ગુજરાત કિલ્લેદારીથી કેપિટલ હબ સુધી..

ગુજરાત કિલ્લેદારીથી કેપિટલ હબ સુધી..

- in Cover Story
2889
Comments Off on ગુજરાત કિલ્લેદારીથી કેપિટલ હબ સુધી..

પરીક્ષિત જોશી

તું વિશ્ર્વગુર્જરી છે, આજ ગુર્જરીની વાત કર.

નવા યુગોના રગથી, નવી નવી તું ભાત કર.

– રસિક મેઘાણી

ગુજરાત.

આ શબ્દે હવે એના સીમાડા વટાવી દીધા છે. આઝાદી પહેલા ચાલતી ચળવળમાં જેવો દબદબો ગુજરાતનો હતો એવો જ કદાચ કે એમ કહી શકાય એનાથીય વધુ ઉત્તમ યોગ આજે ફરી આવી બેઠો છે. આ રાજરમત કોલમનો જે સ્વભાવ છે રાજકીય રીતે, સત્તાકીય રીતે જોઇએ તો એ સમય કરતાં પણ આજે કેન્દ્રસ્થ સત્તામાં ગુજરાતનું પલ્લું ભારે છે.

અસ્મિતા શબ્દના ઉદ્ગાતા એવા કનૈયાલાલ મુનશીએ ગુજરાતની ગરિમા દર્શાવતા લખ્યું છે કે ‘ગુજરાતને સીમાડા નથી. ‘ગુજરાત’ એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે, જે પોતાને એક કલ્પનામાં, પોતાનું અસ્તિત્વ એક દૃઢ સંકલ્પ દ્વારા સમજવામાં જીવન સાફલ્ય સમજે છે. જ્યાં ગુજરાતીઓ ‘ગુજરાત’ છે ને રહેશે એવી નિર્ણયાત્મક કલ્પના સેવી એકઠા મળે છે ત્યાં ગુજરાતની હસ્તી છે.’

ગુજરાત આજે તો દેશ અને દુનિયામાં વિકાસનો એક નવો માપદંડ બની ચૂક્યું છે. છેલ્લાં થોડાં વરસોમાં જે ઝડપે ગુજરાતે આધુનિકતાનો પથ પકડ્યો અને કાયાપલટ થઇ એનાથી સૌ અચંબિત રહી ગયા છે.

ગુજરાતના સૌથી મહત્ત્વના અને આ વર્ષે જ્યાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઇ એ અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો વિકાસ જણાઇ રહ્યો છે  એટલે જ તો એ ગુજરાતનું પહેલું અને હાલ તો એકમાત્ર મેટ્રોસિટી બની રહ્યું છે. રિવર ફ્રન્ટથી માંડીને મેટ્રોરેલ સુધીના પ્રકલ્પો દ્વારા અમદાવાદની શકલ જ બદલાઇ રહી છે.

ગુજરાતનો આધારભૂત ઇતિહાસ વલભીપુરથી શરૂ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની મહત્ત્વની સંસ્કાર ભૂમિ બની હતી. ચીની મુસાફર યુ આન ચાંગ વલભીમાં ઇ.સ. 641ના અરસામાં આવ્યો હતો… 1 મે, ગુજરાત દિનને અનુલક્ષીને અત્રે પ્રસ્તુત છે ગરવી ગુજરાતની આવી રસપ્રદ વાતો…

1 મે, ર017 એ ગુજરાતનો પ7મો સ્થાપના દિવસ હતો. આ જ દિવસે 1 મે, 1960ના રોજ અભયમૂર્તિ રવિશંકર મહારાજના શુભહસ્તે આ રાજ્યની સ્થાપના થઇ. આવી પવિત્ર વ્યક્તિના શુભાશિષ સાથે શરૂ થયેલી ગુજરાત રાજ્યની યાત્રા આજે પોતાના સાડા પાંચ દાયકા ઉપરાંતની મજલ કાપી ચૂકી છે.

પહેલા મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાથી માંડીને અત્યારના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધીમાં અમદાવાદની સાબરમતીમાંથી સાબરમતી અને નર્મદાના ઘણા નીર વહી ગયા છે. આજે તો ગુજરાત દેશનું સૌથી વધુ વિકસિત રાજ્ય બન્યું છે. વિકાસની હરણફાળ ભરીને એક દાખલો બેસાડનારું રાજ્ય બન્યું છે, પરંતુ એ કાંઇ અચાનક થયું નથી.

ગુજરાતનો ઇતિહાસ પણ ભવ્ય છે. વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આનર્તનો પુત્ર રેવત કુશસ્થલી(આધુનિક દ્વારિકા)નો શાસક હતો. ભગવાન શ્રીકૃષ્ણે કંસવધ પછી જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ કરી વ્રજ છોડીને સૌરાષ્ટ્રના સાગરતીરે વેરાન પડેલી જૂની રાજધાની કુશસ્થલીનો ર્જીણ દુર્ગ સમારાવી ત્યાં નગરી વસાવી તે દ્વારિકા, દ્વારકા કે દ્વારામતી કહેવરાવી. દ્વારકામાં શ્રીકૃષ્ણે યાદવોનું રાજ્ય સ્થાપ્યું. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ મળે છે.

ભગવાન શ્રીકૃષ્ણની કથા પછી ત્રણેક હજાર વરસના ગાળા બાદ છેક ઇ.સ. પૂર્વે 319માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્ત મૌર્યે ચક્રવર્તીત્વનો ધ્વજ ફરકાવ્યો. ગુજરાત-સૌરાષ્ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્યા. ચંદ્રગુપ્ત મૌર્યે પુષ્યમિત્ર નામના સૂબાની સૌરાષ્ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. પુષ્યમિત્રનો શાસનકાળ ઇ.સ. પૂર્વે ર94 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો

હતો. ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેર ઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે. આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિમાં છે કે જે ગુજરાતી લિપિ અને ભાષાનું પણ ઉદ્ગમસ્થાન છે.

ઇસુ સંવત્સર પૂર્વેના છેલ્લા સૈકામાં આ ભૂમિ પર કોઇ પ્રતાપી શાસન ન હતું તે પહેલાં આ ભૂમિ પર ભારતીય યવન રાજાઓ રાજ્ય કરતા. ઇસુના જન્મ પછીની ચાર સદી સુધી શક પ્રજાનું આધિપત્ય રહ્યું. આ શકોના શાસનાધિપતિઓ તે ક્ષત્રપો. શકોએ પોતાના સંવત્સરનો પ્રારંભ ઇ.સ. 78માં કર્યો. જૂનાગઢ નજીકના શિલાલેખોમાં શક રાજા રુદ્રદમનની યશગાથાના સાક્ષીરૂપ લેખો છે. રુદ્રદમન પહેલાએ પોતાના રાજ્યનો વિસ્તાર નર્મદાના કાંઠાથી પંજાબ સુધી ફેલાવ્યો હતો. ઇ.સ. 39પમાં ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે છેલ્લા ક્ષત્રપ રુદ્રસિંહને હરાવીને ગુજરાત-સૌરાષ્ટ્ર જીતી લીધું. ઇ.સ. 460માં ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત મૃત્યુ પામ્યો અને તે સાથે ગુપ્ત સામ્રાજ્ય છિન્નભિન્ન થઇ ગયું. આ સમયે સૌરાષ્ટ્રનો રાજ્યપાલ સેનાપતિ વિજયસેન ભટાર્ક હતો. આ ભટાર્ક મૈત્રક કુળનો હતો. ભટાર્કનું પાટનગર વલભીપુર હતું. તેણે સ્વપરાક્રમથી એક મહાન સામ્રાજ્યની સ્થાપના કરી.

ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ વલભીપુરથી શરૂ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની એક મહત્ત્વની સંસ્કાર ભૂમિ બની. ચીની મુસાફર ઇત્સિંગના મતે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્ર્ચિમમાં વલભી એ બે મોટી બૌદ્ધ વિદ્યાપીઠો હતી. ચીની મુસાફર યુ આન ચાંગ વલભીમાં ઇ.સ. 641ના અરસામાં આવ્યો હતો. ભટાર્કના વંશજોએ વલભી સામ્રાજ્ય પર પૂરા ર7પ વર્ષ રાજ્ય કર્યું. શીલાદિત્ય

સાતમાના સમયમાં સિંધના હાકેમ હિશામે ઇ.સ. 788માં વલભી પર હુમલો કર્યો અને લૂંટ તથા કત્લેઆમ કરીને નગરનો સંપૂર્ણ વિનાશ કર્યો.

મૈત્રક કાળ દરમિયાન ભિલ્લમાલ (દક્ષિણ રાજસ્થાન)ની આસપાસનો પ્રદેશ ‘ગુર્જરદેશ’ તરીકે ઓળખાતો હતો. ત્યાંથી અનેક જાતિઓ ગુજરાતમાં આવીને વસી. એક રીતે આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ (ભરૂચ) પ્રદેશોની ગુજરાત તરીકેની પહેલી રાજધાની ભિલ્લમાલ કે શ્રીમાલ હતી. ગુજરાતની ધરતી પર ઉત્તરમાંથી પ્રતિહારોએ અને દક્ષિણમાંથી રાષ્ટ્રકુટોએ હુમલા શરૂ કર્યા. છેવટે વનરાજ ચાવડાના નેતૃત્વ હેઠળ ચાવડા વંશે લગભગ એકસો વર્ષ સુધી સ્થિરતાથી રાજ્ય કર્યું. તેમની રાજધાની અણહિલ્લપાટક (અણહિલવાડ) નામે નવા પત્તન (પાટણ)માં સ્થપાઇ. ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ નિ:સંતાન હોવાથી મૂળરાજ સોલંકીને દત્તક લેતાં, સોલંકી યુગનો આરંભ થયો. (ઇ.સ. 94ર)

મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. મૂળરાજે ‘ગુર્જરેશ’ પદવી ધારણ કરી અને તેના તાબાનો પ્રદેશ ‘ગુર્જરદેશ’, ‘ગુર્જરરાષ્ટ્ર’ કે ‘ગુજરાત’ તરીકે ઓખળાયો. પાટણનો વૈભવ એટલો વધ્યો કે ઠેર ઠેરથી લોકો ત્યાં આવીને વસવા લાગ્યા. સોલંકી વંશના એક અન્ય રાજા ભીમદેવ પહેલા (ભીમદેવ બાણવળી)ના સમયમાં મેહમૂદ ગઝનવીએ 6-7 જાન્યુઆરી, 10ર6ના રોજ સોમનાથનું મંદિર લૂંટ્યું હતું. ભીમદેવે સોમનાથનું મંદિર ફરી બંધાવ્યું. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો. કર્ણદેવ કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો રાજા બન્યો.

કર્ણદેવે ‘કર્ણાવતી’ નગરી વસાવી અને મીનળદેવી સાથે લગ્ન કર્યાં. કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહ દેવનો શાસનકાળ (ઇ.સ. 1094થી 1140) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બંને પ્રદેશોને ગુજરાત સાથે સાંકળ્યા. માળવા પર વિજય પ્રાપ્ત કરીને સર્વોપરિતા સ્થાપી. પ્રતાપી સિદ્ધરાજ અને જ્ઞાની આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો. હેમચંદ્રે ‘સિદ્ધહૈમ’ નામનો વ્યાકરણનો મહાગ્રંથ લખ્યો. સિદ્ધરાજના મૃત્યુ પછી તેના કુટુંબનો કુમારપાળ ગાદીએ બેઠો. કુમારપાળ ધર્મરાજવી ગણાયો.

સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કર્યું, જે પૈકી વીરધવલના બે મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ નામના ભાઇઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા. તેમણે આબુ પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજ્ય પર્વત ઉપર અને ગિરનાર પર્વત ઉપર જૈન દેરાસરો બંધાવ્યાં. વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ‘કરણ ઘેલો’ તરીકે ઓળખાયો. ઇ.સ. 1297માં કરણ ઘેલો દિલ્લીના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીને હાથે પરાજય પામ્યો અને આ સાથે ગુજરાતમાં હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યો.

ગુજરાત દિલ્હીના સુલતાનોના હાથમાં ગયું. દિલ્લીના શાસકો અહીં સૂબાઓ નીમતા. સૂબાઓનું રાજ્ય સો-એક વર્ષ ચાલ્યું. દિલ્લીમાં ગાદી માટે કાવા-દાવા ચાલતા હતા ત્યારે ગુજરાતના સૂબા ઝફરખાંએ દિલ્હીનું આધિપત્ય ફગાવી દીધું અને ગુજરાતના પ્રથમ સુલતાન તરીકે મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું.

મુઝફ્ફર શાહના ઉત્તરાધિકારી તેમના પૌત્ર અહમદ શાહે ઇ.સ. 1411માં સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો નાખ્યો. અમદાવાદ વસ્યું એટલે કર્ણાવતીના લોકો ત્યાં આવીને વસ્યા. પાટણની વસતી

ઓછી થવા લાગી. અમદાવાદ વધવા લાગ્યું. કાંકરિયા તળાવ અહમદ શાહના દીકરા કુતુબુદ્દીને બંધાવ્યું. ઇ.સ. 1442માં અહમદ શાહ મરણ પામ્યો. અહમદ શાહનો પૌત્ર મહંમદ શાહ પહેલો ઇતિહાસમાં મહંમદ બેગડા તરીકે પ્રસિદ્ધ થયો. મહંમદ બેગડાએ ચાંપાનેર અને જૂનાગઢ એમ બે ગઢ જીત્યા હતા. નરસિંહ મહેતા આ સમય દરમિયાન થઇ ગયા. ગુજરાતનો છેલ્લો બાદશાહ બહાદુર શાહ હતો. તેણે માળવા જીત્યું અને ચિત્તોડ પર ચઢાઇ કરી. ચિત્તોડની રાણી કર્ણાવતીએ દિલ્લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી. હુમાયુએ ધર્મની બહેનને મદદ મોકલી. બહાદુર શાહ હારીને દીવમાં છુપાયો અને ત્યાં જ તેનું મોત થયું.

ત્યારબાદ ગુજરાત મોગલોના હાથમાં સરી ગયું. અકબરે ગુજરાત જીત્યા પછી મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા. જહાંગીરના શાસન દરમિયાન અંગ્રેજોએ હિન્દમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. આના પરિણામે ઇ.સ. 1612માં અંગ્રેજોએ સુરતમાં પહેલી-વહેલી વેપારી કોઠી નાખી. મોગલ સામ્રાજ્યના અંત ભાગમાં મરાઠા સરદારોએ સુરત, ભરૂચ અને અમદાવાદ શહેર પર અનેક આક્રમણો કર્યા. છત્રપતિ શિવાજીએ સુરત પર બે વખત (ઇ.સ. 1664 અને 1672માં) આક્રમણ કર્યું. ગુજરાતના બંદરોએ પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજોનું આગમન થઇ ચૂક્યું હતું. અંગ્રેજ લોકો વેપાર સાથે પોતાની લશ્કરી તાકાત પણ વધારતા ગયા અને આસાનીથી ગુજરાત કબજે કરી લીધું.

ઇ.સ. 18પ7માં અંગ્રેજ શાસન સામે શરૂ થયેલ આઝાદીના બળવાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા. ગુજરાતમાં નાંદોલ, દાહોદ, ગોધરા, રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલોક પ્રદેશ ક્રાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઇઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા, પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર કોઇ કુશળ નેતા ન હોઇ બળવો વ્યાપક બની શક્યો નહીં. ક્રાંતિ પછી દાદાભાઇ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગ્રત કરવાનું કામ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ફાળો આપ્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ પ્રસરાવ્યો. સ્વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ આણી. નર્મદ, દલપતરામ વગેરેએ પ્રજાનું માનસ ઘડવામાં સારી સેવા બજાવી. રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ શરૂ કરી.

ઇ.સ. 188પમાં સ્થપાયેલી કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઇ નવરોજી અને ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી ગુજરાતના હતા. ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઇજી કામાએ પરદેશમાં રહી ભારતની સ્વતંત્રતા માટે પ્રયત્નો કર્યાં. સ્વાતંત્ર્યની લડતને નવો જ વળાંક આપનાર ભારતના ભાગ્યવિધાતા એવા સપૂત મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ

ઇ.સ.1869માં પોરબંદરમાં થયો હતો. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઇ પુરાણીને મળી હતી. અંબુભાઇએ વ્યાયામ પ્રવૃત્તિઓ ઠેર ઠેર શરુ કરીને સ્વરક્ષણની એક નવી જ હવા ઊભી કરી હતી. ગાંધીજીએ સૌ પહેલાં અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્થાપ્યો. ગાંધીજીથી પ્રભાવિત થઇ સરદાર વલ્લભભાઇ વકીલાત છોડીને તેમના કાર્યમાં જોડાયા. પછી મહાદેવભાઇ દેસાઇ પણ જોડાયા. અમદાવાદના મિલમાલિક શેઠ અંબાલાલ સારાભાઇએ આશ્રમના ખર્ચ માટે સારી એવી મદદ કરેલી. અમદાવાદના મિલ મજૂરોના પ્રશ્ર્નોનું પણ ગાંધીજી અને શેઠ અંબાલાલ, તેમના બહેન અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરેની મદદથી સુખદ નિરાકરણ થયું. આ કારણે રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસનો જન્મ થયો. ભારતનું આ પ્રથમ મજૂર સંચાલન, કદાચ એટલે પણ ગુજરાતના આ પ્રદાનને એના સ્થાપના દિવસ સાથે જોડીને યાદ રખાતું હશે… એવી દૂરંદેશી રાખવામાં આવી હોય એવું બને.

