યુવા રોકાણકારો, ભવિષ્યની જરૂરિયાતો અને તકોને ધ્યાનમાં રાખીને પ્લાન કરો…
લક્ષ્ય સિવાયનો માણસ અને ઘાંચીની ઘાણીએ ફરતા બળદ વચ્ચે ખાસ કોઇ ફરક હોતો નથી. બંને અન્યોના લાભ માટે પોતાનો કિંમતી સમય અને શક્તિ વેડફીને જીવન વેડફે રાખે છે. કારણ કે, તેમને પોતાના કોઇ ગોલ અર્થાત્ લક્ષ્ય હોતા નથી. તેમની રૂટિન લાઇફ તો બસ સવારે ઊઠવાનું ટિફિન લઇને નોકરી-ધંધા-વ્યવસાયે જવાનું જેટલું કમાયા તેટલું વાપરવાનું અને બીજા દિવસે ફરી પાછા એ જ રૂટિન લાઇફ સાથે દોડવાનું. પરંતુ યુવા અને પ્રૌઢ રોકાણકારો જો સમયસર ચેતી જાય તો તેઓ પોતાના ગોલ-લક્ષ્યને નક્કી કરી શકે છે. ખાસ કરીને રપ-3પ વર્ષના વયજૂથના મોટાભાગના રોકાણકારોનો ઇપીએસ ખરડાયેલો જોવા મળ્યો છે.
ઇ – અર્નિંગ અર્થાત્ કમાણી આડેધડ છે.
પી – પ્લાનિંગ અર્થાત્ આયોજનનો અભાવ છે.
એસ– સેવ(બચત)ના સામે શૂન્ય સ્પેન્ડ (ખર્ચ) ઉપરાંત માથે દેવું છે.
સલાહ લેવા માટે આવતા 100માંથી 90 ટકા રોકાણકારોને પૂછીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો કહે છે કે, હા-હા, મારા ચાર વીમા છે. મારી વાઇફના બે અને બાળકોના પણ અત્યારથી ઉતરાવી જ લીધા છે. પોસ્ટમાં દર મહિને રૂા. 1000 રોકું છું અને બેંક એફ.ડી. પણ કરાવતો રહું છું. આ ઇન્વેસ્ટમેન્ટ નહિ, સુરક્ષા કવચ કમ બચત છે. તે આવશ્યક છે. પરંતુ મૂડીરોકાણ માટે તે ખાસ ઉપયોગી નથી.
યંગસ્ટર્સ માટે ઇન્સ્યોરન્સ આવશ્યક છે. લાંબી જીવનયાત્રા અને અઢળક સપનાઓ સાથે ચાલતી સફરમાં આકસ્મિક બનાવો બને ત્યારે પરિવારના આર્થિક રક્ષણ માટે ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. તમારી કુલ આવક અને જવાબદારીઓની ગણતરી કરો. ખાસ કરીને તમારી ઇન્વેસ્ટેબલ એસેટ્સ કે જેમાં તમારા મકાન, વાહનથી માંડીને અન્ય ચીજવસ્તુઓ નહિ, પરંતુ ભવિષ્યમાં આવનારા હાયર એજ્યુકેશન, હેલ્થકેર, તમામ પ્રકારની લોન્સના ઇન્સ્ટોલમેન્ટ્સ, એન્ટરટેઇન્મેન્ટ સહિતના ખર્ચ માટે એડવાન્સમાં કરેલી જોગવાઇઓ કે મૂડીરોકાણોનો સમાવેશ થાય છે. સ્વાભાવિક છે કે, આ બધી જોગવાઇઓ સામે તમે કરેલા મૂડીરોકાણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તે સંજોગોમાં તમારે ઇન્સ્યોરન્સ માટે ખર્ચ કરવો જરૂરી બને છે. પરંતુ સવાલ એ થાય કે ભાત-ભાતની પ્રોડક્ટ્સમાંથી તમારે કઇ પ્રોડક્ટસને પ્રાધાન્ય આપવું.
ટર્મ પ્લાન : નીચી કિંમત ચૂકવવા સામે તમારા લાઇફ રિસ્કને કવર કરે છે. આ પોલિસીમાં કોઇ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે નહિ. પરંતુ તે મોર્ટાલિટી ચાર્જીસમાં જમા થાય છે. ખૂબ નાની રકમમાં તમે મોટાભાગની આકસ્મિક અને આવશ્યક આર્થિક જવાબદારઓની સલામતી મેળવી શકો છો. પરંતુ ખાસ ધ્યાન રહે તે ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (રોકાણ માટેનું સાધન) નથી. એક વાતનો ખાસ ખ્યાલ રહે કે ઘરમાં જે સૌથી વધુ કમાનારી વ્યક્તિ હોય તેનું પ્રિમિયમ ઊંચું હોય તે જરૂરી છે. મેડિક્લેઇમ, ફાયર, હાઉસ હોલ્ડર્સ વગેરે પોલિસી એ લાઇફ ઇન્સ્યોરન્સ નથી. તમારા વર્તમાન કમાણી-ખર્ચને આનુસંગિક ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જરૂરી છે. તે અંગે તમારા અનુભવી ઇન્સ્યોરન્સ એડવાઇઝર તમને વધુ સારી રીતે માહિતી આપી શકે છે. પરંતુ કોઇ કામ-ધંધો નથી માટે લાગવગ કે શરમમાં નાખીને ઇન્સ્યોરન્સના નામે તમને શીશીમાં ઉતારવા આવનારાઓને ના પાડવાની હિંમત હશે તો તમારી મૂડીને કોઇ વીમો નથી. અત્રે એક વાત ખાસ ઉલ્લેખનીય છે કે, આ લેખ શ્રેણી પાછળનો આશય માત્ર ઇન્વેસ્ટર એજ્યુકેશનનો ભાગ માત્ર છે કોઈ એજન્ટની વૈયક્તિક ટિપ્પણી નથી. બધા એજન્ટ એડવાઇઝર નથી હોતા અને બધા એડવાઇઝર એજન્ટ નથી હોતા. પોલિસીની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે યોગ્ય ઇન્સ્યોરન્સ એડવાઇઝરની મદદ લો. બની બેઠેલા એજન્ટની નહિ… કે જે એકવાર પ્રિમિયમ લીધા પછી વરસો સુધી દેખાય જ નહિ.