આતંકવાદ, આર્થિક સંબંધો અને સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યપદ મુદ્દે નમો સરકારની યુરોપયાત્રા અને વિદેશનીતિ

આતંકવાદ, આર્થિક સંબંધો અને સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યપદ મુદ્દે નમો સરકારની યુરોપયાત્રા અને વિદેશનીતિ

- in Politics
1244
Comments Off on આતંકવાદ, આર્થિક સંબંધો અને સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યપદ મુદ્દે નમો સરકારની યુરોપયાત્રા અને વિદેશનીતિ
નમો સરકારની યુરોપયાત્રા

પરીક્ષિત જોશી

આજે દરેક દેશે અન્ય દેશો સાથે હળીમળીને રહેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. આતંકવાદનો સામનો કરવાનો હોય, એકબીજા પાસેથી શસ્ત્રો મેળવવાના હોય, વેપાર-વાણિજ્યનો વિકાસ કરવાનો હોય, કોઈ સંધિ-કરારો કરવાના હોય કે પછી શાંતિ જોઈતી હોય- દરેકને એકબીજાની જરૂર તો પડતી જ હોય છે અને દરેકે બીજાને મદદ પણ કરવી પડે છે. આ માટેની શરૂઆત જે-તે દેશના વડાઓએ જ કરવી પડે છે. મદદ માગીને મદદ કરવાની બાંહેધરી આપવી પડે છે….

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ઉતાર-ચઢાવના દોર ચાલતા રહે છે. દુનિયાના તમામ દેશ પોતાની જરૂરિયાતો અને સમસ્યાઓને જોતાં પોતાની વિદેશનીતિઓ તૈયાર કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપના ચાર દેશો જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાંસની યાત્રા પણ એનો જ એક ભાગ છે. આતંક વિરુદ્ધ લડાઇમાં આ દેશોને સાથે લાવવા, મેક ઈન ઇન્ડિયા યોજના હેઠળ રોકાણો મેળવવા અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય તરીકે ભારતના દાવાને વધુ મજબૂત કરી એ સભ્યપદ મેળવવા માટેનો નમો સરકારનો અને ખાસ તો વ્યક્તિગત રીતે નમોનો એજન્ડા સુપેરે પાર પડ્યો છે.

ચારેય યુરોપીય દેશો સાથેના સંબંધોને એક નજરે જોઇએ તો જર્મનીની સાથે જ્યાં ભારતના સંબંધ હંમેશાં સારા રહ્યા છે અને સ્પેન સાથેના સંબંધો પણ મજબૂત છે. ફ્રાંસમાં સત્તા પરિવર્તન બાદ પહેલીવાર જઇ રહેલા વડાપ્રધાનનો પ્રવાસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સમગ્ર યાત્રામાં સૌથી મહત્ત્વનું પાસું છે, તો એ છે રશિયા.

આપણે અહીં જ ગયા અંકના લેખમાં લખી ચૂક્યા છીએ કે ભારતની કેટલીક નીતિઓને કારણે ખાસ કરીને અમેરિકા સાથેના સારા સંબંધોને લીધે ભારતનું જૂનું અને જાણીતું મિત્ર રશિયા જાણે-અજાણ્યે પાકિસ્તાન જેવા પાડોશી અને દુશ્મન રાષ્ટ્ર તરફ ખસી રહ્યું હતું. આવા સંજોગોમાં ભારતીય વડાપ્રધાનની રશિયા મુલાકાત થઇ એ હવે રાજદ્વારી સંબંધોને એક નવી ઊંચાઇ પર લઇ જશે એવી આશા સેવાઇ રહી છે.

તાજેતરમાં જ ર6મી મે, ર017ના રોજ કેન્દ્રમાં નમો સરકારને ત્રણ વર્ષ પૂરાં થયાં છે. એના લેખાંજોખાં સમૂહમાધ્યમો દ્વારા અનેક રીતે અપાતાં રહ્યાં છે ત્યારે નમોએ પોતાની સરકાર અને વિદેશીનીતિનો નવો અધ્યાય શરૂ કર્યો છે. જે દેશોની મુલાકાત ર9મી મે અને 3જી જૂન વચ્ચે લીધી એમાંના ત્રણ દેશો સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય છે અને ભારત આ ક્લબમાં સામેલ થવાનું પ્રબળ દાવેદાર છે. એ સિવાય વિશ્ર્વ જેના ભરડામાં આવી રહ્યું છે એ આતંકવાદની વિરુદ્ધ લડાઇમાં યુરોપીય દેશોનો સહકાર ઘણો મહત્ત્વનો બની રહે એમ છે. એ સિવાય મેક ઈન ઇન્ડિયા સંદર્ભે ભારતમાં આર્થિક રોકાણનો મુદ્દો પણ આ મુલાકાતનો મુખ્ય સૂર રહ્યો છે. એટલે આ સંદર્ભે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીમાં જર્મન ચાન્સેલર એંજેલા માર્કલને, સ્પેનમાં રાષ્ટ્રપતિ મારિયાનો રાજોયને, રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અને ફ્રાંસમાં નવનિયુક્ત રાષ્ટ્રપતિ ઇમૈનુણલ મૈક્રોને મળ્યા ત્યારે આ ત્રણ બાબતો પ્રમુખ રહી.

સ્વાભાવિકપણે વડાપ્રધાન મોદીની યુરોપયાત્રા ખૂબ મહત્ત્વની બની રહી. અમેરિકામાં પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી અમેરિકામાં અને જ્યાં જ્યાં અમેરિકાની હાજરી છે ત્યાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. આ સંજોગોમાં વડાપ્રધાન નમોની યુરોપના ચાર મહત્ત્વના દેશોની યાત્રા આર્થિક અને રાજકીય રીતે ઘણી મહત્ત્વની બની ગઇ છે.

ચારેય દેશમાં વડાપ્રધાનની મુલાકાત દરમિયાન થયેલી વાતચીત, ચર્ચા-વિચારણા અને એને અંતે થયેલા કરારો કે સંધિઓ ઉપર નજર નાખીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીમાં 8 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાં છે. બંને દેશો વચ્ચે ટ્રેડ, સ્કિલ ડેવલપમેન્ટ, સાઇબર સિક્યુરિટી સહિત આતંકવાદ બાબતે વાતચીત થઇ હતી. જર્મની સાથેના સહકારમાં નમોના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ મેક ઈન ઇન્ડિયાને ઘણો ફાયદો થાય એમ છે.  નમોના મતે ભારતમાં મોટાભાગના આર્થિક સુધારા પૂરા થયા છે. ઐતિહાસિક જીએસટી જુલાઇથી અમલી બની રહ્યું છે. ત્યારે ભારત અને જર્મની વચ્ચે ઇકોનોમી કોલાબોરેશનની ખૂબ સંભાવના છે. ચર્ચા વિચારણા પછી જે સંયુકત ઘોષણાપત્ર જાહેર કરાયું એમાં સાઇબર પોલિટિક્સ, વિકાસના કામો, સસ્ટેનેબલ શહેરી વિકાસ, સ્કીલ ડેવલપમેન્ટ સહિત ડિજિટાઇઝેશનના સેક્ટરમાં સહયોગ વધારવાની બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આમ પણ ભારતમાં સૌથી વધારે એફડીઆઇ જર્મનીથી આવે છે. ભારતમાં જર્મનીની 1600 કંપનીઓ દ્વારા 600 સંયુક્ત યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે ત્યારે ઇન્ડો-જર્મન સંબંધો નવો અધ્યાય સર્જી શકે એમ છે.

30 વર્ષ જેવા લાંબા ગાળા પછી ભારતના વડાપ્રધાન સ્પેનની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે સ્પેનમાં પણ ખાસ્સો ઉત્સાહ હતો. અત્યારે સ્પેનની ર00 કંપનીઓ ભારતમાં છે. જેમણે એપ્રિલ, ર000 થી ર016 સુધીમાં ર.32 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ર016માં પ.રર અબજ ડોલરનો બિઝનેસ કર્યો છે. નમોએ સ્પેનમાં 7 કરાર પર સહીઓ કરી છે. સ્પેન સાથે થયેલા કરારોમાં દોષિત લોકોની અદલા-બદલી પર એગ્રિમેન્ટ, માનવ અંગ પ્રત્યારોપણ પર સમજૂતી, સાઇબર સિક્યુરિટીમાં સહકાર, રિન્યુએબલ એનર્જિમાં સહયોગ, સિવિલ એવિએશનમાં ટેક્નિકલ કો-ઓપરેશન પર સમજૂતી, ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકોને વીઝામાં છૂટ માટે કરાર અને ભારતના ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ અને સ્પેનના ડિપ્લોમેટિક એકેડેમીની વચ્ચે સમજૂતી મુખ્ય છે. સ્પેન સાથેના સંબંધોમાં પણ અપાર શક્યતાઓ રહેલી છે જેને નમોની આ મુલાકાત પછી મજબૂત પ્રતિભાવ મળી શકે એમ છે.

ભારતના જૂના અને જાણીતા મિત્ર રશિયા સાથે પાંચ સમજૂતી કરાર થયા, તેની સાથે ભારતના સૌથી મોટો ન્યૂક્લિયર પ્લાન્ટ કુડનકુલમ સંદર્ભે અતિ મહત્ત્વનો કરાર થયો છે. જેમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના ર યુનિટ બનાવવાની ડીલ થઇ છે. નમોએ રશિયાની કંપનીઓને ભારતમાં ડિફેન્સ સેક્ટરમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે, ભારત ઝડપથી શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (એસપીઓ)નો હિસ્સો બની જશે. ભારત અને રશિયા સાથે મળીને એરક્રાફટ અને ઑટોમોબાઇલ સેક્ટરમાં કામ કરશે. રશિયા ભારતને એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ આપશે. એક રીતે ભારતની સૈન્યશક્તિને વધુ મજબૂતાઇ વધુ સક્ષમતા મળે એવા કરારો થવાથી પાકિસ્તાન તરફ ખસી રહેલું ભારતનું આ જૂનું મિત્ર ફરી પાછું ભારતની સાથે બેઠું છે. ફ્રાંસમાં યુએન સિક્યુરિટી રિફોર્મ્સ, સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતની પરમેનન્ટ મેમ્બરશિપ સહિત અનેક મુદ્દા પર ચર્ચા થઇ હતી. તેમજ ક્લાયમેટ ચેન્જમાં સહયોગ અને આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ પર પણ વાત થઇ હતી. ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થશે. ફ્રાંસ ભારતમાં નવમા નંબરે સૌથી મોટું રોકાણ કરનાર દેશ છે. એપ્રિલ, ર000થી જાન્યુઆરી, ર017 સુધી પ.પપ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ર016માં 9.60 અબજ ડોલરનો બિઝનેસ કર્યો છે.

જીવનના દરેક ક્ષેત્રમાં માર્કેટિંગ અગત્યનું છે અને હવેના સમયમાં રાજનીતિમાં તો ખાસ. એ બાબતને નમો સારી રીતે જાણે પણ છે અને તક મળે સુપેરે અજમાવે પણ છે. યુરોપના મહત્ત્વના ચાર દેશોની યાત્રા દરમિયાન એમણે ભારત તરફથી સહયોગનો હાથ લાંબો કર્યો હતો અને પરિણામે આતંકવાદ સામે એકજૂથ થઇને લડવાથી માંડીને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ ઉપરાંત ભારતમાં આર્થિક રોકાણ બાબતે એમને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હોય એમ હાલ તો લાગી રહ્યું છે.

નમોએ પોતાની સરકારના 3 વર્ષના ટૂંકા કાર્યકાળમાં થયેલી આર્થિક પ્રગતિનો ચિતાર રજૂ કર્યો છે. સ્પષ્ટ બહુમતીવાળી સ્થિર સરકાર આવી, જેના લીધે કડક પગલાં લઇને જે આર્થિક સુધારા કર્યા તેનાથી દેશ 7 ટકાથી વધુ જીડીપી ગ્રોથ હાંસલ કરી શક્યો છે. ભારતમાં રોકાણની વિપુલ તકો છે એ બાબતે એમણે ચારે દેશોને સંમત કરી લીધા છે. જો કે, નમોની વિદેશનીતિ હેઠળની આ પ્રવાસયાત્રાની ફલશ્રુતિને આધારે કેટલું રોકાણ આવે છે એ વાત તો સમયે જ કહેવાની છે. પરંતુ હાલના તબક્કે એક વાત ચોક્કસ છે કે આ ચારેય દેશો સાથેના સંબંધો ફરીથી મજબૂત બની રહેશે.

નમોનો ર017માં વિદેશ પ્રવાસ

ર017ના વર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસનો કાર્યક્રમ જાહેર થયો છે. એ મુજબ  7-8 જૂનના કઝાખસ્તાન,25-26 જૂન અમેરિકા,પ-6 જુલાઇના ઇઝરાયલ, 7-8 જુલાઇના  જર્મની, 3-પ સપ્ટેમ્બર ચીન અને 13-14 નવેમ્બરના  ફિલિપિન્સ  જશે.

નમોની વિદેશીનીતિ : 3 વર્ષ : પ7 વિદેશપ્રવાસ : 6 ખંડ : 4પ દેશ

નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન તરીકે ર6મેના રોજ બરાબર 3 વર્ષ પૂરાં થયાં છે. વડાપ્રધાન બન્યા બાદ નમોનો વિદેશ પ્રવાસ કાયમ ચર્ચાનો વિષય રહ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન એમના પ7 વિદેશપ્રવાસમાં 6 ખંડના કુલ 45 દેશનો સમાવેશ થાય છે .વિગતે જોઇએ તો નમો કુલ 35 દેશનો 1-1 વખત, 9 દેશનો બે-બે વખત અને એકમાત્ર અમેરિકાનો સૌથી વધુ ચાર વખત પ્રવાસ ખેડ્યો છે. અફઘાનિસ્તાન, ચીન, ફ્રાંસ, જાપાન, નેપાળ, રશિયા, સિંગાપુર, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન એવા દેશ છે કે જ્યાં મોદીએ બે વાર પ્રવાસ કર્યો છે. વડાપ્રધાન બન્યા બાદ તેઓ  સૌ પ્રથમ 16-17 જૂન, ર014ના ભૂતાન પ્રવાસે ગયા હતા. ર014ના વર્ષમાં નરેન્દ્ર મોદીએ 9, ર01પમાં ર8, ર016માં 19 અને ર017માં હજુ સુધી 1 વખત વિદેશ પ્રવાસ કર્યો છે.

Facebook Comments

You may also like

Feelings English Magazine April 2019