-રૂઝાન ખંભાતા
આજે મહિલા સશક્તિકરણ અને મહિલા અધિકાર સાથે મહિલાઓના હિત જળવાય તે માટે અનેકવિધ સંસ્થાઓ કાર્યરત છે. તેમાં પણ કેટલીક સંસ્થાઓ જુદા જુદા કાર્યક્રમો થકી વિશ્ર્વ સામે સ્ત્રીના અવાજને બુલંદી આપવા માટે સફળ પ્રયત્નો દ્વારા મહિલાઓના અસ્તિત્વને વધુ ને વધુ મક્કમ બનાવી રહી છે.
તાજેતરમાં જ અમદાવાદની એક એવી સંસ્થા વજ્ર ઓ’ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સૌથી મોટી ‘ટગ ઓફ વૉર’ (દોરડાખેંચ) ના જૂના રેકોર્ડને તોડી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો. ‘ટગ ઓફ વૉર’ એક એવી ગેમ છે કે જેમાં મજબૂત ઈચ્છા શક્તિ અને ઈરાદાની મક્કમતા હોવી જરૂરી છે. ગિનિસ બુકની રેકોર્ડસમાં આ ‘ટગ ઑફ વૉર’ને સ્થાન મળે તેવા ધ્યેયથી યોજાયેલી આ ટુર્નામેન્ટ ટગ ઑફ વૉર ઈન્ટરનેશનલ ફેડરેશનના નિયમો અનુસાર રમાઈ હતી. ‘વજ્ર ઓ’ ફોર્સ’ની આ સ્પર્ધામાં લગભગ 6282 લોકો સાથેની 698 ટીમોએ ભાગ લીધો હતો. વજ્ર ઓ’ ફોર્સે ભરૂચ જીલ્લા વહીવટી તંત્રનો જૂનો વિક્રમ તોડીને નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો. જાન્યુઆરી-16માં યોજાયેલી ટુર્નામેન્ટમાં 4672 લોકો સામેલ થયા હતા. વજ્ર ઓ’ ફાઉન્ડેશનના રૂઝાન ખંભાતાએ આ વિશ્ર્વ રેકોર્ડ બનાવવાનો વિચાર કેવી રીતે સ્ફુર્યો તે અંગે જણાવતા કહ્યું હતું કે, ‘ટગ ઑફ વૉર’ મહિલાઓની સલામતી અને સશક્તિકરણ માટેની લડાઈ છે. મહિલા સલામતી એ સ્ત્રી શક્તિની જ લડત નથી પણ સારા અને ખરાબ તત્વો વચ્ચેની લડત છે.’
વધુમાં રૂઝાન ખંભાતાએ જણાવ્યુ હતું કે, ‘જીવન એક દોરડા ખેંચ જેવું છે. જો તમે મહિલા હો તો તમારે સતત ખેંચાવું પડે છે. મહિલાઓને તેમની તાકાત બનાવવાનો મોકો મળતો નથી. અથવા એમ કહેવાય કે આ દોરડા ખેંચની રમતની જેમ તમે જીવનમાં પૂરેપૂરી તાકાત બતાવી શકતા નથી અને જીતી શકતા નથી. મહિલાઓને જીવનમાં પડતી તકલીફો જેમકે ઘરેલુ હિંસા, અસમાનતા, કુપોષણ અને આરોગ્ય વિષયક ઓછી સંભાળથી આપણાં સમાજમાં માતાઓ અને દીકરીઓના જીવન પર માઠી અસર પડે છે. મહિલાઓએ તેમના જીવનમાં ખડે પગે કામ કરીને પોતાનું સશક્તિકરણ કરી પોતાની જિંદગીને ગૌરવ બક્ષવાનું છે.
આ પ્રસંગે સ્પોર્ટસ ઓથોરિટી ઑફ ઈન્ડિયા આ ટુર્નામેન્ટની ટેકનિકલ પાર્ટનર તરીકે જોડાઈ હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં રસના, એચ.બી.કાપડિયા અને હોમગાર્ડઝનો સહયોગ પ્રાપ્ત થયો હતો. કોઈ બિન સરકારી સંસ્થા દ્વારા મહિલાઓની સુરક્ષા, હિત અને કૌશલ્ય વિકાસ સાથે રોજગારીની તાલીમ તથા સુરક્ષા માટે પ્રોત્સાહિત કરવાનો આ પહેલવહેલો પ્રયાસ છે જે એક ગૌરવપૂર્ણ વાત તરીકે જોવાશે. વજ્ર ઓ’ ફાઉન્ડેશનના ‘ટગ ઑફ વૉર’ ની આ પ્રતિયોગિતામાં વિવિધ શાળાઓ, કોલેજો અને કોર્પોરેટ હાઉસીસ પણ જોડાયા હતા.