સરસ્વતીપૂજાને દિવસે લક્ષ્મી ચર્ચામાં રહ્યાં
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ વસંતપંચમી, જ્ઞાનપંચમીના રોજ 1 ફેબ્રુઆરી, ર017એ કેન્દ્રિય બજેટ રજૂ કર્યું ત્યારે કદાચ ઇતિહાસમાં પહેલીવાર સરસ્વતીપૂજાને દિવસે લક્ષ્મીની ચર્ચા થતી રહી. છેલ્લાં 93 વર્ષમાં પહેલીવાર સામાન્ય બજેટ કરતાં રેલ બજેટ જુદું રજૂ નહીં પણ સાથે જ રજૂ કરવામાં આવ્યું. સામાન્ય રીતે કેન્દ્રિય બજેટ ફેબ્રુઆરીની અંતિમ તારીખ, ર8મી અથવા તો ર9મી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવતું એના બદલે આ વખતે પાંચેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓની આચારસંહિતા હોવા છતાં ચૂંટણીપંચના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પછી 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થયું.
નાણાંપ્રધાન અરૂણ જેટલીએ બજેટ 2017માં ફોકસ કર્યું છે ગ્રામીણ વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન, આમ છતાં સામાન્ય નાગરિક માટે થોડી કરમુક્તિ સિવાય વિશેષ કાંઈ નથી. નોટબંધી બાદ ઈન્ડસ્ટ્રીઝ અને કોર્પોરેટ હાઉસ સહિત આમ આદમીની અપેક્ષા આ બજેટ પર કદાચ થોડી વધારે હતી જે પૂરી થઈ નથી.
ઐતિહાસિક બજેટની રજૂઆત
રેલ બજેટને સામાન્ય બજેટમાં વિલય માટે રાષ્ટ્રપતિ દ્વારા ભારત સરકારના નિયમ 1961માં સંશોધનને મંજૂરી આપવામાં આવી હતી. તેથી હવે બેય બજેટ આર્થિક બાબતોના મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય મંત્રીમંડળે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાણાકીય વર્ષ ર017-18થી રેલ બજેટને સામાન્ય બજેટમાં ભેળવી દેવા માટે કેટલાક ઐતિહાસિક સુધારાને મંજૂરી આપી હતી. રેલ બજેટને સામાન્ય બજેટ કરતાં જુદું રજૂ કરવાની પરંપરા છેક 1924થી શરૂ થઇ હતી. આઝાદી પછી પણ આ પરંપરા ચાલતી રહી. નીતિ આયોગના સભ્ય વિવેક દેબરોય અને કિશોર દેસાઇની કમિટીએ રેલ બજેટને સામાન્ય બજેટમાં ભેળવી દેવાની ભલામણ કરી હતી.
બજેટની એક ઝલક
સરકારની એક મજબૂરી હોય છે કે જ્યારે વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ માથે હોય ત્યારે એ સરકારે ગમે તેટલું સારું કાર્ય કર્યું હોય, પરંતુ એ અમુક હદથી વધુ આગળ જઇને પોતાની નવી નીતિ કે યોજનાને બજેટમાં લાગુ કરી શકતી નથી. જેવું સરકાર સમજે છે એવું જ નાગરિકો પણ સમજે છે. અને એટલે જ મોટાભાગે તાજેતરમાં રજૂ થયેલા સામાન્ય વત્તા રેલવે બજેટને મોટાભાગનાએ ચૂંટણીલક્ષી બજેટ ગણાવ્યું છે. જોકે ખરી વાત તો એ છે કે નોટબંધીને કારણે ત્રસ્ત થયેલા મધ્યમ અને નિમ્ન વર્ગના લોકોને જેવી આપવી જોઇએ એવી છૂટછાટ કે રાહત આપવામાં નાણાંમંત્રીએ કરકસર કરતાં ય આગળ વધીને જરા વધુ પડતી કંજુસાઇ કરી છે. છતાં મધ્યમવર્ગના મોટાભાગના નોકરિયાત વર્ગ માટે આવકવેરાની છૂટ 3 લાખ અને 3 થી પ લાખ વચ્ચે માત્ર પ ટકા વેરો જેવા આવકારદાયક પગલાંએ થોડી રાહત આપી છે ખરી.
કૃષિ અને કૃષક સંદર્ભે
ભારતનો ઉલ્લેખ હંમેશાં કૃષિપ્રધાન દેશ તરીકે થતો રહ્યો છે અને છેલ્લાં કેટલાંક વરસોમાં ગામડાં તૂટીને શહેરો-ટાઉન્સના વિકાસ છતાં હકીકત હજુ તો એ જ છે, ત્યારે દરેક નાણામંત્રીને આ ક્ષેત્રનું વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે, જેમ ભારત ખેતીપ્રધાન દેશ છે અને દેશના મોટાભાગના નાગરિકો હજુય ગામડાં વસે છે એટલે એ રીતે પણ ઘણી મોટી મતબેંક હોય છે. આ બજેટમાં આવતાં પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બે ગણી કરવાના લક્ષ્યાંકો સાથે ખેડૂતો માટે 10 લાખ કરોડ રૂપિયાની લોનની વ્યવસ્થા કરવામાં આવી છે. કૃષિવિકાસ દર 4.1 ટકા રહેવાનો અનુમાન રાખવામાં આવ્યું છે. પાકવીમા યોજના હેઠળ કવરેજ 30 ટકાથી વધારીને 40 ટકા કરવામાં આવનાર છે. ઉપરાંત, સોઇલ ટેસ્ટ, માટીની ચકાસણી માટે પ્રયોગશાળાઓ ખોલવામાં આવશે. નોડેલ એજન્સી નાબાર્ડ થકી આવતા ત્રણ વર્ષમાં ર0,000 કરોડ રૂપિયા ઋણ આપવામાં આવશે. એટલું જ નહિ, સિંચાઇ ફંડ માટે પ,000 કરોડ રૂપિયાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ ડેરી ઉદ્યોગોના વિકાસ માટે 8,000 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવનાર છે.
નોટબંધી અને જીએસટી
તાજેતરમાં થયેલી પ0 દિવસની નોટબંધીની અસર આગામી નાણાકીય વર્ષ સુધીમાં પૂરી થઇ જશે એવા આશાવાદ સાથે નાણામંત્રીએ જણાવ્યું કે, વિશ્ર્વ બેંકના મતે ભારતનો વિકાસદર 7.6 ટકા રહેશે. એવી જ રીતે, ઘણાં સમયથી ગાજી રહેલા જીએસટીનો અમલ આગામી નાણાકીય વર્ષમાં થઇ રહ્યો છે ત્યારે તેનાથી દેશના વિકાસમાં ગતિ જોવા મળશે એવો ભરોસો પણ એમણે વ્યક્ત કર્યો હતો.
ગ્રામીણ ક્ષેત્ર માટે
દરેક ચૂંટણીમાં ખાસ ધ્યાનમાં લેવાતા ગરીબીના મુદ્દે આ બજેટમાં પણ ખાસ જોગવાઇ કરવામાં આવી છે. એક અંદાજ મુજબ ર019 સુધી પ0,000 ગ્રામ પંચાયતોને ગરીબીમુક્ત કરવામાં આવશે, જેના કારણે લગભગ એક કરોડ પરિવારોને ગરીબી રેખામાંથી બહાર આવશે. એવી જ રીતે, ગ્રામીણ વિસ્તાર માટે લાગુ કરવામાં આવેલી યોજના મનરેગાનું બજેટ 48,000 કરોડ કરાયું છે. જે થકી 10 લાખ તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવશે. મનરેગામાં મહિલાઓની ભાગીદારી વધારીને પપ ટકા કરવામાં આવનાર છે. એટલું જ નહિ, એફોર્ડેબલ હાઉસિંગની પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ પણ 1પ,000 કરોડથી વધારીને રૂપિયા 23,000 કરોડ કરાયું છે. તદઉપરાંત ગ્રામીણ અને કૃષિ સેક્ટરમાં 1,87,000 કરોડ ફાળવવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રમાં શૌચાલય નિર્માણનું લક્ષ્યાંક 40 ટકાથી વધારીને 60 ટકા કરાયું છે. વિકાસલક્ષી કામકાજને ધ્યાનમાં લઇએ તો હાલમાં ગામડાઓમાં 133 કિ.મી.ની ઝડપે સડક નિર્માણનું કામ થઇ રહ્યું છે. એવી જ રીતે આગામી ર018 સુધી બધા જ ગામોમાં વીજળીકરણ કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.
યુવા અને શિક્ષણ સંદર્ભે
ભારત હવે યુવાનોનો દેશ છે. એટલે આ બજેટમાં ખાસ યુવાનો અને એમના શિક્ષણને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે યુજીસીમાં સુધારો કરવા સાથે આઇઆઇટી અને મેડિકલ પ્રવેશની પરીક્ષાઓ માટે નવા બોર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તો ભારતભરમાં 100 ઇન્ડિયા-ઇન્ટરનેશનલ સ્કીલ સેન્ટર ખોલવા, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી બનાવવા, 3પ0 ઓનલાઇન કોર્સની શરૂઆત કરવા અને ર0ર2 સુધી સ્કીલ ઇન્ડિયા અંતર્ગત પાંચ લાખ લોકોને ટ્રેનિંગ આપવાના લક્ષ્ય પણ રાખવામાં આવ્યા છે.
રેલવે સંદર્ભે
સામાન્ય બજેટ સાથે ભેળવીને રજૂ કરાયેલા રેલવે બજેટમાં રેલવે સંદર્ભે ખાસ જાહેરાતો કરવામાં આવી હતી. એમાં સૌથી અગત્યની જાહેરાત છે શેર બજારમાં ઈંછઈઝઈ કંપની તરીકે લિસ્ટેડ કરવામાં આવશે. એ સિવાય ર019 સુધી તમામ ટ્રેનોમાં બાયો ટોઇલેટ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો પર્યટન અને તીર્થયાત્રા માટે અલાયદી ટ્રેન વ્યવસ્થા કરવાનું આયોજન છે. સમગ્ર રેલવે વિકાસ માટે 1.31 લાખ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત પ00 સ્ટેશનો પર એસ્કેલેટરની વ્યવસ્થા, 3પ00 કિ.મી. જેટલી નવી રેલવેલાઇનો, ર0ર0 સુધી માનવરહિત ફાટકને હટાવી લેવા જેવા વિકાસના કામો કરવામાં આવશે. રેલવેયાત્રી સુરક્ષા પર વધુ ધ્યાન આપવાના મુદ્ે યાત્રીઓની સુરક્ષા માટે રૂપિયા 1 લાખ કરોડની રકમ ફાળવવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયાના સંદર્ભે ઇ-ટિકિટ થકી રેલવે મુસાફરી સસ્તી થશે. ઉપરાંત નવા મેટ્રો રેલ સાહસ માટે નવી નીતિની જાહેરાત કરવામાં આવી છે.
આરોગ્યક્ષેત્રે
વિજ્ઞાનના વિકાસની સાથોસાથમાનવનું આયુષ્ય ઘણું વધ્યું છે. પરંતુ હજુ કેટલીક બીમારીઓ જડમૂળથી ગઇ નથી. એટલે ર023 સુધીમાં દેશમાંથી ક્ષયરોગ (ટીબી)ને નાબુદ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. વળી, ઝારખંડ અને ગુજરાતમાં બે નવી એઇમ્સ હોસ્પિટલ ખોલવાનું આયોજન છે.
ચૂંટણી પૂર્વેનું બજેટ
સરવાળે જોવા જઇએ તો ચૂંટણી પૂર્વેનું બજેટ હોવાને લીધે ઝાઝા કારભાર કે ભારણ વગર, સાદું-સરળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જોકે, જે વિશેષ રાહતો કે છૂટછાટોની અપેક્ષા દેશવાસીઓ કરી રહ્યા હતા એવી વિશેષ જાહેરાતો દેખવા મળી નથી. કુલ મળીને બજેટને મિશ્ર પ્રતિભાવવાળું મધ્યમવર્ગીબજેટ કહી શકાય.

