બરોડા મેડિકલ કોલેજ તબીબી શિક્ષણના ક્ષેત્રમાં દેશની અગ્રગણ્ય સંસ્થા છે. 2024માં તે 75 વર્ષ પૂર્ણ કરશે. બરોડા મેડિકલ કોલેજ એલ્યુમનિ એસોસિયેશન દ્વારા આગામી 5 જાન્યુઆરી, 2024થી ત્રણ દિવસ કોલેજના પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલિબ્રેશનમાં દેશવિદેશથી આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવશે અને પોતાના વિદ્યાર્થી-જીવનના ખાટામીઠાં સંભારણાંને વાગોળશે…
સ્વતંત્રતા પહેલાંના સમયગાળામાં મુંબઈ રાજ્ય હતું. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા કર્ણાટકનો કેટલોક વિસ્તાર સમાવિષ્ટ હતો. આ મુંબઈ રાજ્યમાં ત્યારે માત્ર ત્રણ મેડિકલ કોલેજો હતી, જેમાં જે.જે. હોસ્પિટલ એન્ડ ધ ગ્રાન્ટ મેડિકલ કોલેજ, ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજ અને કે.ઈ.એમ. હોસ્પિટલ અને શેઠ જી.એસ. મેડિકલ કોલેજનો સમાવેશ થતો હતો. ઉપરાંત ત્યારે પૂણે અને અમદાવાદમાં બે મેડિકલ સ્કૂલ હતી જેને કોેલેજ તરીકે અપગ્રેડ કરાઇ હતી.
તે વખતે વડોદરા રાજ્યમાંથી બે વિદ્યાર્થીઓને ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યાં હતાં. કોલેજમાંથી કટાક્ષભરી રીતે કોઈએ કહ્યું કે ‘અહીં જગ્યા ન હોવાથી તમારા મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડને કહો કે ત્યાં એક મેડિકલ કોલેજ બનાવે.’ આ વાત મહારાજાના કાને પહોંચી, અને તે જ ક્ષણે તેમણે કોલેજ શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો.
જાન્યુઆરી 1946માં બરોડા મેડિકલ કોલેજની શિલારોપણ વિધિ થઈ. મહારાજા પ્રતાપસિંહ રાવે સમગ્ર પ્રોજેકટની ડિઝાઈન ઈંગ્લેન્ડથી બનાવડાવી હતી, એટલે સુધી કે કોલેજની દરેક રૂમનું તમામ ફર્નિચર અને તબીબી સાધનો ઈંગ્લેન્ડથી મંગાવવામાં આવ્યાં હતાં. હિસ્ટોલોજીમાં ઉપયોગમાં લેવાતા માઈક્રોસ્કોપ પણ ઈંગ્લેન્ડની કંપની વોટસન એન્ડ સન્સના હતા.
મે 1949માં બરોડા મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફલોરની કામગીરી પૂર્ણ થઈ. તે માટે ભારત સરકારના વડોદરા રાજ્યની બાબતોના મુખ્ય સલાહકાર ડૉ. જીવરાજ એન. મહેતાએ ખૂબ પ્રયત્નો કર્યા હતા. ડૉ. જીવરાજ મહેતા તે પછી સ્વતંત્ર ભારતમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યાં હતાં. કોલેજની બોયઝ હોસ્ટેલના હોલને તેમના સ્મરણમાં જે.એમ. હોલ નામ અપાયું છે.
16મી જૂન, 1949ના દિવસે મહાત્મા ગાંધીજીના અંગત તબીબ ડૉ. મુનચેરજી ગીલદરના હસ્તે બરોડા મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે વખતે આ કોલેજ બનાવવાનો ખર્ચ 15 લાખ થયો હતો.
આ કોલેજના નિર્માણ માટે ડૉ. મુનચેરજી ગીલદરે અંગત રસ લઈને કામગીરી આગળ ધપાવવામાં મદદ કરી હતી. ડૉ. ગીલદર લંડનથી એફ.આર.સી.એચ. અને એમ.ડી.ની ડિગ્રી લેનાર પ્રથમ ભારતીય હતા. આ દેશપ્રેમી પારસી ગોલ્ડ મેડાલિસ્ટ હતા અને ઈંગ્લેન્ડમાં સ્થાયી થવા માટે તેમને સારી ઓફરો હતી. પણ તેમણે તેનો અસ્વીકાર કરી માતૃભૂમિની સેવા કરવા ભારતમાં રહેવાનું સ્વીકાર્યું હતું.
