રાજનાથસિંહે ભારત સરકાર તરફથી આઉટ ઓફ વે જઇને પણ કુલભૂષણને બચાવવાની અને તેને તમામ રીતે સહાય કરવાની સંસદને બાંહેધરી આપી છે. છતાં પણ છેક કેન્દ્રમાં ભાજપા સરકારના સત્તાના સૂત્રોને સંભાળ્યા ત્યારથી આજદિન સુધીમાં થયેલા આવા અનેક છમકલાઓનો કોઇ જડબાતોડ જવાબ અપાયો નથી…
છેક ભારત પાકિસ્તાનના આઝાદીકાળથી ભારત અને પાકિસ્તાનના સંબંધો વિશે ખાસ સારું કહી શકાય એવું કંઇ બન્યું નથી અને બનતું દેખાઇ રહ્યું પણ નથી. બેય દેશોમાં શાંતિપ્રિય અને શાંતિપ્રેમી પ્રજા છે પરંતુ પાકિસ્તાન તરફથી વારંવાર થતા કેટલાંક એવા પગલાં લેવામાં આવે છે કે એની સીધી અસર સરળ રીતે ચાલી રહેલી શાંતિ પ્રક્રિયા માટે ખલેલરૂપ બને છે. વારંવાર કાશ્મીર સરહદે થતું સીઝ ફાયરનું ઉલ્લંઘન તો જાણે એક શિષ્ટાચાર બની ચૂક્યો છે, તો કચ્છ તરફની સરહદથી ખારવા-માછીમારોને બોટ સમેત પકડી લેવા અને પછી અત્યાધુનિક બોટ્સ જમા રાખીને એમને છોડી દેવાની ઘટના પણ સાવ સામાન્ય બની ગઇ છે.
પણ તાજેતરમાં પાકિસ્તાન દ્વારા જે ઘટના બની એ આ બેય દેશો વચ્ચેના શાંતિસંબંધોને ફરીથી એક મોટો આંચકો આપે એવી છે. એટલું જ નહિ, જ્યોતિષ કે સુરક્ષાની દૃષ્ટિએ કંઇ-કેટલાય લોકો જે યુદ્ધ વિશે વાત કરી ચૂક્યા છે એના મંડાણ થાય એવી ઘટના છે. પાકિસ્તાની સરકારે ભારતીય જાસૂસ તરીકે ગણાવીને કુલભૂષણ જાદવને મૃત્યુદંડની સજા ફટકારી દીધી છે. પાકિસ્તાની અખબારમાં કુલભૂષણ જાદવને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવ્યા બાદ આ મુદ્દે ભારત સાથે યુદ્ધના મંડાણ થઇ શકે એમ છે. બેય દેશો દ્વારા વધુ કઠોર પગલાં લેવામાં આવી શકે છે. એટલું જ નહિ, જો ઉતાવળમાં ફાંસી અપાશે તો દ્વિપક્ષીય પરિસ્થિતિ વધુ વણસી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જાસૂસી યુદ્ધ તો ચરમસીમાએ છે જ એમાં પણ આ ફાંસીનો કિસ્સો બળતામાં ઘી હોમે એવો બની શકે છે. જો પાકિસ્તાની અખબારની વાત માનીએ તો એનો એક તર્ક એવો છે કે, ફાંસીના મુદ્દે ત્રીજા પક્ષની દરમિયાનગીરી આમાં મહત્ત્વપૂર્ણ બની શકે છે, જેને ભારત છેક આઝાદીકાળથી ટાળતું આવ્યું છે. જો કે, ત્રીજા પક્ષની સામેલગીરીથી આ તંગદીલી તાત્કાલિક રીતે ઘટી શકે છે. પરંતુ લાંબા ગાળે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં એક ત્રીજા પક્ષની કાયમી જગ્યા ઊભી થઇ જાય તો ડોશી મર્યા કરતાં જમ ઘર ભાળી ગયો એ કહેવત મુજબ ત્રીજો પક્ષ ભારે પડે એમ છે. સ્વાભાવિક રીતે જ ભારતે કડક ચેતવણી આપી છે કે જો જાધવને ફાંસી આપવામાં આવશે તો એક પ્રકારની હત્યા તરીકે રહેશે અને ભારત એનો ચોક્કસપણે બદલો વાળશે.
જો કે, ભારત સરકારના વલણ કરતાં જરા જુદું વલણ ભાજપના રાજ્યસભાના સભ્ય
ડો. સુબ્રહ્મણ્યમ સ્વામી ધરાવે છે. પોતાના અતિઆક્રમક સ્વભાવને લીધે જાણીતા અને વન મેન આર્મી તરીકે ઓળખાતા સ્વામીએ તો એવું સૂચવ્યું છે કે જો પાકિસ્તાનમાં જાદવને ફાંસી આપવામાં આવશે તો ભારતે પણ બલુચિસ્તાનને એક સ્વતંત્ર દેશ જાહેર કરીને જવાબ આપવો જોઇએ.
એક રીતે સ્વામીની વાતમાં એ બાબતે તો દમ છે જ કે પાકિસ્તાન સાથે યોગ્ય વાતચીત, રાજદ્વારી સ્તર પર ચર્ચા અથવા અપીલ અંગે બોલવાનો કે ગોળમેજી પરિષદો યોજવાનો કોઇ અર્થ નથી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન જાધવને ફાંસીની સજા ફટકારીને બલુચિસ્તાનમાં સમસ્યાઓ પેદા કરવા માગે છે. ભારતે હવે બલુચિસ્તાનને એક સ્વતંત્ર દેશ જાહેર કરવો જોઇએ. આ પ્રકારે પાકિસ્તાનને ચાર ટુકડામાં વહેંચી નાખવું જોઇએ. પાકિસ્તાન એક આતંકવાદી રાષ્ટ્ર છે અને તે પોતાનું વલણ ક્યારેય પણ બદલી શકે એમ નથી. હવે વૈશ્ર્વિક સ્તરે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાર્થક પ્રયાસોને લીધે અનેક દેશો પણ આ બાબતે એકમત બન્યા છે.
જો કે, બીજી તરફ લોકસભામાં રાજનાથસિંહે ભારત સરકાર તરફથી આઉટ ઓફ વે જઇને પણ કુલભૂષણને બચાવવાની અને તેને તમામ રીતે સહાય કરવાની સંસદને બાંહેધરી આપી છે. છતાં પણ છેક કેન્દ્રમાં ભાજપા સરકારના સત્તાના સૂત્રોને સંભાળ્યા ત્યારથી આજદિન સુધીમાં થયેલા આવા અનેક છમકલાઓનો કોઇ જડબાતોડ જવાબ અપાયો નથી. હા, સર્જિકલ સ્ટ્રાઇકની એક વાત છે પણ એ વિશે ઘણાં મતમતાંતરો છે. છતાં ભારતના રાષ્ટ્રીય હિતમાં એને સાચી માની લઇએ તો પણ કાશ્મીરની સરહદે અનેકોનેક વખત થતાં છમકલાઓ અંગે કાશ્મીર સરકારમાં ભાજપાની ભાગીદારી હોવા છતાં પણ ખાસ કંઇ થઇ શક્યું નથી.
જો કે, એ મુદ્દો પણ અત્યંત ગંભીર છે કે લગભગ સાડા પાંચ દાયકાઓની દુશ્મનાવટને તાજી રાખવી કે પછી એનો એક ઘા ને બે કટકાની જેમ જે ઉકેલ થતો હોય એ કરી દેવો. યુદ્ધનીતિ અને રાજકીય સંબંધોના વૈશ્ર્વિક નિષ્ણાતોના મતે તો યુદ્ધ કરવું એટલે સામેથી આફત નોંતરવા જેવી ઘટના છે. છો શસ્ત્રસરંજામમાં કદાચ ભારત વધુ સુસજ્જ હશે, પરંતુ આ મૂર્ખામી કરે એમાંની કોઇ સરકાર હોઇ શકે જ નહીં. હા, જો પાકિસ્તાન સરકાર આવી મૂર્ખામી ફરીથી કરે તો એનો જવાબ જડબાતોડ આપવો જ પડે એમાં લગીરેય મિનમેખ નથી.
છતાં અત્યારના સંજોગોમાં પાકિસ્તાન પણ આંતરરાષ્ટ્રીય દબાવને લીધે કૂણું પડે એવી શક્યતાઓ છે. બાકી ફાંસી આપવાનો કાયદો વિશ્ર્વભરમાં જે થોડાં ઘણાં દેશોમાં છે એમાંનો પાકિસ્તાન એક દેશ છે. આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાઓને ફાંસી આપવાનો ઉપક્રમ કાયદેસરની રીતે પાકિસ્તાને જાહેર પણ કર્યો છે અને એ કામ ચાલી રહ્યું છે.
પરંતુ ભારતીય નૌ સેના અધિકારી કુલભૂષણ જાધવને આ રીતે એ કાયદા તળે ફાંસી આપવી એ એક રીતે રાજદ્વારી અને બીજી રીતે રાજકીય સમસ્યાનું કારણ બને છે. છતાં પાકિસ્તાનની જેમ જ ભારતીય કેન્દ્રસ્થ સરકારનું વલણ પણ અકળ રહે છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીને હજુ થોડી વાર છે અને હજુ હમણાં જ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર રચાઇ છે ત્યારે આ બેય પરિબળોને જોતાં આ મુદ્દે ભારત સરકારનો વરસો જૂનો આલાપ એ ચેતવણીથી આગળનો કોઇ રાગ ગવાય એવું લાગતું નથી. છતાં આ તો ન.મો. સરકાર છે. દેશહિતમાં રાષ્ટ્રપ્રેમની દૃષ્ટિએ કોઇપણ કઠોર પગલું લેતાં અચકાય એમ નથી. જો કે, આ લખાઇ રહ્યું છે ત્યારે તો કંઇ નવો વળાંક આવ્યો નથી એટલે થોભો અને રાહ જુઓ, એ ઉત્તમ નીતિ છે સૌ માટે.
યુદ્ધનીતિ અને રાજકીય સંબંધોના વૈશ્ર્વિક નિષ્ણાતોના મતે તો યુદ્ધ કરવું એટલે સામેથી આફત નોંતરવા જેવી ઘટના છે… યુદ્ધ બાબતનો આ મુદ્દો પણ અતિ ગંભીર છે…
ભારતના ગૃહમંત્રીશ્રી રાજનાથસિંહએ અગાઉ પણ પાકિસ્તાન જઈને તેમને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું હતું ને આ વખતે પણ જુદો જ જવાબ આપવાનો મનસૂબો છે..!