પારુલ સોલંકી
પોતાના સંતાનના ઉજજવળ ભવિષ્ય માટે દરેક પેરેન્ટ્સના મનમાં સપનાં હોય છે, કે શહેરની સારામાં સારી સ્કૂલમાં બેસ્ટ એજ્યુકેશન મેળવે. ઇવન, રિચેસ્ટ પેરેન્ટ્સ શહેરની હાઇફાઇ સ્કૂલમાં ઊંચું ડોનેશન અને ફી આપીને પણ પોતાના સંતાનનું એડમિશન કરાવે છે. હાલના સમયમાં મોટાભાગના પેરેન્ટ્સની એવી ઇચ્છા અને ખાસ આગ્રહ પણ હોય છે કે પોતાના સંતાનનું એડમિશન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જ કરાવે. કેમ કે, અત્યારે કોમ્પિટિશનનો યુગ છે અને સમયની જરૂરિયાત છે કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું એજ્યુકેશન આવશ્યક બની ગયું છે તેમ છતાં આજે પણ ગુજરાતી મીડિયમમાં પણ એજ્યુકેશન લેનાર લોકો પણ છે ખરા.
પરંતુ ઇંગ્લિશ એક વર્લ્ડ વાઇડ લેન્ગવેજ છે તેથી જીવનમાં આગળ જતાં દરેકને ઇંગ્લિશની જરૂર પડે છે. પરંતુ બને છે એવું કે ઇંગ્લિશ મીડિયમના મોહમાં ઘણાં લોકો એક આંધળી દોટ મૂકે છે. પોતાના સંતાનને ઇંગ્લિશમાં જ બોલવું એવી ફરજ નાનપણથી પાડે છે અને એવી માન્યતામાં રાચતા હોય છે કે ઇંગ્લિશ લેન્ગવેજથી એક ઇમ્પ્રેશન પડે છે તેથી આવા લોકો એક પાવરથી જીવે છે અને જે લોકોને ઇંગ્લિશ ના આવડે તેને તેઓ પોતાનાથી ઉતરતા પણ માને છે. એવા ઘણાં દાખલા આપણા સમાજમાં જોવા મળે જ છે.
આ બાબતે નિષ્ઠા ઠાકર આનંદ જેઓ આઇઆઇએમ અમદાવાદ ખાતે જોબ કરી રહ્યા છે. તેમની સમાજમાં એક આગવી ઓળખ છે. જાણીતા મહાનુભાવોના હસ્તે તેઓ અસંખ્ય એવોર્ડ મેળવી ચૂકેલ છે અને ફિઝિકલી ચેલેન્જડ લોકો માટે તેઓ નિયમિતપણે બહુ સેવાભાવી કાર્યો કરે છે. ઇવન, તેઓ ખુદ ફિઝિકલી ચેલેન્જડ છે. પરંતુ એક આત્મવિશ્ર્વાસભર્યું વ્યક્તિત્વ ધરાવે છે અને તેઓ એક ત્રણ વર્ષીય મીઠડી દીકરી આકાંક્ષાની માતા છે. તેમણે આ બાબતે પોતાના બહુ સરસ વિચારો દર્શાવ્યા છે. બાળકના જીવન ઘડતરમાં માતા-પિતાનો ફાળો કેવો હોય છે એ બાબતને નિષ્ઠાબેને સુપેરે સમજાવ્યું છે.
નિષ્ઠાબેન બહુ જ ગહન વાત કરે છે, પેરેન્ટ તરીકે સ્વાભાવિક હોય કે દરેકને પોતાના બાળકના ભણતરની ચિંતા હોય. પરંતુ આ બધી બાબતમાં એક અગત્યની વસ્તુ જે વિસરાતી જાય છે તે છે બાળકનું ગણતર. બધા લોકો બસ ના સમજાય એવી એક રેસમાં દોડ્યે જાય છે અને સાવ પાયાવિહોણી માન્યતા જે દરેક મા-બાપના મનમાં ઘર કરતી જાય છે તે છે. જો આપણું બાળક મોટી સ્કૂલ ઈંગ્લિશ મીડિયમમાં ભણશે. હાઇફાઇ ફી અને ઊંચું ડોનેશન ધરાવતી સ્કૂલમાં જશે તો જ જીવનમાં સફળ થશે.
એક દીકરીના મા-બાપ તરીકે તેના ભવિષ્યને લઇને અમે પણ તેના ભણતર વિશે વિચારતા હતા. પરંતુ ભણતર સાથે ગણતરનાં મહત્ત્વ વિશે પણ એટલું જ સમજતા હતા. ગણતર એટલે કે સંસ્કાર…નો પહેલો પાયો છે, તમારી ઓળખ અને એ ઓળખમાં માતૃભાષા એક પાયાની વસ્તુ બને છે. કહી શકાય કે આપણી પહેલી ઓળખ બને છે અને મારી દીકરી ખૂબ નસીબવાળી છે કે તેની ત્રણ-ત્રણ માતૃભાષા છે. ગુજરાતી, પંજાબી અને હિન્દી. કેમ કે, હું ગુજરાતી છું. પરંતુ મારા પતિ પંજાબી છે. તો હિન્દી અને પંજાબી તો દીકરીને શીખવાડવી જરૂરી બનતી જ હતી.
એટલે દીકરી જન્મી ત્યારથી જ નક્કી હતું કે ત્રણ ભાષા પંજાબી, હિન્દી અને ગુજરાતીમાં એ એકદમ પરફેક્ટ થવી જોઇએ. અને એ સરસ રીતે પોતાની માતૃભાષા ત્રણેય ભાષા અત્યારે બોલી શકે છે. મારી ત્રણ વર્ષની દીકરીને ઇંગ્લિશમાં કોઇ પૂછે કે ઇંજ્ઞૂ ફયિ ુજ્ઞી? ત્યારે અમે ગર્વથી કહીએ છીએ એને ઇંગ્લિશ નથી સમજાતું પણ હા, તેની ત્રણ માતૃભાષા તે જાણે છે તેમાં તે ચોક્કસથી તમને જવાબ આપશે! અને એ હકીકત છે કે આપણી ભાષા આપણી ઓળખ છે અને એનો દરેકને ગર્વ હોવો જોઇએ. પરંતુ કટુ સત્ય એ પણ છે કે સમાજમાં આપણે લોકો આજે ઇંગ્લિશ પાછળ એટલી બધી આંધળી દોટ મૂકીએ છીએ કે પારકાને આપણે પ્રેમથી ઉત્સાહ સહિત અપનાવીએ છીએ અને આપણી જે ખુદની ઓળખ છે, આપણી માતૃભાષા છે એને આપણે ક્યાંક ને ક્યાંક જાણે અજાણે પાછળ છોડતા જઇએ છીએ. અત્યારે સમાજમાં જોવા મળે છે એક બે વર્ષનું બાળક જ્યારે ઇંજ્ઞૂ ફયિ ુજ્ઞીનો જવાબ ઇંગ્લિશમાં આપે ત્યારે તેના મા-બાપ ગર્વથી માથું ઊંચકે છે. જ્યારે એ જ બાળકને પોતાની માતૃભાષા શીખવાડવાની વાત આવે ત્યારે તે જ પેરેન્ટ્સ એક અચકાટ અનુભવે.
નિષ્ઠા પોતાની વાત આગળ વધારતાં કહે છે, અને અહીંથી જ આપણે વિચારવાની શરૂઆત કરીએ તો થાય છે કે બાળકને ઇંગ્લિશ મીડિયમમાં મૂકશું તો જ બાળક એના જીવનમાં આગળ ભણશે અને આગળ સફળતા મેળવશે. આવી માન્યતાઓ લગભગ મોટાભાગના પેરેન્ટ્સના મનમાં માન્યતાઓ ઘર કરી ગઇ હોય છે. મારી બાબતમાં કહું તો અમે પણ વિચારેલું કે આજની જરૂરિયાત મુજબ આપણે પણ દીકરીને ભલે ઇંગ્લિશ મીડિયમમાં મૂકીશું ખરા પણ… અમે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખી કે ઇંગ્લિશ એક લેન્ગવેજ છે અને બાળકને આગળ જતાં અભ્યાસમાં તો ઇંગ્લિશ મીડિયમની જરૂર પડવાની છે. નહિ કે બસ આપણે સામાજિક દૃષ્ટિએ એક સ્ટેટસ માટે ઇંગ્લિશ સ્કૂલમાં એડમિશન અપાવીશું. અને હા, મારા મત મુજબ તમે ઇંગ્લિશ મીડિયમમાં અગર બાળકને મૂકો છો તો ખાલી તમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ સમજવું પડે છે. કેમ કે, ઘણા પેરેન્ટસ એ ભૂલી જાય છે કે જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું છે તો સાથે પોતાની ઘરની પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખવું પડે, સમજવું પડે. માત્ર સ્ટેટસ માટે જ મોટી સ્કૂલમાં મૂકવું એ યોગ્ય બરાબર નથી. એ સ્ટેટસવાળી બાબત બાળકમાં પણ બાળપણથી જ એ બધા વિચારો બેસવા માંડે છે અને બાળકના મન, મગજ પર આ બધી બાબતોની અસર થાય છે. પછી જો હાઇફાઇ સ્કૂલ, મોટા નામવાળી સ્કૂલ કે મોટાં નામવાળું ઇંગ્લિશ મીડિયમ જો ઘરની પરિસ્થિતિ સાથે અનુકૂળ ના હોય તો બાળક ભણતરમાં જ આગળ વધે છે. પરંતુ આપણે જે ગણતર વિશેના સંસ્કાર આપવા માગીએ તો એ બાબત બાળકમાં વ્યવસ્થિત નથી આવી શકતા એવું મારું અવલોકન છે. એટલે મારી દીકરીનું એડમિશન અમે કોઇ હાઇફાઇ ફી અને ઊંચા ડોનેશનવાળી સ્કૂલમાં નથી કરાવ્યું પણ અમે અમારી દીકરીનું એડમિશન કેન્દ્રિય વિદ્યાલયમાં જ કરાવ્યું છે એ પણ એ સ્કૂલના ભણતર વિશેના બેસ્ટ પાસાંઓ વિશે વિચારીને જાણીને જ અમને એ યોગ્ય લાગ્યું છે. તેથી ત્યાં એડમિશન કરાવ્યું છે. અમે અમારો અનુભવ, સમજણ અને નિરીક્ષણના નિચોડ રૂપે અમે આ નિર્ણય લીધો છે.
મિત્રો, નિષ્ઠાબેને બાળકોના એજ્યુકેશન બાબતે,પોતાની માતૃભાષા સંતાનને શીખવાડવા બાબતે પોતાના બહુ સરસ વિચારો દર્શાવ્યા જે ઘણા લોકો માટે પ્રેરણાદાયક બની શકે.
કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલાક પોતાના ગજા બહાર હાઇફાઇ પ્રાઇવેટ સ્કૂલમાં પોતાના સંતાનોનું એડમિશન કરાવે છે. ઊંચી ફી ચૂકવે છે. કેમ કે, આ લોકો માને છે કે ઊંચી ફી વાળી પ્રાઇવેટ સ્કૂલમાં જ સંતાનો ભણશે તો જ જીવનમાં સફળ થશે. પરંતુ આ માન્યતા ભૂલભરેલી છે. પોતાના જીવનધોરણને અનુરૂપ પોતાના વિચારોને અનુરૂપ કોઇ પણ સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકવાથી પણ બાળક સારું એજ્યુકેશન મેળવે જ છે. કેમ કે, સ્કૂલના અભ્યાસની સાથે સંતાનનું ફેમિલી બેક ગ્રાઉન્ડ કેવું છે, માતા-પિતાના વિચારો અને વ્યવહાર કેવા છે તે બાબત પણ બાળકના જીવનમાં અસર કરે છે. પણ એક સત્ય છે કે અત્યારના સમયમાં પણ ગુજરાતી મીડિયમમાં એજ્યુકેશન મેળવેલ વિદ્યાર્થીઓ જીવનમાં સફળ બને જ છે. જેમાંથી કેટલાય પોતાની કરિયર માં સફળતાની ટોચ પર પણ પહોંચે છે. તેઓ ઇંગ્લિશને એક લેન્ગવેજ તરીકે શીખીને એમાં વાતચીત પણ કરી શકે છે.