અતુલ્ય અને અકલ્પનીય બાહુબલીનું બોક્સઓફિસ

અતુલ્ય અને અકલ્પનીય બાહુબલીનું બોક્સઓફિસ

- in Filmy Feelings
2229
Comments Off on અતુલ્ય અને અકલ્પનીય બાહુબલીનું બોક્સઓફિસ
બાહુબલીનું-બોક્સઓફિસ

મેઘવિરાસ

2017નું વર્ષ ભારતીય સિનેમા માટે શુભ ઘડી લઇને આવ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં શાખની સાથે અમાપ કમાણીના દરવાજા પણ ખોલી નાખ્યા છે. ‘દંગલ’ અને ‘બાહુબલી’ હાલમાં સિનેજગતનું નેતૃત્વ કરી રહી હોય તેમ દરેક દેશમાં કમાણીના નવા નવા વિક્રમો સર્જી રહી છે. અત્યાર સુધીમાં રજૂ થયેલી 37 ફિલ્મોમાં મોટાભાગની ફિલ્મોને નિષ્ફળતા જ હાથ લાગી છે. પરંતુ જે ફિલ્મને સફળતા મળી છે એ અકલ્પનીય અને અતુલ્ય છે….!!

5 ઓગસ્ટ, 1960ના દિવસે ભારતીય સિનેમાનો નવો ઇતિહાસ લખાવવાનું શરૂ થયું હતું. આ અરસામાં કોઇ ફિલ્મ પ0-60 લાખનો વકરો કરે તો બહુ મોટી સફળતા ગણાતી હતી. એવા સમયમાં દિગ્દર્શક કે.આસિફે ‘મુઘલ-એ-આઝમ’ બનાવી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પાંચ કરોડથી વધુનો ધીકતો ધંધો કર્યો હતો. જો કે, કે.આસિફે આ ફિલ્મ બનાવવા માટે 1.ર0 કરોડ ખર્ચી નાખ્યા હતા. ફિલ્મનું બજેટ એટલું વિશાળ હતું કે આખી ઇન્ડસ્ટ્રી એ વાતને લઇને ચિંતિત હતી કે ફિલ્મનું રોકાણ પાછું મળશે ખરું? પણ સાહસ, સમર્પણ અને સકારાત્મક અભિગમ સાથે આરંભ કરાયેલા કાર્યમાં સિદ્ધિ અવશ્ય લખાયેલી હોય છે. ‘મુઘલ-એ-આઝમ’ની સફળતાએ નિર્માતાને જોખમ ખેડવાની પ્રેરણા આપી અને ભારતીય સિનેમાનો દર્શક વર્ગ કેટલી કમાણી કરાવી આપે તેની યાદ અપાવી. ‘મુઘલ-એ-આઝમ’ના 15 વર્ષ પછી રમેશ સિપ્પીની ‘શોલે’ ફિલ્મે નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો. જે રેકોર્ડ 19 વર્ષ પછી સૂરજ બરજાત્યાની ‘હમ આપકે કૌન હૈ’ ફિલ્મે તોડ્યો. ત્યારબાદ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘રાજા હિન્દુસ્તાની’ જેવી ફિલ્મોએ અધધધ… કમાણી કરી, પણ પ0 કરોડને પહોંચવામાં અસફળ રહી હતી. પરંતુ 15 જૂન, ર001ના રોજ દિગ્દર્શક અનિલ શર્માની ‘ગદર એક પ્રેમ કથા’ ફિલ્મે અનેક કીર્તિમાન ભારતીય સિનેમાના નામે રચી દીધા. 70 કરોડથી વધુ કમાણી કરીને આ ફિલ્મે એક નવો જ ઇતિહાસ રચ્યો હતો. પરંતુ આમાથી એકપણ ફિલ્મ 100 કરોડને આંબવામાં સફળ નહોતી થઇ.

ભારતીય સિનેમાનો ટ્રેડમાર્ક ડે રપ ડિસેમ્બર, ર008 છે. 9પ વર્ષ પહેલાં જે સિનેમાના પાયા નંખાયા હતા તે સિનેમાના નામે એકપણ ફિલ્મની કમાણી 100 કરોડને આંબી નહોતી શકી. જે કામ આમિર ખાને કરી બતાવ્યું. વર્ષ ર008માં રજૂ થયેલી એક્શન, થ્રિલર મેગા હિટ ‘ગજની’ ફિલ્મે 100 કરોડ ક્લબની સ્થાપના કરી. પૈસા તો મોહ ને માયા જ છે. જેટલા વધે તેટલા ઓછા. ભારતીય સિનેમાની માયા વધુ બંધાણી અને દરેકની નજર ર00 કરોડ પર પહોંચી પણ સફળતા આસાન નહોતી. બરોબર એક વર્ષ પછી એટલે કે રપ ડિસેમ્બર, ર009માં આ કામ પણ

આમિર ખાને જ કરી આપ્યું. રાજકુમાર હિરાણી દિગ્દર્શિત ‘3 ઇડિયટ્સ’ ફિલ્મે ર00 કરોડ ક્લબનો પાયો નાખ્યો. વળી 300 કરોડની આશ લગાવીને ભારતીય સિનેમા બેઠું. ફરી એક વખત આમિર ખાને જ આ કામ કરવું પડ્યું. જો કે, આ વખતે પાંચ વર્ષનો સમયગાળો વીતી ગયો હતો. વર્ષ ર013માં ‘ધૂમ-3’ ફિલ્મે સર્વાધિક કમાણીના રેકોર્ડ પ્રસ્થાપિત કરીને 300 કરોડ કલબનું ખાતમુહુર્ત કર્યું. પછી તો સલમાન ખાનની ‘બજરંગી ભાઇજાન’ પણ આમિરની ફિલ્મોની લગોલગ આવી ગઇ હતી. જો કે, ભારતમાં 400 કરોડને પહોંચવામાં આમિરની ફિલ્મ પણ અસમર્થ રહી હતી. આમિરની ‘દંગલ’ 387 કરોડે અટકી ગઇ હતી. દરેકને એમ હતું કે આ ફિલ્મ 400 કરોડને આંબી જશે પણ 13 કરોડનું અંતર આડું આવી ગયું.

જે કામ ‘દંગલ’ ન કરી શકીએ એક ભારતની પ્રાદેશિક ફિલ્મે કરી બતાવ્યું. એસ.એસ. રાજામૌલીની ‘બાહુબલી-ર’ ફિલ્મે હિન્દી બોક્સ ઓફિસ પર 4પ0 કરોડનો ધીકતો ધંધો કરી લીધો અને 400 કરોડ ક્લબનો શુભારંભ કરાવ્યો. આ વાત થઇ ભારતના હિસાબ-કિતાબની પરંતુ વિદેશમાં આજે પણ સર્વાધિક કમાણીનો રેકોર્ડ ‘દંગલ’ અને ‘પીકે’ ફિલ્મના નામે છે. જે સંભવત: આમિર ખાનની ફિલ્મો જ તોડી શકે તેવી શક્યતા છે. કારણ કે, જે કમાણી આમિરની ‘દંગલ’ ફિલ્મે ભારતમાં નહોતી કરી તેનાથી અનેકગણી કમાણી માત્ર ચીન દેશમાંથી કરી છે. ચીનમાં પ મેના રોજ રજૂ થયેલી ‘દંગલ’ ફિલ્મે માત્ર 13 દિવસમાં પ12 કરોડનો વકરો કરી લીધો હતો. તદ્ઉપરાંત, ‘દંગલ’ ફિલ્મે અમેરિકામાં 14પ કરોડનો વકરો કર્યો છે. જ્યારે તાઇવાન જેવા નાના નાના દેશોમાં આ ફિલ્મના નામે ર0-રપ કરોડ જેવો વકરો નોંધાયો છે. ‘દંગલ’ની કુલ કમાણી 1315 કરોડને પાર પહોંચી ગઇ છે. જેમાંથી 387 કરોડની કમાણી જ ભારતમાં નોંધાયેલી છે. મલતબ કે ‘દંગલ’ ફિલ્મે 1000 કરોડની આસપાસનો વકરો માત્ર વિદેશમાંથી જ કર્યો છે.

‘બાહુબલી-ર’ ફિલ્મના નામે અત્યાર સુધીમાં 1450 કરોડનો વકરો નોંધાયો છે. જેમાંથી 452 કરોડનો આંકડો હિન્દી બોક્સ ઓફિસ પરનો છે. જયારે પપ0 કરોડ જેવો વકરો તમિલ, તેલગુ, મલયાલમ ભાષામાં નોંધાયો છે. ‘બાહુબલી’ ફિલ્મ અમેરિકામાં 100 કરોડને પાર કરી ગઇ છે અને ભારતીય ફિલ્મોમાં ત્રીજા સ્થાને છે. ‘દંગલ’, ‘પીકે’ અને ‘બાહુબલી’ ફિલ્મ અમેરિકામાં ટોપ થ્રી પોઝિશન પર છે. બ્રિટનમાં પણ આવી જ સ્થિતિ છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડમાં પણ ‘બાહુબલી’એ સર્વાધિક કમાણી કરવામાં સફળતા હાંસલ કરી છે.

જો કે, ‘દંગલ’ અને ‘બાહુબલી’ની લોકપ્રિયતા અને બોકસઓફિસના વિક્રમોને હટાવી દેવામાં આવે તો વર્ષ ર017માં હજી સુધી અન્ય કોઇ ફિલ્મે દમ નથી દેખાડ્યો. જાન્યુઆરી મહિનામાં ‘ઓકે જાનુ’, ‘હરામખોર’, ‘કોફી વીથ ડી’, ‘કાબિલ’ અને ‘રઇસ’ રજૂ થઇ હતી. જેમાંથી એકપણ ફિલ્મને સુપરહિટનું ટેગ નસીબ નહોતું થયું. શાહરૂખ ખાનના સ્ટારડમના કાંગરા ખરવા લાગ્યા હોય તેમ તેની ફિલ્મને 100 કરોડ સુધી પહોંચવામાં ફાંફાં પડી જાય છે. ‘રઇસ’ની સાધારણ કમાણીએ શાહરૂખનું નામ ખાન બ્રિગેડમાં ખતરામાં મૂકી દીધું છે. કરુણતા એ છે કે શાહરૂખની

એકપણ ફિલ્મ ભારતમાં રપ0 કરોડથી વધુની કમાણી નથી કરી શકી. રિતિક રોશનની ફિલ્મ ‘કાબિલ’ હિટ થવામાં સફળ રહી હતી. જ્યારે અન્ય ફિલ્મો આવતાંની સાથે જ દર્શકોએ બાય બાય કહી દીધું હતું.

ફેબ્રુઆરીમાં ‘જોલી એલએલબી-ર’, ‘હિન્દ કા નાપાક કો જવાબ’, ‘રનિંગ શાદી ડોટ કોમ’, ‘ધ ગાઝી એટેક’, ‘ઇરાદા’, ‘રંગૂન’, ‘વેડિંગ એનિવર્સરી’, ‘મોના ડાર્લિંગ’ જેવી ફિલ્મો આવી હતી, જેમાંથી એકમાત્ર અક્ષયકુમારની ફિલ્મને સફળતા મળી હતી. જો કે, આ સફળતા માતબર ન હતી, પણ નિર્માતા માટે સંતોષના ઓડકાર સમાન ચોક્કસ હતી. આ ફિલ્મ સો કરોડનો વકરો કરવામાં સફળ રહી હતી. જો કે, સૌથી મોટો ફટકો શાહીદ કપૂર અને કંગના રનૌતની ‘રંગૂન’ ફિલ્મને પડ્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ ભારદ્વાજે કર્યું હતું. ફિલ્મ માસ્ટર ક્લાસ ટચ હતી, પણ દર્શકોને પસંદ ન પડી અને નિર્માતાને ભાગે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

