‘બધિર’ અમદાવાદી
ના રીને મુક્ત વિહરતા પતંગિયા જેવી ગણવામાં આવતી હોય તો પુરુષ એ ઊંચે આકાશમાં ઊડતા પતંગ જેવો ગણાય જેની દોર જીવનના અલગ-અલગ તબક્કે સ્ત્રી પાસે જ હોય છે. એ તમને આકાશમાં કલાત્મક ઊડાન ભરતો, મોજથી ડોલતો, ઊંચાઇઓ સર કરતો કે પછી બીજા પતંગોને માત આપતો દેખાતો હોય તો સમજજો કે એનું સંચાલન કોઇ સ્ત્રીના હાથમાં જ હશે. બાકી સામાન્ય રીતે પુરુષોની પ્રકૃતિ જ એવી છે કે એમને છૂટા મૂકવામાં આવે તો એ પતંગની જેમ કાં તો ગોથા ખાશે કાં ઝાડમાં ભરાશે. આ વાતની એને જણનારી અને પરણનારી બંનેને ખબર હોય જ છે. એક કુશળ પતંગ ચગાવનારની જેમ એ બંને બિન હવામાં જતા પોતાના પતંગને પાછો હવામાં પણ લાવી શકે છે કે પછી ઊંચે ચગેલા પતંગને પાછો ધાબામાં પણ લઇ આવી શકે છે. આ વાત લબૂકની કક્ષામાં આવતા પતંગથી લઇને કડકમાં કડક ઢઢ્ઢાવાળા પતંગને પણ ખબર હોય છે. માટે ચગવાનું, પણ માપમાં.
લગ્ન સંસ્થામાં જીવનના પાઠ ભણ્યા પછી આજે મારામાં તુરિયા અને ગલકા બે અલગ શાક છે એની સમજ આવી ગઇ છે….
ઘોડાની રેસમાં જોકી વગર એકલો ઘોડો રેસ જીતી શકતો નથી. એમ જ જીવન રૂપી રેસમાં જીતવા માટે પત્ની રૂપી જોકીની જરૂર પડે છે. ઘોડામાં રહેલી ક્ષમતાને જોકી એક દિશા અને ગતિ આપે છે, એમ જ પત્ની એના પતિમાં રહેલી ક્ષમતાને પિછાણે છે અને એનો યોગ્ય ઉપયોગ કરે છે. તમે કહેશો કે તો પછી અમે પરણ્યા ત્યાં સુધી વહેલા સૂવા, વહેલા ઊઠવા, બધી જાતના શાક ખાવા, વસ્તુઓ વ્યવસ્થિત રાખવી, રોજ નહાવું, ભણવું વગેરેથી લઇને પાર્ટી, પિકનિક, ગર્લ ફ્રેન્ડઝ સુધીની બાબતો માટે મમ્મીએ અમારી પાછળ કરેલી મહેનતનું શું? તો એમાં એવું છે કે ક્રિકેટની મેચમાં હરીફ ટીમનો બોલર દાંડી ઉડાડી ન જાય એ માટે બેટ્સમેનને બાઉન્સર, સ્પીન, યોર્કર અને ફૂલટોસથી લઇને બીમર અને ઘૂસડૂટ બોલ રમવા સુધીની પ્રેક્ટિસ આપીને તૈયાર કરવો પડે છે. આવું થાય તો જ મેચ વખતે સારો સ્કોર થઇ શકે છે. આ કામ મમ્મીરૂપી કોચનું છે. પણ કમનસીબે આપણા બેટ્સમેનો આ પ્રકારની પ્રેક્ટિસની ઘોર અવગણના કરતાં આવ્યા છે અને એના પરિણામે કોચ વગોવતા હોય છે. આ પ્રકારના બેટ્સમેનોએ ચાલુ બેટિંગે ‘તારી માએ તને કંઇ શીખવાડ્યું જ નથી’ કે પછી ‘થેલીમાં ટામેટા ઉપર બટાકા ના નંખાય એટલું પણ ભાન નથી?’ જેવા તીખા કટાક્ષ બાણો રૂપી સ્લેજિંગનો સામનો કરવાનો આવે છે. ઘણીવાર આ જ બાબતને લઇને કોચ અને બોલર વચ્ચે પણ ઠેરી જતી હોય છે.
એક વાત સમજી લો કે તમે આ દુનિયામાં પુરુષ તરીકે અવતર્યા છો તો તમારે અમુક સત્યો સ્વીકારવા જ રહ્યા. પહેલું સત્ય એ છે કે પુરુષને સાચી શિક્ષા પત્ની પાસેથી જ મળે છે. અહીં ‘શિક્ષા’ શબ્દના બંને અર્થ અભિપ્રેત છે. માટે તમારી ભૂલ બદલ કોઇ પ્રકારની શિક્ષા કરવામાં આવે એની પાછળનો અભિગમ પણ કેળવણીનો જ ગણવો. તમે શનિની પનોતી વિશે તો સાંભળ્યું જ હશે. કહે છે કે, માણસને શનિની પનોતી ચાલતી હોય ત્યારે શનિદેવ એના આ જન્મ તેમજ પૂર્વ જન્મમાં કરેલા પાપનો દંડ કરતા હોય છે. પણ ખરેખર તો આ સમય દરમિયાન માણસ જીવન જીવવાના અગત્યના પાઠ શીખે છે એવું જ્યોતિષીઓનું માનવું છે. લગ્નને પણ ઘણા પનોતી માનતા હોય છે. શનિની પનોતી રૂપાના પાયે, તાંબાના પાયે કે પછી લોઢાના પાયે હોય છે, જ્યારે લગ્નરૂપી પનોતી પાકા પાયે હોય છે. શનિની પનોતીની જેમ એમાં શીખવાનું પણ ઘણું હોય છે. ઘણીવાર ભણેલું ભૂલી અને નવેસરથી શીખવું પડતું હોય છે.
આપણે શીખ્યા હતા કે ‘લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય.’ વિજ્ઞાનમાં પણ આપણે ‘જાનીવાલીપીનારા’ એમ સાત રંગો વિશે ભણ્યા હતા. હવે તમને નવા રંગો વિશે શીખવા મળશે. તમને જાણીને આનંદ થશે કે બીજ એ માત્ર તિથિ જ નહીં કલરનું નામ પણ છે. એ જ રીતે બરગંડી, ગાજર અને રાણી પણ રંગના જ નામ છે એ પણ સમજી લો. આ ઉપરાંત તમારી પત્નીએ પોતે રંગના નામ પાડ્યા હોય તે અને આગળ ઉપર નવા નામ પાડે એ તમામ નોટમાં ટપકાવતા રહેજો. હું બજારમાંથી તાંદળજાની ભાજી કલરનો બ્લાઉઝ પીસ અને ચા કલરની લિપસ્ટિક લઇ આવવાના સાહસો સફળતાપૂર્વક ખેડી ચૂક્યો છું. જોકે, મેચિંગ માટે હું જે ભાજી સાથે લઇ ગયો હતો એ વાસી નીકળી અને ચા થોડી કડક હતી એ જુદી વાત છે. પણ ફરી વાર આવી ભૂલ થાય એવી શક્યતા નથી. મોરપીંછ કલરના મેચિંગ માટે મોર અને ભેંસ કલરના મેચિંગ માટે ભેંસ સાથે લઇ જવા સુધીની મારી તૈયારી છે.
મારી જ વાત આગળ ચલાવું તો મને આડા સમારેલા એટલે કે ગોળ પતીકા પાડેલા ટીંડોળાનું શાક જરાય ન ભાવે એટલે મારી મમ્મી મને ઊભા સમારેલા ટીંડોળાનું શાક બનાવી આપતી. આજે બહેરી પ્રિયા મને ધરાર ઊભા સમારેલા ટીંડોળાનું શાક ખવડાવે છે અને હું વખાણી વખાણીને ખાઉં છું. લગ્ન સંસ્થામાં જીવનના પાઠ ભણ્યા પછી આજે મારામાં તુરિયા અને ગલકા બે અલગ શાક છે એની સમજ આવી ગઇ છે. ભીંડા લેતી વખતે એની અણી તોડવાનું ચૂકતો નથી. કાકડી હું શાકવાળાને જ ચાખવાનું કહું છું. દૂધીમાં હું નખ મારી જોઉં છું. ભૂલ ન થાય એ માટે હું કેસર, ગોલા અને તોતા કેરીના ફોટા મોબાઇલમાં રાખું છું. ચા પણ સારી બનાવું છું. લેંઘો ધોવા નાખતી વખતે એને ઉલટાવીને નાખવાનો હોય એની મને ખબર છે. ઊઠ્યા પથારીમાંથી પછી રજાઇ-બ્લેન્કેટ સંકેલી લઉં છું. શર્ટ-પેન્ટની વ્યવસ્થિત રીતે ગડી કરી શકું છું. સાસ-બહુની રોના-ધોના છાપ સિરિયલોમાંથી આનંદ લેતા શીખી ગયો છું. બહાર મારી જાતને હું ગમે તેટલો મોટ્ટો તીસમાર ખાં ગણતો હોઉં પણ હું મારા સસરા જેટલો જ્ઞાની નથી, સાળા જેટલો સફળ નથી અને સાઢુ જેટલો સ્માર્ટ નથી જ એ વાત સ્વીકારું છું. બહેરી પ્રિયા જ મારી માર્ગદર્શક છે. એ મને જે રસ્તો બતાવે એ રસ્તે હું ચાલી નીકળું છું. એ દરરોજ જુદો રસ્તો બતાવે તો એ દરેક રસ્તે રસ્તે હું જઇ આવું છું. એમ કહોને કે એના બોલ ઉપર દોડધામ કરી મૂકું છું! પણ ખાનગીમાં કહું તો એ દોડાદોડી માત્ર દેખાવની, સાચે સાચ નહીં. કરું છું એજ કે જે મને ઠીક લાગતું હોય, પણ જાહેરમાં મારી સફળતાનું શ્રેય એને આપવાનું ચૂકતો નથી. આ વાત એને પણ ખબર છે, પણ એને કોઇ ફેર પડતો નથી. મને એનું શાસન ગમે છે અને એ મારી આ બદમાશીઓની ચાહક છે. બીકોઝ વી લવ ઇચ અધર!