વાચકમિત્રો, સૌપ્રથમ એક ગુજરાતી તરીકે સહુને જય ગરવી ગુજરાત. આપ સહુ તરફથી ગત અંકના ખૂબ જ સરસ પ્રતિભાવ મળ્યા. ‘ફીલિંગ્સ’ વાચકોના પ્રતિભાવો અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને રાખીને અવનવી કથાઓ સાથે વૈશ્ર્વિક વાસ્તવિકતાને આપની સમક્ષ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ગત અંકમાં સિરિયન આપદા સાથે યુદ્ધની ભયાનકતા કેવી હોઈ શકે તે બાબતે સહુને રૂબરૂ કરાવ્યા. એક તરફ સૂર્યનો પ્રખર તાપ તેની આગ ઝરતી ગરમીથી દઝાડી રહ્યો છે. બીજી તરફ રાજકીય ગરમાવાથી વિશ્ર્વ આખાનું વાતાવરણ ચિંતાજનક થઈ ગયું છે.
આ બધી જ ઘટમાળ વચ્ચે પણ કાળચક્ર તેની ધરી પકડીને સતત ફરતું જ રહે છે. હાલમાં જ ગૌરવવંતા ગુજરાતને સ્વતંત્ર રાજ્ય તરીકેની માન્યતા મળી તે 1લી મેનો દિવસ કે જે મજૂર દિવસ તરીકે પણ ઓળખાય છે. તેેની અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ભવ્ય ઉજવણી થઈ. આ 57મા સ્થાપના દિને અનેક રંગારંગ કાર્યક્રમો યોજાયા. ગુજરાતીઓએ વિશ્ર્વ આખામાં તેની વિચક્ષણ બુદ્ધિથી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અનેક સંતો, સમાજસેવીઓ સાથે રાષ્ટ્રનું સફળ નેતૃત્વ કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જેવા નેતાઓ આપ્યા છે જે આપણા માટે ગૌરવની વાત છે. બીજી તરફ, દેશના સૈનિકો પર અવાર-નવાર થતા ત્રાસવાદી હુમલાઓએ દેશની જનતાની ધીરજ ખૂટાડી દીધી હોય તેવું લાગે છે. ઠેર-ઠેર પાકિસ્તાનને પાઠ ભણાવવાનો પ્રજાનો અવાજ બુલંદ થઈ રહ્યો છે. હાલમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારો પણ હવે તેમના આક્રોશને રોકી શકતા નથી. તો માનવતાની કેડી કંડારતા ફિલ્મ બાહુબલીના દિગ્દર્શક રાજામૌલીએ તેની પ્રથમ દિવસની કમાણી જે લગભગ 100 કરોડ ઉપર છે તે શહીદોને સમર્પિત કરી છે. તમામ ઘટનાઓ વચ્ચે પ્રજાની બુલંદ થઈ રહેલી પાક. સાથે યુદ્ધની માંગ વચ્ચે યુદ્ધ અને તેના પરિણામો વિશે પણ વિચાર કરવો જરૂરી છે. વિનાશનો માર્ગ લીધા પછી વિકાસ ખોરંભે પડશે જે અર્થતંત્ર પર પણ વિપરિત અસરો પાડશે…આશા રાખીએ કોઈક યોગ્ય માર્ગ નીકળે જેથી વિકાસ સાથે દુશ્મનને પણ સબક શીખવાડી શકાય…!