2024માં બરોડા મેડિકલ કોલેજને 75 વર્ષ થશે. આ 75 વર્ષમાં કોલેજે 10 હજાર વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ પૂરું પાડ્યું છે. તે પૈકી 4 હજાર વિદ્યાર્થીઓ વિદેશમાં સ્થાયી થઈ ડૉકટર તરીકે કારકિર્દી આગળ ધપાવે છે. તેમાં પણ માત્ર અમેરિકામાં જ 3500 ડૉકટરો મૂળ આ કોલેજના છે.
બરોડા મેડિકલ કોલેજના એલ્યુમનિ એસોસિયેશન દ્વારા કોલેજની પ્લેટિનમ જ્યુબિલીની ઊજવણી કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આ એસોસિયેશન દ્વારા યોજાનાર આ 8મું સંમેલન હશે. યુરોલોજિસ્ટ ડૉ. સતીષ શાહ અને એનેસ્થેસિસ્ટ ડૉ. તુષાર ચોકસી કોઈને કોઇ હોસ્પિટલમાં કોઇ દર્દીના ઓપરેશન વખતે મળતાં રહેતા હતા. ઓપરેશન થિયેટરમાં વાતચીત થતી રહેતી હતી. તેમાંથી એલ્યુમનિ એસોસિયેશન શરૂ કરવાનો વિચાર આવ્યો, અને 1989માં સૌ પ્રથમ વખત કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું. તે પછી દર પાંચ વર્ષે આ સંમેલન યોજાય છે. ડૉ. સતીષ શાહ આ કોલેજની 1954ની બેચમાં વિદ્યાર્થી હતા, જ્યારે ડૉ. તુષાર ચોકસી 1982ની બેચમાં વિદ્યાર્થી હતા.
ડૉ. ભરત ગઢવી, ડૉ. રંજન ઐયર, ડૉ. તનુજા જાવડેકર, તુષાર ચોક્સી અને અન્ય ડોક્ટરો પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશન માટેની કમિટીમાં કાર્યરત છે.
ડૉ. તનુજા જાવડેકર બરોડા મેડિકલ કોલેજના ડીન છે. તેમણે આ જ કોલેજમાં એમ.બી.બી.એસ. કર્યુ છે તથા જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાંથી માઇક્રોબાયોલોજીમાં એમ.ડી. કર્યુ છે. 35 વર્ષથી વધુ સમયની કારકિર્દીમાં જામનગર, રાજકોટ, સુરત અને ભાવનગરમાં મેડિકલ કોલેજમાં ફરજ બજાવી છે. આ કોલેજમાં ડીન તરીકે હોદ્દો સંભાળતા પહેલાં તે ડિપાર્ટમેન્ટના ડીન હતા.
ડૉ. રંજન ઐયર વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ છે. તે બરોડા મેડિકલ કોલેજમાં ઇ.એન.ટી. ડિપાર્ટમેન્ટના પ્રોફેસર છે, અને આ જ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે.
બરોડા મેડિકલ કોલેજની સૌપ્રથમ બેચમાં માત્ર 40 વિદ્યાર્થીઓ હતા. તે પછી ધીમે ધીમે બેઠકોની સંખ્યામાં વધારો થતો ગયો, અને હાલમાં 250 બેઠકો છે. હવે માત્ર ગુજરાત નહીં સમગ્ર ભારતમાંથી જુદાં જુદાં રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.
બરોડા મેડિકલ કોલેજે દેશ અને દુનિયાને દરેક ક્ષેત્રમાં ધુરંધર તબીબોની ભેટ આપી છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડૉ. તુષાર ચોકસીએ એનેસ્થેશિયાના ક્ષેત્રમાં ટી.સી.આઈ. ટીવા નામની નૂતન પદ્ધતિનો આવિષ્કાર કર્યો છે, જે વિશ્ર્વભરમાં પ્રખ્યાત થઈ છે. તેમણે 400 જેટલા લેકચર્સ આપ્યા છે અને બે ટેક્સ્ટબુકના લેખક છે.
જેમણે એલ્યુમનિ એસોસિયેશનની શરૂઆત કરી તે ડૉ. સતિષ શાહ હાલમાં અમેરિકામાં છે અને ભારતના તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓને અમેરિકામાં સ્થાયી થવામાં ખૂબ મદદ કરે છે. તેમણે 500 વિદ્યાર્થીને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ સેલિબ્રેશનના તેમને પેટ્રોન બનાવાયા છે તેમજ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ તેમને એનાયત થનાર છે.
આ ઉપરાંત અમેરિકાથી ડૉ. ભરત બારાઈ પણ સેલિબ્રેશનમાં આવવાના છે. બરોડા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. ભરત બારાઈએ અમેરિકામાં ખૂબ નામના પ્રાપ્ત કરી છે. યુનાઈટેડ સ્ટેટસ નેશનલ મ્યુઝિયમ ઓફ ઈમિગે્રેશન ખાતે આઈડીયલ ઈમિગ્રન્ટ તરીકે તેમની જીવનગાથા મૂકવામાં આવી છે. ત્યાં તેઓ મેડિકલ બોર્ડના ચેરમેન પણ છે. 2013માં તેમને એલિસ આઈલેન્ડ મેડલ ઓફ ઓનર એનાયત થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તે ઘણા નિકટ છે. 2022માં ભારત સરકાર દ્વારા અપાતા પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા રાષ્ટ્રીય એવોર્ડ માટે નામોની પસંદગી માટેની કમિટીના તેઓ સભ્ય રહી ચૂકયા છે. ડૉ. ભરત બારાઈ વિશ્ર્વના શ્રેષ્ઠ કેન્સરના નિષ્ણાતો પૈકી એક છે. અને મેથોડિસ્ટ કેન્સર સેન્ટરના ડિરેકટર છે તેઓ વડોદરાની બરોડા મેડિકલ કોલેજના સેલિબ્રેશનમાં પધારનાર છે.
ડૉ. ભરત બારાઈ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રી-મેડિકલ ઉપરાંત એમબી-બીએસના બંને વર્ષોમાં પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. વળી એમ.ડી. મેડિસિનમાં તમામ વિષયોમાં તેમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. અમેરિકાના સેનેટર્સ અને કોંગ્રેસમેન માટેની મેડિકલ એડવાઇઝરી પેનલમાં પણ સેવારત હતા. 2013માં અમેરિકાનું સર્વોચ્ચ સન્માન ‘અલિસ આઇસલેન્ડ મેડલ ઓફ ઓનર’ પણ તેમને પ્રાપ્ત થયું છે.
અન્ય એક ભૂતપૂર્વ વિદ્યાર્થી જેમનું નામ પણ ડૉ. સતિષ શાહ જ છે. તેઓ 1980માં અમેરિકા ગયા હતા અને પેન સ્ટેટ મેડિકલ સેન્ટર/ડેરિસવર્ગ હોસ્પિટલમાં ફેલોશિપ કરી હતી. કેન્સરના નિષ્ણાત ડૉ. સતિષ શાહે આ ક્ષેત્રમાં અનેક સંશોધનો કર્યા છે. તેમણે નવી દવાઓનો આવિષ્કાર પણ કર્યો છે. તે અમેરિકાની અનેક સર્વોચ્ચ તબીબી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર રહેલાં છે. હાલમાં 34 વર્ષોથી ગેટિસબર્ગ પેન્સિલવેનિયા ખાતે પત્ની રૂપલ સાથે રહેતા ડૉ. સતિષ શાહનો એક પુત્ર નીલ પણ ઓન્કોલોજિસ્ટ છે. બીજો પુત્ર રોબીન ઓન્કોલોજીમાં એન્ટરપ્રિન્યોર છે અને થાયમેકર કંપનીમાં સીઇઓ છે. અન્ય એક પુત્ર સૌનક પણ વન ઓન્કોલોજી મેનેજમેન્ટ કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ છે.
અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ. જતીન શાહ ન્યુયોર્કમાં મેનોરિયલ સ્લોઅન-કેટરિંગ કેન્સર સેન્ટરના હેડ છે. તેમણે હેડ એન્ડ નેક સર્જરીમાં નેશનલ ઇન્ટરનેશનલ લીડર તરીકે નામના મેળવી છે. ‘બેસ્ટ ડોક્ટર્સ ઇન અમેરિકા’ના લિસ્ટમાં અનેક વખત તેમણે સ્થાન મેળવ્યું છે. 2011માં યુએસએના મોસ્ટ ડિસ્ટિંગ્વિશ ફિઝિશિયનનું સન્માન તેમણે પ્રાપ્ત કર્યું છે. ‘ધ જતીન શાહ લેક્ચર’ અને ‘ધ જતીન શાહ સિમ્પોઝિયમ’ તેમના નામથી શરૂ કરાયા છે. અભિનેત્રી નરગીસ દત્તનું ઓપરેશન તેમણે કર્યું હતું.
ડૉ. એન.વી. સોમપુરા અહીંથી ગાયનેકોલોજિસ્ટ તરીકે ડિગ્રી મેળવ્યા બાદ લેપ્રોસ્કોપિક સર્જન તરીકે સરકારી નોકરીમાં જોડાયા. તેમણે હાલોલ સી.એચ.સી.માં માત્ર ત્રણ વર્ષમાં 50 હજાર લેપ્રોસ્કોપિક સર્જરી કરી હતી. જાંબુઘોડા, હાલોલ, કાલોલ, ઘોઘંબા, મોરવા, જરોદ, વાઘોડિયા, સાવલી, ડભોઈ વગેરે સેન્ટરોમાં કુટુંબ કલ્યાણના નસબંધીના ઓપરેશનો કર્યા. જે માટે બેસ્ટ સિવિલિયન ઓફ ઇન્ડિયા એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે.
આ ઉપરાંત પોતાની હાલોલ અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં અનેક ઓપરેશન સફળતાપૂર્વક કરીને તેમણે લોકચાહના મેળવી છે. તેમના ધર્મપત્ની ડૉ.નીલિમા સોમપુરા પણ સ્ત્રી રોગ વિશેષજ્ઞ તરીકે તબીબી ક્ષેત્રમાં કાર્યરત છે. ઉપરાંત યોગ, સંગીત, મોટિવેશન જેવા ક્ષેત્રે પણ કાર્ય કરે છે.
કેનેડાના ડૉ. રવીન્દ્ર ખીરવડકર, ડૉ. ગૌરાંગ પટેલ, ઝામ્બિયાના ડૉ. ભરત ભટ્ટ, ઓસ્ટ્રેલિયાના દક્ષેશ કીલ, મલેશિયાના ડૉ. જુગર જાડલીવાલા વગેરે પણ બરોડા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
પદ્મશ્રી વિજેતા ડૉ. સુબ્રતો દાસ, ઉપરાંત ડૉ. રંજન ઐયર તથા ડૉ. રૂકમણી જૈન… આવા તો અનેક નામ છે જેમણે બરોડા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાના નાતે વડોદરા શહેરને ગૌરવ અપાવ્યું છે.
ડૉ. આઈ. કે. વીજળીવાલા 1978ની પ્રથમ ન્યુ એચ.એસ.સી.ની બેચના ઓપન કેટેગરીના વિદ્યાર્થી હતા. ભાવનગર પાસેના અમરગઢ નામના નાનકડાં ગામમાંથી આવેલ આ વિદ્યાર્થી આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ છતાં બાળરોગ નિષ્ણાત બન્યા. 1990થી તેઓ ભાવનગરમાં પ્રાઈવેટ પ્રેક્ટિસ કરે છે. રોજના સરેરાશ 125થી વધારે દર્દીની ઓપીડી હોય છે. પ્રેક્ટિસની આટલી વ્યસ્તતા વચ્ચે પણ 2003થી તેમણે પુસ્તક લેખન શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ ગુજરાતના બેસ્ટ સેલર લેખક બની ગયા. એમના મોતીચારો નામનાં પુસ્તકની 1,50,000 (એક લાખ પચાસ હજાર) જેટલી નકલો વેચાઈ ચૂકી છે અને કુલ પુસ્તકોની 7,70,000 (સાત લાખ સિત્તેર હજાર) નકલ વેચાઈ ચૂકી છે. એમણે કુલ 52 (બાવન) પુસ્તકો લખ્યા છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, મરાઠી તેમજ ઉડિયા ભાષામાં પણ એમના પુસ્તકોનું ભાષાંતર થયેલ છે.
બલવંત અરોરા પણ બરોડા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેમણે હાલ અમેરિકામાં પ્લાસ્ટિક સર્જરીના ક્ષેત્રે સફળતાના શિખરો સર કર્યા છે. 1992માં તે અમેરિકા ગયા પછી પ્રગતિના પંથે આગળ વધતા ગયા. સ્ટેફોર્ડ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફના પ્રમુખ તેમજ ચીફ ઓફ સર્જરી તરીકે તે હોદ્દો સંભાળી ચૂક્યા છે. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા બલવંત અરોરા સંગીત, ડાન્સ ઉપરાંત મોટિવેશનલ સ્પીકર તરીકે પણ જાણીતા છે.
બરોડા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. ભેંસાણીયા ગુજરાતના ખ્યાતનામ ઈ.એન.ટી. સર્જન છે. કોલેજના એલ્યુમનિ એસોસિયેશનના સેક્રેટરી તરીકે તેઓ 15 વર્ષ સુધી સેવા આપી ચૂક્યા છે. એમ.એલ.એસ. એટલે કે માઈક્રો લેરિંજીયસ સર્જરી, જેમાં સ્વરપેટી પર ગાંઠ હોય તેનું ઓપરેશન કરવાનું હોય છે અને નાની અમસ્તી ભૂલ થાય તો પણ દર્દીનો અવાજ બંધ થઈ જાય તેવું જોખમ હોય છે – તે સર્જરીમાં તેમની માસ્ટરી છે, અને ત્રણ હજાર એમ.એલ.એસ તે કરી ચૂક્યા છે. બરોડા મેડિકલ કોલેજમાં પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને તેમના તરફથી ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. તબીબી ક્ષેત્ર ઉપરાંત સમાજસેવામાં પણ તે અગે્રસર છે. દર વર્ષે નવરાત્રિમાં મોટાપાયે ગરબાનું આયોજન તેમના ધર્મપત્ની ફાલ્ગુનીબેનની સાથે મળીને કરે છે.
ડૉ. એન. એ. દવે રેડિયોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે વર્ષો સુધી સેવા આપી ચૂક્યા છે. અને તેમના હાથ નીચે 600 વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી રેડિયોલોજિસ્ટ તરીકે કારકિર્દી બનાવી છે. 94 વર્ષના
ડૉ. એન.એ. દવે કોલેજના એલ્યુમનિ એસોસિયેશનના સૌથી વયસ્ક જીવિત સભ્ય છે. તે જ રીતે 92 વર્ષની વયના ડૉ. આર.વી. ભટ્ટ ગાયનેકોલાજિસ્ટ તરીકે દેશભરમાં વિખ્યાત બન્યા, અને ગાયનેકોલોજીસ્ટોના એસોસિયેશન ઋઘૠજઈં ના વડા પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ડૉ. ભરત મોદી, ડૉ. રાજીવ શાહ, ડૉ. ભીખુભાઈ શાહ એવા સેંકડો નામાંકિત તબીબોની ભેટ બરોડા મેડિકલ કોલેજે આપી છે.
ડૉ. જયશ્રી મહેતા 2013થી 2018 સુધી મેડિકલ કાઉન્સિલના ચેરમેન રહી ચૂક્યા છે. હાલમાં એસ.ઇ.જી. કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર (વિમેન્સ વેલનેસ એન્ડ બ્રેસ્ટ) તરીકે સેવા આપે છે.
ડૉ. ભરત ગઢવી જાન્યુઆરી 2024માં યોજનારી કોન્ફરન્સમાં ઓર્ગેનાઈઝીંગ ચેરમેન તરીકે સેવા આપે છે. તેઓ એચ.સી.જી. કેન્સર હોસ્પિટલ ગ્રૂપના ડિરેક્ટર છે. તો અમેરિકામાં વસેલા બરોડા મેડિકલ કોલેજના 3500 વિદ્યાર્થીઓના એલ્યુમનિ એસોસિયેશનના ઓર્ગેનાઈઝીંગ ચેરમેન તરીકે ડૉ. શિરીષ પટેલ કાર્યરત છે. અમેરિકામાં આ કોલેજના એલ્યુમનિ એસોસિયેશનના પ્રણેતા તરીકે નામ લેવું હોય તો ડૉ. અજીત કોઠારી અને ડૉ. મધુ પરીખનું નામ લેવું પડે.
અમેરિકામાં કાર્યરત બરોડા મેડિકલ કોલેજ એલ્યુમનિ એસોસિએશનના પ્રમુખ
ડૉ. અજિત કોઠારીએ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલની કાયાપલટમાં મહત્ત્વનું યોગદાન કર્યું છે. આ હોસ્પિટલ સંકુલમાં 250 પથારીનું નવું પ્રસૂતિગૃહ બાંધ્યું છે. હોસ્પિટલના સર્જિકલ વોર્ડ અને પીડિયાટ્રિક વોર્ડનો જિર્ણોદ્વાર કરીને અહીંની મેડિકલ કોલેજમાં કોબાલ્ટ રેડિએશન સારવારનો પ્રારંભ કરાવ્યો છે, જ્યારે માંજલપુરમાં આર.સી. કોઠારી ડેન્ટલ ક્લિનિક શરૂ કરાવ્યું છે. એમણે રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલા એક પ્રોજેક્ટ – રિપોર્ટમાં વડોદરામાં 1500 પથારીની નવી હોસ્પિટલ બાંધવાની ઓફર કરી છે.
અમેરિકામાં પ્લાસ્ટિક સર્જન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ડૉ. મધુ પરીખ તથા તેમના ધર્મપત્ની હંસાબેન બંને બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે. હવે તેઓ ફલોરિડાના ડેટોના બીચ પર માયામી ખાતે નિવૃત્ત જીવનનો આનંદ માણી રહ્યા છે. તેમણે એલ્યુમનિ એસોસિયેશનના ભીષ્મ પિતામહ તરીકે ઉલ્લેખ કરી શકાય તેટલુ કાર્ય કર્યુ છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના વડોદરાના પ્રેસિડેન્ટ ડૉ. મીતેશ પટેલ પણ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને ગયા વર્ષે ગુજરાતના બેસ્ટ પ્રેસિડન્ટનો અને આ વર્ષે દેશના બેસ્ટ પ્રેસિડન્ટનો એવોર્ડ મળ્યો છે. તે વાઘોડિયા રોડ પર આવેલી સવિતા હોસ્પિટલના અને મોટા ફોફળીયામાં કિરણ સી. પટેલ હોસ્પિટલના ડિરેક્ટર છે. ઉપરાંત ભાજપ ડોક્ટર્સ સેલના મધ્ય ગુજરાતના ક્ધવીનર તેમજ એમ.એસ. યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટ મેમ્બર છે. મેડિકલ સ્ટુડન્ટસ્ માટે અને જુનિયર ડૉક્ટર્સ માટે નેટવર્ક પણ સંભાળે છે.
બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ વડોદરાના વિખ્યાત કાર્ડિયોલાજિસ્ટ તરીકે આગવી ઓળખ ઊભી કરનાર ડૉ. વી.સી. ચૌહાણ શહેરમાં કોરોનરી એન્જીયોગ્રાફી, રીનલ અને કેરોટિડ એન્જિયોગ્રાફીનો પ્રારંભ કરનાર પ્રથમ ડોક્ટર છે. વડોદરાના નાગરિકો માટે અનેક એડવાન્સ ટેકનોલોજી શહેરમાં લાવીને ડૉ. ચૌહાણ સાચા અર્થમાં વી.સી. એટલે કે વડોદરાના કાર્ડિયોલોજિસ્ટ બન્યાં છે.
બરોડા મેડિકલ કોલેજને પોતાની સફળતાનું શ્રેય આપતા તેઓ કહે છે કે “આ કોલેજે પાંચ હજાર મેડિકલ સ્પેશિયાલિસ્ટ આપ્યા છે. આ પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશન ભાઈચારા અને એકતાનું પ્રતીક બની રહેશે.
આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. યતીન મહેતા એ પીડિયાટ્રિશ્યન તરીકે વડોદરામાં નામના પ્રાપ્ત કરી છે. તે કહે છે કે “મારી યાત્રા 1983થી શરૂ થઈ અને 1991માં ક્ધસલ્ટન્ટ પીડિયાટ્રિશ્યન તરીકે પ્રેટિક્સ શરૂ કરી. બરોડા મેડિકલ કોલેજે મને ઉત્તમ માનવી અને નિષ્ણાત તબીબ બનવાનું શીખવ્યું છે. મને પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનમાં ભાગ લેવાનો આનંદ અને ગૌરવ રહેશે
ડૉ. યતીન મહેતાની સમીપ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ છે. ઉપરાંત લોટસ હોસ્પિટલમાં ડિરેક્ટર છે જ્યારે કોમ્પ્યૂટર્સ એન્ડ મેડિકલ ઇમ્ફર્મેટિક ચેપ્ટર ઑફ આઇ.એ.પી. ના નેશનલ ચેરપર્સન છે. તેમના સુપુત્ર પણ બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ચુક્યાં છે. સમીપ આઈ હોસ્પિટલના ડૉ. પારસ મહેતા ગુજરાતના પાયોનિયર કોર્નિયલ સર્જન પૈકીના એક છે. તે પણ બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થી છે.
એ જ રીતે ડૉ. શૈલેષ મહેતા વડોદરા ખાતે પોતાની નેત્રદીપ હોસ્પિટલ દ્વારા 1989થી આંખોના નિષ્ણાત સર્જન તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓ વડોદરા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે 1981-82માં એમ.બી.બી.એસ. અને 1988માં આંખના વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી આંખના નિષ્ણાત થયા. પોતાના ક્ષેત્રમાં એક માનવતાવાદી અને પ્રામાણિક અભિગમવાળા આંખના સર્જન તરીકે એમની સુવાસ ફેલાયેલી છે. વિશેષમાં ડોક્ટરના વ્યસ્ત વ્યવસાયમાં હોવા છતાં તેઓ ‘દાદા ભગવાન’ના જગતકલ્યાણના આધ્યાત્મિક યજ્ઞ સાથે ‘આપ્તપુત્ર’ તરીકે સમર્પિત ભાવે જોડાયેલાં છે. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર એક હદયસ્પર્શી વક્તા તરીકે પણ જાણીતાં થયાં છે.
બરોડા મેડિકલ કોલેજે વિશ્ર્વભરમાં યશ અને કીર્તિ પ્રાપ્ત કરનાર સેંકડો નિષ્ણાત તબીબોની ભેટ આપી છે. અત્રે ઉલ્લેખ થયેલ કેટલાંક ડોક્ટરોનો ‘ફીલિંગ્સ’ વ્યક્તિગત સંપર્ક કરી શક્યું છે તે સિવાય આ કોલેજના અન્ય અનેક ભૂતપુર્વ વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં ડોક્ટરો તરીકે કાર્ય કરી જ રહ્યાં છે તે સર્વેને ‘ફીલિંગ્સ’ બિરદાવે છે.
તેની પ્લેટિનમ જ્યુબિલી આવી રહી છે, અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસકાળના દિવસોના સંભારણાં વાગોળવા એકત્ર થઇ રહ્યાં છે, ત્યારે ‘ફીલિંગ્સ’ આ કોલેજ આ જ રીતે તબીબી ક્ષેત્રની વધુને વધુ સેવા કરતી રહે તેવી હદયપૂર્વક શુભેચ્છા પાઠવે છે.