મેઘવિરાસ
ભારતીય સિનેમાનું સિનેજગતમાં મહત્ત્વનું આદાન-પ્રદાન રહ્યું છે. એવી અઢળક કથાઓ અને સિનેમેટિક ટ્રીટમેન્ટ છે જે ફિલ્મજગતને ભારતે આપી છે. તેમાંની એક એટલે પુનર્જન્મ પરની ફિલ્મો. હા, પુનર્જન્મની કહાનીને સિનેમાના પરદે સાકાર કરવાનું સૌપ્રથમ સૌભાગ્ય ભારતીય સિનેમાને મળ્યું હતું. રિઇન્કાર્નેશનની થીમ ભારતે સિનેવિશ્ર્વને આપેલી ભેટ છે. હાલમાં રજૂ થયેલી ‘રાબતા’ ફિલ્મે ફરી એક વખત જન્મોજનમની કથાને સિનેમાને પડદે સાકાર કરી છે પરંતુ…
સિનેમા એ કળાનું મસમોટું પ્લેટફોર્મ છે. એકને જે વિચાર આવે તે અન્યને પણ આવી શકે પણ પહેલો ઘા રાણાનો! જેણે સૌપ્રથમ ક્રિએશન કર્યું તે તેનો સર્જક બની જાય છે. પછી એ આઇડિયા બીજા માટે ઉઠાંતરીનો વિષય બની જાય છે. સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતી સેનનની ‘રાબતા’ ફિલ્મ રજૂ થાય એ પહેલાં વિવાદોમાં ફસાયેલી હતી. મૂળ વાત એમ હતી કે તેલગુ સુપરહિટ ફિલ્મ ‘મગધીરા’ના નિર્માતાએ દાવો કર્યો હતો કે‘રાબતા’ ફિલ્મ ‘મગધીરા’ની ઉઠાંતરી છે. વિવાદે કોર્ટના દરવાજા ખોલાવ્યા હતા અને અંતે બહારથી સમજૂતી કરી લેવામાં આવી હતી. ફાઇનલી ફિલ્મ રજૂ થઇ અને દર્શકોને જોવા મળી.
સુશાંતસિંહ રાજપૂત અને ક્રિતી સેનન એવા સેલિબ્રિટી સ્ટાર્સ નથી કે તેમની ફિલ્મ જોવા માટે લાંબી લાઇનો લાગે કે દર્શકોમાં અનેરો ઉત્સાહ હોય. પરંતુ ફિલ્મનું નામ સતત ‘મગધીરા’ સાથે સંકળાવવાથી ફિલ્મને જબરદસ્ત હવા મળી હતી. તેમાં પણ ‘મગધીરા’ના દિગ્દર્શક એસ.એસ.રાજામૌલી છે અને તેમની જ ફિલ્મ ‘બાહુબલી’નો યશસ્વી ધ્વજ આખાય વિશ્ર્વમાં લહેરાઈ રહ્યો છે. એટલે દર્શકોના મનમાં એક વાત અવશ્ય હોય કે ચાલો, ‘મગધીરા’ પરથી બનેલી ‘રાબતા’ ફિલ્મ કેવી છે? જોકે, આ ફિલ્મની કથા પુનર્જન્મ આધારિત છે પણ ‘મગધીરા’ની બેઠી કોપી નથી. ફિલ્મ ‘મગધીરા’થી અલગ છે તેવું સાબિત કરવા જતા દિગ્દર્શક દિનેશ વિજન વાર્તામાં જ લથડિયાં ખાવા લાગ્યાં છે. ફિલ્મમાં પૂર્વજન્મના અમુક દૃશ્યો હોલિવૂડ ફિલ્મ ‘300’માંથી ઊઠાવવામાં આવ્યાં છે. ઘણીબધી ફિલ્મોના સારા સારા દૃશ્યોનું એકત્રીકરણ કરવામાં આવ્યું પણ ‘રાબતા’માં એવું કોઇ કનેક્શન નથી જે દર્શકોને ફિલ્મ સાથે જોડી રાખે. ફિલ્મનું નામ જ માત્ર રાબતા છે. રાબતાનો અંગ્રેજીમાં અર્થ ‘કનેક્શન’ થાય છે. વાસ્તવમાં ફિલ્મમાં પણ કનેક્શન મેળવવા દર્શકોએ માથું ખંજવાળવું પડે તેવી સ્થિતિ છે. જે‘મગધીરા’ફિલ્મ સાથે ‘રાબતા’ની સરખામણી થતી હતી એ ‘મગધીરા’થી તો ‘રાબતા’ જોજનો દૂર છે.
પપ કરોડ રૂપિયામાં બનેલી ‘રાબતા’ નિર્માતાને કેટલું વળતર આપે છે એ તો રાજાધિરાજ દર્શકોના હાથમાં જ છે, પણ આપણને પુનર્જન્મની ફિલ્મ પર વાત કરવા માટેનો વિષય આપી દીધો. આખરે આ પુનર્જન્મ છે શું?
પુનર્જન્મની બાબતને લઇને અનેક મતમતાંતરો પ્રવર્તમાન છે. ધર્માનુસાર મૃત્યુ શરીરનું થાય છે પણ જીવ તો અનંત છે. તેનો ક્યારેય અંત નથી. તે વારંવાર જન્મ લે છે. તે કઇ યોનિમાં અને કેવા સંજોગોમાં જન્મ લેશે તેનો આધાર પૂર્વજન્મના કર્મ પર રહેલો હોય છે. બીજો પક્ષ એવું માને છે કે શરીરની સાથે જીવ પણ મૃત્યુ પામે છે. દુનિયાભરના મહાન સંશોધકોએ પુનર્જન્મની બાબતને સમર્થન આપ્યું છે અને કહે છે કે કાળા માથાનો માનવી કૃત્રિમ બુદ્ધિશક્તિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનું નિર્માણ કરી શકે પણ ક્યારેય કોઇને સજીવ ન કરી શકે. મૃત્યુ પછીના રહસ્યો આજે પણ અકબંધ છે. પરંતુ એવી અનેક ઘટનાઓ દુનિયા સામે આવી છે જે પુનર્જન્મની વાત સાથે સહમતિ દર્શાવે છે.
પુનર્જન્મને લઇને વાદ-વિવાદ હોઇ શકે પણ આ વિષય સિનેમા માટે હંમેશાં શુકનવંતો સાબિત થયો છે. ભારતના અનેક શ્રેષ્ઠ દિગ્દર્શકોએ પુનર્જન્મ (રિઇન્કાર્નેશન)ની થીમ પર ફિલ્મો બનાવી છે અને નામના મેળવી છે. દિગ્દર્શક કમાલ અમરોહી, બિમલ રોય, શક્તિ સામંત, ચેતન આનંદ, રાકેશ રોશનથી લઇને સાંપ્રત સમયના લિજેન્ડ દિગ્દર્શક એસ.એસ.રાજામૌલીએ આ થીમ પર હાથ અજમાવ્યો છે. અલબત્ત, સિનેજગતને પુનર્જન્મની વાર્તા પર ફિલ્મ બનાવવાની પ્રેરણા ભારતીય સિનેમાએ જ આપી છે.
ગુલામીની જંજીરોમાંથી આઝાદ થતાં જ ભારતમાં ક્રાંતિનો પ્રાણ ફૂંકાયો હતો અને તેમાં સિનેક્ષેત્રનું યોગદાન પણ મહત્ત્વનું રહ્યું હતું. આઝાદી પછી ભારતીય સિનેમામાં વિષયોની વૈવિધ્યતા વધુ આવી અને સિનેવિશ્ર્વને ભારતીય સિનેમા તરફ જોવા મજબૂર કર્યું. બીજુ કે તેની ફિલ્મોમાં પૂર્વજન્મ સાથે પુનર્જન્મને જોડી રાખતી કડીઓ પણ જોવા ન મળતી. પૂર્વજન્મ અને પુનર્જન્મની કહાનીનું પરિપૂર્ણ પ્રથમ ફિલ્માંકન જો કોઇએ કર્યું હોય તો એ દિગ્દર્શક કમાલ અમરોહી છે. કમાલ અમરોહીને આ જેનરના પ્રણેતા પણ ગણી શકાય.
વર્ષ 19પ0માં મધુબાલા અને અશોક કુમારને લઇને તેમણે સુપરનેચરલ થ્રિલર ‘મહલ’ ફિલ્મ બનાવી. ભારતની સાથે વિશ્ર્વમાં પ્રથમ વખત પુનર્જન્મની કથા પર આ ફિલ્મ બની હતી. એટલું જ નહિ, આ ફિલ્મ આજે પણ વિશ્ર્વની શ્રેષ્ઠ ટોપટેન રોમેન્ટિક હોરરમાં સ્થાન પામે છે. ‘મહલ’ની સફળતાએ ઘણાં દિગ્દર્શકોનું ધ્યાન ખેંચ્યું પણ આ વિષયને પડદા પર સાકાર કરવાની તરકીબ કોઇને સૂઝતી ન હતી. જે કરતબ દિગ્દર્શક બિમલ રોયે કરી બતાવ્યું. વર્ષ 19પ8માં બિમલ રોયે દિલીપકુમાર અને વૈજયંતીમાલાને લઇને ‘મધુમતિ’ ફિલ્મ બનાવી. આ ફિલ્મ સંપૂર્ણપણે પુનર્જન્મ પર આધારિત હતી. આજે પણ રિઇન્કાર્નેશન પર બનેલી તમામ ફિલ્મોમાં ‘મધુમતિ’ ફિલ્મને આઇકન માનવામાં આવે છે. હિન્દી, તમિલ અને તેલગુમાં આ થીમને પ્રોત્સાહન મળવા લાગ્યું તો હોલિવૂડમાં પણ ક્રેઝ આવ્યો હતો.
વર્ષ 1980 સુધી રિઇન્કાર્નેશનની થીમ પર ભારત સહિત વિશ્ર્વમાં સારી સારી ફિલ્મો બનવા લાગી હતી, પણ મોટાભાગની ફિલ્મનો સંદર્ભ ક્યાંક ને ક્યાંક ‘મધુમતિ’ સાથે અવશ્ય જોવા મળતો. તેમાં પણ ‘ધ ગન્સ ઓફ નેવરોન’ જેવી એકથી એક ચડિયાતી ફિલ્મ આપનાર દિગ્દર્શક જ્હોન લી થોમ્પસને આ થીમ પર ફિલ્મ બનાવી ત્યારે તેની લોકપ્રિયતામાં ધરખમ વધારો થયો હતો. જ્હોન લીએ વર્ષ 197પમાં ‘ધ રિઇન્કાર્નેશન ઓફ પીટર પ્રાઉડ’ ફિલ્મ બનાવી. ફિલ્મ તો નવલકથા પર આધારિત હતી પણ જ્હોન લીની પ્રેરણા ‘મધુમતિ’ ફિલ્મ જ હતી. ‘ધ રિઇન્કાર્નેશન ઓફ પીટર પ્રાઉડ’નું ભારતીયકરણ કરીને દિગ્દર્શક સુભાષ ધઇએ વર્ષ 1980માં ‘કર્ઝ’ ફિલ્મ બનાવી. ‘કર્ઝ’ને મળેલી અભૂતપૂર્વ સફળતાએ અનેક દિગ્દર્શકોને આ થીમ પર ફિલ્મ બનાવવા પ્રેરિત કર્યા. વર્ષ 1981માં દિગ્દર્શક ચેતન આનંદે પુનર્જન્મની વાર્તા પર રાજેશ ખન્ના, રાજકુમાર, વિનોદ ખન્ના અને હેમા માલિનીને લઇને ‘કુદરત’ બનાવી હતી. આ પહેલાં રાજેશ ખન્ના અને હેમા માલિનીએ દિગ્દર્શક શક્તિ સામંતની પુનર્જન્મની વાર્તા પરની ફિલ્મ ‘મહેબૂબા’માં સાથે કામ કર્યું હતું. મોટાભાગની ફિલ્મોમાં પુનર્જન્મની કથામાં પ્રેમકથા જ હતી, પણ દિગ્દર્શક રાકેશ રોશને ‘કરણ અર્જુન’થી પુનર્જન્મની ફિલ્મની આખી રૂપરેખા જ બદલી નાખી. શાહરૂખ ખાન અને સલમાન ખાનના સ્ટારડમમાં આ ફિલ્મ મહાબ્લોકબસ્ટર સાબિત થઇ હતી અને આજે પણ ટેલિવિઝન પર ધૂમ મચાવે છે. શાહરૂખ ખાને વધુ એક પુનર્જન્મની ફિલ્મમાં કામ કર્યું છે અને તે ફિલ્મ છે ‘ઓમ શાંતિ ઓમ’. દિગ્દર્શક ફરાહખાને દુનિયાની શ્રેષ્ઠ પુનર્જન્મની ફિલ્મોને સાંકળીને આ ફિલ્મનું સર્જન કર્યું હતું. આ ફિલ્મનો એન્ડ સીન ટુ સીન ‘મધુમતિ’ ફિલ્મની ઉઠાંતરી છે.
રાકેશ રોશને પુનર્જન્મની વાર્તામાં પ્રેમકથાથી એક ડગ આગળ જઇને ખાનદાની બદલાની વાત કરી હતી. પરંતુ દરેક ફિલ્મમાં પુનર્જન્મ માનવીના અવતારમાં જ થતો. એ અવતારના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન દિગ્દર્શક એસ.એસ.રાજામૌલીએ કર્યું. રાજામૌલીએ માનવીના બદલે એક માખીને પસંદ કરી. જે માખી ફિલ્મનો નાયક બને છે અને પ્રતિશોધ લે છે. વર્ષ ર012માં આવેલી ‘ઇગા’ ફિલ્મ એકસટ્રોર્ડિનરીની કેટેગરીમાં સ્થાન પામે છે.
પુનર્જન્મનો વિષય ફિલ્મકારોમાં લોકપ્રિય બની રહ્યો છે. એવું પણ નથી કે આ વિષય હિટ જ રહ્યો છે. અક્ષયકુમારની તોતિંગ બજેટની બનેલી ‘ચાંદની ચોક ટુ ચાઇના’, કરિશ્મા કપૂરની કમબેક ફિલ્મ ‘ડેન્જર્સ ઇશ્ક’, પ્રિયંકા ચોપરાની ‘લવસ્ટોરી ર0પ0’ જેવી અનેક ફિલ્મોને ભારેખમ નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. છેલ્લે તો ‘રંગ દે બસંતી’ જેવી એક્સલેન્ટ વર્લ્ડ ક્લાસ ફિલ્મ બનાવનાર દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ‘મિર્ઝિયા’મા દાટ વાળ્યો હતો. આ ફિલ્મથી કરોડોનું નુકસાન સહન કરવાનો વારો તો મહેરાને આવ્યો જ હતો, પણ સૌથી મોટો પ્રશ્ર્નાર્થ તેની શાખ પર લાગ્યો હતો કે શું આવી ફિલ્મ મહેરા બનાવી શકે? હિટ ફ્લોપ તો સિનેમા સાથે લખાયેલું નસીબ છે પણ તેની ચિંતા કરીએ તો ક્યારેય ફિલ્મ જ ના બને. પુનર્જન્મ પર અઢળક ફિલ્મો બની છે અને બનતી રહેશે એ વાત સોનાની શુદ્ધતા જેવી છે.