અમદાવાદ ખાતે જીવદયાપ્રેમીઓના યોજાઇ ગયેલા બે દિવસીય સંમેલનમાં સમસ્ત મહાજન દ્વારા કરુણા ફાઉન્ડેશનને મુખ્યમંત્રીના હસ્તે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી…
દુનિયામાં ભારત એક એવો દેશ છે જેની સંસ્કૃતિમાં ગાય, ગંગા અને ગીતાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીં ભારતમાં ગંગા શુદ્ધિકરણ અભિયાન, સંસ્કૃત વિદ્યાપીઠ-પાઠશાળા દ્વારા વૈદોના માહાત્મ્યથી ગીતાજીનું જતન અને ગૌવંશ હત્યા પ્રતિબંધ સાથે ગાય માતાના જતન-સંવર્ધન માટે સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં હજારો વર્ષથી અહિંસાની ઉજ્જ્વળ પરંપરા ચાલી રહી છે. ત્યારે ગુજરાતને ભારતનું પહેલું અહિંસક રાજ્ય કહેવું એ અસ્થાને નહીં કહેવાય.
જીવદયા એ ગુજરાતના લોકોનો પરમ ધર્મ છે. આખા ગુજરાતમાં જીવદયાની પ્રવૃત્તિ કરતી આશરે 600 જેટલી ગૌશાળા, પાંજરાપોળ આવેલી છે. જેમાં આશરે બે લાખથી પણ વધુ અબોલ પશુઓ સારી રીતે જીવી રહ્યા છે. 1200થી વધુ જીવદયાપ્રેમીઓ આ સેવાનું કામ કરી રહ્યા છે. જેમાં ‘સમસ્ત મહાજન’ પણ એક નોંધનીય નામ છે. ‘અબોલ જીવોના સ્વજન’ તરીકે આ સંસ્થા ખૂબ ઉમદા કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહનું નામ ઓલ ઇન્ડિયા એનિમલ વેલ્ફેર બોર્ડમાં નોમિનેટ થયું છે. જે બદલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમનું સન્માન કર્યું હતું.
જીવદયાની પ્રવૃત્તિ કરતી આ ગૌશાળા, પાંજરાપોળોના ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠિઓ, કાર્યકરો અને વિશેષજ્ઞોનું એક ઐતિહાલિક સંમેલન તાજેતરમાં અમદાવાદ નજીક સાણંદ પાસે આવેલા ‘ધ અધરસાઇડ’માં યોજાયું હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્દઘાટિત આ બે દિવસીય સંમેલનમાં આશરે 1200 જીવદયાપ્રેમીઓને મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૌવંશ હત્યા પરના પ્રતિબંધના નિર્ણયનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આ અંગે ગુજરાત સરકાર કડક કાયદો બનાવશે. અને આ રીતે આવા કાયદાનો અમલ કરાવનાર તે દેશનું પહેલું રાજ્ય બનશે.
સાણંદના આ ઐતિહાસિક સંમેલનનું આયોજન કર્યું હતું જુદી જુદી આઠ સંસ્થાઓએ. આ આઠ સંસ્થાઓ પૈકીની એક સંસ્થા એટલે સમસ્ત મહાજન. નોંધનીય છે કે, 2002માં સ્થપાયેલ આ સંસ્થા એક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે આજે પણ સતત કાર્યરત છે. આખા ગુજરાતમાં તેમના 240થી વધુ પાંજરાપોળના એક લાખ ઉપરાંત અબોલ પશુઓને, ખાસ કરીને ગૌવંશને તેઓ સાચવે છે, તેમની દરેક બાબતની કેર લે છે.
અમદાવાદમાં યોજાયેલા જીવદયા સંમેલનમાં સમગ્ર મહાજન સંસ્થા વતી સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહે મુખ્યમંત્રીને એક આવેદનપત્ર આપી જીવદયાની પ્રવૃત્તિને સંલગ્ન અનેક રજૂઆતો કરી હતી. ગૌવંશની સાથે ભેંસના વંશનો પણ સમાવેશ કરવાની માગ સાથે કસાઇ પાસેથી પકડાયેલા ઢોરોની કસ્ટડી પાંજરાપોળને મળે તે મુજબ કાયદામાં સુધારો કરવાની પણ તેમણે રજૂઆત કરી હતી. પાંજરાપોળમાં જે ઢોરોનો નિભાવ કરવામાં આવે છે તેનો દૈનિક પશુદીઠ આશરે 50 રૂપિયા ખર્ચો આવે છે, તેમાંથી 20 રૂપિયા ખર્ચો સરકારે આપવો જોઇએ તેવી પણ તેમની માગણી છે.
સંમેલનમાં જીવદયાપ્રેમીઓની હાજરી સાથે અતિથિવિશેષ તરીકે ગુજરાતના મહેસૂલ તેમજ શિક્ષણ ખાતાના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેન્દ્રના કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પોતે પણ ગૌપ્રેમી છે અને ગાંધીનગરના પોતાના બંગલામાં ગાય બાંધે છે. ગૌશાળા-પાંજરાપોળના કોઇ પણ કાર્યમાં સરકાર વતી સહકાર આપવાની તેમણે આ પ્રસંગે ખાતરી આપી હતી. જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ પણ આ સંમેલનને ઐતિહાસિક ગણાવી, કોઇપણ જીવદયાનો કાર્યકર કોઇ પણ મદદ માગવા આવશે તો તેમને મદદ કરવા હંમેશાં તૈયાર રહેવાની વાત કરી હતી.
અમદાવાદના જૈન મેયર ગૌતમ શાહ પણ આ સંમેલનમાં અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરો વાહનોની અડફેટે ન આવે તે માટે કડક કાયદો ઘડીને તેનો અમલ પણ કરવામાં આવ્યો હોવાની વાત કરી તેમણે કરુણા મંદિર- જેમની સાથે સ્વ.પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજનું નામ જોડાયેલું છે- તેના જિર્ણોદ્ધાર માટે પાલિકા દ્વારા 50 લાખ ફાળવણી કરાઇ હોવાની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ સંમેલન દરમિયાન સમસ્ત મહાજન દ્વારા કરુણા ફાઉન્ડેશનને અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.
ગુજરાતના ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડૉ.વલ્લભ કથીરિયાએ પણ સંમેલનના આયોજક તરીકે હાજર રહી ગૌશાળા- પાંજરાપોળોને સહાય આપવાની ખાતરી આપી હતી. તો વસનજીભાઇએ કચ્છ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંગઠનથી કચ્છમાં થતી જીવદયાની પ્રવૃત્તિઓ અંગે ઉપસ્થિતોને વાકેફ કર્યા હતા. અત્રે ખુશીની વાત એ છે કે પશુપાલકોની મૂડી સમાન ગૌધનના સંવર્ધન અને નસ્લ સુધારણા માટે રાજ્યમાં 250 જેટલા નંદીઘર શરૂ કરવા રાજ્ય સરકારે 88.42 કરોડનું બજેટ ફાળવ્યું છે.

