સ્વામીશ્રી પ્રત્યેની લાગણીઓથી ભીની ભીની બની હતી.

બધાના સારરૂપે એ જ વાત ઘૂંટાય છે – પ્રમુખસ્વામી મહારાજ તો આ ધરતી પરનું એક વરદાન હતા. દિવ્યતાનું મહાકાવ્ય હતા. એમનાં અનંત ઋણની સ્મૃતિઓ કરતાં હૈયું ગદગદ થાય છે. અને ફરીથી એમનો જ એ ગેબીનાદ સંભળાય છે : ‘અમારે આવવા જવાનું નથી… અમે તો અખંડ છીએ જ..’ હા, પ્રમુખસ્વામી સ્વયં અક્ષર અમૃત હતા. અક્ષર ક્યારેય ક્ષર નથી બનતા અને અમૃતનું ક્યારેય મૃત્યુ નથી હોતું. એટલે એ અમૃતના અમરત્વની ગાથા સદાય અમર રહેશે, યુગો સુધી, સમયની પણ પેલે પાર સુધી… આવા સંત મહારાજને કોટિ કોટિ પ્રણામ..

ફીલિંગ્સ પરિવાર તરફથી

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ

Facebook Comments

You may also like

ભારતીય રાજનીતિમાં પાંચ પેઢીનો દબદબો મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી

– પરિક્ષીત જોશી ભારત દેશની રાજનીતિમાં પહેલેથી જ