ખેડા જિલ્લાના ખેડૂતોની મહેસૂલ – ચૂકવણી અંગેના પ્રશ્ર્નો અંગે ગાંધીજીની રાહબરી હેઠળ રરમી માર્ચ, 1913ના રોજ વિશાળ

સંમેલન યોજાયું અને ગુજરાતમાં સત્યાગ્રહનો જન્મ થયો. આ પ્રસંગે ગુજરાતને ઉત્તમ લોકસેવક રવિશંકર મહારાજ સાંપડ્યા. ગાંધીજીએ 1917માં ભરૂચના ગંગાબહેનને રેટિયો શોધી લાવવા સૂચવ્યું. વિજાપુર ગામમાંથી રેંટિયો મળ્યો. પછી શોધ ચાલી પૂણીઓની. આમ ખાદીનો જન્મ પણ ગુજરાતમાં જ થયો. ઇ.સ. 19ર0માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઇ. ગુજરાતની સત્યાગ્રહ લડતોમાં બોરસદ, બારડોલી, દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્યાગ્રહો ખૂબ મહત્ત્વના રહ્યા. આમાં કાનૂની રાહે લડત આપીને કનૈયાલાલ મુનશીએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. 12મી માર્ચ, 1930ના રોજ સવારે 6.ર0 કલાકે ‘દાંડીકૂચ’ સાબરમતી આશ્રમ, અમદાવાદથી શરૂ થઇ અને પમી એપ્રિલે દાંડી પહોંચીને પૂર્ણ થઇ. 6ઠ્ઠી એપ્રિલે સવારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને નમકનો કાયદો તોડ્યો. ગુજરાતે 194રના ‘હિન્દ છોડો’ આંદોલનને બરાબર ઝીલી લીધું. આઝાદી પછી ભારતની ભૂમિ પર અસંખ્ય સ્વતંત્ર દેશી રાજ્યોને, કેવળ એક જ વર્ષમાં ભારતમાં સમાવી દેવાની ચાણક્યબુદ્ધિ કેવળ સરદાર જેવા વીરલામાં જ હોઇ શકે. એમના એ ભગીરથ કાર્યને લીધે આજે ભારતનો આજનો અખંડ નકશો જોવા મળી રહ્યો છે.

1947માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાઓને ભેગા કરવામાં આવ્યા હતા, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ર્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. 19પ6માં મુંબઇ રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રનો તથા હૈદરાબાદ અને મધ્યપ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરાયો હતો. 1960, 1 મેના રોજ મરાઠી અલગતાવાદી પરિબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યને ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરાઇ. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ, પહેલીવાર ગુજરાતે સ્વાયત્ત રાજ્યનો દરજ્જો મેળવી લીધો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. 1970માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.

એ પછી અત્યાર સુધીમાં થયેલી ગુજરાત રાજ્યની આંતરિક પુનર્રચનાને લીધે જિલ્લાઓની સંખ્યા 17થી વધીને આજે 33 સુધી પહોંચી છે. દેશ-દુનિયાની મોટી મોટી કંપનીઓ અહીં પોતાનું કાર્યક્ષેત્ર જમાવી રહી છે. દેશ-દુનિયામાં ગુજરાતીભાષી લોકો ત્યાંના સર્વોચ્ચ સ્થાને પહોંચી રહ્યા છે. આ બધા જ અર્થમાં જો કવિ ખબરદારને યાદ કરીએ તો એ પંક્તિઓ સાચે જ સાર્થક લાગે કે –

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,

ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,

ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.

– કવિ ખબરદાર.

સ્થાપના દિન 1 મે જ કેમ?

મહાગુજરાતની ચળવળ એ દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી ભાષાવાર પ્રાંત રચનાના સિદ્ધાંત મુજબ ગુજરાતી બોલનાર અને મરાઠી બોલનાર લોકો માટે બે અલગ રાજ્યની રચના માટેનું આંદોલન હતું. વર્ષ 19પ6માં શરૂ થયેલા આ આંદોલનની ફળશ્રુતિ રૂપે વર્ષ 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર એ બે રાજ્યોની રચના થઇ. ગુજરાત નિર્માણના આંદોલનની આગેવાની શ્રમજીવી વર્ગે લીધી હોવાની બાબતને મુખ્ય ગણીને મજૂર દિવસ તરીકે અને એ જ રીતે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ તરીકે જાહેર કરાયો.

Facebook Comments

You may also like

Feelings Post – November 2025

Feelings, one of India’s most trusted family magazine