જીવનના રંગમંચ પર ક્યારે કોનું પાત્ર ક્યા રોલમાં છવાઈ જાય તે કોઈ જજ કરી શક્યું નથી. ફાલ્ગુની રાજાણીની સફળતા પણ એવા જ કંઈક વિશિષ્ટ અવસરથી તેની કરિયરના બારણે દસ્તક આપી ગઈ. જેને ફાલ્ગુનીએ સ્વીકારીને પોતાની જિંદગીની સફળતાની કેડી કંડારી….! તેમની સાથેની મુલાકાત દરમ્યાન તેમની સંઘર્ષ સાથે સફળતાની વાતોને નિખાલસ રીતે તેમણે વ્યક્ત કરી હતી જે આધુનિક યુગની માનુનિઓ માટે ખૂબ જ પ્રેરદાયક રહેશે..! ગ્લેમર સાથે જો લાગણીઓનું સિંચન થાય તો પાત્રમાં કેવી જીવંતતા આવે..! એવી જ સ્ક્રીન અને રંગમંચની કેટલીક યાદો સાથે દર્શકો સમક્ષ શબ્દરેખા રૂપે અહીં રજૂ છે ફાલ્ગુનીની વસઈથી વ્યુઅર્સ સુધીની તેમની રોમાંચક સફરના કેટલાક યાદગાર અંશો..!
જીવનમાં ક્યારેય સ્ક્રીન પર આવવાની કલ્પના પણ નહોતી કરી અને પોતાની સખી સાથે એક એડ. માટે તેની સાથે ગઈ અને ત્યાં ફોટોજેનિક લુકે એડ. એજન્સીની પસંદગી ફાલ્ગુની પર ઉતારી. અણધારી રીતે ‘મોહિની ચાય’ ની એડ.થી પરદા પર પદાર્પણ કરનારી ફાલ્ગુની ઉર્ફે ‘ગુલફામ કલી’એ રંગમંચ અને સ્ક્રીનને ખૂબ ટૂંકા સમયમાં સર કરી લીધું..!
તમારો જન્મ ક્યાં થયો અને શિક્ષણ ક્યાં સુધી?
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ ગામમાં થયો. શિક્ષણ કર્યું બેચલર ઑફ આટર્સ સુધી.
તમે પરદા/રંગમંચ પર પ્રથમ પદાર્પણ કેવી રીતે કર્યું?
મારી આ ફિલ્ડમાં એન્ટ્રી ધાર્યા કરતા તદન જુદી રીતે થઈ. મેં કદી આ ક્ષેત્રમાં આવવાનું વિચાર્યું નહોતું. પરંતુ મારી એક ફ્રેન્ડ હતી સ્કૂલ ટાઈમમાં. તેની સાથે એક ઍડ. એજન્સીમાં તેના ઈન્ટરવ્યુ માટે ગઈ જ્યાં એ લોકોને મારો ફોટોજેનિક લુક ગમ્યો અને તેમની ઍડ એજન્સીના કામ માટે મારી પસંદગી થઈ. ‘મોહિની ચા’ની ઍડ.થી મેં પ્રારંભિક પ્રવેશ કર્યો.
ફિલ્ડમાં આગળ આવવા વિશે કોઈનું વિશેષ માર્ગદર્શન ?
હા, મને રંગમંચ જોઈન કરવાનું મારાં સ્નેહીઓ અને હિતમિત્રોએ માર્ગદર્શન કર્યું. જેમાં શરૂમાં એન્ટ્રી અને એક્ઝિટથી નાના પાત્રો ભજવીને પછી લીડ રોલમાં આવવાનો મોકો મળ્યો.
સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે કેવી અનુભૂતિ થાય છે પ્રથમ વખત દર્શકો સામે આવવાનું થાય ત્યારે ?
રિહર્સલ પછીનો પ્રથમ શૉ આવે એટલે ગમે તેટલો સારો અનુભવ હોય પણ પહેલી પાંચ-દસ મિનિટ કલાકારો માટે પરીક્ષાની હેાય છે.
સ્ક્રિન અને રંગમંચમાં તમારી પ્રથમ પસંદગી કોના પર ઉતરે ?
ઓબ્વિયસલી રંગમચ જ..! કારણકે રંગમંચ પર તો ઑન ધિ સ્પૉટ પાત્રને દર્શકોની સામે પ્રત્યક્ષ થઈને રજૂ થવાનું એટલે કોઈપણ જાતની કચાશ ચાલે નહીં..! રંગમંચનો આજ અનુભવ અને જુસ્સો કલાકારો માટે રોમાંચિત કરનારો હોય છે. વાસ્તવિક રીતે રંગમંચ પ્રત્યેક આર્ટિસ્ટ માટે તેની ટેલેન્ટ બતાવવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે.
આ ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી તમને થયેલો એવો કોઈ કડવો અનુભવ અથવા તો યાદગાર પ્રસંગ ?
હા, જ્યારે રિહર્સલ ચાલુ હોય ત્યારે ભૂલ થાય અને ડાયરેક્ટર વઢે ત્યારે રડવું આવી જાય..! જો કે, આપણા પરફોર્મન્સમાં પણ પછી ઘણો ફરક પડે છે. પાત્રને વધુ સક્ષમ રીતે ભજવવા પર તેમનો ભાર હેાય છે. જેને લીધે કયારેક પહેલા ખરાબ લાગે પણ અભિનયમાં નિખાર આવે એટલે પછી લાગે આપણાં હિત માટે હતું.
એવી કોઈ વિશિષ્ટ ઘટના જેમાં વાંક ન હોવા છતાં તમારે કોઈના લીધે સાંભળવું પડ્યું હોય ?
હા, ગુજરાતી નાટક ‘લાવ હથેળી શ્યામ લખી દઉ’ કે જેમાં 5000 વર્ષ પૂર્વની વાસ્તવિક કથાને અનુરૂપ રોલ કરવાનો. જેમાં રાધા તો એકેયવાર ન બદલાઈ પરંતુ કૃષ્ણનું પાત્ર બે-વાર બદલાયું. એટલે એમનો અભિનય કાચો પડેને મારે (રાધાએ)સાંભળવું પડતું…!
‘ભાભીજી ઘર પે હૈ’ સિરિયલનું ગલફામ કલીનું પાત્ર ભજવતા સામાન્ય લાઈફમાં કોઈ અનુભવ આ પાત્ર પસંદગી પછી?
ના, એવું કાંઈ નહીં. વાસ્તવિક રીતે જે રીતે લોકો વિચારે છે એવું ચીપ કેરેકટર નથી આ સિરિયલમાં ગુલફામ કલીના પાત્રનું..! લોકો ખૂબ સારી રીતે આવકારે છે અને અભિનયને વખાણે છે.
અત્યાર સુધીની તમારી રજૂ થયેલી ફિલ્મો અને સિરિયલ્સ કઈ
કઈ ?
લાવ હથેળી શ્યામ લખી દઉંમાં રાધાની મુખ્ય ભૂમિકા, શ્યામપ્રિયા સાથે 2010માં રજૂ થયેલી મરાઠી સિરિયલ ‘તુઝ વિણ સખ્યા રે’ અને હિન્દી સિરિયલ બડી દૂર સે આયે હૈમાં ઈલા માસીનો રોલ. જ્યારે ‘ભાભીજી ઘર પે હૈૈ’ માં ગુલફામ કલીના પાત્રને દર્શકોએ ખૂબજ સારી રીતે આવકાર આપ્યો છે. અન્ય એક હિન્દી નાટક ‘આય લવ યુ ટુ’ જેમાં મોડર્ન કેથલિક વાઈફની મુખ્ય ભૂમિકામાં છું. ગુજરાતી ફિલ્મોમાં સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ગુજ્જુભાઈ ધિ ગ્રેટ’ માં લૈલાના પાત્રનો અભિનય જે લોકોએ ખૂબ વખાણ્યો.
તમે તમારા જીવનની સફળતાનું શ્રેય કોને આપો છો ?
આજે હું જે કંઈ પણ છું તે બધું જ મારી ફેમિલી અને તેમાંય ખાસ કરીને મારા મમ્મીને જેમણે મારા સ્ટ્રગલમાં સતત સહકાર આપ્યો. જ્યારે મારા સારા ખરાબ દિવસોમાં મારી બન્નેવ નાની બહેનોનો મને ખૂબ જ સારો સપોર્ટ રહ્યો.
તમારા દ્વારા સમાજોપયોગી કાર્યો ?
આમ તો ઘણાં સમાજોપયોગી કામો થતા હોય છે સહુકોઈ કરતા રહે છે. પરંતુ જ્યાં કોઈને ઉપયોગી થવું હોય તો સૌથી પહેલા પોતાના ઘરના લોકોને ઉપયોગી થઈ શકીએ તો પછી અન્ય લોકોને ઉપયોગી થવાનો અર્થ સરે છે. પણ, વિશેષ રીતે કહીએ તો મને મારી ઘરે કામ કરતી મેડ સર્વન્ટ્સ અને વૉચમેન કે કાર વૉશર્સ કે જેમની સંતાનોને ક્યારેક શિક્ષણમાં આગળ વધવા જરૂરી મદદ કરું છું.
આજના યુથને અને તમારા પ્રિય દર્શકોને તમારો સંદેશ.
સહુને સસ્મિત આવકારો. જીવનમાં હંમેશા સકારાત્મક રહો જેથી અશક્ય કાર્યો પણ શક્ય બની જશે.
મનપસંદ
* શોખ – કુકીંગ, સિંગિંગ.
* સ્થળ – ઉટી, મનાલી
* એક્ટ્રેસ – વિદ્યા બાલન
* એક્ટર – અમિતાભ બચ્ચન
* ફિલ્મ – અર્થ, વિદ્યા બાલનની
બધી જ મુવીઝ.
* પુસ્તક – ધ સિક્રેટ
* ડ્રેસીંગ્સ – સાડી, વેસ્ટર્ન.

