મૂડીરોકાણમાં સલામતી, કમાણી અને ગ્રોથ એક સાથે શક્ય જ નથી..

મૂડીરોકાણમાં સલામતી, કમાણી અને ગ્રોથ એક સાથે શક્ય જ નથી..

- in Investment
3657
Comments Off on મૂડીરોકાણમાં સલામતી, કમાણી અને ગ્રોથ એક સાથે શક્ય જ નથી..
investment

– મની મેનેજર

મૂડીની સલામતી પણ જળવાઇ રહે, ધાર્યા મુજબ કમાણી પણ થાય અને વૃદ્ધિ પણ થાય તેવું ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ શક્ય નથી. આ ત્રણેય હેતુ એક સાથે સિદ્ધ થાય તેવો મૂડીરોકાણ મંત્ર શક્ય નથી. પરંતુ ત્રણમાંથી કોઇપણ એક વિકલ્પ સ્વીકારવો જ પડે. સલામતી, કમાણી અથવા ગ્રોથ. કારણ, ત્રણેય બાબતો ત્રિકોણના ત્રણ ખૂણા જેવી છે. ત્રણેય ખૂણા એક સીધી લીટીમાં રચીએ તો ત્રિકોણ ક્યારેય નહિ રચી શકાય! તેના માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અપનાવવી પડે.

સલામતી, કમાણી કે ગ્રોથમાંથી મહત્ત્વ કોને આપશો?

શ્રેષ્ઠ મૂડીરોકાણ સ્ટ્રેટેજી એ છે કે જે સલામતીની સાથે મોંઘવારીને બીટ કરી શકે. કમાણીની સાથે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને પણ સતત વધારતી રહે. પરંતુ ત્રિકોણના ત્રણ ખૂણા જેવી આવી સ્ટ્રેટેજીમાં જે ખૂણે ઊભા હોય તેનાથી બાકીના બે ખૂણા છૂટા પડી ગયેલા જ હોય. સલામતી જોઇતી હોય તો ઇચ્છિત કમાણી અને ગ્રોથ નહીં થાય. ઇચ્છિત કમાણી જોઇતી હોય તો સલામતી અને ગ્રોથ નહીં થાય. ગ્રોથ જોઇતો હશે તો પોર્ટફોલિયો, કમાણી અને સલામતી નહીં જળવાય.  કોઇપણ બે વિકલ્પ સ્વીકારો તો સારું…!

મૂડીરોકાણની સમયમર્યાદા નક્કી કરો .

* ૧-૨ વર્ષના ટૂંકાગાળા માટેનું મૂડીરોકાણ કરવુ હોય તો ફિક્સ્ડ રિટર્ન આપતા ડેટ ફન્ડસ, બેંક એફડી વગેરેની પસંદગી કરો.

* ૩-૯ વર્ષના મધ્યમ ગાળા માટેનું મૂડીરોકાણ કરવા ઇચ્છતા હોય તો બેલેન્સ ફંડ અથવા ડેટ ફંડની પસંદગી કરો.

* ૧૦ વર્ષ કે તેથી વધુના સમયગાળા માટે ઇક્વિટી ઇએલએસએસ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરી શકાય. કમાણીના વર્ષો દરમ્યાન સાઇડ ઇન્કમ કે રિટાયરમેન્ટ પછીની સ્થિર કમાણી માટેના મૂડીરોકાણને ધ્યાનમાં રાખી સમયમર્યાદા નક્કી કરવાની રહે છે.

દા.ત…એક બહેને વાનગીઓની ચોપડીમાંથી જોઇને વાનગી બનાવી. રીત પ્રમાણે તમામ મસાલા કરીને ગેસ ઉપર વાસણ મૂક્યુ, પરંતુ બરાબર પાક્યું છે કે નહિ તે ચેક કરવા વારંવાર ઢાંકણ ખોલી નાખતા હતા. અડધો કલાક થતાં તેમણે વાસણ નીચે ઉતાર્યુ પરંતુ રસોઇ કાચી જ રહી. સાથે ટેસ્ટ પણ ન આવ્યો અને બધું બગાડ્યું તે નફામાં! આમાં વાંક કોનો કાઢવો? ચોપડી, ગેસ, સમયમર્યાદા કે અધિરીયા જીવના બહેનનો? મૂડીરોકાણ શાસ્ત્રમાં પણ આવી અધકચરી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ધરાવનારા રોકાણકારોની સંખ્યા નાની નથી. ૧૦૦માંથી ૯૯ રોકાણકારોમાં શિસ્તનો અભાવ જોવા મળે છે. તેઓ ગોલ નક્કી કરીને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીનો અમલ શરૂ થઇ ગયા પછી વારંવાર ‘ફગી’ (માનસિક ડામાડોળ સ્થિતિ) જતાં હોય છે. એટલું જ નહિ, મૂડીની મોકાણ પોતે કરે અને નામ ઇન્વેસ્ટમેન્ટ એડ્વાઇઝરનું આપે…! જ્યાં સુધી તમે જાતે એજ્યુકેશન, એક્સપિરિયન્સ અને એબિલિટી નહિ કેળવો ત્યાં સુધી છાપા-ચોપાનિયા-ચોપડીઓ, ટીપ્સ કે કમાઇને બેઠેલાનું આંધળું અનુકરણ કરવા સિવાય કશું નહિ કરી શકો. મૂડીરોકાણ એ ભવિષ્યનું ભાથું છે. શક્ય હોય તો કમાણીની શરૂઆતથી જ ભાથું બનાવવાનું શરૂ કરી દેવું જોઇએ.

રિટાયરમેન્ટની ખુરશીના ચાર  પાયા:-

તમામ પ્રકારના નિર્ણય જાતે લેનારા મોટાભાગના રોકાણકારો રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત આવે ત્યારે જેવી ભગવાનની મરજી માનીને જ જીવન જીવતાં હોય છે.પરંતુ જાતે પ્રયાસ કરવામાં ભારે ઉદાસીનતા ધરાવતા હોય છે. રિટાયરમેન્ટ સમય દરમિયાન મુખ્ય ચાર રીતે નાણા મેળવી શકો છો. પરંતુ તે પહેલાં એ જાણી લેવું જરૂરી હોય છે કે મહિને કેટલા નાણાંની જરૂરિયાત રહેશે અને કેટલી જોગવાઇ કરી છે. ચાર મુખ્ય પ્રકારો પૈકી –

* સોશિયલ સિક્યુરિટી ભારતમાં આ કન્સેપ્ટ હજી જોઇએ તેવો વિકસ્યો નથી. અમેરિકા જેવા વિકસિત દેશોમાં તો નાગરિકો માય સોશિયલ સિક્યુરિટી નામની સાઇટ ઉપર જઇને રજિસ્ટ્રેશન કરાવે એટલે તેમાં સોશિયલ સિક્યુરિટી કાર્ડ મળે. સ્ટેટમેન્ટ મળે. ૬ર, ૬૭ અને ૭૦ વર્ષની ઉંમરે ઇન્કમ બેનિફિટસ માટે હક્કદાર બનો છો. જેમાં હેલ્થકેરનો સમાવેશ થાય છે. આપણે ત્યાં આર્થિક પછાત વર્ગના વરિષ્ઠોને જ સરકારી સહાય મળી શકે છે.

* પેન્શન અને એન્યુઇટિ :- સરકારી પ્રાઇવેટ કર્મચારી તરીકે પેન્શન સ્કીમમાં જોડાયેલા હોય તો રિટાયરમેન્ટ પછી મહિને ચોક્કસ રકમ પેન્શન સ્વરૂપમાં મળી શકે છે. પરંતુ જો તમે વેપારી કે બિઝનેસમેન હોય તો તે માટે પેન્શન પ્લાન્સ કે રેગ્યુલર ઇન્કમ ઓફર કરતાં ડેટ-ઇક્વિટી કે મિક્સ પ્લાન્સમાં મૂડીરોકાણ કરવું પડે. તમે જે ટેક્સ ચૂકવો છો તે પણ આપણે ત્યાં તો ગયા ખાતે… જ્યારે વિકસિત દેશોમાં જે ટેક્સ ચૂકવ્યો હોય તેના પ્રમાણમાં સરકાર તમને ખોટમાં તેમજ ઘડપણમાં આર્થિક સહાય કરે છે.

* પોર્ટફોલિયો હોર્ડિંગ્સ :- કમાણીની શરૂઆતથી જ રિટાયરમેન્ટ માટે એટલિસ્ટ પ-૧૦ ટકા રકમનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરીને રિટાયરમેન્ટ દરમ્યાન વાર્ષિક ૪ ટકા લેખે વિડ્રો કરી શકો છો. જોકે બાકીના ૩ પાયાને ધ્યાનમાં લઇને વિડ્રોઅલની રકમ નકકી કરવી જોઇએ.

* રિટાયરમેન્ટ પછી પણ રોટલા રજિસ્ટ્રેશન :- નવરા બેસી રહેવું તેના કરતાં નાનું મોટું કોઇ કામ કરીએ તો સમય પણ પસાર થાય ને બે પૈસા પણ હાથમાં આવે. જોકે, આમાં મોટાભાગના રોકાણકારો ગોથું ખાઇ જતાં હોય છે અને આખી જિંદગી કામના નામે ગધ્ધાવૈતરું ફૂટવામાં જ ખર્ચી નાખતા હોય છે.

 

Facebook Comments

You may also like

‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…

જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં