અમે આધારકાર્ડ કઢાવ્યું!

અમે આધારકાર્ડ કઢાવ્યું!

- in Entertainment, Laughing Zone
1671
Comments Off on અમે આધારકાર્ડ કઢાવ્યું!

‘બધિર’ અમદાવાદી

સરકારે ઇન્કમટેક્સના કામકાજ માટે આધાર કાર્ડ ફરજિયાત કરી દીધું એમાં અમારે તાકીદે આધાર કાર્ડ કઢાવવાનું આવ્યું. એની ઓફિસ તો દોઢેક કિલોમીટર જ દૂર હતી એટલે ખાસ તકલીફ નહોતી. બસ, કાર્ડમાં અમારો ફોટો સારો આવે એ માટે સારો દિવસ જોવાનો હતો. એની પાછળ કારણ પણ હતું. છેલ્લે અમે ચૂંટણી કાર્ડ કઢાવ્યું એમાં બહેરી પ્રિયાનો જે ફોટો આવ્યો છે એની ઉપર અમે ક્રીસ ગેઇલનો ઓટોગ્રાફ લેવાના છીએ અને એ ખુશી ખુશી આપશે પણ ખરો. કદાચ ગેઇલ એના કોઇ ફોટામાં આટલો ખૂબસૂરત અને હસીન નથી લાગતો! જ્યારે મારો ફોટો પાડનાર કલાકારને ડિસ્કવરી કે નેશનલ જિયોગ્રાફી ચેનલે ચિમ્પાન્ઝીના ફોટા પાડવા માટે ઊંચા પગારે રોકી લેવો જોઇએ. કારણ કે, કાર્ડમાં જે આકાર દેખાતો હતો એવો હું ખરેખર દેખાવા લાગુ તો મારા સસરા તાબડતોબ એમની છોકરીને છોકરા સાથે પાછી લઇ જાય! એટલે પ્રિયાએ પંચાંગ જોઇને ખાસ દિવસ શોધી રાખ્યો અને એ દિવસે અમે બહાર પડ્યા. મેં પણ બે વાર દાઢી કરી અને ડાયરેક્ટ ગીરનાર રિટર્ન લાગુ એટલી માત્રામાં પાઉડર પણ લગાડ્યો. શું છે કે પછી કોઇ મારો વાંક ના કાઢે.

અમે ઓફિસ પહોંચ્યા ત્યારે આખું કંપાઉન્ડ વાહનોથી ભરચક હતું. લગભગ પોણો કિલોમીટર દૂર પાર્કિંગની જગ્યા મળી એ જોતાં બધાને અમારી જેમ આજનું જ મુહૂર્ત નીકળ્યું હોય એવું લાગ્યું! લોકોને બીજા કામ પણ હશે એમ માનીને અમે બહુમાળી બિલ્ડિંગમાં પ્રવેશ્યા.

આધાર કાર્ડ માટે ક્યાં જવાનું એ કોને પૂછવું એ વિચારતા હતા ત્યાં જ સામે એક નાક દેખાયું! એક્ચુલી એ નાક પાછળ પેન્ટ-શર્ટ પહેરેલા આખા ભાઇ હતા પણ એમનું નાક લાંબું અને નીચે તરફ વળેલું હતું એટલે પહેલું એ જ દેખાતું હતું. નાકનો વળાંક એવો હતો કે એ ભાઇ જીભ વડે નાક પર બેઠેલી માખી ઉડાડી શકે. એમને નીચલા હોઠને અડે એટલી લાંબી લચ્છેદાર મૂછો પણ હતી. કદાચ એમના મૂછ અને નાકના વાળ વચ્ચે ક્રોસ – બોર્ડર છમકલા ચાલુ રહેતા હશે એમ લાગ્યું. અમે એને જ પૂછ્યું અને એની મૂછનો ગુચ્છો થોડો હલ્યો અને અંદરથી હવા સાથે અવાજ આવ્યો ‘પોંચમા મારે, ખાલી સાઇડે બીજો રૂમ’. ખાલી સાઇડ! મતલબ કે એ ભાઇ ડ્રાઇવર હતા!

અમે લિફ્ટ બાજુ સરક્યા. ત્યાં આગળ ચાર-પાંચ જણાનું ટોળું હતું. લિફ્ટનો દરવાજો ખૂલ્યો. મેં અંદર દાખલ થતી વખતે લિફ્ટમેનને પૂછ્યું, ‘પાંચમાં માળે થઇ ને જશે ને?’ પેલાએ તમાકુથી કાળા પડી ગયેલા દાંત બતાવતાં કહ્યું, ‘હોવે.’ પણ એના ચહેરા પર ભાવ એવો હતો કે ‘આ કંઇ રાજકોટની બસ છે તે લીમડી-બગોદરા ઊભી રહેશે કે નહિ એ પૂછો છો!’

પાંચમા માળે પહોંચીનેે અમે ખાલી સાઇડ એટલે કે એટલે કે ડાબી બાજુની વિંગ તરફ વળ્યા. એક દરવાજાની બાજુમાં લખ્યું હતું ‘નવા આધાર કાર્ડ માટે ટેબલ નં.3 પર દસ્તાવેજની ચકાસણી કરાવી લેવી.’ ચાલો ટૂંકમાં પત્યું સમજીને અમે અંદર પેઠા. રૂમમાં એક દીવાલને સમાંતર ચાર ટેબલો ગોઠવેલાં હતાં. બીજી બે દીવાલને અડીને ખુરશીઓની હાર ગોઠવેલી હતી. કેટલીક ખુરશીઓ ખાલી હતી અને બાકીની ઉપર બેઠેલા લોકોમાં મોટાભાગના સિનિયર સિટિઝન હતા. કોઇ જનરલ પ્રેક્ટિસનરના દવાખાના જેવું વાતાવરણ હતું. બધાના હાથમાં કાગળિયા હતા અને ફોટો પડાવવા માટેનો કોલ આવે એની રાહ જોતા હતા. ત્રણ નંબરના ટેબલ આગળ બે જણા લાઇનમાં ઊભા હતા અને ટેબલ પાછળ એક ફિકસ પગાર હેડફોનમાં મ્યૂઝિક સાંભળતો સાંભળતો યંત્રવત્ કાગળિયા ચકાસતો બેઠો હતો. અમારો વારો અવ્યો ત્યારે એણે કાગળિયામાં બે-ત્રણ જગ્યાએ ટીક મારી અને કહ્યું, ‘ચાર નંબર પર ડેટા એન્ટ્રી કરાવી લો અને ફોટા-ફિંગર પ્રિન્ટ માટે બોલાવે ત્યારે જજો.’

સદ્નસીબે ડેટા એન્ટ્રીના ટેબલ પર અમારો વારો પહેલો હતો. ડેટા એન્ટ્રી માટે માથામાં બરોબરની તેલચંપી કરેલી ક્ધયા બેઠી હતી. એ ક્રમવાર મને પૂછતી ગઇ એમ હું લખાવતો ગયો.

‘નામ?’

‘બધિર અમદાવાદી.’

નામ સાંભળીને એ ચોંકી! પહેલા એણે મારી સામે જોયું, પછી કાગળિયા ઉથલાવીને મારો ફોટો જોયો અને પછી બોલી,

‘તમે જ બધિર અમદાવાદી?’

‘હા, હું જ બધિર અમદાવાદી છું. કેમ?’ મેં કહ્યું.

સાંભળીને એ લગભગ કિકિયારી જેવા અવાજે એ બાજુના ટેબલ પર બેઠેલી છોકરીને ઉદ્દેશીને બોલી,

‘આય હાય અલી મનીસા, હું ક્યારની વિચારું છું કે આમને ક્યાંક જોયા છે, જોયા છે પણ યાદ નહોતું આવતું કે ક્યાં જોયા છે. હવે યાદ આવ્યું. એમને ફેસબુક પર જોયા છે. સર, તમે ફેસબુક પર છો ને? મેં તમારા પ્રોફાઇલ પિક્ચર પરથી તમને ઓળખી પાડ્યા. તમે કોલમ લખો છો ને? હેં ને?’

હવે ચોંકવાનો વારો મારો હતો. કારણ કે, ‘બધિર અમદાવાદી’ તરીકેના મારા ફેસબુક પેજ પરના પ્રોફાઇલ પિક્ચરમાં તો આ લેખના અંતે જેમનું ચિત્ર છે એ વાનર મહાશય છે! જય હો…

(ક્રમશ:)

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