કવિતા-ગઝલ

કવિતા-ગઝલ

- in Poems & Gazals
3798
Comments Off on કવિતા-ગઝલ
કવિતા-ગઝલ

સંકલન : ‘મૌલિક’

હું પડ્યો પે’લાં…

અર્થ જીવનનો સર્યો પે’લાં,

આંસુઓએ આંતર્યો પે’લાં!

 

હું પહોંચ્યો ટોચ પર પછી,

આંખથી નિજ હું પડ્યો પે’લાં!

 

ને પછી, મેં તોડ્યો તેને –

આઇનો મુજ પર હસ્યો પે’લાં!

 

કોઇ રાજા ના થયો કુર્બા,

શહીદ થયા સિપાહીઓ પે’લાં!

 

પાઘડી આ ઊતરે તેથી…

સર સદા હું ઊતર્યો પે’લાં!

 

– કુમાર જિનેશ શાહ, ગાંધીધામ

મો. ૯૮ર૪૪ ૨૫૯ર૯

તો કહું…

જો ગયેલા શ્ર્વાસ આવે તો કહું,

કોઇ મોકો ખાસ આવે તો કહું.

 

ઘર ગગન વિસ્તારમાં ઇશનું હશે,

પાસ જો આકાશ આવે તો કહું.

 

અબ્ધિ જળની વારતા મારી કને,

જો કણસતી પ્યાસ આવે તો કહું

 

શબ્દ મારા વેડફું એવો નથી,

વાત પર વિશ્ર્વાસ આવે તો કહું.

 

રણ હશે આગળ અગર સાગર હશે?

પાંપણે ભીનાશ આવે તો કહું.

 

મોં પ્રથમ જોવું પડે અંધારનું,

આ તરફ અજવાશ આવે તો કહું!

 

– આબિદ ભટ્ટ, હિંમતનગર

મો. ૯૪૦૯૦ ૨૨૧૩૦

સેઢો….

જગા ઘરની ગણી બેઠો હતો ખેતર ઉપર સેઢો

ઘરો પાકા ચણી બેઠો હતો ખેતર ઉપર સેઢો

 

નથી મળતા ઉકેલો ઘાસ ઉગવાના હજી એને

ધરમ કેવા ભણી બેઠો હતો ખેતર ઉપર સેઢો

 

દયા એને નથી આવી ચલાવી યંત્ર લણવાના

નવી કૂંપણ હણી બેઠો હતો ખેતર ઉપર સેઢો

 

ઘણી છૂટો ખુદા આપી પસંદોની જગતમાં તે

નર્યા ઝખ્મો ખણી બેઠો હતો ખેતર ઉપર સેઢો

 

સવારે શું થશે કલરવ અને ટહુકા પછી સૌ ના ?

ફસલ રાતે લણી બેઠો હતો ખેતર ઉપર સેઢો

 

કરમ એને પછી વસમા જરી લાગ્યા હતા આખર

પ્રથમ પાપો જણી બેઠો હતો ખેતર ઉપર સેઢો

 

અહીં દેતા નથી વધવા કદી ‘અંગત’ મહેનત ને

બધી થાપણ ગણી બેઠો હતો ખેતર ઉપર સેઢો

 

– ભીમાણી સુનીલ આર., પોરબંદર

મો- ૯૯૨૪૫ ૯૭૯૭૩

ગુર્જરી માત…

અરે ગુર્જરી માત, સદાયે તારા થઇને રહીએ રે,

ગરવી ગૌરવગાથાના ઘડનારા થઇને રહીએ રે…

 

જ્યાં પ્રભાતમાં નરસૈંયાના પ્રભાતિયા સંભળાતા રે,

સંધ્યાકાળે શંખનાદથી સત્સંગી હરખાતા રે…

સંસ્કારી ધરતીના બસ, ધબકારા થઇને રહીએ રે,

ગરવી ગૌરવગાથાના ઘડનારા થઇને રહીએ રે… અરે…

 

વટ-વચનને ખાતર વીરો, સામે માથું ધરતા રે,

ગો-બ્રાહ્મણ પ્રતિપાળ, બનીને રક્ષા સૌની કરતા રે…

ખરી ખુમારી પ્રગટે એ પડકારા થઇને રહીએ રે,

ગરવી ગૌરવગાથાના ઘડનારા થઇને રહીએ રે… અરે…

 

ગુજરાતી શિખરે બિરાજે, ભલે એ દુ:ખો સહેતા રે,

ગાંધી ને સરદાર સરીખા, વીરો હૈયે વસતા રે…

માતૃભૂમિના ગૌરવના, સિતારા થઇને રહીએ રે,

ગરવી ગૌરવગાથાના ઘડનારા થઇને રહીએ રે… અરે…

 

જ્યોતિગ્રામની જ્યોતિ જાણે ઘર ઘર જઇ અજવાળે રે,

હરિયાળા ખેતરમાં ખેડૂ, હૈયે ટાઢક વાળે રે…

વિકાસની વણથંભી, નિર્મળ ધારા થઇને રહીએ રે,

ગરવી ગૌરવગાથાના, ઘડનારા થઇને રહીએ રે… અરે…

 

– નૈષધ મકવાણા, વડોદરા.

મો. ૯૯૧૩૭ ૩૫૫૨૨…..

Facebook Comments

You may also like

‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…

જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં