સર્વત્ર  નમો નમ: મોદી-શાહની જુગલબંદીએ કર્યું વિક્રમી પુનરાવર્તન

સર્વત્ર  નમો નમ: મોદી-શાહની જુગલબંદીએ કર્યું વિક્રમી પુનરાવર્તન

- in Cover Story
1098
Comments Off on સર્વત્ર  નમો નમ: મોદી-શાહની જુગલબંદીએ કર્યું વિક્રમી પુનરાવર્તન

– પરીક્ષિત જોશી

ભારતમાં ફરી એકવાર મોદી સરકાર, જનતાની અપેક્ષાની સરકાર, લોકોની આકાંક્ષાઓની સરકાર રચાઈ છે ત્યારે ભાજપ અને નરેન્દ્ર મોદીને જનતાએ જીતની સાથે સાથે જવાબદારી પણ સોંપી છે. આગામી પાંચ વર્ષના સમયગાળામાં ભારતમાં ગરીબોને પ્રાથમિક સુવિધા, ખેડૂતોની સમસ્યા અને ડબલ ઈન્કમ, યુવાનોને રોજગારી તેમજ આર્થિક ક્ષેત્રે વિકાસ કરવાની ચેલેન્જ મોદી સરકાર માટે રહેશે. આશા રાખીએ કે મોદી 2.0 પ્રજાને નિરાશ નહીં કરે….!!!

ચોકીદાર ચોર હૈ અને મૈં હૂં ચોકીદાર વચ્ચે જામેલા રાજકીય જંગમાં આખરે ચોકીદારે પોતાનો દોમદમામ બતાવી દીધો છે. ભારતીય રાજકારણમાં આઝાદી પછીના કાળમાં આવી ઘટના માત્ર ત્રીજીવાર જ બની રહી છે. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કરિશ્માઇ વ્યકિતત્વ અને પારદર્શક કર્તૃત્વને લીધે ભારતીય જનતા પાર્ટીને વિક્રમી બહુમતી મળી છે અને ભાજપા 300ના જાદુઇ આંકને પાર કરીને 303 બેઠકો સુધી પહોંચ્યો છે. જો એનડીએના સાથી પક્ષોની બેઠકો પણ ઉમેરીએ તો કુલ આંક 3પ3 સુધી પહોંચે છે.

303 બેઠકો સાથે લોકસભામાં ભાજપા સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે, જ્યારે માત્ર પર (બાવન) બેઠકો ધરાવતો કોંગ્રેસ બીજા ક્રમે છે. એના સાથી પક્ષોની બેઠકો પણ ઉમેરીએ તો યુપીએ 9રના આંકે સમેટાઇ ગયો છે. જો કે, વિરોધપક્ષના નેતાના પદ માટે જરૂરી 10 ટકા બેઠકો એટલે કે પપ બેઠકો ન ધરાવતો હોવાને લીધે ફરીવાર લોકસભામાં આ પદ ખાલી રહેશે. ર014માં આવી જ પરિસ્થિતિ હતી અને લોકસભામાં બીજી સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસને 44 બેઠકો મળી હતી, એટલે મલ્લિકાર્જુન ખડગેએ માગ્યું હોવા છતાં એમને વિરોધપક્ષના નેતાનું પદ મળી શક્યું ન હતું. જો કે, સતત 11 વખતથી સાંસદ બનનારા ખડગે આ વખતે ચૂંટણી હારી ગયા છે એટલે એ તો વિરોધપક્ષના નેતા તરીકેનું પદ માગશે નહીં, પરંતુ કોંગ્રેસમાંથી પણ અન્ય કોઇ માગી શકે એમ નથી. કારણ કે, કોંગ્રેસને કુલ મળીને માત્ર પર (બાવન) બેઠકો મળી છે. એક રીતે ર014 કરતાં 8 બેઠકોનો ફાયદો તો થયો છે પરંતુ પ્રતિષ્ઠાસભર પદ મળી શકે એમ નથી.અબ કી બાર 300 કે પાર, લોકસભા ચૂંટણી વખતે બોલાતો આ નારો સાચો પડશે એ બાબતે મોટાભાગનાને શંકા હતી. પરંતુ ભાજપાએ એકલા હાથે 300ના મેજિકલ ફિગરને ક્રોસ કરીને એક વિક્રમ રચી દીધો છે. આ રીતે 300ના આંકડાને બે વાર પાર કરનારાઓમાં બે ભારતીયો એક, વીરેન્દ્ર સહેવાગ અને બીજા નરેન્દ્ર મોદીને લોકો ખાસ યાદ કરી રહ્યા છે. ભારતીય સંસદમાં સરકાર રચવા માટે જે મેજિકલ ફિગરની જરૂર હોય છે એને ભાજપાએ એકલા હાથે જ પાર પાડી દીધો છે. સાથી પક્ષો સાથે મળીને એનડીએની કુલ બેઠકો 3પ3 થઇ છે. લોકસભામાં સરકાર રચવા માટે જરૂરી ર7રના જાદુઇ આંકડાને તો ભાજપાએ એકલા હાથે પાર કરી લીધો છે.

નરેન્દ્ર મોદી માટે આ વખતે ફરીવાર ચૂંટાવું એ પદ કરતાં પ્રતિષ્ઠાનો વિષય હતો. સમગ્ર વિપક્ષ એકજૂથ થઇ ગયો હતો. જો કે, એમના વચ્ચે એજન્ડા અને પ્રધાનમંત્રીપદની દાવેદારીના મુદ્દે એકમતતા શક્ય થવાને લીધે તેઓ પોતપોતાના અલગ મોરચા માંડ્યા હતા. એક રીતે વિપક્ષોનો આ દૃષ્ટિકોણ ભાજપા માટે ફાયદાકારક રહ્યો. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી જેવી પરસ્પર વિરોધી એજન્ડા ધરાવતી પાર્ટીઓ એકજૂથ થઇને ચૂંટણી લડે ત્યારે સ્થાનિક પ્રજાને તો સઘળી બાબતો ખ્યાલ હોય છે. નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદ સામે આવી સ્થાનિક પાર્ટીઓના જાતિવાદ અને કુટુંબકબીલાવાદને લીધે તેમને વિસ્તારમાં સારી પકડ હોવા છતાં ભારે હારનો સામનો કરવો પડયો.

નરેન્દ્ર મોદીની ત્સુનામીમાં સિક્કિમમાં છેલ્લા રપ વર્ષથી સત્તામાં રહેલી ચામલિંગ સરકાર પણ સત્તામાંથી બહાર આવી ગઇ છે. 1994થી સત્તામાં રહેલા મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગ સૌથી લાંબો સમય મુખ્યમંત્રીપદે રહેવાનો વિક્રમ ધરાવે છે. 68 વર્ષીય ચામલિંગે પશ્ર્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુનો વિક્રમ પણ તોડી નાખ્યો છે. જો કે, મોદી ત્સુનામી વચ્ચે આંધ્રમાં જગન રેડ્ડી અને ઓરિસ્સામાં પટનાયક પોતાના દમ પર જીત મેળવી શક્યા છે. બીજી તરફ પંજાબમાં કોંગ્રેસે જીત મેળવી છે પરંતુ મંત્રીમંડળના વિવાદિત મંત્રી નવજોત સિદ્ધુ વિશે ફરિયાદ કરતાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કોંગ્રેસ મોવડીમંડળ માટે ધર્મસંકટનું નિર્માણ કર્યું છે.

ગુજરાત વિધાનસભાના ચાર વિધાનસભ્યો આ વખતે લોકસભાની ચૂંટણી લડયા અને જીત્યા. એટલે આ ચાર બેઠકો થરાદ, અમરાઇવાડી, ખેરાલુ અને લુણાવાડા ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી ટૂંકસમયમાં યોજાશે. એટલું જ નહીં, ગાંધીનગર બેઠક ઉપરથી અમિત શાહ અને અમેઠી બેઠક ઉપરથી સ્મૃતિ ઇરાની વિજેતા બનતાં એમની રાજ્યસભાની બેઠકો પણ ખાલી પડી છે. બીજી તરફ ગુજરાતના મંત્રી પરબત પટેલ લોકસભામાં બનાસકાંઠા બેઠક ઉપરથી ચૂંટાતાં મંત્રીમંડળમાં એમની જગ્યા પણ ખાલી પડી છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે લોકસભા સાથે જ યોજાયેલી વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણીમાં ચારેય બેઠકો ભાજપાને ફાળે ગઇ છે. બીજા શબ્દોમાં રાજકીય પંડિતો ગુજરાતમાં પાણીની તંગી જેવી પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીપદે વિજયભાઇને જીવતદાન મળ્યાની નોંધ પણ લે છે. ભાજપે આ વખતે ગુજરાતની ર6માંથી પાંચ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો બદલ્યા હતા. એ પાંચેય ઉમેદવારો મહેસાણા-શારદાબેન પટેલ, સુરેન્દ્રનગર- મહેન્દ્ર મુંજપરા, પોરબંદર-રમેશ ધડૂક, આણંદ-મિતેષ પટેલ અને છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવા ચૂંટાઇ આવ્યા છે. દેખીતી રીતે સાદી વાત લાગતી આ બાબત ઘણી મહત્ત્વની છે કે જ્યારે ભાજપા એક જમાનામાં નો-રિપીટ થિયરીમાં માનતું અને એ સાથે વયનિવૃત્તિને પણ વળગી રહેતું. પરંતુ આ વખતે ગુજરાતમાં મોટાભાગના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે. એટલું જ નહિ, મોટી ઉંમરના પણ બેઠક જીતી શકે એ માપદંડ ઉપરના કંઇ કેટલાય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે આ પાંચ મહત્ત્વની અને જરા ચર્ચાસ્પદ બેઠકો ઉપર નવા ઉમેદવારોને લડાવીને ભાજપાના રણનીતિકારોએ ઘણું મોટું સાહસ ખેડયું હતું અને આ ગણતરીપૂર્વકના સાહસમાં તેઓ સફળ પણ નીવડ્યા છે.

ગુજરાતની બેઠકોની વાત કરીએ તો દાહોદ, પંચમહાલ, જૂનાગઢ, આણંદ અને બારડોલી બેઠકો ઉપર ભાજપા જીત્યું તો છે પરંતુ સરસાઇ ખૂબ પાતળી છે. જ્યારે નવસારી, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને છોટાઉદેપુરમાં ભાજપ ભારે સરસાઇથી જીત્યું છે. નવસારીના સી.આર.પાટીલ તો દેશભરમાં સૌથી વધુ સાડા આઠ લાખથી વધુ માર્જિનથી જીત્યા છે એ પણ એક રેકોર્ડ છે. વડોદરાથી રંજનબેન ભટ્ટે પણ આ બેઠક પર નરેન્દ્રભાઇ મોદીના માર્જિન મતોના વિજયનો રેકોર્ડ તોડ્યો છે. તો ગાંધીનગરથી અમિત શાહે સાડા પાંચ લાખ મતોની સરસાઇથી પોતાની પહેલી લોકસભા જીત પાકી કરી છે.

સરવાળે જોવા જઇએ તો નરેન્દ્ર મોદીના વિઝન અને અમિત શાહની રણનીતિની જુગલબંદીએ ભારતમાં ભાજપાનો ડંકો વગાડી દીધો છે. એક જમાનામાં માત્ર બે બેઠકો મેળવનારું ભાજપા આજે સતત ત્રીજીવાર કેન્દ્રસ્થ સત્તામાં પહોંચવા સાથે 300 પારનો વિક્રમ પણ રચી ચૂકયું છે.

ર014ની મોદી લહેર કરતાં પણ આ વખતે ર019ની મોદી ત્સુનામી ભારે અસર દેખાડી ગઇ છે. સંપૂર્ણ બહુમતી ધરાવતી આ સરકાર હવે એમના એજન્ડાના અને ઘોષણાપત્રના મુદ્દાઓને એક પછી એક અમલમાં મૂકે અને ભારતમાં ફરીવાર ખરેખરી રાષ્ટ્રવાદી સરકાર તરીકેનો દાખલો રજૂ કરે એવી શુભેચ્છાઓ… જયહિન્દ… જયભારત…

Facebook Comments

You may also like

‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…

જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં