તાજેતરમાં વડોદરાના આંગણે જી.એસ.એફ.સી. યુનિ ખાતે ભવ્યતાથી યોજાઈ ગયેલ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંધવી તથા કેન્દ્રીય કેબિનેટ પ્રધાન શ્રી મનોહરલાલ ખટ્ટરની ગરિમામયી ઉપસ્થિતિમાં દીપ પ્રાગટયથી શાનદાર પ્રારંભ થયો હતો. અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને સુરત બાદ વડોદરામાં યોજાયેલ આ ચોથી રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં થયેલ વિવિધ એમ.ઓ.યુ.ને જોતાં એક વાત …
વિકાસની આ વાઈબ્રન્ટ સમિટના પગલે સ્માર્ટ સિટી બનવા થનગનતું વડોદરા

તાજેતરમાં વડોદરાના આંગણે જી.એસ.એફ.સી. યુનિ ખાતે ભવ્યતાથી યોજાઈ ગયેલ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંધવી તથા કેન્દ્રીય કેબિનેટ પ્રધાન શ્રી મનોહરલાલ ખટ્ટરની ગરિમામયી ઉપસ્થિતિમાં દીપ પ્રાગટયથી શાનદાર પ્રારંભ થયો હતો.
અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને સુરત બાદ વડોદરામાં યોજાયેલ આ ચોથી રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં થયેલ વિવિધ એમ.ઓ.યુ.ને જોતાં એક વાત હવે વડોદરા માટે ચોક્કસ કહી શકાય કે વિકાસની આ વાઈબ્રન્ટ સમિટના પગલે સ્માર્ટ સિટી બનવા તરફ આગેકૂચ કરી રહેલા વડોદરાની આ સફર હવે વણથંભી રીતે આગળ ધપશે એમાં બે મત નથી.
આ વાઈબ્રન્ટ સમિટમાં અમેરિકા, જાપાન, યુક્રેન અને આઈલેન્ડ સહિત દુનિયાના સાત જેટલા અગ્રણી દેશોના રાજકારણીઓ તેમજ મલ્ટિનેશનલ કંપનીઓના ઉદ્યોગ સમૂહોની હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી.
આ સમિટને સંબોધતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના મનનીય ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાત રાજયના વિકાસનું હૃદય છે. આ અગાઉની ત્રણ રિજનલ સમિટમાં ૯૪૯૯ જેટલા એમ.ઓ.યુ. દ્વારા રૂા. ૧૩.૩૦ લાખ કરોડના રોકાણો રાજ્યમાં આવ્યા છે. વધુમાં મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા- ઉદેપુર અને દાહોદ જેવા જિલ્લાઓ એન્જિનિયરિંગ, ફાર્મા, એગ્રોફૂડ, મેન્યુફેકચરિંગ અને ખ.જ.ખ.ઊ. ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા હોવાનું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું.
આ સમિટમાં તેમણે થનાર ડિસ્કશનને ડિસિઝનમાં, આઈડીયાને પ્રોજેકટસમાં અને પ્રોજેકટસને પ્રોસ્પેરિટીમાં ફેરવવા સાથે મળીને આગળ વધવાનું આહવાન કર્યું હતું. તદ્ઉપરાંત સમિટના પ્રથમ દિવસે ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ. એલેકઝાન્ડર સાથે બેઠક યોજી ફાર્માસ્યુટિકલ, એગ્રિકલ્ચર અને રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઈડ્રોજન જેવા ક્ષેત્રોમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી અંગે તેમણે પરામર્શ કર્યો હતો. ગુજરાત આ ક્ષેત્રોમાં સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. યુક્રેનના ઉદ્યોગોને વિશ્ર્વસનીય ભારતીય ભાગીદાર તરીકે સહયોગ કરવા તેમણે ઈજન આપ્યું હતું. આયર્લેન્ડના મુંબઈ ખાતેના કોન્સુલ જનરલ પેડ્રિક સાથે પણ મુખ્યપ્રધાને બેઠક કરી હતી અને ગુજરાત તથા આયર્લેન્ડ વચ્ચે આર્થિક ભાગીદારી વધુ મજબૂત બનાવવા આ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી.
આ સમિટમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ૩૬૧૧ એકરમાં આઠ નવા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેમાં ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોનો સમાવેશ કરાયો છે. જેના થકી ગુજરાતના ઔદ્યોગિક રોકાણને વેગ મળશે તેમજ રોજગારની નવી તકો ઉભી થશે અને સ્થાનિક વિકાસને પણ ગતિ મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ વડોદરા ઉપર અઢળક વરસ્યા હતાં. કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં જી.એસ.એફ.સી. ગેટ નં.-૧ ખાતેથી વડોદરા શહેરના નાગરિકોને શહેરી બસ સુવિધા પૂરી પાડવા માટે અદ્યતન સુવિધા સજ્જ ૩૦ નવી એ.સી. ઈલેક્ટ્રિક એસ.ટી. બસોનું પણ લોકાર્પણ કરાયું હતું. આ બસો ઝીરો એમિશન ટેકનોલોજીથી સજ્જ હોઈ પર્યાવરણને પ્રદૂષિત કરશે નહીં. 
આ શાનદાર સમિટને વધુ અસરકારક બનાવતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંધવીએ કહ્યું હતું કે, ‘મધ્ય ગુજરાતની પ્રગતિની આ તો માત્ર શરૂઆત થઈ છે.’ મધ્ય ગુજરાત ઈકોનોમિક માસ્ટર પ્લાન હેઠળ તેમણે આગામી વીસ વર્ષ માટેની વિકાસની રૂપરેખા તૈયાર કરાઈ હોવાનું જણાવેલ. જેમાં છોટઉદેપુરને આવનારા સમયમાં ભારતનું સ્પોર્ટસ ઈક્વિપમેન્ટ હબ બનાવવાની સાથે વડોદરાને પણ બાયો ઈકોનોમીનું હબ બનાવવા અંગે કામ ચાલી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ સમિટ ગ્લોબલ પાર્ટનરશિપનું પ્રતીક બની છે.’ ગુજરાતની કુલ ઉત્પાદન ક્ષમતામાં લગભગ ૨૮ ટકા જેટલું યોગદાન મધ્ય ગુજરાતનું હોવાનું પણ તેમણે કહ્યું હતું. ગત વર્ષે મધ્ય ગુજરાતના વિવિધ એકમો દ્વારા ૨૦.૫ અબજ ડોલરથી પણ વધુ રકમના ઉત્પાદનોની નિકાસ કરી હતી.
આ અંગે વધુ પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે, વિકસિત ગુજરાત ઔદ્યોગિક પોલિસી ૨૦૨૪ હેઠળ આવતા પાંચ વર્ષમાં ગુજરાતમાં રૂા.૧૦ લાખ કરોડના નવા રોકાણો લાવવાનો સરકારનો લક્ષ્યાંક છે. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું કે, ‘વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન પ્રધાનમંત્રીશ્રી મોદીજીના નેતૃત્વમાં શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાતની આ સફર દેશ-વિદેશના રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જેના થકી ગુજરાતના વિકાસને પણ એક ચોક્કસ દિશા મળી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં ૨૦૦૦ કિ.મી.નું મેટ્રો નેટવર્ક પૂર્ણ થતાં ભારત અમેરિકાને પાછળ છોડી વિશ્ર્વમાં બીજા ક્રમે પહોંચી જશે.
’વડોદરાને પશ્ર્ચિમ ભારતનું એક સશક્ત મેન્યુફેકચરિંગ, લોજિસ્ટિકસ સર્વિસ અને ઈનોવેશન હબ બનવાની ક્ષમતા ધરાવતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીએ વડોદરા મ્યુ. કોર્પોરેશનની પાણી પુરવઠા વિતરણ પ્રણાલી, સીવરેજ તથા રૂફટોપ સોલાર જેવા પર્યાવરણલક્ષી કાર્યોને બિરદાવ્યા હતા. વધુમાં તેમણે વર્ષ ૨૦૩૬માં ગુજરાતમાં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવ અને ૨૦૩૦માં યોજાનારી કોમન વેલ્થ ગેમ્સને રોકાણકારો અને રમતપ્રેમીઓ માટેની સુવર્ણ તક ગણાવી ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા સમગ્ર ઉદ્યોગ જગતને અનુરોધ કર્યો હતો.
આ ભવ્ય વાઈબ્રન્ટ કોન્ફરન્સને કાયમી સંભારણું બનાવવાના ઉદ્ેશથી કેન્દ્રીય મંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર એવમ્ ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે ગુજરાતના વિકાસને વેગ આપતી કોફી ટેબલ બુકનું પણ વિમોચન રાજય સરકારશ્રી દ્વારા કરાયું હતું. જેમાં વડોદરાના રાજકીય મહાનુભાવો એવમ્ મ્યુનિસિપલ કમિશનરશ્રી સહિત અધિકારી વર્ગની ઉપસ્થિતિ ધ્યાન આકર્ષક હતી.
ગુજરાતમાં એરો સ્પેસ ઈકોસિસ્ટમ વિકસાવવાની જરૂરિયાત અંગે આ સેમિનારમાં મુખ્ય વકતા તરીકે હાજર રહેલ બિઝનેસમૅન સુનિલ દવેએ વડોદરામાં ટાટા એર બસ પ્રોજેકટ્સની સ્થાપના થતાં ગુજરાત માટે આ ક્ષેત્રમાં વૈશ્ર્વિક લીડર બનવાના દ્વાર ખુલ્યા હોવાનું જણાવેલ.
કૃષિ ક્ષેત્રમાં ‘કેમિકલ મુકત ખેતીથી સમૃદ્ધ ખેડૂત’ જેવા વિષય ઉપર યોજાયેલ સેમિનારમાં ઉપસ્થિત કૃષિ ક્ષેત્રના અગ્રણીઓ તથા પ્રગતિશીલ ખેડૂતોની હાજરીમાં ટકાઉ કૃષિ વિકાસ માટેનો વ્યવહારુ રોડમેપ રજૂ કરાયો હતો. જેમાં નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ (NCONF) ના ડાયરેકટર ડૉ. ગગનેશ શર્માએ દેશમાં પ્રાકૃતિક ખેતીને વધુ નફાકારક અને ટકાઉ બનાવવા મજબૂત ઈકો સિસ્ટમ ઉભી કરવી એ આજના સમયની માંગ ગણાવી હતી. અલબત્ત કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોને પ્રેરિત કરવા કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવેલ. આમ, પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણ નહીં માનવ સ્વાસ્થ્ય અને કૃષિ અર્થતંત્ર માટે પણ અત્યંત મહત્વપૂર્ણ હોવાનું તેઓશ્રીએ જણાવ્યું હતું. 
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંહે ડિફેન્સ સેમિનારને સંબોધતાં કહ્યું હતું કે, દેશની પહેલી પ્રાઈવેટ મિલિટરી એરક્રાફટ ફેસિલિટીનું કેન્દ્ર વડોદરા બન્યું છે. ટાટા એરબસ ઈ-૨૯૫ પ્રોજેકટ એ માઈલ સ્ટોન છે અને આપણા સૌના માટે ગર્વની વાત છે. વધુમાં તેમણે જણાવ્યું કે, એક દાયકામાં ડિફેન્સ સેકટરમાં ધણાં ફેરફારો થયાં છે.
ગુજરાત આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ગુજરાતમાં સંરક્ષણ ક્ષેત્રે રોકાણ માટે રૂા. ૨૫૫૦/- કરોડના એમ.ઓ.યુ. કરાયા હોવાનુ પણ તેઓશ્રીએ જણાવ્યું હતું.
કોન્ફરન્સમાં યોજાયેલ પ્રદર્શનમાં જ્યોતિ લિમિટેડ કંપની દ્વારા વડોદરામાં જ ડિઝાઈન અને ઉત્પાદિત કરાયેલ વિવિધ એન્જિનિયરિંગ ઉત્પાદનો મૂકવામાં આવ્યા હતાં. જ્યોતિ લિમિટેડના ડાયરેકટર તેજલ અમીને બહુ સરસ માહિતી આપતાં કહ્યું કે, ‘ભારતમાં બનેલી પહેલી ન્યુકલીયર સબમરીનના ઉત્પાદનમાં જ્યોતિ લિમિટેડના પંપ વપરાયા છે. આ દરેક પંપની કિંમત અંદાજે રૂા. ૨.૫૦ કરોડ જેટલી હોય છે તેમ તેમણે જણાવ્યું હતું.’
આ રીતે તમામ ક્ષેત્રે સંતુલિત વિકાસને પ્રાધાન્ય આપની આ વાઈબ્રન્ટ સમિટ વડોદરાની દશા અને દિશા બંને બદલી વડોદરાને વધુ સ્માર્ટ સિટી બનાવશે એ નિ:શંક બાબત છે.








