ખાસ્સી ઊંચાઇ પર આવી ગયો હતો. શિખર એનાથી લગભગ સો-એક મીટર જ દૂર હશે ત્યાં જ એકદમ અંધારું થઇ ગયું. એ રાતે ચંદ્ર નહોતો નીકળ્યો અને તારા પણ વાદળોમાં ઢંકાયેલા હતા. અચાનક બરફ વરસવાનું શરૂ થઇ ગયું. પવનની ગતિ પણ ઘણી વધી ગઇ. પોતાનો હાથ પણ ન દેખાય એવું ઘોર અંધારું થઇ ગયું હતું…
એક પર્વતારોહક હતો. એના મનમાં એકોન્કાગુઆ પર્વતને સર કરવાની એક ધૂન ચડી ગઇ હતી. એશિયાની બહાર એ સૌથી ઊંચી પર્વતમાળા છે. એનું 23,000 ફૂટની ઊંચાઇએ આવેલું શિખર સર કરવાની એને રીતસરની તાલાવેલી લાગી હતી.
વરસોની મહેનત પછી પૂરા સજ્જ થઇને એક દિવસ એણે એકલાએ જ એકોન્કાગુઆની ચડાઇ શરૂ કરી. થોડા દિવસમાં જ એ ટોચની નજીક પહોંચી ગયો. છેલ્લા દિવસે જ્યારે એ શિખરની નજીક પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. પર્વતારોહણના અમુક નિયમો મુજબ એણે સાંજે કેમ્પ લગાવવાને બદલે ચડવાનું શરૂ જ રાખ્યું.
એ ખાસ્સી ઊંચાઇ પર આવી ગયો હતો. શિખર એનાથી લગભગ સો-એક મીટર જ દૂર હશે ત્યાં જ એકદમ અંધારું થઇ ગયું. એ રાતે ચંદ્ર નહોતો નીકળ્યો અને તારા પણ વાદળોમાં ઢંકાયેલા હતા. અચાનક બરફ વરસવાનું શરૂ થઇ ગયું. પવનની ગતિ પણ ઘણી વધી ગઇ. પોતાનો હાથપણ ન દેખાય એવું ઘોર અંધારું થઇ ગયું હતું. એનું હૃદય એને કેમ્પ લગાવીને આરામ કરવાનું કહી રહ્યું હતું. પણ એકોન્કાગુઆનું શિખર સૌથી ઝડપે સર કરવાનો ખિતાબ એને પોતાની નજર સામે જ દેખાતો હતો. એણે બાકીની બધી બાબતોને નજરઅંદાજ કરીને ચડવાનું ચાલું જ રાખ્યું.
આવા વખતે પછી જે બને એ જ બન્યું. થાકેલું શરીર, વિષમ વાતાવરણ, ઝીરો વિઝિબિલિટી એ બધું ભેગું થઇ ગયું. એક કરાડ પરથી એનો પગ લપસ્યો. હાથ છૂટી ગયા અને પથ્થરની જેમ એ નીચે પડવા માંડ્યો. એને થયું કે એના સો વરસ પૂરાં થઇ ગયાં. પણ અચાનક એને કમરથી બે ભાગમાં એને વહેંચી દે તેવો ઝાટકો વાગ્યો. એ પડતાં અટકી ગયો. એને યાદ આવી ગયું કે એની કમર પર બાંધેલા બચાવ માટેના દોરડાના સહારે એ લટકી રહ્યો હતો. એણે ચારે તરફ ફાંફાં મારી જોયાં. પણ ઘોર અંધકારમાં ન તો એને કાંઇ નજરે પડ્યું કે ન તો એના હાથમાં કાંઇ આવ્યું.
નિ:સહાય એમ જ લટકતાં એને જિંદગીના સારા-ખરાબ અનુભવો યાદ આવવા માંડ્યા. ઘરનાં સભ્યો અને મિત્રો યાદ આવી ગયા અને છેલ્લે ભગવાન યાદ આવ્યા. ડૂબતો માણસ તરણું ઝાલે એમ એણે પણ ભગવાનને પ્રાર્થના કરવાનું વિચાર્યું. થોડોક વિચાર કરીને પછી જોરથી એણે બૂમ પાડી કે, ‘હે ભગવાન! મને મદદ કરો!’
એના સુખદ આશ્ર્ચર્ય વચ્ચે આકાશમાંથી એક ઘીર-ગંભીર અવાજ આવ્યો. ‘હું ભગવાન બોલું છું દીકરા! તારે કઇ રીતની મદદ જોઇએ છે?’
‘મને બચાવી લો પ્રભુ!’ એણે આશાભર્યા અવાજે કહ્યું.
‘તને મારામાં પૂરો વિશ્ર્વાસ છે કે હું તને બચાવી લઇશ?’ ફરી અવાજ આવ્યો.
‘હા ભગવાન! મને ખાતરી છે કે તમે મને બચાવી લેશો!’ પેલા માણસે કહ્યું.
‘તો તારી કમર પર જે છરી બાંધેલી છે એનાથી તું જેના સહારે લટકી રહ્યો છે એ દોરડું કાપી નાખ!!’ આકાશમાંથી અવાજ આવ્યો.
પેલો માણસ સ્તબ્ધ થઇ ગયો. એણે દોરડાને થોડું વધારે મજબૂતીથી પકડી લીધું અને એમ જ લટકવાનું ચાલુ રાખ્યું. એણે પોતાની નોંધપોથીમાં ગડબડિયા અક્ષરે આ નોંધ કરી લીધી. અંધારામાં નહોતું દેખાતું તો પણ એણે લટકતાં લટકતાં આશરે જ આ નોંધ કરી અને અદૃશ્ય અવાજની વાત કેવી ફાલતું છે એ પણ લખ્યું. ચારે તરફ પહેલા હતી એવી જ બિહામણી શાંતિ ફરી એકવાર ફેલાઇ ગઇ. બરફનો વરસાદ થોડો વધુ તેજ થઇ ગયો. પવનના સૂસવાટા ભયાનક રાત્રીને વધારે ભયાનક બનાવી રહ્યા હતા.
સવારે બચાવ ટુકડીએ જોયું તો એ માણસ દોરડાને બરાબર વળગીને લટકતી હાલતમાં જ થીજી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. એ પણ જમીનથી માત્ર બે ફૂટની જ ઊંચાઇ પર!
ભગવાનની અદ્ભુત યોજનાને અપનાવી લેવાને બદલે આપણે ફાલતું આશાઓના તાંતણે લટકાઇ રહેવાનું કેમ પસંદ કરતા હઇશું? પછી અચાનક જ ખ્યાલ આવે કે, ‘ઓહ! થોડોક વધારે વિશ્ર્વાસ રાખ્યો હોત તો…’

