– શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી
સંબંધનું એક અલગ મહત્ત્વ છે. કોઇ પણ ક્ષેત્ર હોય સંબંધોમાં જો સ્વાર્થ આવે તો એ સંબંધો ક્યારેય ટકતા નથી. સંબંધનું મૂલ્ય જો સમજાય તો જ તે શ્રેષ્ઠ સંબંધ કહેવાય. સંબંધો ક્યારેય સ્વાર્થની સીડી ના બનવા જોઇએ…
બંધ એટલે સમ+બંધ… સરખા બંધનથી બંધાયેલા બે જણા… ફીલિંગ્સના ‘સંબંધ’ વિષય સાથેના વાર્ષિક અંક માટે ઇન્ટરવ્યૂ આપતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આવી સુંદર વાતથી શરૂઆત કરી હતી…
સંબંધ એ મ્યુચ્યુઅલ હોય છે…સામેથી કોઇપણ અપેક્ષા રાખ્યા વગરનો. જેમ કે મા નો સંતાન પ્રત્યેનો પ્રેમ, શિક્ષકનો વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ. આ પ્રેમ સમ+બંધ હોય છે. એટલે કે સરખો હોય છે. સંબંધનું એક અલગ જ મહત્ત્વ છે. અને સંબંધનું મૂલ્ય જો સમજાય તો જ તે શ્રેષ્ઠ સંબંધ કહેવાય. જો કે આજે સ્વાર્થના સંબંધ વધી રહ્યા છે. 90 ટકા સંબંધો એકબીજાના સ્વાર્થથી ટકી રહ્યા છે. જ્યાં એવું વિચારાય કે સામેનું પાત્ર મારા કામમાં નથી આવતું, મારું નથી માનતું ત્યારે એક જ સેક્ધડમાં સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઇ જાય છે. આ સંબંધથી મને શું લાભ થશે…તેવો વિચાર જ્યાં આવે એટલે એ સંબંધ ત્યાં જ પૂરો થઇ જાય છે. સંબંધ ક્યારેય સ્વાર્થની સીડી ના બનવા જોઇએ.
રાજકારણમાં આપનો વર્ષોનો નાતો છે. ત્યારે એમાં બંધાતા સંબંધો વિશે આપ શું માનો છો? તેને ઇન જનરલ કહી શકાય? દીર્ઘ રાજકીય ક્ષેત્રમાં આપના સંબંધો કોની સાથે કેવા રહ્યા?… રાજકારણમાં મોટાભાગે સ્વાર્થના સંબંધો વધુ હોય છે. સંબંધો વ્યવહારુ નથી હોતા. દરેકમાં સ્વાર્થ જુએ છે. કાર્યકર્તાઓ પણ કહ્યા મુજબ કામ કરતા હોય તો ઠીક નહીં તો તરત કાઢી મૂકવાના. અને એટલેજ કદાચ હવે કાર્યકર્તાઓમાં પણ હ્યુમન ટચ નથી રહ્યો. અહીં સ્વાર્થની પૂર્તિ મુજબ સંબંધો ટકે છે. પાર્ટીએ ટિકિટ ના આપી તો પાર્ટી નકામી અને આપી તો કામની..આવા છે અહીં સંબંધો. જોકે એવું પણ જોવા મળે છે કે સંસદમાં ભલે એકબીજા સામે વિરોધીના સંબંધ હોય પણ બહાર નીકળ્યા બાદ વ્યક્તિગત સંબંધોમાં મિત્રતા પણ જોવા મળતી હોય છે. સમજણવાળો સંબંધ હોય તો એ રાજકારણમાં પણ શ્રેષ્ઠ સંબંધ બની શકે છે. સ્પોર્ટસમેન સ્પિરિટની જેમ પોલિટિકલ સ્પિરિટ હોય તો એવા સંબંધ પણ ટકી શકે છે.
હા, ક્યાંક ક્યાંક ખરા સંબંધો પણ જોવા મળે છે. મારી જ વાત કરું તો રાજકીય ક્ષેત્રે વાજપાયીજી સાથે વર્ષોથી ખૂબ નજીકના સંબંધો છે. જેમના ઘરે કહ્યા વગર, દરવાજો ખખડાવ્યા વગર, પૂછ્યા વગર હું પ્રવેશી શકું છું. રાજકારણમાં આવા સંબંધો બહુ ઓછા જોવા મળે છે. રાજકીય ક્ષેત્રે મારા આટલા વર્ષોમાં મેં ઘણાં સંબંધો બદલાતા જોયા છે. હવે તો લોહીના સંબંધોમાં પણ સ્વાર્થ ઘૂસી ગયો છે. આ સંબંધોની પરિભાષા આજે ઘરડાંઘરમાં જોવા મળે છે.
માનવ માનવ વચ્ચેના સંબંધો શ્રેષ્ઠ કેવી રીતે બની શકે?… માનવીને માનવીય સ્પર્શ ગમે છે. એવા સંબંધોમાં એક પ્રકારની હૂંફ હોય છે. કોઇ દર્દીને દવાખાનામાં જોવા જઇએ ત્યારે એનું દર્દ આપણે નથી લઇ શકતા પણ એક હૂંફ આપીએ છીએ. માનવ માનવ વચ્ચેના સંબંધોમાં જો સ્વાર્થ હશે તો એ સંબંધ ક્યારેય શ્રેષ્ઠ નહીં બની શકે.
ગુજરાત સાથેના આપના સંબંધો વિશે કહેશો?…ગુજરાતને જાણવા, સમજવાનો મોકો મળ્યો એ મારા માટે ગૌરવની વાત છે. એના આધારે જ મને ગુજરાતના ગામડાંઓમાં પણ ફરવાની મજા આવી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતો ત્યારથી જે લાગણીના સંબંધો ગુજરાતવાસીઓ સાથે સ્થાપિત થયા તે આજે પણ યથાવત છે.
શ્રેષ્ઠ સંબંધ કોને કહેવાય?… જેને હાસ્યથી આવકારાય, જ્યાં કૃત્રિમતા ના હોય, સ્વાર્થનો તાંતણો પણ ના હોય અને જ્યાં હકથી માણસ જઇ શકે એ સંબંધ શ્રેષ્ઠ કહેવાય.