પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ નથી શકતું ? તેમાંય સ્ત્રી શક્તિ અને સામર્થ્યની વાત આવે તો ઘરનો ઉંબરો વળોટ્યા પછી સ્ત્રી શક્તિનો અગાઘ સ્ત્રોત થઈને જીવનના પ્રત્યેક ક્ષેત્રે કેવી અફાટ વહે છે! સાથેસાથે સ્ત્રી શક્તિનો નિર્મળ પ્રવાહ અને સામર્થ્યવાન હોવા છતાં વિશ્ર્વ ફલક પર અદ્રશ્ય રહેલી એ સ્ત્રીઓને કેવો આધાર આપે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે સ્વાતિ બેડેકર! વિચારોની આધુનિકતા સાથે વિવેકપૂર્ણ શ્રદ્ધાથી જીવનના વિવિધ ક્ષેત્રે સ્વાતિ બેડેકરે પોતાની જાતને એક ઉમદા વ્યક્તિત્વ તરીકે પ્રસ્થાપિત કરીને પોતાની ઓળખ જગતને આપી છે. તેમની સાથે રૂબરૂ થયેલી વાતચીત ના કેટલાક યાદગાર અંશ..
‘ગ્રામ્ય વિસ્તારની ભોળી સ્ત્રીઓને તેમની પાસે કેટલો અખૂટ ખજાનો છે અને તેમની પાસે કાર્યદક્ષતાનું કેટલું મોટા પ્રમાણમાં વિરલ સ્ત્રોત પડ્યું છે તેની ખબર જ નથી હોતી. પરિવારના લોકો કેટલીક અંધશ્રદ્ધઓને કારણે માસિક અવધિ શરૂ થતાં દીકરીઓને શાળાએ જતા અટકાવીને સાંસારિક જીવનની પરંપરાગત શૈલીમાં તેમની દીકરીઓના સપનાઓને બાંધી દે છે…જેને લીધે ગ્રામ્ય વિસ્તારની મહિલાઆનેે બુદ્ધિશાળી હોવા છતાં પ્લેટફોર્મ નથી મળતું’-સ્વાતિ બેડેકર..
આપનો જન્મ ક્યાં થયો ?
વડોદરા જ મારું જન્મ સ્થાન છે.
શિક્ષણ ક્યા ક્ષેત્રે અને ક્યાં પૂર્ણ કર્યું?
મુંબઈમાં સંપૂર્ણ શિક્ષણ કર્યું. બીએસસી કેમેસ્ટ્રી, એમએમએસ(માસ્ટર્સ ઈન બિઝનેસ મેનેજમેન્ટ), એમએસસી ઈન સાયન્સ એજ્યુકેશન.
શિક્ષણમાં કયા વિષયમાં રૂચિ હતી અને તમે કેવી રીતે વિષય પસંદ કર્યો?
આમ તો બાળપણમાં પેરેન્ટ્સ કહે તેમ વિચારીએ. જોકે તેમની ઈચ્છા મને સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધારવાની હતી. પરંતુ હું ઈકોનોમિક્સ અને મેનેજમેન્ટમાં વધુ રસ ધરાવતી હોઈ મેં મેનેજમેન્ટ સિલેક્ટ કર્યું. આગળ જતા મેં સ્કૂલમાં ભણાવવાની શરૂઆત કરી ત્યારે એવું લાગ્યું કે બાળકોમાં વિજ્ઞાનનો એક પ્રકારનો ગર્ભિત ભય છે. એટલે મેં નવો ધ્યેય રાખી શિક્ષણ લઈને શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો. ટીઆઈએફઆરની સાયન્સ વિંગમાંથી સાયન્સ એજ્યુકેશનમાં ડિગ્રી મેળવી.
જીવનનો ગોલ કેવી રીતે નક્કી કર્યો? વડીલોનું કોઈ માર્ગદર્શન મળ્યું?
વિજ્ઞાન શિક્ષણમાં જ કંઈક કરવાનું નક્કી કર્યુ. સન 2000માં શિક્ષણની વેબસાઈટ ફનલર્ન બનાવી. શરૂમાં કોમ્પ્યુટર ઈન્ટરનેટ એટલા પ્રચલિત નહોતા. એટલે હેન્ડઝઓન સાયન્સ પર કામ કરવાનું શરૂ કર્યું. લર્નિંગ બાય ડુઈંગના કોન્સેપ્ટમાંથી પ્રેરણા મેળવીને સ્કૂલમાં ભણતા બાળકોને માર્ગદર્શન આપી જાતે નવું શીખવાનો ઉત્સાહ જગાવ્યો. આગળ જતા ગુજરાતનો અભિનવ વિજ્ઞાન શિક્ષણનો કોન્સેપ્ટ ચાલતો હતો તેની સાથે જોડાઈ ગઈ.
સ્ત્રીઓના ઉત્કર્ષ અને ઉન્નતિના વિચારો તમને કેવી રીતે સ્ફૂર્યા?
ગ્રામ્ય શાળાઓમાં શિક્ષણ આપવા વધારે જવાનું થતું. આદિવાસી ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની 554 શાળાઓ સાથે કામ કર્યું. જેમાં કામ કરતા એક વસ્તુ ખાસ દેખાતી હતી કે ગ્રામ્ય શાળાની છોકરીઓ પ્રાથમિક શિક્ષણ પણ અડધેથી છોડી દેતી. પરિવારની પરંપરાથી લગ્ન કરીને સામાન્ય જીવનમાં વ્યસ્ત થતી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં આ મહત્વપૂર્ણ ફરક હતો. તેમાંય ખાસ કરીને માસિકધર્મ આવે ત્યારે તેમના પરિવારવાળા ઓછી સમજને કારણેેે તેમની દીકરીઓને શાળાએથી ઉઠાવી મૂકતા. ક્યારેક અપૂરતા પોષણથી પીડાતી ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની છોકરીઓને કેલ્શિયમ ડેફિશિયન્સી કે એનિમિયા જેવી ગંભીર બીમારીઓ હતી. બધી તકલીફનો મૂળ પાયો શિક્ષણનો અભાવ હતો. એ બદલવાનો વિચાર આવ્યો જેને લીધે આ ક્ષેત્રમાં આગળ કામ શરૂ કર્યું.
સ્ત્રી શક્તિ -એ તો પહેલાથી જ હતી. પણ એ વિષયની જાગૃતિ હમણાં આવી હેાય એવું નથી લાગતું?
માનસિક વિચારની ક્ષમતા યુગે યુગે સ્ત્રીઓએ પ્રૂવ પણ કરી છે. જેના માટે રામે સીતાનો ત્યાગ કર્યો અને લક્ષ્મણને તેને વનમાં મૂકી આવવા કહ્યું ત્યારે લક્ષ્મણથી એ વાત સહન ન થતાં અડધે રસ્તે તેણે દેહત્યાગ કરવાનું નક્કી કર્યું. ત્યારે સીતાએ લક્ષ્મણને કહ્યું, ‘હું રામ સાથે હતી ત્યારે સુરક્ષિત હતી પણ આજે હું એકલી છું ત્યારે સ્વરક્ષિત છું’ એટલે સુરક્ષિત હોવા કરતાં સ્વરક્ષિત હોવામાં વધારે સામર્થ્ય કેળવાય છે. બીજી રીતે કહું તો,
‘સ્ત્રી સ્વરક્ષિત હોય ત્યારે તે કાયમ સુરક્ષિત હોય.’
આપને આ વાત્સલ્ય ફાઉન્ડેશન સ્થાપવાનો વિચાર પહેલા કેવી રીતે આવ્યો?
નવું કંઈક કરવું હતું જે જરા હટકે હોય. કદાચ, લોકોને પચવા માટે અઘરી વાત હતી કે હું આ કામ કરી શકીશ કે કેમ? સ્ત્રી નક્કી કરી લે તો એ કોઈ વાતને વચ્ચે આવે એ સાંખી ન શકે. જે કામ માટે મેં પહેલ કરીને આગળ આવવાનું નક્કી કર્યું તેનું જ પરિણામ છે વાત્સલ્ય ફાઉન્ડેશન. ધાર્મિક પરંપરાઓને ભયપ્રેરિત ભક્તિનું માધ્યમ ગણાતું હતું. જેના ઉપર આ એક ક્રાંતિકારી ગણાય એવું પગલું છે.
વાત્સલ્યના મુખ્ય ઉદ્દેશો ક્યા ક્યા છે ?
તમને કોઈપણ વિષય પર બહુ પેશનેટલી લાગણી હોય તો એ વિષય પર કામ કરો. કમ્પેશન તમને ગમતી વસ્તુઓને તમારી સાથે જોડી દો. સ્કૂલમાં કાર્ય કરવાનું શરૂ કર્યું ત્યારે એવું લાગ્યું કે શિક્ષણ આપવું મહત્વની વાત છે. મેં ટેક્સટબુક ન ભણાવી પણ સબ્જેક્ટ્સ ભણાવ્યા. શિક્ષકે સાચા અર્થમાં વિદ્યાર્થીઓને વિષય સાથે અવગત કરાવવા જરૂરી છે ન કે પુસ્તકીયા જ્ઞાન સાથે….!
માણસના જીવનમાં વિજ્ઞાનનું શું મહત્વ છે ?
માણસનું જીવન વિજ્ઞાન વિના કેવી રીતે શક્ય બની શકે? વિજ્ઞાન જ તમારા જીવનને સરળ બનાવે છે. કોઈપણ માણસ સહેલાઈથી કોઈ વાતને ત્યારે આવકારશે જ્યારે તેમાં કોઈ સરળતા હોય અને એ સરળતા માત્ર વિજ્ઞાનના માધ્યમથી જ ઉપલબ્ધ થઈ શકે છે. જ્યારે અવૈજ્ઞાનિક ઢબે જે થાય એટલેકે સિસ્ટમેટિક એપ્રોચ ન થાય તે તકલીફ આપે છે. એટલે વિજ્ઞાન એ એક સિસ્ટમ અને ડિસીપ્લીન્ડ ઈમ્પ્લીમેન્ટેશન છે.
અ ટફ જોબ ઈઝ સીમ્પલીફાઈડ બાય સાયન્સ. સાયન્સ એટલે લોજીક અને લોજીક હોય ત્યાં જ સર્જનાત્મકતા ને અવકાશ હોય.
તમને ગ્રાફિક્સ વિષયમાં રસ કેવી રીતે જાગ્યો ?
ટેકનોલોજિ સાથે નવું નવું પરિવર્તન આવવા લાગ્યું અને સ્ત્રી સ્વભાવ પ્રમાણે નવી સર્જનાત્મકતા મનમાં હતી. જેનાથીે સાયન્ટિફિક ટોઈઝ તૈયાર કર્યા. તેને માટે કોમ્પ્યુટર એક સંપૂર્ણ સક્ષમ સાધન જણાયુ. તેમાં સહજ રીતે કોઈપણ વિચારો કે વસ્તુને આકાર આપીને શીખી ગઈ. ડિઝાઈનીંગ પણ શીખવા લાગી. વિચારો સાથે નવું શીખવાનો પ્રયત્ન ગમવા લાગ્યો. જેમાં ફ્લ્મિ એડિટીંગ જેવા વિશિષ્ટ જ્ઞાન કે જેમાં તમારા વિચારોને આકાર આપવા મળે તેવું શીખવાનું વધારે ગમે. કંઈપણ વસ્તુનું પ્રેઝન્ટેશન મહત્વનું હોય છે જેમાં ગ્રાફીક્સ ખૂબ જ મદદરૂપ થાય છે.
તમારા આગામી ઉદ્દેશો ક્યાં ક્યાં? ં
એવું કંઈ નક્કી નથી કર્યુ. શરૂમાં શાળામાં આવતી છોકરીઓને સુગમતા કેવી રીતે આવે તે જોવાનું અને તેમાંથી તેઓ બિઝનેસ મોડલ કેવી રીતે બને તે જોવાનો ધ્યેય હતો. સ્ત્રીઓને એન્ટરપ્રેન્યોર કેવી રીતે બનાવવી તે જોવાનો હેતુ હતો. સેનેટરી નેપકીન્સ બનાવી તેમાંથી આગળ આવી માત્ર માસિક સુરક્ષા જ નહીં અન્ય હાયજીનને લગતા પ્રોડક્ટ્સ પણ બનાવીએે છીએ જે તેમને પગભર થવામાં મદદરૂપ બનાવે છે. આ સેનેટરી નેપકીન્સની વિશેષતા એ છે કે કેળાની છાલના રેશામાંથી ઓર્ગેનીક રીતે બનાવવામાં આવે છે. સખી નામની સંસ્થાને શક્ય એટલી ઉંચાઈ પર લઈ જઈ સ્ત્રીઓને તેમના પરિવાર અને સમાજમાં સન્માન મળે તે જ મારો ઉદ્દેશ છે.
શું આજે સ્ત્રીની સ્વાયત્તતા સમાજોપયોગી થવાની સાથે સ્વચ્છંદીપણામાં પણ પરિણમી રહી છે?
એક માં જ આ બાબતે બધું કરી શકે છે. મૂળ જો સારી રીતે સિંચાયું હોય તો છોડ મજબૂત થઈ લાંબુ જીવનારા અને છાંયડો આપનારા વૃક્ષમાં પરિણમી શકે છે. સમાજમાં એક બદલાવની જરૂર છે. જ્યાં સ્ત્રી પર અત્યાચાર થાય ત્યાં અત્યાચારીઓ માનસિક રોગી હોય છે. પ્રત્યેક પુરૂષ ખરાબ છે એમ પણ ન કહેવાય. મારી છોકરી ખોટું કરે તો દરેક વખતે સ્ત્રી જ ખોટી હોય તેવું નહીં. તેમાં વાંક વગર અત્યાચાર થાય ત્યારે અને તેને જ ગુનેગાર માનવામાં આવે ત્યારે આ તકલીફો ઉભી થાય છે. સ્ત્રી સુંદર છે તો ગુનેગાર છે. મનગમતું કામ કરે તો ગુનેગાર છે. સમાજ જ્યારે આ વાત સ્વીકારશે ત્યારે આ બધી તકલીફો દૂર થશે. પરિવારના લોકોએ પહેલ કરવી જરૂરી છે.
આજે સરકાર સ્ત્રીઓ પર થતા અન્યાય વિશે જાગૃત છે. મુસ્લિમ સંપ્રદાયના ત્રણ તલાકના મુદ્દે સરકારની દખલ વિશે આપ શું માનો છો?
ઉત્તર – ઈમ્બેલેન્સ ખસવું જોઈએ. એ ઈમ્બેલેન્સ નક્કી કેવી રીતે કરવું? સ્ત્રીનો ઉપભોગના સાધન તરીકે ઉપયોગ થાય છે. તેમાં ક્યાંક કોઈનો હસ્તક્ષેપ જરૂરી છે. એવા સમયે યોગ્ય રાહે કાયદો એનું કામ કરે એ જરૂરી બને છે. સ્ત્રીને એના હક્ક મળવા જ જોઈએ. તેના સો ટકા બલિદાન સામે તેના સામાન્ય હક્કો એને મળવા જ જોઈએ.
પરંતુ સરકાર પ્રત્યેક વખતે ધર્મ અને સામાજિક રીતિ-રિવાજોમાં આવી રીતે દખલ કરશે તો ક્યાંક સરકારી દખલ પરિવાર તોડનારી સાબિત નહીં થાય? જેમકે ખાન-પાન જેવી બાબતો.
શહેરની વાત જવા દઈએ. તો પણ જે તે વિસ્તારમાં ક્યાંક ખોરાક અપ્રાપ્ય હોય તો એ લોકોએ એ વખતે ખાવું પડે એ ખાય એના સર્વાવાઈવલ માટે. જ્યારે સમુદ્ર કિનારે રહેનારને અન્ય કશું ખાવાની ઈચ્છા ન હોય તો પણ ફીશ ખાવી પડે છે. આજે ગાયને માતા કહેનારા એને પ્લાસ્ટીક ખાતા રોકી શકે છે ? જેમાં શ્રદ્ધા છે તે વાત તમારે ન કરવી જોઈએ. પણ પ્રત્યેક વખતે તમારે શું ખાવુ અને શું પહેરવું એ પ્રત્યકે બાબતે સરકારની દખલંદાજી એ લોકશાહી પર વજા્રઘાત સમાન બની રહેશે.
વિચારોની સ્વાયત્તતા સાથે શિક્ષણનો વ્યાપ વધે તો સારા વિચારો આપોઆપ સમાજને બેલેન્સ કરવામાં મદદરૂપ થશે.
શક્તિ કોલમના વાચકો અને સમાજને માટે આપનો સંદેશ
સ્વસ્થ સ્ત્રી એટલે સ્વસ્થ પરિવાર. સ્ત્રીને સન્માન જોઈએ જે તેના સ્વમાનને જાળવી શકે. સ્ત્રીને સન્માન આપશો તો પરિવાર સાથે સમાજ એટલો જ મજબૂત બનશે.
મનપસંદ
* શોખ – વાંચન, ટ્રાવેલીંગ
* સ્થળ – હિમાલયન માઉન્ટેન્સ
* એક્ટ્રેસ – હેમા માલિની
* એક્ટર – અમિતાભ બચ્ચન
* ફિલ્મ – અમર-અબર-એન્થની, સ્વદેશ
* પુસ્તક – વી ધ લિવીંગ, આયન રેન્ડ
* ગમતું ફુડ – ભેલપુરી
* પ્રિય લેખક- પુ.લ. દેશપાંડે
* ગમતી રેસિપી – મોદક

