– પારૂલ સોલંકી
બે સખીઓનો મૈત્રી સંબંધ પણ સંબંધની એક અલગ જ પરિભાષા સમજાવે છે. રાજકોટમાં વસતા પૂર્વી ભારદ્વાજ અને લંડન સ્થિત ધારા શર્મા બંનેનો સ્કૂલ સમયનો લાગણીભર્યો અને ગાઢ સંબંધ આજે 21 વર્ષે પણ ખૂબ સરસ રીતે જળવાઇ રહ્યો છે. આ બંને મિત્રો તેમની વાતો ફીલિંગ્સ સાથે શેર કરે છે…
બે સ્ત્રીઓ વચ્ચેની દોસ્તીનો એવો એક સ્નેહાળ સંબંધ..!! જે માઈલો દૂર હોવા છતાં સરસ રીતે જળવાઇ રહ્યો હોય તેવા મૈત્રી સંબંધ બહુ ઓછા જોવા મળે..,પરંતુ સ્ત્રીઓના મૈત્રી સંબંધ બાબતે એમ કહી શકાય કે કેટલીક સ્ત્રીઓ પોતપોતાના બાળકો અને ઘર-પરિવારની જવાબદારીઓમાં પરોવાતી જાય છે, એટલે સ્વાભાવિક રીતે જ સ્કૂલ, કોલેજ ફ્રેન્ડઝ સાથેનો સંપર્ક સેતુ ધીમે ધીમે તૂટતો જાય છે, અને મોટાભાગની સ્ત્રીઓની કહાની આવી જ હોય છે.
પરંતુ પૂર્વી અને ધારાની ફ્રેન્ડશિપની વાત આ બાબતે એકદમ અલગ છે, બેઉ સખીઓનો સ્કૂલ સમયનો લાગણીભર્યો, ગાઢ અને અનોખો મૈત્રી સંબંધ એક કોમ્યુનિકેશન સાથે આજે પણ એવો જ અકબંધ જળવાઈ રહ્યો છે. રાજકોટમાં વસતા પૂર્વી ભારદ્વાજ અને લંડન સ્થિત ધારા શર્મા બેઉ સ્કૂલ સમયના એક બીજાના બેસ્ટ ફ્રેન્ડ્સ જેઓ પોતાની અનોખી મૈત્રીની વાત ફીલિંગ્સ સાથે શેર કરે છે.. જિંદગીના સૌથી નિર્દોષ અને રસપ્રદ દિવસો બેઉ સખીઓએ સૌરાષ્ટ્રના રાજકોટમાં એક સાથે વિતાવ્યા, અને સ્કૂલિંગ બાદ ભૌગોલિક દ્રષ્ટિએ બેઉ એકદમ અલગ પડી ગયા .! કેમકે ધારા એના ફેમીલી સાથે લંડન સેટલ થઇ!!, વાત 21 વર્ષ પહેલાની છે જ્યારે આપણે ત્યાં મોબાઈલ ફોન કે ઈન્ટરનેટનું અસ્તિત્વ પણ નહોતું, પરંતુ ફ્રેન્ડશિપના આ પ્રેમાળ સંબંધમાં શેરિંગ, કેરિંગ, ઈમોશન્સ અને કોમ્યુનિકેશન, ટ્યુનિંગ, બોન્ડિંગનું સાતત્ય સંપૂર્ણપણે જોવા મળે છે, ધારા અને પૂર્વી બેઉ સખીઓ આ સદગુણોને આત્મસાત કરીને વર્ષોથી એક જ વેવલેન્થમાં સુંદર રીતે પોતાના મૈત્રી સંબંધને ખૂબ સરસ રીતે જીવી રહ્યા છે..!
