વિધાનસભા ચૂંટણી પહેલા ‘શક્તિ’ પ્રદર્શન

વિધાનસભા ચૂંટણી પહેલા ‘શક્તિ’ પ્રદર્શન

- in Politics
1186
Comments Off on વિધાનસભા ચૂંટણી પહેલા ‘શક્તિ’ પ્રદર્શન
'Shakti' exhibition before assembly elections

– પરીક્ષિત જોશી

છેલ્લી પાંચ ટર્મથી રાજ્યસભાના સભ્યપદે બિનહરીફ ચૂંટાતા કોંગ્રેસના રાષ્ટ્રીય સલાહકાર અને રણનીતિકાર અહેમદ પટેલને ઘેરવા માટે ભાજપાએ ખાસ રણનીતિ બનાવી અને એની ઉપર ખાસ્સું કામ પણ કર્યું. મતદાન પૂર્ણ થયા પછીના સતત ૧૦ કલાક સુધી રાજકીય પક્ષો, એમના રણનીતિકારો અને ચૂંટણીપંચ વચ્ચે ચાલેલી તકનિકી અને કાયદાકીય ચર્ચા-વિચારણાઓની મેરેથોન મંત્રણાઓ પછી પરિણામ આવ્યું ત્યારે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું…

છેલ્લાં એકાદ મહિનામાં ભારતીય રાજનીતિમાં ઘણી ઉઠાપટક થઇ છે. આમ તો એમાંની મોટાભાગની ઘટનાઓ એવી છે કે જે સામાન્ય ગણતરીથી જરા જુદી છે. આમેય જો સામાન્ય ગણતરી મુજબ જ થવાનું હોય તો એમાં રાજનીતિ ક્યાંથી આવે એટલે દરેક રાજકીય પક્ષ પોતાના રણનીતિકારની બુદ્ધિ ઉપર આધારિત હોય છે. જેવી રીતે એક યુદ્ધ બે વાર જીતવામાં આવે છે. પહેલાં રણનીતિકારના દિમાગમાં અને પછી વાસ્તવિક યુદ્ધના મેદાન ઉપર, એવી જ રીતે ચૂંટણી પણ બે વાર જીતાતી હોય છે. પણ કાગનો વાઘ અને વાઘનો કાગ બેય જુદી પરિસ્થિતિઓ છે. ગુજરાતમાંથી રાજ્યસભાની ૩ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી એનું ઉત્તમ ઉદાહરણ છે. એનો આખો ઘટનાક્રમ પણ જબરજસ્ત રોમાંચક અને રહસ્યમય વળાંકોથી ભરપૂર છે. બીજી રીતે કહેવું હોય તો એક બોલિવુડ બ્લોકબસ્ટર ફિલ્મની પટકથા એમાં છૂપાયેલી છે, એની લગીરેય ના નહીં.

બંધારણીય રીતે જોવા જઇએ તો સ્વાભાવિકપણે વિધાનસભામાં સભ્યસંખ્યા મુજબ કુલ ૩માંથી ર બેઠકો ભાજપાની અને ૧ બેઠક કોંગ્રેસના ફાળે જાય. અત્યાર સુધી એમ જ હતું. પરંતુ બરાબર ચૂંટણીના એકાદ મહિના પહેલાં અચાનક જ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો. કોંગ્રેસના વિરોધપક્ષના નેતા અને પ્રદેશપ્રમુખ વચ્ચે જે કાંઇપણ બન્યું હોય પણ એ બાબત છેક દિલ્હી પહોંચી. ઉપરા ઉપરી બેઠકોનો દોર ચાલ્યો. સામ-સામે માગણીઓ અને જવાબદારીઓની ચર્ચા-વિચારણાઓ થઇ અને આખરે એ વાટાઘાટો પડી ભાંગી ત્યારે એનો બીજો અંક ગાંધીનગરમાં શરૂ થયો. પોતે રાજીનામું આપ્યા વિના શંકરસિંહ બાપુએ પોતાના મનની વાતોને ખૂલ્લી મૂકી અને પોતાના ટેકેદાર વિધાનસભ્યોનેય મુક્ત કર્યા.

થોડાક જ સમયમાં એક પછી એક એમ કુલ ૬ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા પડી ગયા. કોંગ્રેસ સફાળી જાગી ઊઠી. એમણે પોતાના સૌ ધારાસભ્યોને આ રાજકીય સંકટમાંથી બચાવવા માટે બીજા રાજ્યમાં પ્રયાણ કર્યું અને બીજી વિકેટ્સ બચાવી પણ લીધી. છતાં આ સમયમાં ગુજરાતના ઉત્તર ભાગમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં આવેલ વિનાશક વરસાદની પરિસ્થિતિમાં રાહત અને બચાવકાર્ય કરવાને બદલે રાજ્યફેર કરી ગયેલા ચૂંટાયેલા સ્થાનિક ધારાસભ્યો અને મૂળ પક્ષમાંથી રાજીનામું આપીને પક્ષપલટો કરનારા એમ બેય પ્રકારના ધારાસભ્યો ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ, રોષ-ગુસ્સો ઠલવાતા રહ્યા.

પણ જ્યારે રાજ્યસભાની ૯ બેઠકો માટે આઠમી ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાઇ ત્યારે વાતમાં જરા નવો વળાંક આવ્યો. કુલ ૯ બેઠકો માટે યોજાયેલા મતદાનમાંથી ૩ બેઠકો ગુજરાત, ૬ બેઠકો પશ્ર્ચિમ બંગાળ અને એક બેઠક મધ્યપ્રદેશમાંથી હતી. ૧૮મી ઓગસ્ટના રોજ આ સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. જેમાં ગુજરાતથી સ્મૃતિ ઇરાની (ભાજપા), દિલીપભાઇ પંડ્યા (ભાજપા) અને અહેમદ પટેલ (કોંગ્રેસ)નો સમાવેશ થતો હતો.

જોકે, સ્વાભાવિકપણે સૌથી વધુ રસપ્રદ મુકાબલો ગુજરાતનો હતો અને એ ધાર્યા કરતાં પણ વધુ રસપ્રદ અને રોમાંચક રહ્યો. છેલ્લી પાંચ ટર્મથી રાજ્યસભાના સભ્યપદે બિનહરીફ ચૂંટાતા કોંગ્રેસના રાષ્ટ્રીય સલાહકાર અને રણનીતિકાર અહેમદ પટેલને ઘેરવા માટે ભાજપાએ ખાસ રણનીતિ બનાવી અને એની ઉપર ખાસ્સું કામ પણ કર્યું. મતદાન પૂર્ણ થયા પછીના સતત ૧૦ કલાક સુધી રાજકીય પક્ષો, એમના રણનીતિકારો અને ચૂંટણીપંચ વચ્ચે ચાલેલી તકનીકી અને કાયદાકીય ચર્ચા-વિચારણાઓની મેરેથોન મંત્રણાઓ પછી પરિણામ આવ્યું ત્યારે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું.

તેમ છતાં ક્રોસ વોટિંગનો મુદ્દો સતત ઉછળતો રહ્યો. મતદાન બાદ અને મત ગણતરી પહેલાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલના મતો સામે વાંધો ઉઠાવતી કોંગ્રેસે વાંધો ઉઠાવતી ફરિયાદ કરી તો સામે છેડે ભાજપે પણ કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર અને મિતેષ ગરાસિયાના મતો રદ કરાવવા માટે ફરિયાદ કરી. આ ફરિયાદો અને દાવા-દલીલો વચ્ચે સતત ૧૦ કલાક સુધી પરિણામની રાહ જોઇને ઉમેદવારો તો ઠીક પણ સામાન્ય મતદારોમાં પણ એક પ્રકારની વિચિત્ર લાગણી ઊભી થઇ. સામાન્ય રીતે બિનહરીફ રહેતી આ ચૂંટણી પણ આ વખતે ટી-ટ્વેન્ટી જેવી રોમાંચક બની ચૂકી હતી. આખરે રોમાંચમાં રહસ્ય પણ ભળતું ગયું અને જે ચૂંટણીમાં ભાગ્યે જ કોઇને રસ હોય છે કે સામાન્ય મતદારને ખ્યાલ હોય છે કે આવી કોઇ ચૂંટણી પણ થાય છે એમાં મોડી રાત સુધી, ક્રિકેટ મેચના પરિણામની જેમ મોટાભાગના કાગડોળે રાહ જોવા લાગ્યા હતા.

ત્રીજી બેઠક માટે ભાજપામાં જોડાઇને તરત જ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઊભા રહેલા બળવંતસિંહ રાજપૂત માટે પ્રતિષ્ઠાનો જંગ હતો એના કરતાંય વધુ પ્રતિષ્ઠાનો જંગ શંકરસિંહ બાપુ અને ભાજપાના રણનીતિકાર અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે હતો. સાદી-સીધી ગણતરી મુજબ ભાજપાની બે બેઠકો તો આવી જ ગઇ, પરંતુ ત્રીજી બેઠક ઉપરના ઉમેદવારને બદલે અહેમદ પટેલે પોતાનું પદ અને પ્રતિષ્ઠા બેય જાળવી રાખ્યાં.

હાર-જીત તો ચૂંટણી જેવા જાહેર જીવનમાં અવશ્યભાવી છે, પરંતુ જે રીતે બધું બન્યું એનાથી એકેય બાજુ કશુંય ઉમેરાયું નથી. ઊલટાનું બેય રાજકીય પક્ષોને ભિન્ન-ભિન્ન રીતે નુકસાન વેઠવાનું આવ્યું. છેક રાજીવ ગાંધીના સમયથી કોંગ્રેસની સરકારની કરોડરજ્જુ એવા વજીર સાહેબ અહેમદ પટેલનું પદ તો જાળવ્યું પરંતુ પ્રતિષ્ઠા ઓછી થઇ જ. એ સિવાય જાતભાતના કારણોસર કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા પડ્યા અને પહેલાંના ૬ રાજીનામા અને પછી ૬ના ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને ૧૦મી ઓગસ્ટ, ર૦૧૭ના રોજ જ્યારે આ લખાઇ રહ્યું છે ત્યારે કોંગ્રેસમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એ રીતે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ પ૭માંથી ૧૨ જતાં ઘટીને ૪૫ થયું છે, એ પણ એક મોટો ફટકો એમને સહેવાનો આવ્યો.

આ ધારાસભ્યોમાં કેટલાક તો કદાવર અને સક્ષમ સશક્ત નેતાઓ હતા જે કોંગ્રેસ છોડી ગયા એટલું જ નહિ, એમના વિરોધપક્ષ એવા ભાજપાના પડખે ભરાઇ બેઠા. હાલ તો સ્પષ્ટપણે દેખાતું આ બમણું નુકસાન કોંગ્રેસને પક્ષે છે. પરંતુ એ શું પરિણામ લાવશે એ તો સમય જ બતાવશે.

તો બીજી તરફ ભાજપાએ નવી ભરતી કરી અને એમાંય જે તે વિસ્તારમાંના સશક્ત સબળ ઉમેદવારો પોતાના પક્ષમાં ભેળવી દીધા છે એ ખરું, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીઓ વખતે એ વિસ્તારમાંથી કોને ટિકિટ આપવી અને કોને કાપવા એ વિશે જો કાચું કપાયું તો યાદવાસ્થળી થવાની શક્યતાનો પાયો તો અત્યારે મૂકાઇ જ ગયો છે. ભાજપાએ પોતાની બે બેઠકો સરળતાથી સાચવી લીધી છે પરંતુ એનીય પ્રતિષ્ઠાનેય અસર તો પહોંચી જ. આટઆટલું મજબૂત રાજકારણ રમવા છતાં કોંગ્રેસમાંથી મજબૂત નેતાઓને જોડી લેવા છતાં આખરે રાજ્યસભાની ત્રીજી બેઠક મેળવીને કોંગ્રેસનો વ્હાઇટવોશ કરવાની અપેક્ષા તો પૂરી ન જ થઇ. બેય તરફે છો પરિસ્થિતિ કાગળ ઉપર એમની એમ દેખાતી હોય પરંતુ માનસિક દૃષ્ટિએ ખાસ્સો ફરક પડ્યો છે. દેશ ઉપર સૌથી લાંબો સમય સુધી એકચક્રી શાસન કરનારા પક્ષના સૌથી લાંબો સમય સુધી એકચક્રી સત્તા ભોગવનારા અહેમદ પટેલ માંડ-માંડ પોતાની બેઠક જાળવી શક્યા છે. સ્થાનિક સ્તરેથી ગજુ કાઢીને છેક રાષ્ટ્રીય સ્તરે પહોંચેલા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે રણનીતિમાં એમને ચેકમેટ કરી રહ્યા છે. તો બીજી તરફ અમિત શાહ જેવા રણનીતિકારનો રાજસૂય યજ્ઞનો અશ્ર્વ, જરાક પોરો લેવા જેટલોય, પણ વચ્ચે અટક્યો છે.

સરવાળે ગુજરાતની રાજનીતિએ ફરીથી કેન્દ્રસ્થ રાજનીતિને પ્રભાવિત કરી છે અને ભારતીય રાજનીતિ ઉપર અમિત સિક્કાની છાપ દેખાઇ રહી છે. આગળ હજુ ગુજરાત વિધાનસભા ચૂંટણી અને પછી આગામી લોકસભા ચૂંટણી સુધી આ પરિણામોની દૂરોગામી અસર દેખાતી રહેશે.

યુપી-બિહારમાં પણ આયારામ-ગયારામ

મહાગઠબંધન સામે ચૂંટણી હારીને સત્તાથી દૂર રહેલા ભાજપાએ પોતાની રણનીતિ અને રાજનીતિના દમ ઉપર એ જ મહાગઠબંધનને વિભાજિત કરીને સત્તાસ્થાન સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. નીતિશકુમારની રાજનીતિ જેડીયુના મોટા મોટા નેતાઓની સમજ બહાર છે. આ નેતા વિચક્ષણ છે. તાજેતરમાં એમણે લીધેલા કેટલાંક નિર્ણયો જોશો તો એ વાત સ્પષ્ટ થઇ જશે.

rajramat-2

રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપા સમર્થિત ઉમેદવારને ખુલ્લું સમર્થન આપ્યું હતું, તો ત્યાર બાદ ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી વખતે નીતિશકુમારે વિપક્ષના ઉમેદવારની તરફેણ કરી હતી. એટલું જ નહિ, કેન્દ્ર સરકારે જ્યારે નોટબંધી કરી તે વખતે નીતિશકુમારે સરકારના નિર્ણયને અનુમોદન આપીને વિપક્ષથી વિરુદ્ધ મત પ્રદર્શિત કર્યો હતો. એવી જ રીતે જીએસટી મુદ્દે પણ સરકારની તરફેણ કરીને વિપક્ષની ગણતરી ઉલટાવી દીધી હતી. એમાંય નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કથિત કૌભાંડને આગળ કરીને બિહારના મુખ્યમંત્રીપદેથી નીતિશકુમારે રાજીનામું આપીને માસ્ટરસ્ટ્રોક માર્યો હતો. જે લગભગ કોઇનીય કલ્પના બહારનો હતો.

શક્ય બન્યું ત્યાં સુધી ગઠબંધન ધર્મ નિભાવ્યો અને જનતાના હિતમાં કામ કર્યું પણ જ્યારે લગીરેય કામ થઇ શકે જ નહીં એવો માહોલ રચાયો ત્યારે તેજસ્વીનું રાજીનામું માગવાને બદલે પોતાના મુખ્યમંત્રીપદની બલિ આપીને નીતિશકુમારે એક કાંકરે અનેક શિકાર કરી પાડી દીધા હતા. અંતરાત્માના અવાજ મુજબ રાજીનામું ધરી દેનારા નીતિશકુમાર સતત કહેતા રહ્યા છે કે માટીમાં મળી જઇશ પરંતુ ભાજપ સાથે ક્યારેય હાથ મિલાવશે નહીં અને એમાં કહેતાં કહેતાં જ રાજીનામાના માત્ર પંદર જ કલાક જેટલા ટૂંકા સમયગાળા પછી ભાજપાના ટેકાથી ફરી પાછા મુખ્યમંત્રીપદે છઠ્ઠીવાર બેસી ગયા છે.

બિહારની રાજનીતિમાં આવેલો આ યૂટર્ન માત્ર સ્થાનિક કે રાજ્યકક્ષાનો નથી, આ નવા જોડાણની અસર કેન્દ્ર સરકાર અને આગામી લોકસભા ચૂૂંટણીઓ સુધી પહોંચશે, એ નક્કી. તો બીજી તરફ યુપીમાં પણ આ જ માહોલ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાંસદપદેથી રાજીનામું ધરી દીધું છે, ત્યારે હવે એમના સહિત ભાજપાના બે ઉપમુખ્યમંત્રીઓ માટે ૩ બેઠકો જે ખાલી થઇ છે એ ત્રણેય બેઠકો આશ્ર્ચર્યજનક રીતે ખાલી થઇ છે. એટલે સરવાળે જોવા જાવ તો ભાજપાની રણનીતિનો અમિત સિક્કો હવે ગુજરાત અને કેન્દ્ર સિવાય અન્ય રાજ્યોમાં પણ દેખાવા લાગ્યો છે.

રાજ્યસભા ચૂંટણીનું ગણિત

શંકરસિંહ બાપુએ પોતાના વિશ્ર્વાસુ ધારાસભ્યોને અંતરાત્માના અવાજ મુજબ જે તે પક્ષમાં જોડાવા માટે મુક્ત કરતાં અપાયેલા ૬ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસની પાસે પ૭માંથી આ ૬ ધારાસભ્યો જતાં બાકી રહેલા પ૧ ધારાસભ્યો હતા અને અહેમદ પટેલની જીત માટે માત્ર ૪પ ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. સાદી સીધી લાગતી આ ચૂંટણીનું ગણિત રસપ્રદ બની ગયું હતું. ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮ર બેઠકો છે.

rajramat-3

ચારે ધારાસભ્યો અમિત શાહ, સ્મૃતિ ઇરાની, બળવંતસિંહ રાજપૂત અને અહેમદ પટેલને જીત માટે ૧૮ર/૪=૪૬+૧=૪૭ વોટોની જરૂર પડતી. જોકે ૬ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા પછી વિધાનસભામાં કુલ સંખ્યા ઘટીને ૧૭૬ થઇ હતી. એટલે ઉમેદવારોને જીત માટે ૪૪+૧=૪૫ મતોની જરૂર હતી. વિધાનસભાના ૧૭૬ ધારાસભ્યોમાંથી ભાજપ પાસે ૧૨૧, કોંગ્રેસ પાસે ૫૧ અને ૨ એનસીપી, જેડીયુ પાસે ૧ અને ૧ અપક્ષ છે. ભાજપની વાત કરીએ તો અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીને જીતવા માટે પાર્ટીને ૪૫૨=૯૦ ધારાસભ્યોના મતોની જરૂર હતી. આ પછી ૩૧ વધુ વોટો વધતાં હોવાને લીધે એમણે એક પાસો ફેંક્યો અને કોંગ્રેસથી આવેલા બળવંતસિંહ રાજપૂતને મેદાનમાં ઉતારીને અહેમદ પટેલને રક્ષણાત્મક બાજી રમવા ઉપર મજબૂર કરી દીધા. બીજી તરફ કોંગ્રેસની પાસે પ૭માંથી ૬ ધારાસભ્યોના રાજીનામા પછી કુલ ૫૧ ધારાસભ્યો હતા એટલે ત્રીજી બેઠક ઉપર તેમની જીત તો પાકી માનવામાં આવતી હતી. પરંતુ પાર્ટી જ્યારે પોતાના ૪૪ ધારાસભ્યોને રાજ્યફેર કરાવ્યો ત્યારે કુલ ૭ ધારાસભ્યો એમની સાથે ગયા નહોતા. એમના ક્રોસ વોટિંગને પણ ગણી લઇએ તો ૫૧માંથી એ ૭ બાદ કરતાં આખરે ૪૪ મત રહ્યા જેમણે અહેમદ પટેલની બેઠક બચાવી અલબત્ત તેમાં છોટુભાઈ વસાવાનો મત નિર્ણાયક સાબિત થયો.

Facebook Comments

You may also like

Feelings English Magazine April 2019