માર્ચ મહિનામાં ‘કમાન્ડો-ર’, ‘જીના ઇસી કા નામ હૈ’, ‘બદ્રીનાથકી દુલ્હનિયા’, ‘આ ગયા હીરો’, ‘ટ્રૅપડ’, ‘મશીન’, ‘ફિલૌરી’, ‘અનારકલી ઓફ આરહા’, ‘નામ શબાના’, ‘પૂર્ણા’ ફિલ્મો આવી હતી. એકમાત્ર વરુણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મને સફળતાની સાથે કમાણી કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ ફિલ્મને સારો આવકાર મળ્યો હતો. જ્યારે અન્ય ફિલ્મોના નામ પણ ભૂલાવવા લાગ્યા છે. ગોવિંદાની ‘આ ગયા હીરો’ ફિલ્મને દર્શકોએ જા હીરો કહીને રિટર્ન કરી દીધી હતી, તો અનુષ્કા શર્માની ‘ફિલૌરી’ને કોઇએ જોવાનું સાહસ ન દાખવ્યું તો ‘બેબી’ ફિલ્મની પ્રિકવલ ‘નામ શબાના’માં પણ દર્શકોએ રસ ન દાખવ્યો.

એપ્રિલ મહિનામાં ‘લાલી કી શાદી મેં લડ્ડુ દીવાના’, ‘સાંજ’, ‘બેગમ જાન’, ‘રોમિયો એન્ડ બુલેટ’, ‘નૂર’, ‘માત્ર’, ‘બાહુબલી-ર’ આવી હતી. ‘બાહુબલી’ના ઇતિહાસથી સૌ પરિચિત છે. આ ફિલ્મે ભારતીય સિનેમાનું ગૌરવ વધાર્યું છે અને વિશ્ર્વમાં અનેરી ઓળખ ઊભી કરી કે અમે ઓછા બજેટમાં કેટલી મહાન ફિલ્મ બનાવી શકીએ છીએ. પરંતુ આ મહિનો સોનાક્ષી સિંહા અને વિદ્યા બાલન માટે સૌથી કપરો સાબિત થયો. બંનેની ફિલ્મો એટલી ફ્લોપ સાબિત થઇ કે આ ફિલ્મની કમાણીનો આંકડો જોઇને કોઇ માની ન શકે કે એક વખત પહેલાં આ બંને અભિનેત્રીઓને સિનેમા મિલિયન ડોલર બેબીના નામથી ઓળખતું હતું.

મે મહિનામાં ‘મેરી પ્યારી બિંદુ’, ‘સરકાર-3’, ‘હાલ્ફ ગર્લફ્રેન્ડ’ અને ‘હિન્દી મીડિયમ’ રજૂ થઇ છે. જો કે, આ લખાય છે ત્યારે ‘સચિન’ ફિલ્મ રજૂ થવાની બાકી છે. મે મહિનામાં સૌથી વધુ નુકસાન નોંધાયાના એંધાણ છે. યશરાજ ફિલ્મની ફિલ્મ ફ્લોપ રહી તો રામગોપાલ વર્માની ‘સરકાર’ને પણ નબળો પ્રતિસાદ મળ્યો હતો. જો કે, ચેતન ભગતની નવલકથા પરથી બનેલી ફિલ્મોની સફળતાનો ‘હાલ્ફ ગર્લફ્રેન્ડ’ સાથે અંત આવ્યો હતો. આ ફિલ્મ ઉનાળાની ગરમીમાં  સૂતા સૂતા ઠંડીનો અહેસાસ લેવો હોય તો જ જોવાની તસ્દી લેવાય અન્યથા ફરીથી ‘બાહુબલી’ ફિલ્મને પ્રાધાન્ય આપવામાં હિત છે.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો