અમે આધારકાર્ડ કઢાવ્યું!

અમે આધારકાર્ડ કઢાવ્યું!

- in Laughing Zone
1207
Comments Off on અમે આધારકાર્ડ કઢાવ્યું!

‘બધિર’ અમદાવાદી

ગતાંકથી ચાલુ…

હુંસ્તબ્ધ હતો.

મારું ફેસબુકનું પ્રોફાઇલ પિક્ચર એક મસ્તીખોર બંદરનું છે અને માથામાં તેલચંપી કરેલી ક્ધયા જે મારા આધાર કાર્ડ માટેની વિગતો ભરી રહી હતી એ મારા પ્રોફાઇલ પિક્ચર પરથી મને ઓળખી ગઇ હતી! એ હજી એની જોડીદાર ‘મનીસા’ને મારી ઓળખાણ આપતી હતી ત્યાં મેં ટેબલ પર ટપલું મારીને એનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી. એણે તો નહિ પણ પેલી મનીષાએ જોયું અને બોલી,

‘કિંજલ, સાહેબ બોલા’વ છ’

કિંજલે મારી સામે જોયું એટલે મેં મોબાઇલમાં મેધાવી કાર્ટૂનિસ્ટ સ્વ. સતપાલસિંહ છાબડાએ બનાવી આપેલું બંદરનું કાર્ટૂન બતાવી કહ્યું ‘હું કોઇ એંગલથી આવો લાગું છું બેન?’ તો હસતાં હસતાં એ કહે,

‘એ નઇ… મારા ભ’ઇએ તમારો ફોટો બતાયો ‘તો. એ તમને ઓરખ’અ છ.’

મેં કહ્યું ‘તો ઠીક, હવે બાકીની વિગતો ભરીશું?’ ત્યાં જ એના મોબાઇલમાં ‘જગ ઘુમયા થારે જૈસા ના કોઇ…’ વાગ્યું અને એ ઉતાવળે મોબાઇલ લઇને બહાર તરફ ભાગી. જતાં જતાં એ મને કહે ‘સાયેબ, આ મુકેસ ભ’ઇ તમારી એન્ટ્રી કરી દેસે.’ અને પછી ‘મુકેસ, આ સાયેબની એન્ટ્રી કરી કાઢને. મુ વાત કરીને આવું સુ.’ કહીને એ ગઇ. એની જગ્યાએ મુકેશ ગોઠવાયો. એણે એન્ટ્રી ચાલુ કરી અને સીધું જ પૂછ્યું,

‘મેલ કે ફીમેલ?’

‘મારી જ એન્ટ્રી ચાલે છે’ મેં કહ્યું

‘હા એ બરોબર પણ મેલ કે ફીમેલ?’

‘તને શું લાગે છે?’ મૂછ ઉપર હાથ ફેરવતાં ફેરવતાં મેં કહ્યું.

‘મેલ. પણ અમારે ઘરાકને બઘ્ધું પૂસવું પડે. અમને ટેનિંગ મોં સાયેબે પૂસ્યા વગર કોંય ભરવાની ના પાડી છ.’

‘અલા, હું તને રેશનિંગનું કેરોસીન લેવા આવેલો ઘરાક લાગું છું?’

એ તો ઈમ કે’ વાય. સ્યોરી  સ્યોરી..’

‘ચલ હવે બીજું શું જોઇશે?’

‘ફાધરનું નામ, તમારું સરનામું, ફોન નંબર અને જન્મ તારીખ બોલો’ મેં એક એક કરીને વિગતો લખાવી. એણે એક પ્રિન્ટ કાઢીને એમાંની વિગતો ચેક કરીને સહી કરવા કહ્યું. મારા પછી એ જ પ્રમાણે પ્રિયાની વિગતો પણ દાખલ કરીને એણે અમને ટોકનો આપ્યા અને ફોટા માટે વારાની રાહ જોવાનું કહ્યું.

રૂમના એક ખૂણામાં જ હાફ પાર્ટીશન કરીને ફોટા પાડવાની ગોઠવણ કરેલી હતી. કોમ્પ્યૂટર પર એક છોકરી બેઠી હતી અને સાથે બીજો એક હેલ્પર પણ હતો. એક વ્યક્તિની વિધિ પૂરી કરવામાં સારો એવો સમય જતો હતો પણ એ લોકો બને તેટલી ઝડપથી કામગીરી પૂરી કરતા હતા.

અમારો વારો આવ્યો ત્યાં સુધી લોકોને ફોટા પડાવતા જોવાની મજા આવી. અમુક લોકો સ્ટુડિયોમાં ફોટો પડાવતા હોય એમ સજડબંબ થઇને બેસી જતા હતા. લગભગ બધાને એમ હતું કે ફોટામાંથી જ આંખની છાપ લેવાની છે એટલે ચીના જેવી ઝીણી આંખોવાળા લોકો પણ ‘ચાર લાઇના’વાળા કવિ સુરેન્દ્ર શર્માની જેમ ડોળા કાઢીને કેમેરા સામું જોતા હતા. કેટલાક આંખની કીકી સ્કેન કરવા માટેના દૂરબીન જેવા સાધનમાં કંઇ દેખાતું નથી એની ફરિયાદ કરતા હતા જાણે એમાં આલિયા ભટ્ટના ફોટા બતાવવાના ના હોય! ટૂંકમાં આ બધા પરથી અમારે શું નથી કરવાનું એ સમજાઇ ગયું. હું ફોટો પડાવવા ખુરશી પર બેઠો એવો જ પેલા હેલ્પરે મારો ચાર્જ લઇ લીધો. મને કહે ‘સાહેબ, કેમેરાના લેવલ પ્રમાણે મુંડી સેટ કરવી પડશે. જરા ટટ્ટાર બેસો.’

‘માથું કાપવું નહિ પડે ને?’ મેં ટટ્ટાર બેસતાં જરા ટોળમાં પૂછ્યું. એ હસ્યો અને પછી મારું માથું એવી રીતે સેટ કર્યું જાણે હું વાળ કપાવવા બેઠો હોઉં.

મેં આંખ મિચકારતાં કહ્યું, ‘વાળ પાછળથી ઓછા કરવાના છે અને મૂછો પણ સેટ કરી આપજો.’

સાંભળીને પેલો તો બગડ્યો! ‘સાહેબ આ સરકારી ઓફિસ છે, સલૂન નથી.’ પછી કહે કે ‘આ કેમેરા સામે જુઓ. આંખો મિચકારતા નહિ.’ એ સૂચના પછી આંખ ખાસ ઝબકવા માંડી. બે-ત્રણ ટ્રાયલ પછી એ જરા ચીડમાં બંને કમર પર હાથ મૂકીને મારી સામે જોઇ રહ્યો! મેં કહ્યું,

‘દીવાસળી છે?’

‘દીવાસળીનું શું કરવું છે? અહીં બીડી પીવાની મનાઇ છે.’

‘ના, ના આ તો દીવાસળી હોય તો તંબુ ઊંચો રાખવા જેમ બમ્બૂ ભરાવે છે એમ આંખો ખૂલ્લી રાખવા દીવાસળી ભરાવું.’ પેલાને લાગ્યું કે હું આજે એનો પગાર વસૂલ કરીને જ રહીશ એટલે એણે માઉસ જાતે હાથમાં લઇને ફોટો પાડ્યો. પછી પેલી છોકરીએ આંખ અને ફિંગર પ્રિન્ટ સ્કેન કરી લીધા. હવે મને ઇન્તજાર હતો મારા ફોટાનો જેના માટે અમે ખાસ મુહૂર્ત જોયું હતું. હું પૂછું એ પહેલાં મોનિટરમાં જોઇને પેલાએ મને પૂછ્યું,

‘સાહેબ, તમે પોલીસમાં છો?’

મેં કહ્યું ‘ના, કેમ?’ એ કહે ‘આ જુઓ.’

મારો ડર સાચો હતો. કોમ્પ્યૂટરના સ્ક્રીન ઉપર દેખાતો હતો એ શખ્સ રેઇડમાં પકડેલી દારૂની પેટીઓની બાજુમાં એટેન્શનમાં ઊભેલા કોઇ હવાલદાર જેવો લાગતો હતો. બાજુમાં મારું જ નામ, સરનામું અને ફોન નંબર લખેલો હતો!

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય