મારો એક મિત્ર કહેતો કે લગ્ન પછી એનો ભૂત, પિશાચ, ચુડેલ વગેરેનો ડર જતો રહ્યો છે. જોકે, પછી તો એના છૂટાછેડા થઇ ગયા અને હાલ એ ક્યાં છે એની મને ખબર નથી. પણ એ મળે ત્યારે એને પૂછવું છે કે છૂટાછેડા પછી ફરી ભૂતની બીક લાગવા માંડી હતી કે નહિ? મારો મિત્ર જ નહિ પણ ભૂત પોતે મને મળે તો મારે એને પણ ઘણું બધું પૂછવાનું છે. કારણ કે, ભૂત વિશે આટલું બધું ખરું-ખોટું લખાતું હોવા છતાં ભૂત કદી ખુલાસા કે રદિયો આપવા આવતું નથી!
ભૂત પરની કહેવતોમાંથી આપણને ભૂત વિશેની અમુક માહિતી મળે છે. જેમ કે, ‘ભૂતને પીપળા મળી રહે છે’ અને ‘ભૂતનું ઘર આમલી!’ આ કહેવતો બતાવે છે કે ભૂત લોકો પીપળા ઉપર કે આમલી ઉપર રહેવાનું વધુ પસંદ કરતા હોય છે! માની લઇએ કે પીપળા અને આમલી ભૂતના ઘર ગણાય, તો એનો અર્થ એ થયો કે ભૂતો પણ પ્રોપર્ટી વસાવતા હશે અને પ્રાઇમ લોકેશનો પરના ‘ઘર’ માટે એમનામાં પણ પડાપડી થતી હશે. જેમ કે, કાંકરિયા લેક ફ્રન્ટ પર આવેલા પીપળાના ઓન બોલાતા હશે! સરકારી વૃક્ષારોપણના કાર્યક્રમો એમના માટે કોલોનીનું ખાત મુહૂર્ત જ ગણાતું હશે! જોકે, ભૂત વિશેના આ સંશોધન માટે કોઇએ ભૂતોનો સંપર્ક કર્યો હતો કે નહિ એ બાબતે કોઇ આધારભૂત માહિતી પ્રાપ્ત નથી!
અમદાવાદમાં આસ્ટોડિયા પાસે ભૂતની આમલી નામનું એક સ્થળ આવેલું છે અને લોકવાયકા એવી છે કે ત્યાં બહાર ગામના ભૂતોનો વાસ છે! આ વાત સાચી હોવાની શક્યતા એટલા માટે છે કારણ કે, ત્યાં ટ્રાવેલ્સવાળાની બસો ઊભી રહેતી હોય છે! વડોદરામાં ‘ભૂતડીઝાંપા’ નામની એક જગ્યા છે! પણ અમને એ નામ જરા વિચિત્ર લાગે છે. કારણ કે, ભૂત પોતે હવામાં ઊડી શકતા હોય છે અને ચાવીના કાણામાંથી પણ અવરજવર કરી શકતા હોય છે, તો એમને ઝાંપાની જરૂર જ કેવી રીતે પડે?
ભૂત લોકોમાં ફેશન જેવું કઇ હોય કે નહિ એ વિશેની આધારભૂત માહિતી પણ ભૂત જ આપી શકે, છતાં આપણે અનુમાન જરૂર કરી શકીએ! જેમ કે, ચૂડેલનો વાંસો પોલો હોય છે. એટલે એ બેકલેસ ચોળી ઉપર સાડી પહેરીને નીકળે તો ગોખલા પર પડદો લટકાવ્યો હોય એવું લાગે! જોકે એ પણ સ્ત્રીનું ભૂત જ કહેવાય. એટલે એ પોલા વાંસામાં દીવો કે લાઇટો મૂકવાની ફેશન કાઢે તો નવાઇ નહિ! રસપ્રદ વાત એ છે કે ચૂડેલના પગ અવળા હોય છે અને એટલે એને ખાસ પ્રકારની સેન્ડલો બનાવડાવી પડતી હશે. હવે એનું જોઇને આપણાવાળી એવી સેન્ડલ માગી બેસે તો આપણે ક્યાં જવું?
માદા ભૂત એટલે કે ભૂતડીઓ અને એમાંય ખાસ કરીને હિન્દી ફિલ્મની ભૂતડીઓ તો કાયમ છૂટ્ટા વાળ રાખી અને સફેદ સાડી પહેરીને ફરતી હોય છે અને સરસ ગાતી હોય છે! પણ એનો અર્થ એ નથી કે છૂટ્ટા વાળ સાથે સફેદ સાડી પહેરીને ગાતી હોય એ તમામ સ્ત્રીઓ ભૂત હોય છે!
ભૂતો વિશે કંઇ સંશોધન થયું હોય તો અમારે સાઉથઇન્ડિયન ભૂતનો રંગ કેવો હોય છે એ જાણવું છે. જોકે, આ વાત તો રજનીકાંતને પૂછી લઇએ તો એ પણ કહી દે! ભલું હોય તો ભૂત પાસે ચા બનાવડાવીને તમને પીવડાવે પણ ખરો! માણસો ભૂતમાં માને કે ન માને, ભૂતો રજનીકાંતમાં માનતા જ હશે એનો આ પુરાવો! જોકે કોઇ લુંગીધારી અંધારામાં ઊભો ઊભો તામિલમાં બરાડા પાડતો હોય તો એ આપણને તો એ ભૂત જ લાગે!
ઘણા લોકો આધારભૂત માહિતી કાઢી લાવવામાં પાવરધા હોય છે, પણ એમની આધારભૂત માહિતીનો આધાર ભૂત જ હોય છે! અર્થાત્ એ લોકો માહિતી ભૂત પાસેથી જ મેળવતા હોય છે. એટલે તમારે એ માહિતીની ખાતરી કરવી હોય તો કોઇ ભૂતને પકડવું પડે! તો અમુક માણસો પોતે ભૂત જેવા હોય છે! થોડીવાર પહેલાં એ તમારી બાજુમાં બેઠા હોય અને ઘડીભરમાં ગાયબ પણ થઇ જાય! અમુક લોકોને મળ્યા પછી આપણે ભૂતમાં માનતા થઇ જઇએ એવું એમનું વ્યક્તિત્વ હોય છે! આપણા અમુક મિત્રો પણ એવા હોય છે કે જો આપણે હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત રીતે કરતાં હોઇએ તો લોકો આપણી પાસે ફરકવાની હિંમત પણ ન કરી શકે!
આપણે ત્યાં તો ભૂતને રેશનકાર્ડ પણ હોય છે અને એ સસ્તા અનાજની દુકાનેથી નિયમિત રીતે અનાજ પણ લઇ જતું હોય છે! પણ અમને વિચાર એ આવે છે કે જો એ રેશનિંગના ઘઉંની રોટલી બનાવીને ખાતું હશે તો એને પચતું કેવી રીતે હશે? ભલું હોય તો એ સરકારી અનાજ ખાવાને લીધે જ ભૂત થયું હોય એવું બન્યું હોઇ શકે! જોકે, ભૂતિયા ગેસ કનેક્શન હોય એની અમને નવાઇ લાગતી. કારણ કે, ગેસ પણ દેખાતો નથી હોતો અને ભૂત પણ!