વર્ષા મારી ખુલ્લી આંખની કવિતા…

વર્ષા મારી ખુલ્લી આંખની કવિતા…

- in Other Articles
3288
Comments Off on વર્ષા મારી ખુલ્લી આંખની કવિતા…
વર્ષા મારી ખુલ્લી આંખની કવિતા...

– પ્રદીપ ત્રિવેદી

વાંચન, લેખન, પ્રવાસન જેવા શોખ ધરાવતા જામનગરના હાર્ડ બિઝનેસમેન નરેશ ડોડિયા એક સોફ્ટ મેન છે. બિઝનેસમેન કરતાં સોફ્ટમેન તરીકે વધુ વિખ્યાત એવા નરેશ ડોડિયાની ‘મહોતરમાં’ ગઝલ સંગ્રહ, ‘નિરંતરા’ કાવ્ય સંગ્રહ અને ‘ઓહ! નયન તારા’ નોવેલે.. સાહિત્ય જગતમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. આ પ્રકાશનો ખૂબ જ લોકપ્રિય રહ્યાં છે. ચોટદાર ગઝલ અને કાવ્ય રચનાર નરેશ ડોડિયા એક સંગીતપ્રેમી, લાગણીશીલ, મધુર વ્યક્તિ છે…

પ્રિય વર્ષા! મારા જીવનમાં પ્રેમની વર્ષા વરસાવનાર વર્ષા… ‘તું ફળી છે જિંદગીમાં એક મોસમ વસંતી થઇ, ફૂલ જેવા સ્મિતની કાયમ સખાવત રહેવાની.’

વર્ષા મારી પત્ની કરતાં વધુ મારી પ્રિય સખી રહી છે, પ્રેમની પારસમણી રહી છે. જરૂર પડ્યે વર્ષા એક સહાયક તરીકે અને વડીલ તરીકે પણ મારા જીવનમાં ઊભી રહી છે, જેનું મને બહુ ગૌરવ છે. મારા કરતાં એનામાં રહેલી સમજદારી અને ઠરેલ સ્વભાવ એના માટે જવાબદાર છે તેમ કહું તો કાંઇ ખોટું નથી.

આવું તે કંઇ હોતું હશે? તારા હોઠોના ફફડાટથી ખુદ ઇશ્ર્વરને પણ ખિલખિલાટ હસવું પડે છે. બિચારા ફૂલોની તે શી હેસિયત! વગર વસંતે ખિલવું પડે છે! મારે પણ ઘણી વખત વર્ષાના માત્ર હોઠના ફફડાટ કે નયનોની મસ્તી જોઇને ખિલવું પડ્યું છે. તેને ક્યારેય કોઇ માટે કોઇ પ્રકારનો અણગમો નથી. તે મારા ચારેય ભાઇઓની પત્નીઓને દેરાણીની જેમ નહીં પણ નાની બહેનની જેમ સાચવે છે. તેમના દિલમાં એવું સ્થાન મેળવી લીધું છે કે આજે તેના વગર ચાલતું નથી. વર્ષાને કોઇનું દિલ જીતતા, કોઇની સાથે ભળી જતાં સારું આવડે છે. વર્ષાને ગૂંથણકામ, વાંચવું, ગાર્ડનિંગ, મૂવી જોવાનો સારો શોખ છે અને શોખના કારણે તે સતત કોઇને કોઇના કામમાં વ્યસ્ત રહેતી હોઇ તે સદા પ્રસન્ન રહે છે.

વર્ષા નામ પ્રમાણે ખુશમિજાજ, ભિનાશ ધરાવતી પ્રિય પત્ની રહી છે. તેને રિસાઇ જવું બહુ ગમતું નથી. એ સામાન્ય સ્ત્રીથી થોડી અલગ છે. પણ એ ગોંડલની હોવાથી એનો મિજાજ બાપુશાહી છે. છતાં પણ ક્યારેક રિસાઇ જાય તો એનો ગુસ્સો કે અબોલા બહુ લાંબા ચાલતા નથી. હા, પણ તેનામાં બાપુશાહી મિજાજ હોવાથી આખરે નમતું તો મારે જ જોખવું પડે છે. આ કવિની શેર-શાયરીઓ ત્યાં કંઇ કામ આવે નહીં. એક સારા પતિદેવની જેમ હું બહુ પ્રેમથી તેના શરણે થઇ જાઉં છું અને ફરી તેના મોં પર મલકાટ ઝળહળી ઊઠે છે.

મારી વર્ષા મારી ગઝલમાં ઓગળી ગઇ છે. તે મીઠી નદીની જેમ મારામાં નસેનસમાં ભળી ગઇ છે. તેમ છતાં અમારી વચ્ચે ક્યારેક ખાટી-મીઠી ક્ષણો ઉદ્ભવતી હોય છે, નાના-મોટા ઝઘડા પણ થતા હોય છે. મારી ઘણી એવી આદતો છે જે વર્ષાને ગમતી નથી. ઘણી વખત કોમ્પ્યૂટર પર કામ કરતો હોઉં ત્યારે સમયનો ખ્યાલ રહેતો નથી. પરિણામે ઘણીવાર જમવાનું તૈયાર હોય અને વર્ષાને ચાર-પાંચ વાર બૂમ મારવી પડે ત્યારે એને ગુસ્સો આવે છે!

ઘણીવાર રાત્રિના નિંદર ઊડી જાય તો મારી આદત છે કે હું મોબાઇલ લઇને થોડીવાર બેસું અને પછી પાછો સૂઇ જાઉં છું. ત્યારે જો એની ઊંઘ ઊડે તો મને કહે કે,‘હવે બધા સૂઇ ગયા છે તમે પણ સૂઇ જાવ.’ આ કહેવા પાછળ તેનો કયો ભાવ હોય છે તે હજી સુધી મને સમજાયું નથી!

ઘણીવાર મારે ઓફિસેથી કોઇ પ્રસંગમાં જવાનું હોય ત્યારે હું ફોન કર્યા વિના એ પ્રસંગમાં જવા નીકળી જાઉં છું ત્યારે પણ વર્ષાની હેલી યાને ગુસ્સાનો ભોગ બનવું પડે છે. આ ગુસ્સો એ ઝઘડાનો નહિ પણ પ્રેમનો હોય છે. આ સમયે એક વાત ચોક્કસ સમજાય કે ખરેખર આવી બાબતો પાછળ તમારી પત્નીની કેટલી ફિકર હોય છે તે દેખાઇ આવે છે.

વર્ષા આમ તો હંમેશાં પ્રસન્ન, વસંતની જેમ ખીલેલી અને વરસવા તૈયાર જ હોય તેવી દેખાય છે. પણ જ્યારે મારે બહારગામ જવાનું થાય છે ત્યારે એનું મોઢું પડી જાય છે! કારણ કે, હું જાણું છું એને મારા વગર એક દિવસ પસાર કરવો  બહુ આકરો લાગે છે. આજે પચ્ચીસ-પચ્ચીસ વર્ષ પછી પણ કોઇ પ્રસંગોપાત એકલા રહેવાનું થાય તો ગમતું નથી. હું કોઇ પણ સ્થળે હોઉ, એ દર કલાક કે બે કલાકના અંતરે ફોન કરીને મારી ખબર પૂછી લે છે. મારું સાનિધ્ય જાળવી રાખવા તે ફોન કરતી રહે છે. જે મને પણ ગમે છે. તે ખૂબ જ પ્રેમાળ છે. ઘણી વખત આ પ્રેમ તેને વિહવળ બનાવી દે છે.

અમારા દામ્પત્ય જીવનના પચ્ચીસ-પચ્ચીસ વર્ષ કઇ રીતે પસાર થઇ ગયા તેની  મને ખબર જ નથી! મારા લગ્નના પચ્ચીસ વર્ષ એવી રીતે પસાર થયા છે જાણે કોઇ સુંદર પ્રવાસ ચાલતો હોય.

વર્ષા જેવી ગાઢ સમજણ ધરાવતી, સેન્સ ઓફ હ્યુમર જેની જોરદાર હોય એવી પત્ની હોય તો  સંસાર કદી અસાર ના લાગે…!!

‘રોજ તારું આગમન સૂરજની

ઓથમાં વધાવું છું,

તું આવે અને પથ્થર સમો દેહ

ફૂલો જેવો કોમળ બની જાય છે.’

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો