– રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.
કોઇપણ વ્યક્તિને જ્યારે કોઇ રોગ થાય છે ત્યારે તે રોગનું કારણ તન કરતાં મન વધારે હોય છે.. અને મન ડિસ્ટર્બ થાય છે અપેક્ષા ન પૂરી થવાના કારણે! એમાં પણ નજીકની વ્યક્તિઓની લાગણી વધારે ટચ પણ કરે અને વધારે હર્ટ પણ કરે. પારકા આપણને વધારે દુ:ખી કરી શકતા નથી અને પોતાના પાસેથી સુખી થવાની આશા હોય છે, પણ દુ:ખી થવાતું હોય છે. માટે જ ભગવાન કહે છે લાગણી કે સંબંધ રાખો પણ એમાં એક લિમિટ રાખો…
સંબંધ અનેક પ્રકારના હોય છે. કેટલાંક સંબંધોમાં ભાવ હોય છે, તો કેટલાંક સંબંધોમાં ભાર હોય છે. કેટલાંક સંબંધો ભારરૂપ હોય છે. જ્યાં લેવડ-દેવડ હોય એ સંબંધમાં ભાર હોય છે, જ્યાં અપેક્ષાઓ હોય છે એ સંબંધ ભારરૂપ હોય છે અને જ્યાં અર્પણતા હોય છે એ સંબંધમાં ભાવ હોય છે, જે એકતરફી હોય છે, જેમાં નિ:સ્વાર્થતા અને નિ:સ્પૃહતા હોય છે.
આવો એકતરફી અને અપેક્ષા રહિત પ્રેમ હોય છે પ્રભુ અને ભક્તનો!!
પ્રેમ અને રાગમાં ફરક હોય.
પ્રેમમાં માત્ર આપવાના, અર્પણ કરવાના ભાવ હોય જ્યારે રાગમાં લેવડ-દેવડ હોય.
જ્યાં ગણતરી હોય ત્યાં ગુણ ન હોય અને જ્યાં ગુણ હોય ત્યાં ગણતરી ન હોય!
જે સંબંધમાં ભાવના બદલે ભાર વધારે હોય એમાં આશા અને અપેક્ષા હોય છે અને જ્યારે અપેક્ષા પૂરી ન થાય ત્યારે સંબંધનો ભાર વધી જાય.
માનવ મનની માનસિકતા હોય છે. જો ધાર્યું થાય, ઇચ્છા પ્રમાણે થાય તો સંબંધમાં, લાગણીમાં વધારો થાય અને જો ધાર્યું ન થાય તો સંબંધ બગડતાં વાર પણ ન લાગે!
જે આપણી અપેક્ષાને વધારે, એ સંબંધ અંતે તો નુકસાન કરનારો જ હોય છે.
જે આપણી અર્પણતાને વધારે, એ સંબંધ આપણા માટે સદાય હિતકારી હોય છે.
મોટાભાગે સંબંધમાં અર્પણતા નહીં, ઇર્ષ્યા વધતી હોય છે. સંબંધમાં જો અર્પણતાનો ભાવ હોય તો કંઇક કરી છૂટવાના ભાવ હોય અને જો અપેક્ષાના ભાવ હોય તો કંઇક પ્રાપ્ત કરવાની ભાવના હોય, કંઇક મેળવવાની ઇચ્છા હોય, પછી એ પદાર્થ હોય, પૈસા હોય કે લાગણી હોય અને કાંઇ નહીં તો છેવટે એક સ્માઇલની તો અપેક્ષા હોય જ!
આજ સુધીના સંબંધોમાં પ્રેમ વધ્યો છે કે ત્યાગ?
સંબંધમાં જો અપેક્ષા હોય તો વ્યક્તિ અંદરથી ખોખલી થઇ જાય છે અને સંબંધમાં જો અર્પણતા હોય તો વ્યક્તિ અંદરથી સ્ટ્રોંગ થઇ જાય છે.
સંસારમાં હોવાના કારણે સંબંધ રાખવા જરૂરી છે પણ એ સંબંધમાં અપેક્ષાનો ભાર ન હોવો જોઇએ જે તમને પેરેલાઇઝ્ડ કરી દે. તમારી લાગણીને સ્થિર કરી દે. તમારા પ્રેમને સૂકવી દે.
સંબંધ રાખવો પણ સંબંધમાં રાચવું નહીં.
કોઇપણ વ્યક્તિને જ્યારે કોઇ રોગ થાય છે ત્યારે તે રોગનું કારણ તન કરતાં મન વધારે હોય છે અને મન ડિસ્ટર્બ થાય છે અપેક્ષા ન પૂરી થવાના કારણે! એમાં પણ નજીકની વ્યક્તિઓની લાગણી વધારે ટચ પણ કરે અને વધારે હર્ટ પણ કરે.
માનો કે તમે બહાર શોપિંગ કરવા નીકળ્યા હો અને કોઇ દુકાનવાળા સાથે તમારે ગુસ્સો કરવાનો કે બોલવાનું થયું હોય તો તે તમે ઘરે પહોંચો ત્યાં સુધીમાં અથવા તો બીજા દિવસે ભૂલી જાવ. પણ જો ઘરની કે પરિવારની કોઇ વ્યક્તિ સાથે આવું બન્યું હોય તો કેટલાં દિવસો સુધી યાદ રહે? જિંદગીની આ એક વાસ્તવિકતા છે.
પારકા આપણને વધારે દુ:ખી કરી શકતા નથી અને પોતાના પાસેથી સુખી થવાની આશા હોય છે, પણ દુ:ખી થવાતું હોય છે. માટે જ ભગવાન કહે છે લાગણી કે સંબંધ રાખો પણ એમાં એક લિમિટ રાખો. લિમિટથી વધારે સંબંધ રાખનારને ક્યારેક પરેશાન પણ થવું પડે છે.
મોટાભાગના લોકો સંબંધને સમય સાથે સરખાવતાં હોય છે. પહેલાં તો કેટલો સંબંધ રાખતા. કેટલીવાર ઘરે આવતાં. હવે તો જાણે બધું જ ઓછું થઇ ગયું છે!
પણ યાદ રાખવું.
સમયની સાથે શરીરની અવસ્થા અને સંબંધોમાં રહેલી લાગણીઓ પણ બદલાતી હોય છે.
દસ વર્ષ પહેલાં શરીર અલગ હતું. આજે અલગ છે. તો શરીરની સાથે મન પણ બદલાઇ શકે ને??
એટલે આ સૂત્રને જીવનમંત્ર બનાવવો જોઇએ. મારે લાગણી માગવી નથી પણ આપવી છે, મારે સંબંધ વધારવા નથી પણ સુધારવા છે.
જ્યારે કોઇ લાગણી આપે છે ત્યારે અંદર એક અલગ પ્રકારના સુખનો અનુભવ કરે છે. અપેક્ષા વગરની લાગણી ક્યાંક ને ક્યાંક તો હિતકારી બને છે.
નિ:સ્વાર્થ અને નિ:સ્પૃહ લાગણી હતી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્માની સાધ્વી બનેલી પુત્રી બ્રાહ્મી અને સુંદરીને એમના વૈરાગી ભાઇ બાહુબલી પ્રત્યે! માટે જ પરમાત્માની આજ્ઞા થતાં જ લાંબો વિહાર કરી પોતાના ભાઇ બાહુબલીના આત્માને જાગૃત કરવા પધારે છે.
ભાઇ બાહુબલીએ યુદ્ધના મેદાનમાંથી જ સ્વયં દીક્ષા તો લઇ લીધી હતી અને એકાંત જંગલમાં ઉત્કૃષ્ટ તપ સાધના પણ કરતાં હતાં. પણ મનમાંથી અહમ્ ગયો નથી. એમના મનમાં એમ છે કે હું ઉંમરમાં મોટો છું પણ મારા ૯૮ ભાઇઓએ મારી પહેલાં દીક્ષા લીધી છે. એટલે જૈન ધર્મની આજ્ઞા અનુસાર મારે એમને વંદના કરવી પડશે. એમની સામે ઝૂકવું પડશે. મારે પિતાશ્રી પરમાત્મા ઋષભદેવ પાસે જવું તો છે, પણ…! એના કરતાં હું કેવળજ્ઞાની અને વિતરાગી બનીને જ જાઉં જેથી મારે કોઇને વંદના કરવી ન પડે!
વ્યક્તિ બધું જ છોડી શકે છે, પણ સંબંધોનો અહમ્ એનાથી છૂટતો નથી. કેમ કે, સંબંધોનો ઇગો ઘણો સ્ટ્રોંગ હોય છે.
બાહુબલીને પણ કદાચ અજાણી વ્યક્તિ ભલે તે તેનાથી નાની હોય અને તેને વંદના કરવાની હોત તો વાંધો ન આવત, પણ અહીં તો નાના ભાઇઓ છે, જેની સાથે નાનપણમાં રમ્યાં, મોટાભાઇ તરીકેનો હક જમાવ્યો અને હવે એમને જ વંદના કરવાની? આ છે સંબંધનો અહમ્!
જેના સંબંધો ઓછા, તેના દુ:ખ ઓછા, જેના સંબંધો ઓછા, તેને સમસ્યા ઓછી.
સંબંધો સમયને ખાઇ જાય છે.
જેટલા સંબંધ વધારે એટલી વાતચીત વધારે. સંબંધને સાચવવા કેટકેટલું કરવાનું અને ઉપરથી માપ અને ગણતરી અને સાથે સરખામણી! અમારા ઘરે આવ્યા ત્યારે અમે એમને જમાડ્યા હતા અને અમે એમના ઘરે ગયા તો માત્ર નાસ્તો જ કરાવ્યો.
એટલે સંબંધ સમયની સાથે સાથે આપણા પ્રેમને ખાઇ જાય છે. આપણા મૈત્રીના ભાવને ખાઇ જાય છે.
સંબંધની રક્ષા જે દોરાથી થાય એ દોરાનું નામ છે નિ:સ્વાર્થતા. એ સૂતરના તાંતણાનું નામ છે નિ:સ્પૃહતા. એ રક્ષાની પોટલીનું નામ છે નિ:અપેક્ષા!
મને કોઇ સ્વાર્થ નથી. મારી કોઇ અપેક્ષા નથી. મારો તારા પ્રત્યેનો પ્રેમ છે, સ્નેહ છે અને એ જ પ્રેમમાં તારી રક્ષાની ભાવના છે. તારી પ્રગતિની ભાવના છે. આ છે સાચો સંબંધ!
સામેવાળી વ્યક્તિની અપેક્ષા પૂરી કરવી એ છે સંબંધોનો સ્વાર્થ અને પોતાની અપેક્ષાઓને છોડવી એ છે નિ:સ્વાર્થતા!
સંસારમાં સૌથી વધારે દુ:ખી કરનાર છે અપેક્ષા! ઘણાં લોકો અપેક્ષા પૂરી ન થવાને કારણે અકળાઇ જાય છે અને એ અકળામણ એમનું જ્યારે ફ્રસ્ટ્રેશન બની જાય છે ત્યારે આપઘાત કરવા પ્રેરાય છે, બળીને મરી જાય છે, એટલે આગની, દાઝવાની બળતરા અને એનું દુ:ખ સહન થાય છે પણ અપેક્ષાનું ભંગ થવું સહન થતું નથી. અર્થાત્ આગથી બળવાના દુ:ખ કરતાં પણ અપેક્ષા ભંગનું દુ:ખ ભયંકર હોય છે.
માટે સમજવાનું એ જ છે કે સંબંધ રાખો, તમે રાખી શકો તેટલો રાખો પણ સામેવાળા રાખે એવી અપેક્ષા ન રાખો.
બ્રાહ્મી અને સુંદરી સાધ્વીજીઓએ બાહુબલી પાસે જઇને ફક્ત એટલું જ કહ્યું, ‘વીરા, ગજ થકી હેઠા ઉતરો, ગજ થકી કેવલ ન હોય.’
એક વર્ષથી ધ્યાન સાધનામાં લીન બાહુબલીના કાનમાં ‘વીરા’ શબ્દ પડતાં જ વિચાર આવ્યો… અરે! આ શબ્દો તો મેં મહેલમાં સાંભળ્યા છે. આ શબ્દો તો મારી બહેનોના છે. એ વિચાર સાથે આગળના શબ્દો પર ચિંતન થવા લાગ્યું. હું ક્યાં ગજ ઉપર છું? હું તો મારા જ બે પગ પર ઊભો છું. અંદરમાં મંથન ચાલુ છે, હાથી – ગજરાજ અહીંયાં કયાંથી હોય?
બાહુબલીને ચિંતન કરતાં કરતાં સત્ય સમજાઇ જાય છે કે હા, હું અહમ્ના ગજ ઉપર બેઠો છું અને મારા અહમ્નું ભાન કરાવવા જ તેઓ આવ્યાં લાગે છે. સત્યનું ભાન થતાં જ હૃદયમાં પસ્તાવો થાય છે. અહમ્ શૂન્ય થઇ જાય છે અને જ્યાં નાના ભાઇઓને વંદના કરવા જવાના ભાવ સાથે એક પગલું ભરે છે ત્યાં જ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થઇ જાય છે.
સંબંધ એ હોય જે આપણને જગાડે,
સિદ્ધિ તરફ લઇ જાય તે સંબંધ સાચો.
સંસાર તરફ લઇ જાય તે સંબંધ ખોટો,
જે સંસારનું કારણ હોય છે તે મોક્ષનું કારણ પણ બની શકે છે.
બ્રાહ્મી અને સુંદરીએ સંસારના સંબંધે ભાઇ એવા બાહુબલીને હિત શિક્ષા આપી જે એના મોક્ષનું કારણ બની ગઇ.
સંબંધ સાચો એ હોય જે આપણને અબંધ તરફ લઇ જાય.