-કવિ સરોજ
આજે આપણે ટેક્નોલોજિકલ પ્રગતિ વગરનું વિશ્ર્વ કલ્પી શકીએ નહીં. મોડર્ન ટેક્નોલોજિ એ આજે જગતભરમાં એક ‘ઇષ્ટ આપત્તિ’ છે. કાર, માઇક્રોવેવ સગડી, સેલફોન, કમ્પ્યૂટર્સ, ટેલિવિઝન એ બધું જાણે ઘર-ઘરની રોજિંદી વસ્તુઓ થઇ ગઇ છે. દરરોજ કંઇ ને કંઇ નવી ટેક્નોલોજી શોધાઇને આવવાની છે અને તમારે તેને અપનાવ્યા વગર છૂટકો નથી…
ગુજરાતીમાં કહેવત છે, ‘જે પોષતું તે મારતું’ સૃષ્ટિનો આ ક્રમ છે. મોડર્ન ટેક્નોલોજી એ આજે જગતભરમાં એક ‘ઇષ્ટ આપત્તિ’ છે. તેના વગર ચાલવાનું નથી. પર્શ્યનમાં એક સરસ ટુચકો છે, એક માણસ જેની પાસે પગમાં પહેરવાના જૂતા નહોતા તે પોતાની અકિંચનતાનો અફસોસ કર્યા કરતો હતો. પણ પછી તેણે એક પગ વગરનો લંગડો આદમી જોયો ત્યારે તેણે ખુદાનો આભાર માન્યો કે તેને સર્જનહારે પગ તો આપ્યા છે! ટેક્નોલોજી વિશે વિચારો તો થોડું ફિલોસોફિકલી વિચારવું પડશે. આજે માનવીના જીવનમાં, ખેતીવાડીમાં, ઉદ્યોગોમાં, ગૃહિણીના રસોડામાં અને માનવની હરેક મૂવમેન્ટમાં ટેક્નોલોજીની મદદ લેવી પડે છે.
હું હમણાં સિંગાપોર ગયો ત્યારે મારા કાકાના ઘરે ઉતર્યો. તેના રસોડામાં 18 માણસો જમતા હતા. એક મોટા કુકરમાં માત્ર ર0 મિનિટ કે અડધા કલાકમાં રસોઇ થઇ જતી. પણ જે સ્વાદ સ્લો ફૂડ અગર ધીમા તાપની રસોઇમાં મજા આવે છે તેવો સ્વાદ ફાસ્ટફૂડની મજામાં આવતો નથી. ઇંગ્લેન્ડના વેલેસ્લી શહેરમાં મહાન ટેક્નોલોજિસ્ટ ડો. જીન કે. રહે છે. તેણે લગભગ આજના આપણા વિષય ઉપર જ લાંબો નિબંધ લખ્યો છે. ‘ટીનિંક’ નામની વેબસાઇટમાં તેમણે એડવાન્ટેઇજીસ એન્ડ ડીસએડવાન્ટેજીસ ઓફ ટેક્નોલોજિનું લાંબું વિવરણ કર્યું છે. તેણે શરૂઆત કરી છે – ‘આજે આપણે ટેક્નોલોજિકલ પ્રગતિ વગરનું વિશ્ર્વ કલ્પી શકીએ નહીં. મોટરકાર, માઇક્રોવેવ સગડી, સેલફોન, કમ્પ્યૂટર્સ, ટેલિવિઝન એ બધું જાણે ઘર-ઘરની રોજિંદી વસ્તુઓ થઇ ગઇ છે.’ મુંબઇમાં હરિજનવાસમાં રહેતા એક ગ્રેજ્યુએટ ભાઇની બે પુત્રી સ્કૂલમાં ભણે છે. તેમને સ્કૂલમાં લઇ જવા તેણે જૂની મોટરકાર ખરીદી છે.
ટેક્નોલોજી કાંઇ તમે જે જુઓ છો તેનાથી અટકવાની નથી. દરરોજ કંઇ ને કંઇ નવી ટેક્નોલોજી શોધાઇને આવવાની છે અને તમારે તેને અપનાવ્યા વગર છૂટકો નથી. મને, તમને મુંબઇ કે વડોદરા કે અમદાવાદમાં જે ટેક્નોલોજીના ફાયદા-ગેરફાયદાનો કોયડો નડે છે તે જગતભરને નડે છે. આજે ‘બેનિફિટસ એન્ડ ડ્રોબેક્સ ઓફ ટેક્નોલોજિ’નો વિષય જગતભરમાં ચર્ચાયો છે. ભારતમાં તો ટેક્નોલોજિના ફાયદા કે ગેરફાયદાની ચર્ચા ખાસ થઇ નથી. કારણ કે, હજી ટેક્નોલોજિના પોઝિટિવ ફાયદા માંડ માંડ ભારતમાં પહોંચ્યા છે. હજી 80 ટકા ભારતની ગ્રામીણ વસ્તી નવી ટેક્નોલોજિને જવા દો, પણ ચાલુ ટેક્નોલોજિથી પણ વંચિત છે. વિદેશમાં સર્વે કરાયો તો નીચે પ્રમાણે પરિણામ મળે છે.
અમેરિકામાં 13ની ઉંમરથી 91ની ઉંમર સુધીના લોકો ઇન્ટરનેટ અને કમ્પ્યૂટર કે મોબાઇલ ફોન વાપરે છે. અમુક ઘરોમાં તો 3 વર્ષનો બાળક તેની મમ્મી કે દાદાને કમ્પ્યૂટર કેમ વાપરવું તે શીખવે છે! જે સર્વે થયો તેમાં 74 ટકા લોકો કહે છે કે, ટેક્નોલોજિને કારણે થોડા સમયમાં વધુ કામ થાય છે. મુંબઇમાં ઉદ્યોગ અને ખેતીવાડી પણ સંભાળતા ડો. મોહન પટેલ કહે છે કે, ખેતીવાડીમાં ટેક્નોલોજિની પોઝિટિવ અસર શરૂમાં દેખાઇ હતી અને હજી દેખાય છે. ભારતની વધતી વસ્તીની અનાજની જરૂરિયાત આધુનિક ટેક્નોલોજિની મદદ વગર સંતોષી શકાય નહીં. વળી ટેક્નોલોજિને કારણે ખેતીવાડીની ચીજોનો ઉત્પાદન ખર્ચ ઘટ્યો છે. પરંતુ ધીમે ધીમે રસોડામાં પણ ટેક્નોલાજિનો ઉપયોગ ઘૂસ્યો છે તે કદાચ ખોટું છે.
આજે ઘેરબેઠાં ઘણા લોકો ઓફિસનું કામ કરે છે. પપ ટકા અમેરિકનો આજે ઘરને ઓફિસ બનાવીને ટેક્નોલોજીની મદદથી ઘણું બધું કામ કરે છે. અરે! હવે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ ઓફિસનું કામ સંભાળે છે. તે સ્ત્રી તેના પતિ અને બાળકો માટેની રસોઇ સંભાળતી જાય અને રસોડામાં જ કમ્પ્યૂટર-મોબાઇલની મદદથી તેના પતિનું અને પોતાનું ઓફિસનું કામ કરતી જાય છે! આજે ‘રસોડું’ શબ્દ ‘નકામો’ થઇ જવા આવ્યો છે. રસોડું એ દિવાનખાનું છે. રસોડું ઓફિસ છે અને રસોડું આધુનિક રેસ્ટોરાં જેવું છે. ઠેર ઠેર ટેક્નોલોજીનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધતો જાય છે અને સાથે સાથે તેના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા પણ થાય છે. પરંતુ આખરે ડો. મોહનભાઇ પટેલ કહે છે તેમ આધુનિક ટેક્નોલોજી વગર આપણને ચાલવાનું નથી. તેને એક ‘જરૂરી વળગાડ’ તરીકે ટેક્નોલોજી અપનાવવી પડશે. ડિજિટલ ફ્યૂચર કંપની વતી ‘યુએસસી સેનેન બર્ગ સેન્ટર’એ નવો સર્વે કર્યો તો માલૂમ પડ્યું કે મોટા પ્રમાણમાં અમેરિકનો ઓનલાઇન ટેક્નોલોજીથી ખુશ છે. કેટલાક ભારતીયો અને અમેરિકનો તેના ફાયદા જ જુએ છે. ગેરફાયદા છે પણ જે ફાયદા છે તેનું પ્રમાણ મોટું છે-90 ટકા. ડિજિટલ ફ્યૂચરના ડિરેક્ટર ડો. જેફરી કોલ કહે છે કે, તમે કોમ્યુનિકેશન્સ ઉદ્યોગને લો. પ્રિન્ટિંગ પ્રેસથી માંડીને પર્સનલ કોમ્પ્યૂટર એક નવી જ ‘સામાજિક અસર’ પેદા કરે છે. તે નેગેટિવ પણ છે.
આપણે પરદેશને બદલે સ્વદેશમાં આવીએ. ઝુનઝુનવાલા રિસર્ચ સેન્ટરનો સર્વે જાણવા મળ્યો છે. તેમણે શિક્ષણનો દાખલો લીધો. આનાથી 7પ વર્ષ પહેલાં હાઇસ્કૂલના શિક્ષક તેના ઘરે 15 થી ર0-રપ વિદ્યાર્થીને ટ્યૂશન આપતા. મહુવા જેવા શહેરમાં ટ્યૂશનના ટીચર પાસે જવા બહારગામથી ચાલીને વિદ્યાર્થીઓ આવતા. મહુવામાં (ભાવનગર) ભાઇલાલ છાંટબાર નામના શિક્ષકને ઘરે ટ્યૂશનવાળા 30 વિદ્યાર્થી તેનું ઘર ભરાઇ જતું. આજે? આજે વિદ્યાર્થીઓએ ટ્યૂશન લેવા શિક્ષકને ઘરે જવું પડતું નથી. કમ્પ્યૂટર અને ટીવી સ્ક્રીનની મદદથી એક સાથે 1000 વિદ્યાર્થીને ટ્યૂશન અપાય છે.
પ્રો.ઝુનઝુનવાલા ‘સ્મોલ બિઝનેસ’ની વેબસાઇટમાં કહે છે કે, પોતાનું ઘર છોડ્યા વગર કે ક્લાસરૂમ છોડ્યા વગર એક સાથે 1000થી વધુ વિદ્યાર્થી ટ્યૂશન લઇ શકે છે. આજે મેડિકલ સાયન્સ ખૂબ આગળ વધ્યું છે. મેડિકલ ડિસ્કવરી થાય છે તે કમ્પ્યૂટરને આભારી છે. મેડિકલ રિસર્ચમાં ટેક્નોલોજિનું મોટું પ્રદાન છે.
ભારતભરમાં એક સમે બાર વર્ષ પહેલાં 30 લાખ સાયન્સના ગ્રેજ્યુએટ હતા. તેમાં ઇજનેરી અને કમ્પ્યૂટરનું જ્ઞાન ધરાવનારા ઘણા હતા. લગભગ દસકાથી વધુ પહેલા દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગ શહેરમાં ‘વર્લ્ડ સમિટ’ ભરાયેલી. તેમાં જગતભરના ટેક્નોલોજિસ્ટો ભેગા થયેલા. તેને એક હોલમાં સમાવી શકાયેલા. આજે એમ કહી શકાય કે ઘરે ઘરે નાના મોટા ટેક્નોલોજિસ્ટો છે! કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર જે.જી.સાકસે કહેલું કે વિજ્ઞાન અને ટેક્નોલોજિ વગર ધનિક દેશો આર્થિક વિકાસ સાધી ન શકત. અને કમાલ જોઇ લો કે આજે ર010માં ભારતમાં કે વિદેશમાં ભણેલા કે તાલીમ પામેલા મૂળ ભારતીય વિજ્ઞાનીઓ અને ટેક્નોલોજિસ્ટો ફેલાયેલા છે. નરેન્દ્ર મોદી હવે મૂછનો વાળ વાંકો કરીને અમેરિકાને કહી શકે છે કે હવે ભારત દેશ જ વિજ્ઞાનીઓ અને ટેક્નોલોજિસ્ટોને પચાવી શકશે. અમેરિકાને જ અમારા બુદ્ધિબળની ગરજ છે, જરૂર છે. અમને અમેરિકાની જરૂર નથી! ભારતે વહેલાસર પામી લીધું કે ટેક્નોલોજી વગર આજે ચાલવાનું નથી. આપણા ઘણા બુદ્ધિબળવાળા યુવક-યુવતીઓ યેનકેન પ્રકારેણ અમેરિકા કે જર્મની કે યુરોપમાં જઇ વધુ તાલીમ અને વધુ રોજગારી મેળવતા હતા. આજે ભારત જ ટેક્નોલોજિસ્ટોની ‘મોટી ભૂખ’વાળો દેશ બન્યો છે. ઊલટાનું હવે એવું બનશે કે જગતમાં ભારત એવો દેશ હશે જે ટેક્નોલોજિસ્ટો અને વિજ્ઞાનીઓ માટેનું પિયર બની જશે. હવે અમેરિકનો ભારત આવશે!
સંત એક્ઝુપરીએ ‘વિન્ડ સેન્ડ એન્ડ સ્ટાર્સ’ નામનું પુસ્તક લખેલું. તેનો ઉલ્લેખ કરવો રહી ગયો. તેણે કહેલું કે યંત્રો અને ટેક્નોલોજી થકી માનવ એકલો થતો નથી. તે કુદરતે પેદા કરેલી સમસ્યાથી ગભરાતો નથી. ઊલટાનું ટેક્નોલોજીની મદદથી તેની બુદ્ધિનું પોટેન્શિયલ (છૂપી શક્તિ) જાણતો થયો છે.
આજે ‘રસોડું’ શબ્દ ‘નકામો’ થઇ જવા આવ્યો છે. રસોડું એ દિવાનખાનું છે. રસોડું ઓફિસ છે અને રસોડું આધુનિક રેસ્ટોરાં જેવું છે..

