મેઘવિરાસ
લ્મ ઈન્ડસ્ટ્રીને સામાન્યપણે પુરુષોના ઈજારાવાળું ક્ષેત્ર માની લેવામાં આવે છે. દાયકાઓ પહેલાં આ વાત સંંપૂર્ણપણે સત્ય હતી પણ સમયનું વહેણ બદલાયું છે. કલાત્મક, રચનાત્મક ક્ષેત્રમાં નારી પ્રભુત્વ માત્ર વધ્યું જ નથી પણ સન્માનજનક પણ બન્યું છે. 2009નું વર્ષ સિનેજગતમાં સક્રિય મહિલાઓ માટે અનેરું અને ગૌરવવંતુ સાબિત થયું હતું. વાત જાણે એમ છે કે આ વર્ષે દુનિયામાં સૌથી વધુ નાણાકીય સફળ ફિલ્મ ‘અવતાર’નો જ દબદબો હતો. અત્ર, તત્ર સર્વત્ર ‘અવતાર’, ‘અવતાર’ અને ‘અવતાર’ જ થતું હતું. ધુરંધર દિગ્દર્શક જેમ્સ કેમરૂનની આ ફિલ્મે દર્શકો, વિવેચકો અને દુનિયાભરના લોકોના દિલ જીતી લીધા હતાં. અને એટલે જ આ ફિલ્મના નામે વૈશ્ર્વિક કમાણીનો આંકડો 12,000 કરોડ કરતાં પણ વધુનો બોલે છે. ઑલી લોકપ્રિય ફિલ્મ હોય એટલે એવું માની જ લેવામાં આવે કે જે તે વર્ષનો ઓસ્કર એ ફિલ્મ અને તેના દિગ્દર્શકના ખાતામાં જાય. પરંતુ બિગેસ્ટ અપસેટ સર્જાયો. જેમ્સ કેમરૂનના ભૂતપૂર્વ પત્ની કેથરિન બિગ્લોની આ જ વર્ષે ‘ધ હર્ટ લોકર’ ફિલ્મ આવી હતી. ‘ધ હર્ટ લોકર’ દમ વાળી ફિલ્મ હતી. બોક્સ ઓફિસ પર પણ ઠીકઠાક વકરો કરી જ લીધો હતો. પરંતુ ‘અવતાર’ના વાવાઝોડામાં આ ફિલ્મનું નામ બહું ગાજ્યુ નહીં પણ વર્ષ 2009માં ઓસ્કરના મંચ પરથી શ્રેષ્ઠ દિગ્દર્શકનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે સૌ અચંબામાં પડી ગયા હતાં. કેમ કે શ્રેષ્ઠ દિગ્દર્શક જેમ્સ કેમરૂન નહીં પણ તેના ભૂતપૂર્વ પત્ની કેથરિન બિલ્ગો બન્યા હતા. ઓસ્કારના ઈતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બની હતી અને ત્યાર પછી પણ બની નથી. અત્યાર સુધીમાં શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો એવાર્ડ જીતનારા એકમાત્ર મહિલા કેથરિન બિગ્લો છે. ઓસ્કર મળવો એ સર્વોપરિતાનું પ્રમાણ નથી પણ એ જીતી બતાડવો એ સર્વશ્રેષ્ઠની સાબિતી તો છે જ. હવે તો સિનેમાનું પૈડુ સ્ત્રી-પુરુષના સમાન પુરુષાર્થ પર નિર્ભર છે. આજે જગતના બજારો પર કોઈનો ઈજારો નથી રહ્યો તેમ સિનેજગતમાં પણ કોઈ એકનું પ્રભુત્વ જોવા નથી મળતું.
હિન્દી સિનેમાની જ વાત કરીએ તો દાયકા પહેલાં નહીં પણ પાંચ-સાત વર્ષ પહેલાં જ બોક્સઓફિસનું મનીમીટર ટોટલી હીરો ઓરિયેન્ટેડ હતું. ફિલ્મનો પોસ્ટરબોય ફિલ્મને ચલાવી આપતો પણ હવે એવું નથી. કંગના રનૌત જેવી એકસ્ટ્રા ઓર્ડિનરી એકટ્રેસ તેના ખભા પર ફિલ્મને માત્ર હિટ નહીં પણ બ્લોકબસ્ટર કરી આપે છે. દીપિકા પાદુકોણે, પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ જેવી અભિનેત્રીના નામથી ફિલ્મને ચોક્કસ ફાયદો થાય છે પણ જે કમાલ કંગનાએ કરી છે એ ભલભલા હીરો પણ નથી કરી શકતા. હિન્દી સિનેમા બોક્સ ઓફિસ બ્રાન્ડ નેમનું લિસ્ટ કરો તો આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર પછી સીધું નામ કંગના રનૌતનું જ આવે. કંગનાની કારકિર્દીની સફળતા રસપ્રદ અને પ્રેરણાદાયક છે. તેનું કારણ છે કે તેની ફિલ્મોની સફળતાનો મદાર સંપૂર્ણપણે તેના પર જ રહ્યો છે. ત્રણમાંથી એકપણ ખાન (આમિર, સલમાન અને શાહરૂખ) સાથે કામ નથી કર્યું છતાં તે પ્રથમ હરોળની અભિનેત્રી છે. અભિનેત્રીઓએ એક નવો જ પથ તૈયાર કર્યો છે. હવે તેનું નામ બોલે છે, કામ બોલે છે અને તેના નામે દર્શકો લાઈનમાં ટીકિટ લેવા ઉભા રહે છે. ભારતીય સિનેમામાં અભિનેત્રીઓએ નિર્માણ ક્ષેત્રમાં હાથ અજમાવીને એક નવી ઓળખ ઉભી કરી છે. અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરાથી લઈને અનેક અભિનેત્રીઓ નિર્માતાની ભૂમિકામાં સક્રિય બની છે. જે એક ગૌરવપ્રદ બાબત છે.
આજની નારીશક્તિએ પોતાના દમ પર એ સાબિત કરી બતાવ્યું છે કે એ મસમોટી મલ્ટિનેશનલ કંપનીની ધુરા સંભાળવાથી લઈને રાજનીતિના સર્વશ્રેષ્ઠ પદને સંભાળવા માટે સક્ષમ છે. એટલું જ નહીં મેન વર્લ્ડનો ઈજારો ધરાવતી સિનેસૃષ્ટિમાં પણ નારીશક્તિનો જય જયકાર થવા લાગ્યો છે…
બોલિવૂડમાં ફેમસ થવા માટે શાહરુખ ખાનની પત્ની હોવું કાફી છે. ગૌરી ખાન માત્ર પત્ની બનીને નથી રહી, પરંતુ શાહરુખની ભારોભાર જવાબદારી ઉઠાવે છે. શાહરુખ ખાનની ફિલ્મ નિર્માણ કંપની રેડ ચિલીઝ કંપનીની શરૂઆત ભલે તેણે કરી હોય, પરંતુ તેને સફળતા અપાવવામાં ગૌરી ખાનનો અમૂલ્ય ફાળો છે. શાહરુખ ખાન તેની ફિલ્મોમાં સતત વ્યસ્ત હોય છે, પણ તેની કંપનીનો કારભાર ગૌરીએ લઈ લીધો છે. ક્રિકેટ, સ્ટુડિયો અને ફિલ્મોમાં પૈસા કયાં, કેવી રીતે રોકવા તે ગૌરી નક્કી કરે છે.
ખિલાડી કુમાર અક્ષયની પત્નીથી વિશેષ એક સમયની સુપર હોટ એકટ્રેસ ટ્વિંકલ ખન્ના આજે બોલિવૂડ બેસ્ટ પ્રોડયુસર બની ગઈ છે. અક્ષયકુમારે શરૂ કરેલી હરિ ઓમ એન્ટરટેન કંપનીનું સંચાલન કરે છે. ફિલ્મોમાં અભિનયને અલવિદા કરનાર ટ્વિંકલ મહેલોને ઈન્ટીરિયર ડિઝાઈનથી સજાવે છે. તે ઈન્ટીરિયર ડિઝાઈન કંપની ધ વ્હાઈટ વિન્ડો સ્ટોરની માલિક છે. અક્ષયની દરેક ફિલ્મમાં તે નિર્માતાની ભૂમિકા ભજવે છે. આમિરના જીવનમાં સૂર્યના કિરણની જેવી બનીને આવેલી કિરણ રાવે આમિરની લાઈફ સ્ટાઈલ બદલી નાંખી. કિરણ રાવે આમિરને જવાબદાર વ્યક્તિ બનાવી દીધો છે. આમિર ખાનના ‘સત્યમેવ જયતે’ શોની સફળતામાં કિરણ રાવે પાછલા દરવાજે અભૂતપૂર્વ ભૂમિકા ભજવી છે. ‘લગાન’ પછીની આમિરની દરેક નિર્માતા તરીકેની ફિલ્મની દોરી કિરણના હાથમાં હતી. ‘તારે જમીન પર’, ‘પીપલી લાઈવ’, ‘તલાશ’ અને ‘દંગલ’ જેવી વિવિધ ફિલ્મોને સફળતા અપાવવામાં કિરણ રાવનો ઘણો ફાળો છે. કિરણે ‘ધોબીઘાટ’ જેવી આર્ટ ફિલ્મનું દિગ્દર્શન કરેલું છે, જેમાં તે સફળ રહી હતી.
બોલિવૂડમાં લેડી ડિરેકટર તરીકે ઝોયા અખ્તરે કમાલ કરી છે. ‘લક બાય ચાન્સ’ ફિલ્મ ભલે બહુ નહોતી ચાલી, પણ આ ફિલ્મથી ઝોયાએ દિગ્દર્શક તરીકે પાયો નાખી દીધો હતો. 2011માં ‘દિલ ચાહતા હૈ’ની યાદ તાજી કરાવતી ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મનું દિગ્દર્શન કરીને ઝોયાએ સારી એવી સફળતા મેળવી હતી. રાઈટર તરીકે રીમા કાગતી અને ઝોયાની જોડીને બોલિવૂડમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ઝોયાને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. લાસ્ટમાં મલ્ટિસ્ટાર ‘દિલ ધડકને દો’ ફિલ્મ બનાવી હતી. ફરાહ ખાને તેની કરિયરની શરૂઆત કોરિયોગ્રાફર તરીકે કરી હતી. બોલિવૂડમાં બેસ્ટ કોરિયોગ્રાફરમાં નામ બનાવનાર ફરાહ સારી એવી દિગ્દર્શક પણ સાબિત થઈ છે. શાહરુખ ખાન સાથે ‘મૈં હૂં ના’, ‘ઓમ શાંતિ ઓમ’ જેવી બ્લોક બસ્ટર ફિલ્મનું દિગ્દર્શન કરનાર ફરાહ બોક્સઓફિસ હિટ દિગ્દર્શકમાં આવે છે. અલબત્ત, ફરાહે ‘શીરી ફરહાદ કી તો નિકલ પડી’ થી ફિલ્મમાં અભિનય ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું હતું. જેને ફિલ્મોમાં લેવા માટે બોલિવૂડના મસમોટા દિગ્દર્શકો લાઈનમાં બેઠા હોય તેને રીમા કાગતીએ તેની ફિલ્મ માટે કયારે રાજી કર્યો હોય ? આમિર ખાન સાથે ફિલ્મ કરવી એ જ ક્રિએટિવ પર્સનની સાબિતી બતાવે છે. રીમા કાગતીની ‘તલાશ’ ફિલ્મને ભારત કરતાં વિદેશમાં વધુ સફળતા મળી હતી. તેની પ્રથમ ફિલ્મે ખાસ કમાલ નહોતી કરી, પરંતુ ‘તલાશ’ને ગ્રેટ રિસ્પોન્સ મળ્યો હતો. હવે અક્ષયકુમાર સાથે સ્પોર્ટસ બાયોપિક ફિલ્મ બાનવી રહી છે.
ગુરિંદર ચઢ્ઢાનું નામ ભારત કરતાં વિદેશમાં વધુ જાણીતું છે. કારણ એ બ્રિટિશ સિટિઝનશિપ ધરાવે છે. ‘બેન્ડ ઈટ લાઈક બેકહમ’, ‘બ્રાઈડ એન્ડ પ્રિજ્યુડાઈસ’ જેવી ધારદાર ફિલ્મો તેના નામે બોલે છે. ઈંગ્લેન્ડમાં રહેતાં ભારતીયોની કથા-વ્યથા દર્શાવતી ફિલ્મો બનાવવામાં ગુરિંદરની હથોટી છે. પંચતત્વ સાથે જોડાયેલા નામો પર ફિલ્મ બનાવવાથી જગવિખ્યાત દીપા મહેતા મૂળ ભારતીય છે. તેમની ‘વોટર’ ફિલ્મને ઓસ્કરમાં શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ માટે નામાંકન પણ મળેલું. વિશ્ર્વની શ્રેષ્ઠ મહિલા દિગ્દર્શકમાં તેમનું નામ લેવાય છે. મીરા નાયર પણ દીપા મહેતા જેવું જ ગૌરવભેર નામ છે. તેમની ‘સલામ બોમ્બે’ ફિલ્મને પણ ઓસ્કરના મંચ પર શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ માટે નામાંકન મળેલું છે. ‘કામસૂત્ર’ જેવી ફિલ્મ બનાવીને તેમણે અનેક માન્યતાઓનો ભાંગીને ભુક્કો બોલાવી દીધો હતો. સાંપ્રત સમયમાં અનેક નારીઓએ નિર્માતા અને દિગ્દર્શકો તરીકે એન્ટ્રી લીધી છે. ગુલઝારની લાડલી દીકરીએ ‘તલવાર’ ફિલ્મ બનાવીને ચારેકોર વાહ વાહ મેળવી લીધી હતી અને પ્રતિભાશાળી દિગ્દર્શકમાં નામ નોંધાવી દીધું હતું. અમિતાભ બચ્ચન અને અક્ષયકુમારની ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’ ફિલ્મથી અભિનેત્રી તરીકે કરિયર અજમાવવા આવેલી દિવ્યા કુમારે ચાલાકીપૂર્વક અભિનેત્રી બનવાનો મોહ મુકીને ટી-સીરિઝના માલિક ભુષણ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી તેણે પોતાની મર્યાદાઓ સ્વીકારીને અભિનેત્રી ન બનતાં દિગ્દર્શક બનવાનું નકકી કર્યું અને મ્યુઝિકલ હિટ ફિલ્મ ‘યારિયાં’ અને ‘સનમ રે’ ફિલ્મ આપી હતી. ‘પા’ જેવી ઉત્તમ ફિલ્મ બનાવનાર દિગ્દર્શક આર. બાલ્કીના ધર્મપત્ની ગૌરી શિંદેએ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ અને ‘ડીઅર જિંદગી’ જેવી હટકે ફિલ્મ બનાવી છે. આ બધામાં એકતા કપૂરનો સિક્કો નિર્માતા તરીકે એ લિસ્ટમાં વાગે છે. એકતા કપૂર એ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની કવીન છે. તેના હાથમાં તમામ પરિબળો છે. એકતા ધારે એ ટેલિવિઝન પર કરી શકે છે. અલબત્ત, એ ફિલ્મ નિર્માતા તરીકે પણ જબરદસ્ત સફળ છે. તેના ખાતામાં ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, ‘ધ ડર્ટી પિક્ચર’ જેવી બહેતરીન ફિલ્મ બોલે છે.