પૂર્વી આ બાબતે વાત કરે છે.. સ્કૂલ સમયથી જ અમે ક્લોઝ ફ્રેન્ડઝ! સ્કૂલિંગ પૂરું થયા બાદ અમે છૂટા પડી ગયા,પરંતુ ધારાએ ત્યાં લંડન જઈને પણ મારી સાથે કોન્ટેકટ જાળવી રાખ્યો , ધારા જયારે પણ અહીં રાજકોટ આવે અમે એક દિવસ તો સાથે વિતાવીએ જ, છેલ્લા 21 વર્ષથી અમારું કોમ્યુનિકેશન અને કોન્ટેક્ટ સતત જળવાઈ રહ્યો છે !! પરંતુ ત્યાં જઈને ધારા મને એક વાત ખાસ કહ્યા કરતી ,પુરકી તું એક વાર અહીં લંડન આવ ,અહીની લાઈફ સ્ટાઇલ જો અને એ બહાને આપણને થોડો સમય સાથે રહેવા મળશે, બસ એના આ સતત પ્રેમભર્યા આગ્રહથી મને પણ દિલથી તમન્ના થતી કે મારી ફ્રેન્ડને ત્યાં લંડન એકવાર તો જવું જ છે. મારું આ સ્વપ્ન થોડાં સમય પહેલાં જ પૂરું થયું. હું મારી સૌથી ક્લોઝ ફ્રેન્ડ ધારાને મળવા લંડન જઈ આવી અને ચાર મહિના જેવો સુંદર સમય અમે સાથે વિતાવ્યો, વર્તમાન સમયમાં મેસેજ, ચેટ અને વિડીઓ કોલિંગથી તો બધા ફ્રેન્ડ્ઝ કનેક્ટ રહે જ છે પરંતુ રૂબરૂ મળવાની મજા જ કૈંક ઓર હોય છે.
લાગણીસભર થઇને પૂર્વી કહે છે, ધારાએ મને લંડનમાં એના ઘરે એટલી સરસ રીતે સાચવી છે કે, કહેવા માટે શબ્દો ઓછા પડે.!! હું લંડન ધારાના ઘરે ચાર મહિના જેટલું રોકાણી.. પણ એણે મને એટલી ખુશી આપી કે એનું વર્ણન કઈ રીતે કરું.!! સૌપ્રથમ તો એણે ત્યાં શોપિંગ મોલમાં લઇ જઈને મને સ્પેશિયલી ખૂબ જ શોપિંગ કરાવ્યું. ત્યાંથી કોસ્ટલી વેસ્ટર્ન આઉટ ફિટ્સ, શુઝ, કોસ્મેટિક્સ મારાં માટે એ ખરીદતી જ ગઈ. હું એ બધી ખરીદી માટે ના પાડું તો મારું માને એમ જ નહોતી, કેમ કે અહીં ભારતમાં તો હું એવા ખાસ વેસ્ટર્ન ડ્રેસ પહેરતી જ નથી. તો ધારા મને કહે અહીં તો જેવો દેશ તેવો વેશ. પુરકી તારે અહીં આમ જ કરવાનું….આમ જ રહેવાનું !! અરરે એણે મારો કમ્પ્લિટ મેકઓવર જ કરી નાખ્યો.. સિમ્પલ લેન્ગ્વેજમાં કહું તો મારી એકદમ કાયાપલટ થઇ ગઈ. એ પોતે લંડનમાં જે સ્ટાઈલથી રહે છે, તેમ જ ધારાએ મારા આઉટલુકમાં ધરમૂળથી બદલાવ લાવી દીધો. પૂર્વી મુસ્કુરાતા ચહેરે કહે છે, અમારે લંડનમાં પણ બેઉ વચ્ચે કોઈ વાર ફાઈટ થઇ જતી. કેમકે અમુક બાબતમાં નેચરલી જ આપણે ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે પણ મતભેદ તો થવાના જ,પરંતુ અમારું અન્ડરસ્ટેન્ડિંગ પણ એવું સરસ છે કે મતભેદ પણ ઝાઝી વાર ના ટકે. તો તે સમયે ક્યારેક મારી મોટીબેન બની જાય, તો ક્યારેક મા જેવી પણ બની જાય! ત્યારે મારી ફ્રેન્ડ પર મને એકદમ ગર્વ થાય, મારી ખૂબ જ ચિંતા કરે, મતલબ કે ધારા એકદમ કેરિંગ ફ્રેન્ડ છે. ત્યાં મને ક્યાંય એકલી જવા ન દે. જોકે ત્યાં નજીકમાં આવવા જવામાં તો બે દિવસમાં જ હું યુઝ ટુ થઇ ગયેલી.. તેમ છતાં પણ તે હંમેશાં શીખામણ આપતી રહેતી.
અમે વહેલી સવારે આઉટિંગ માટે ગયા હોય અને કહે પુરકી તું થોડો સ્નેક્સ લઇ લે, આ કોલ્ડ્રિંક્સ લે.. ખાવા-પીવાથી લઇને તમામ બાબતોમાં એણે મારું કેટલું બધું ધ્યાન રાખ્યું છે. ત્યાંની આબોહવાને કારણે મને સખત ફ્લૂ થઇ ગયેલો. તો મારી એવી કાળજી એણે લીધી.. ટાઇમ ટાઇમ પર દવા આપે, જરૂર પડે દવા પણ બદલાવતી ,અને મને આદુ વગરની ચા પીવાની આદત છે તો મારી ચા આદુ વગરની અલગથી બનાવતી. પૂર્વી ભાવવિભોર થઇને વાત આગળ કહે છે.. ઇવન મારા નિયમ ધર્મ સચવાય એ પણ એણે સંપૂર્ણપણે ધ્યાન રાખ્યું છે, કેમકે હું ફૂડમાં ઓનિયન-ગાર્લિક નથી લેતી. મારે ત્યાં એકેય બાબતે કોઈ પણ જરૂરી વસ્તુ માગવી નથી પડી ! એ પોતાનું સ્વાભિમાન જાળવીને રહે જ છે, પણ સાથે એ બીજી સ્ત્રીનું સ્વમાન પણ સચવાય એનું પૂરું ધ્યાન રાખે છે, એનું નામ ધારા છે એમ એના નામ પ્રમાણે એ છે..એને નદીની જેમ વહેવા જ દેવી પડે, એકદમ પ્રેમાળ અને લાગણીશીલ છે એ.
પૂર્વી કહે છે, મારી ફ્રેન્ડ સાથે લંડનમાં ગાળેલ એ સમય મારા જીવનની અણમોલ મૂડી બની રહેશે એમ હું માનું છું. 21 વર્ષ પહેલા મેં જે સપનું જોયેલું એ આજે પૂર્ણ થયું છે, અને હું ખુબ જ હેપ્પી હેપ્પી છું! ઇવન લંડન રહેતી મારી ફ્રેન્ડ પણ એટલી ખુશ હતી કે એ કહેતી હતી કે મારું ચાલે તો હું આખા લંડનને કહું કે જુઓ મારી ફ્રેન્ડ પુરકી છેક ભારતથી ખાસ મને મળવા આવી છે.
વર્ષોથી લંડનમાં વસી રહેલ ધારા શર્મા પોતાની સ્કૂલ ફ્રેન્ડ પૂર્વીને હજુ લાડથી પુરકી કહીને જ બોલાવે છે. આ બાબતથી જ આપણે સમજી શકીએ કે બેઉનું ફ્રેન્ડશિપ બોન્ડિંગ કેટલું સરસ છે, એક અદભૂત સંબંધ કહી શકાય.
અહીં લંડનમાં અમે એકબીજાની કંપનીમાં ખુબ એન્જોય કર્યું. અમને બેઉને ડાન્સિંગ અને સિંગિંગ ખુબ જ ગમે છે. હોળી એ અમારા બેઉનો ફેવરિટ ફેસ્ટિવલ છે જે અમે સ્કૂલ સમયમાં ખુબ જ મસ્તી સાથે સેલિબ્રેટ કરતા. પૂર્વીને લંડન આવવા માટે આટલો સતત આગ્રહ કર્યાનું કારણ પૂછતાં ધારા કહે છે, પુરકીને હું વર્ષોથી યુકે આવવા કહેતી રહેતી હતી..અને તેને લંડન બોલાવવા માટેની મારી ખાસ ઈચ્છા એટલે હતી કે એ એના માટે મારું આ એક સ્મોલ થેન્ક્સ હતું. કેમકે પુરકી મારા અને મારા ફેમિલી માટે ખુબ હેલ્પફુલ બની છે. ઇવન પુરકી અને તેનો હસબન્ડ પણ હંમેશાં અમારા ફેમિલી માટે હેલ્પફુલ રહ્યા છે.
મિત્રો બે દિલોજાન સખીઓના આ અનોખા મૈત્રીસંબંધની અદભૂત વાતો વિષે જાણીને સંબંધ કોને કહેવાય એનો ખ્યાલ આવી શકે છે.