મહિલા વિશેષ મુશાયરો

મહિલા વિશેષ મુશાયરો

- in Poems & Gazals
2901
Comments Off on મહિલા વિશેષ મુશાયરો

આજથી…

લડું, પડું, રડું છતાંય કરગરું ન આજથી
મજા ન લઇ શકું એ ખેલ આદરું ન આજથી.

વિચારભેદ હો છતાં સબંધ સાચવી શકું
પરંતુ યાદ રાખ, જાત પાથરું ન આજથી.

ખમી શકાય એ હદે ખમી ગઇ ઘણું બધું
જરાય હદબહારનું જતું કરું ન આજથી.

વધે-ઘટે-ચડે-પડે અને સતત ફર્યા કરે
બજારભાવ જેવું સત્ય આચરું ન આજથી.

નવો દિવસ, નવી સભા ,નવી કથા , નવી વ્યથા
કશુંય ભૂતકાળનું હું વાપરું ન આજથી.

-પારુલ ખખ્ખર, અમરેલી
મો : 94298 89366

 

નિરાકાર

મને આભમાં લાગે આકાર જેવું.
હશે કંઇક ઈશ્વરના દરબાર જેવું.

એ આકાશ, ધરતી ને સાગરના જેવું,
હજુ પણ હશે કંઇક વિસ્તાર જેવું.

રહ્યા મૌન બંને મુલાકાતમાં પણ,
નજરમાં હતું મીઠા ઉદગાર જેવું.

ખરેખર છે ખંડેર ઘરથીય બહેતર,
મળે ભીંત પાસેથી આધાર જેવું.

લઇ મારો આકાર વસતો જગતમાં,
અને નામ રાખ્યું નિરાકાર જેવું.

ખુદા, બે ઘડી માને મળવું છે મારે,
ગગનમાં બનાવી દે પગથાર જેવું.

– મેગી આસનાની, દુબઈ
asnani.megi@gmail.com

ફફડાટ

સતત કંઇક  પીડે છે તલસાટ અંદર,
નદી છું રડું છું હું મો ફાટ અંદર.

વણાઈ ગયું વસ્ત્ર પડછાયા માટે,
હવે માત્ર મુંગો રઝળપાટ અંદર.

ટહુકો કરીને ઉડયું એક પંખી,
હવે વૃક્ષ શોધે છે ફફડાટ અંદર.

ભલેને બને આયનો માનવી પણ,
નથી લાગણીઓનો ચળકાટ અંદર.

બધી બારીઓ નેજવુ થઇ ગઈ છે,
કરે છે પ્રતિક્ષાઓ કણસાટ અંદર.

હસી હું ય લાંબા સમય બાદ દિના
થયો જોરથી કોઇ પછડાટ અંદર

ડો દિના શાહ, વડોદરા
મો : 99789 09136

તેજ

વગર કારણે ક્યાં ગઝલ ગણગણું છું?
હું ભીતર જવાની કવાયત કરું છું.

શુકન-અપશુકનના નથી ભેદ રાખ્યા,
મળ્યું એને અવસર ગણી ઊજવું છું.

વખોડ્યું નથી સૂર્યનું તેજ ક્ધિતુ,
હું મારા જ તેજે ખરી ઊતરું છું.

સતત આંખ ને કાન ખુલ્લા છે એથી,
સમયસર હું થીજું અને ઓગળું છું.

ઇજારો ભલે એક ખૂણાનો છે પણ,
જરૂરત પડે ભીડને સાચવું છું.

હવે આજને પણ થશે માન ખુદ પર,
ગઇકાલને એ રીતે ખેરવું છું.

નથી ભાર સ્હેજે કે પગ લાંબા પડશે,
ગજું મારું જોઈને ચાદર વણું છું.

– લક્ષ્મી ડોબરિયા, રાજકોટ
મો : 96875 19952

તકલીફ જેવું કંઈ નથી..

જાતને શણગાર તો તકલીફ જેવું કૈં નથી,
કાઢ એની ધાર તો તકલીફ જેવું કૈ નથી.

લક્ષ્ય તારું, રાહ તારો, ભોમિયો પણ તું જ છે,
ખંત પારાવાર તો તકલીફ જેવું કંઈ નથી.

પ્હેલું ડગલું માંડશે તો પ્હાડ પણ ઝૂકી જશે,
તું તને ઉદ્ધાર તો તકલીફ જેવું કૈં નથી.

હસ્તરેખાને સહારે ક્યાં સુધી જીવ્યા કરીશ
‘સ્વ’ને તું કંડાર તો તકલીફ જેવું કૈં નથી.

જીતનાં છોગાં લઈને ચાલવું સહેલું જ છે,
પણ પચાવે હાર તો તકલીફ જેવું કૈં નથી.

થોડી શ્રદ્ધા, થોડો છે વિશ્ર્વાસ મનમાં તો પછી,
પથ્થરો આકાર, તો તકલીફ જેવું કૈં નથી.

છે અગર ‘પ્રજ્ઞા’ની સંગત ત્યાં પછી શું પૂછવું?
રણઝણાવે તાર તો તકલીફ જેવું કૈં નથી.

– પ્રજ્ઞા વશી, સુરત
મો : 92283 31151

 

Facebook Comments

You may also like

‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…

જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં