– પરીક્ષિત જોશી
ચીનની સરહદ ૧૪ દેશો સાથે જોડાયેલી છે. તેમાંથી મોટા ભાગના દેશો સાથે તેનો સરહદી વિવાદ ચાલે છે. એ સંજોગોમાં ચીનને ભારતની સાથે લડાઇ લડવાની સ્થિતિ પેદા થાય તો તેના દુશ્મનો ચૂપ રહેશે એમ માનવું ભૂલભરેલું છે. જાપાન અને વિયેતનામ તો આ મામલે તાકીને જ બેઠાં છે. અન્ય કેટલાંક દેશોના ભારત સાથેના ઘણાં સારા સંબંધ છે. એટલે આ ચક્રવ્યૂહને લીધે ચીન કાંકરીચાળો કરતાં ખચકાઇ રહ્યું છે…
એશિયામાં સૌથી વધુ ચાલી રહેલા સરહદ વિવાદના મૂળ છેક આ દેશોની આઝાદી સાથે સંકળાયેલા છે. ખરા અર્થમાં આ મુદ્દો ત્રિશંકુ પણ છે અને ત્રિપરિમાણીય પણ. વળી, એમાં ત્રણ દેશો સંકળાયેલા છે. ૧૯૪૭માં અખંડ ભારતમાંથી છૂટા પડેલા ભારત અને પાકિસ્તાન અને એના બે વર્ષ પછી ૧૯૪૯માં પિપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના. આ ત્રણેય દેશોની સ્વતંત્ર સ્થાપનામાંથી જ ત્રણેય દેશો વચ્ચે સરહદના પ્રશ્ર્નો વિવાદિત રહ્યા છે. હાલમાં જે મુદ્દો ચગ્યો છે એ તિબેટ હોય કે પછી ભૂટાન કે પછી અકસાઇ ચીન હોય કે ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોની સરહદ-ચીનનો ભૂભાગ પ્રસાર અને દબાણનીતિનો ભોગ બનતા રહ્યા છે. ૧૯૬રમાં થયેલું ભારત-ચીન યુદ્ધ પણ આવા મુદ્દે જ લડાયું હતું. જેણે વડાપ્રધાન પંડિતજીની‘હિન્દી-ચીની,ભાઇ-ભાઇ’ નીતિનોય ખ્યાલ રાખ્યો નહોતો. આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે જોન્સન રેખા હોય કે મેકમોહન રેખા હોય, ચીને સીમાંકનની એકેય ફોર્મ્યુલા કદીય, ક્યારેય સ્વીકારી નથી. દલાઇ લામાને તિબેટ છોડ્યા પછી ભારતમાં અપાયેલા આશરાને પણ ચીન અત્યંત ગંભીરતાથી લઇ રહ્યું છે. આજે દલાઇ લામાનો ઇશ્યૂ છેક કૈલાસ માનસરોવર યાત્રા અટકાવવા સુધી આવી પહોંચ્યો છે.
જેના લીધે તાજેતરનો વિવાદ શરૂ થયો છે એ ડોકાલા-એ લગભગ ર૬૯ વર્ગ કિલોમીટરના ક્ષેત્રફળવાળો વિસ્તાર ભારત, ચીન અને ભૂટાનની સરહદની પાસે છે. આ એ જ વિસ્તાર છે જ્યાં ત્રણેય દેશોની સરહદ મળે છે. વર્ષ ૧૯૧૪ની મેકમોહન રેખા મુજબ આ વિસ્તાર ભૂટાનના અધિકારમાં આવે છે. જ્યારે ચીન એની ભૂવિસ્તારનીતિ હેઠળ આ રેખાને માનવાનો જ ઇન્કાર કરે છે. ડોકા લા વિસ્તારનું વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વ છે. ચુંબી ઘાટી સાથે જોડાયેલું હોવાને કારણે ચીન આ વિસ્તાર પર પોતાની સૈન્ય શક્તિ મજબૂત કરવા માગે છે અને આ વિસ્તારમાં સૈન્ય હિલચાલ માટે પાકા રસ્તા બાંધવા માગે છે. આ વિસ્તાર ભારતની આંતરિક સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. ભારત અને ચીનની વચ્ચે બે મહત્ત્વના ઘાટ નાથુલા અને જેલપ લા આ ઘાટી પર ખૂલે છે. સાંકડા આકારને કારણે જ આ વિસ્તારને ‘ચિકન્સ નેક’ નામ અપાયું છે. ચુંબી ઘાટીની બિલકુલ નીચે આવેલા સિલીગુડી વિસ્તાર ભારતને ઉત્તર-પૂર્વી રાજ્યોથી જોડે છે. ભારતે એટલે જ આ બાબતે કડક વલણ અપનાવવું પડ્યું છે.
જોકે, ચીનની મુશ્કેલી જરા જુદી છે. ચીનની સરહદ ૧૪ દેશો સાથે જોડાયેલી છે. તેમાંથી મોટાભાગના દેશો સાથે તેનો સરહદી વિવાદ ચાલે છે. એ સંજોગોમાં ચીન ભારતની સાથે લડાઇ લડવાની સ્થિતિ પેદા થાય તો તેના દુશ્મનો ચૂપ રહેશે એમ માનવું ભૂલભરેલું છે. જાપાન અને વિયેટનામ તો આ મામલે તાકીને જ બેઠા છે. અન્ય કેટલાક દેશોના ભારત સાથે ઘણાં સારા સંબંધ છે. એટલે આ ચક્રવ્યૂહને લીધે ચીન કાંકરીચાળો કરતાં ખચકાઇ રહ્યું છે. જોકે, અગત્યની બાબત એ છે કે ભારત-ચીન બેયની વચ્ચે ૩,૪૮૮ કિલોમીટર લાંબી સરહદ છે જે જમ્મુ-કાશ્મીરથી લઇને અરુણાચલ પ્રદેશ સુધીની છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે પણ એ સરહદ જોડાયેલી છે. આ સરહદમાંથી રર૦ કિલોમીટર સરહદ સિક્કીમ સાથે જોડાયેલી છે. અરુણાચલ પ્રદેશને ચીન દક્ષિણ તિબેટ કહે છે, જ્યારે ભારતનું કહેવું છે કે વિવાદિત ક્ષેત્ર અક્સાઇ ચીન છે. જેને ચીને વર્ષ ૧૯૬રના યુદ્ધમાં કબજે કર્યો હતો. એપ્રિલ, ર૦૧૭માં ચીને અરુણાચલ પ્રદેશના ૬ સ્થળોના નામ બદલી નાખ્યા છે. એ ઉપરાંત ક્યારેક દલાઇ લામા તો ક્યારેક તિબેટના મામલે ચીન ભારત સાથે વિવાદમાં ઊતરતું રહે છે.
ભારત-ચીનના સરહદી મુદ્દે જે વાગ્યુદ્ધ ચાલી રહ્યું છે એમાં શાંઘાઇ મ્યુનિસિપલ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર વાંગ દેહુઆએ જે વિધાન કર્યું હતું કે, ‘ચીનની સ્થિતિ પણ હવે ૧૯૬ર જેવી નથી રહી. ભારતે ૧૯૬રના યુદ્ધના પરિણામો ન ભૂલવા જોઇએ.’ એની સામે સંરક્ષણ મંત્રી અરુણ જેટલીએ ભારતનો પક્ષ સ્પષ્ટ કરતાં પ્રત્યુત્તર આપ્યો હતો કે, ‘આ ૧૯૬રનું ભારત નથી, ર૦૧૭નું છે.’ વાક્યાર્થ સ્પષ્ટ છે અને વાચ્યાર્થ પણ દીવા જેવો ચોખ્ખો છે. પરંતુ એની અંદર કહેવાયેલા ગૂઢાર્થને માત્ર કુશળ રાજનીતિજ્ઞ જ પામી શકે છે. સામાન્ય જનતાજનાર્દન આમાં સીધો સ્પષ્ટ સંકેત યુદ્ધની ધમકી અને એનો કડક જવાબ એવો જોઇ રહી છે. એટલે સ્તો, ચીનની એક સ્થાનિક કંપનીએ કરાવેલા સર્વેક્ષણમાં એ વાત બહાર આવી છે કે ૬૦ ટકા જેટલા મોટા પ્રમાણમાં ચીની પ્રજા માને છે કે હવે ૧૯૬ર જેવું બીજું યુદ્ધ થશે
જ થશે. યુદ્ધની વાત નીકળી જ છે તો નેસ્ટ્રદોમસને કેવી રીતે ભૂલી શકાય… એની એક ભવિષ્યવાણી એવી પણ છે
કે ત્રીજું વિશ્ર્વયુદ્ધ થશે તો એશિયામાંથી
શરૂ થશે અને એ દેશો હશે, પાકિસ્તાન-ચીન અને ભારત.
જો કે, યુદ્ધ કરવું સહેલું છે પણ પછી એની અસરો અને આડઅસરને લીધે એ આજે વિકસિત દેશો માટેય એક માથાનો દુ:ખાવો છે ત્યારે યુદ્ધ કોઇપણ રીતે, કોઇપણ મુદ્દે કલ્યાણકારી હોઇ જ ન શકે! એટલે જ કૈલાસ માનસરોવરની યાત્રા અંગે ચીને વૈકલ્પિક યાત્રા માર્ગ અપનાવવાની દિશામાં વાતચીત કરવાની તૈયારી બતાવી છે એ આવકાર્ય છે. જોકે, નાથુલા માર્ગે કૈલાસમાનસ યાત્રાએ જઇ રહેલા ૪૭ પ્રવાસીઓને ગંગટોક પરત ફરવું પડ્યું હતું એ મુદ્ે ફરીથી સરહદનો મુદ્દો ગરમાયો છે. છતાં ધાર્મિક મુદ્દે શરૂ થયેલા વિવાદોનો અંત ધાર્મિક મુદ્દાના ઉકેલ સાથે આવે એનાથી રૂડું કશુંય નથી. પરંતુ યાદ રહે કે આ ‘હિન્દી-ચીની ભાઇભાઇ’માં માનનારું ચીન નથી. આમ પણ ચીની કોઇ રીતે કમ નથી, સહેજે નથી જ નથી. ભરોસાની ભેંસે, ચીનના કિસ્સામાં તો પાડા જ જણ્યા છે ત્યારે એ ખ્યાલ રહે, તો બસ. બીજું ૧૯૬ર સર્જાતું અટકશે, બધા અર્થમાં…!!
એશિયાના અનેક દેશો ચીની ડ્રેગનના શિકાર
મધ્ય એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને પૂર્વ એશિયાના તજાકિસ્તાન, કિર્ગિસ્તાન, વિયેતનામ, લાઓસ, કમ્બોડિયા, તાઈવાન અને જાપાન જેવા દેશો ઉપર ચીન જાત-ભાતના દબાણની રાજનીતિ કરી રહ્યું છે. તે કુલ ૧૪ દેશો સાથે ૨૨,૦૦૦ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. તેમાં ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા, રશિયા, મોંગોલિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભારત, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, લાઓસ અને વિયેતનામ સામેલ છે. પાડોશી દેશો સાથે સીમા વિવાદના મોટાભાગના કિસ્સામાં ચીનનો દાવો સદીઓ જૂના અપ્રમાણિત ઈતિહાસ પર આધારિત હોય છે. પરંતુ સમુદ્રી સીમા સાથે જોડાયેલા વણઉક્ેલ્યા વિવાદો ચીન માટે સૌથી ગંભીર છે કારણકે સમુદ્રીસીમા મુદ્દે આઠ દેશો-દક્ષિણ-પૂર્વી દેશો જાપાન, દક્ષિણ કોરિયા,ફિલિપાઈન્સ, વિયેતનામ,મલેશિયા,બ્રુનેઈ,ઈન્ડોનેશિયા અને તાઈવાને ચીન સામે પરસ્પર હાથ મિલાવ્યા છે. સાઉથ ચાઈના સી દુનિયામાં સૌથી વ્યસ્ત જળમાર્ગોમાંનો એક છે.
૧૨૭ વર્ષ પહેલાંની સિક્કીમ-તિબેટ સંધિ અને ડોકલામ સરહદ
૧૨૭ વર્ષ જૂની જે સિક્કીમ-તિબેટ સંધિના ૧૮૯૦ના દસ્તાવેજો બતાવી ચીન ડોકા લા વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યું છે તે સંધિ પર તિબેટિયન સરકારે કોઈ જ હસ્તાક્ષર કર્યા નહોતા. આ સંધિને એકતરફ કરવામા આવે તો પણ ૧૯૬૦ સુધી ચીને ભૂટાન-તિબેટ અથવા સિક્કીમ-તિબેટની કોઈ જ સંધિ પર પોતાની સંમતિ આપી નહોતી. ૧૮૯૦માં તિબેટ સ્વતંત્ર હતુ. તેથી જ સંધિના અસ્વીકાર રુપે ૧૯૦૪મા બ્રિટિશ સરકારે તિબેટ પર હુમલો કર્યો હતો….!!