જ્યાં સંબંધોના સગપણ સામે યોગ્યતા હારી જાય છે..!

જ્યાં સંબંધોના સગપણ સામે યોગ્યતા હારી જાય છે..!

- in Filmy Feelings
1860
Comments Off on જ્યાં સંબંધોના સગપણ સામે યોગ્યતા હારી જાય છે..!

‘નેશનલ એવોર્ડ’ 

ભારતમાં ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન એટલે નેશનલ ફિલ્મ એવોર્ડ. આ એવોર્ડ સાથે લોકોનો વિશ્ર્વાસ અને રાષ્ટ્રની પ્રતિષ્ઠા જોડાયેલી છે. પ્રાંતવાદ, ભાષાવાદ અને જૂથવાદથી પીડિત નેશનલ એવોર્ડમાં હવે સંબંધોના સગપણનો જુગાર મોટા પાયે ખેલાવવા લાગ્યો છે…

વર્ષ ર016 માં આવેલી વિશ્ર્વની શ્રેષ્ઠ ફિલ્મની યાદી બનાવવામાં આવે તો ભારતમાંથી ‘દંગલ’ ફિલ્મને પ્રથમ હરોળમાં સ્થાન આપવું જ પડે. ‘દંગલ’ એ માત્ર ફિલ્મ જ નથી, પણ જીવતી-જાગતી કથા છે. જેમાં પરિવાર, સમર્પણ, પરંપરા અને રાષ્ટ્રગૌરવની મહાનતાને દર્શાવવામાં આવી છે. ‘દંગલ’ ફિલ્મ જો હોલિવૂડના બેનર નીચે બની હોત તો ઓસ્કરના મંચ પર ઢગલાબંધ એવોર્ડની હારમાળા ખડકી દીધી હોત. ઓસ્કર તો ત્યારે સન્માન કરે જ્યારે એ ફિલ્મને પૂરતો ન્યાય ભારતના પ્રતિષ્ઠિત એવોર્ડમાં કરવામાં આવે. જ્યારે આપણા જ દેશમાં આવી ફિલ્મને અવગણવામાં આવે તો ઓસ્કરની ટીકા કરવી વ્યર્થ છે. આજે ફરી ‘દંગલ’ ફિલ્મની વાત કરવાનું થયું એનું કારણ છે તેની થયેલી ઘોર અવગણના. એ પણ ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને મૂલ્યવાન ફિલ્મ પુરસ્કાર નેશનલ ફિલ્મ એવોર્ડમાં. આમિર ખાનના અભિનયને અવગણીને અક્ષય કુમારને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપી દેવામાં આવ્યો. અક્ષયને આ સન્માન મળવું એ તેના માટે ચાંદ-તારા તોડી લાવવા જેવું છે. આ સન્માન જ તેના માટે મિરેકલથી કમ નથી. તેની ‘હાઉસફૂલ’ ફિલ્મમાં એક સંવાદ તે વારે વારે બબડે છે કે મિરેકલ મિરેકલ. બસ આ એક પ્રકારનું મિરેકલ જ છે. ‘દંગલ’ ફિલ્મ સ્પર્ધામાં ન હોત અને અક્કીને આ સન્માન મળી ગયું હોત તો પણ ‘રુસ્તમ’ અને ‘એરલિફ્ટ’ ફિલ્મમાં તેનો અભિનય એવો મહાન ન હતો કે ઇતિહાસ તેને યાદ રાખે. ઠીક છે, ફિલ્મ સાધારણ હતી અને રાષ્ટ્રભક્તિની વાત કરવામાં આવી હતી. પરંતુ નેશનલ એવોર્ડની એવી કોઇ પોલિસી નથી કે રાષ્ટ્રભક્તિ દર્શાવવામાં આવે એટલે તેને આ સન્માન આપવામાં આવે. અલબત્ત, દેશભક્તિની સરખામણી કરવામાં આવે તો ‘દંગલ’ની દેશભક્તિની રજૂઆત ‘રુસ્તમ’ અને ‘એરલિફ્ટ’ કરતાં હજાર ગણી સારી હતી.

છતાં એ વાત સ્વીકારવી જ રહી કે આજે અક્ષય પાસે નેશનલ ફિલ્મ એવોર્ડ છે. હા, આ એવોર્ડ હજી પણ આમિર ખાન, સલમાન ખાન કે શાહરૂખ ખાનને નથી મળ્યો. અક્કીને આ એવોર્ડ મળ્યો તેનું સહજ કારણ તેના જીગરજાન ભાઇબંધ પ્રિયદર્શનને ઠેરવવામાં આવે છે. અરે, અક્કી તો ખુદ કહે છે કે, તેની ફિલ્મ હજી નેશનલ એવોર્ડ મેળવી શકે તેવી હોતી નથી. અક્કી તો ફિલ્મને એક વ્યવસાય અને મનોરંજનનું માધ્યમ માને છે. તેણે એક મુલાકાતમાં કહેલું કે, મહિનાઓ અને વરસો સુધી એક જ ભૂમિકા માટે મહેનત કરવા કરતાં વરસે ચાર-પાંચ ફિલ્મ કરવી વધુ સારી. મારું કામ દર્શકોને મનોરંજન પૂરું પાડવાનું છે અને એ કામ હું કરું છું. અક્ષયનો એ સિદ્ધાંત છે અને તેને એ વળગી રહે છે. અક્કીનું આ સ્ટેટમેન્ટ જ બતાવે છે કે એ ભૂમિકા માટે કેટલો સજ્જ હોય છે. તેના માટે કોઇ કિરદાર 30થી 40 દિવસમાં પૂરું થઇ જવું જરૂરી છે. રિસર્ચ કરવું એ અક્કીની વ્યાખ્યા જ નથી. જે ફિલ્મ મળે તેને આડેધડ કરી નાખો અને 80, 90 કે 100 કરોડની સરેરાશ વકરો કરી નાખે તેવી વરસે ચાર-પાંચ ફિલ્મો કરી નાખો. પરંતુ જે અભિનેતા એક જ ભૂમિકાને ન્યાય આપવા માટે તપસ્યા કરે, એ કિરદારને સમજવા સાધના કરે અને કરિયરના મહત્ત્વના બે વર્ષ આપી દે તેનું કંઇ મહત્ત્વ જ આંકવામાં ન આવે. અક્કીનું લક્ષ્ય ફિલ્મની સંખ્યા વધારવાનું છે, જ્યારે ટોમ હેન્કસ, લીઓનાર્ડો ડીકેપ્રિયો, ક્રિશ્ર્ચિયન બેલ, આમિર ખાન અને કમલ હાસન જેવા અભિનેતાઓ ફિલ્મની સંખ્યામાં નથી માનતા, પણ એક ફિલ્મને લોકો દાયકાઓ સુધી યાદ રાખે તેવી નીતિમાં માને છે. એવોર્ડ મળવાથી બે-ચાર દિવસ પ્રસિદ્ધિ મળે અને એવોર્ડ હિસ્ટ્રીના ચોપડે નામ પડી જાય છે તેનાથી વધુ કઇ ઉપજતું નથી.ખરેખર નેશનલ એવોર્ડ મળવાથી નામના અને પ્રસિદ્ધિ મળતી હોત તો આજે રાજકુમાર રાવનું નામ સુપરસ્ટાર તરીકે બોલાતું હોત. એવોર્ડ મળવાથી તેની ફિલ્મી કરિયરમાં કોઇ મોટો લાભ થયો નથી. જો કે, શાહિદ ફિલ્મ માટે રાજકુમાર રાવને મળેલો એવોર્ડ એ પણ એક મોટો ફિયાસ્કો જ હતો.

પોપ્યુલર એવોર્ડને તો દર્શકો ગણકારતા નથી. જ્યારે ટેલિકાસ્ટ થાય છે ત્યારે એન્ટરટેઇનમેન્ટ શો માનીને નિહાળી લે છે. અહીંયાં જેને જે તે વર્ષના જ્યુરીના ચેરમેન (સેનાપતિ) બનાવવામાં આવે છે તે પોતાના સ્વાર્થના સંબંધોને પોંખવામાં વધુ જોર લગાવે છે. આ વરસે રુસ્તમ ફિલ્મ માટે અક્ષય કુમારની પસંદગી કરવામાં આવી. આ પ્રકારની ઘટના પ્રથમ વખત નથી બની કે યોગ્યતાને બદલે વ્હાલા-દવલાની નીતિનો વિજય થયો હોય. હસાવી હસાવીને લોથપોથ કરી દે તેવી રસપ્રદ કોમેડી ફિલ્મોના સર્જક પ્રિયદર્શનને વર્ષ ર017ના નેશનલ ફિલ્મ એવોર્ડના સેનાપતિ બનાવવામાં આવ્યા હતા. હવે એ સેનાપતિના પરમ મિત્ર એટલે અક્ષય કુમાર. અક્ષયની ફિલ્મી કરિયરમાં હાથમાં આવેલી મોટામાં મોટી વિજેતા ટ્રોફી આ છે. આજદિન સુધી તેને પોપ્યુલર એવોર્ડમાં પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો નથી. અક્ષયનો અભિનય સારો છે પણ મહાન તો નથી જ. રુસ્તમ એકંદરે માણવાલાયક ફિલ્મ છે. પણ ઇતિહાસના પન્નામાં તેનું નામ અંકિત થાય એવા એકપણ લક્ષણ ફિલ્મમાં નથી. અક્કીનું નામ જાહેર થતાં જ સોશિયલ મીડિયામાં ટ્વીટર યુદ્ધ ફાટી નીકળ્યું. અક્કીની વિરુદ્ધમાં ઠેર ઠેર પોસ્ટ થવા લાગી. અક્કીને અભિનંદન ઓછા અને ઠપકો વધુ મળ્યો.

અક્કીને એવોર્ડ મળ્યો નથી પણ આપવામાં આવ્યો છે અને તેનું કારણ છે સેનાપતિ પ્રિયદર્શન. પ્રિયદર્શન પર જ્યારે વહાલા-દવલાના પ્રહાર થવા લાગ્યા ત્યારે તેણે ઊલટું લોકોને સંભળાવ્યું કે પ્રકાશ ઝાએ પણ અજય દેવગનને અને રમેશ સિપ્પીએ અમિતાભ બચ્ચનને એવોર્ડ આપ્યા હતા. જ્યારે અમિતાભને મળ્યો ત્યારે ખરેખર ‘બજરંગી ભાઇજાન’ ફિલ્મ માટે સલમાન ખાન જ હકદાર હતો, પણ જ્યુરી અંતે જ્યુરી હોય છે. અક્ષયનું નામ તો સ્પર્ધામાં આવે એ પણ તેના માટે ગૌરવની વાત છે. પણ અહીંયા તો તેેણે આમિર ખાનને પરાસ્ત કરીને એવોર્ડ પોતાના ખાતામાં નોંધી લીધો છે. લાયકાત, યોગ્યતા અને સક્ષમતાની સ્પર્ધામાં કોઇને હરાવીને જીત મળે તો એ મહાન હોય છે, પણ માત્ર સંબંધોના સગપણના કારણે એ જીત મળે તો એ ખોખલી કહેવાય. રુસ્તમ અને દંગલનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો દંગલ ભારતની સર્વકાલીન શ્રેષ્ઠ દસ ફિલ્મમાં સ્થાન પામે. જ્યારે રુસ્તમને વર્ષની શ્રેષ્ઠ દસ ફિલ્મમાં સારા વિવેચકોએ સ્થાન નથી આપ્યું. દંગલની લોકચાહના સામે પ્રિયદર્શને રુસ્તમને મહાન સાબિત કરવા માટે એવું કહ્યું હતું કે નેશનલ ફિલ્મ એવોર્ડ સોશિયલ ઇસ્યુને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. દંગલ એ જીવનગાથા આધારિત ફિલ્મ હતી. એ સામાજિક સંદેશા પર ન હતી. તો રુસ્તમમાં એવો કયો સંદેશો છે જેનાથી સમાજમાં પ્રેરણાનો સંચાર ફૂટે? રુસ્તમ જેવી ફિલ્મો ભારતમાં અઢળક બની છે. દંગલ જેવી ફિલ્મ સદીઓમાં ક્યારેક જ બને છે. હા, વાત રહી સામાજિક ઉપદેશની, તો જે કામ દંગલથી સાકાર થયું છે એ રુસ્તમથી ક્યારેય ન થઇ શકે.

આમિર ખાનને એવોર્ડ ન આપવાનું કારણ પ્રિયદર્શને એ બતાવ્યું કે, આમિર ખાન કોઇ એવોર્ડમાં આવતા નથી. જો તેને એવોર્ડનું મહત્ત્વ ન હોય તો તેને એવોર્ડ આપીને શું ફાયદો? એ પરત પણ કરી શકે છે અને અમે એવું ક્યારેય ન ઇચ્છીએ કે આવું થાય. જો આમિર ખાનને નેશનલ ફિલ્મ એવોર્ડમાં વિશ્ર્વાસ ન હોય તો એ ક્યારેય તેની ફિલ્મની એન્ટ્રી જ ન મોકલે. તેમણે એન્ટ્રી મોકલી હશે ત્યારે જ તો દંગલ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ ઝાયરા વસીમને મળ્યો. અલબત્ત, એવોર્ડ સમારોહનો બહિષ્કાર તો કંગના રનૌતે પણ કરેલો છે, છતાં તેને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અક્ષયને શા માટે આપવામાં આવ્યો તેનું કારણ પણ પ્રિયદર્શને આપ્યું છે. અમે એવા અભિનેતાની શોધમાં નથી જે હરિયાણાની હરિયાણવી બોલી જાણે અથવા તો દિલધડક સ્ટંટ કરી જાણે. અમે એવા અભિનેતાનું સન્માન કરીએ છીએ જેઓ કમ્ફર્ટ ઝોનની સીમાઓ તોડીને કંઇક નાવિન્યસભર અભિનય કરે. જે કામ અક્ષયકુમારે રુસ્તમ અને એરલિફ્ટમાં કર્યું છે. વાહ! પ્રિયદર્શન ધન્ય છે તમારી વિચારધારાને. કમ્ફર્ટ ઝોનના ભૂક્કા બોલાવીને, બીબાંઢાળ ફિલ્મના ચોકઠાને ઉખેડી ફેંકવાનું કામ આમિરે દંગલમાં કર્યું છે.

અક્ષયને એવોર્ડ મળી ગયો તેનાથી આમિર ખાનની પ્રતિષ્ઠામાં જરા અમથી પણ ઓછપ નથી આવવાની, પણ નેશનલ ફિલ્મ એવોર્ડ પરથી લોકોનો વિશ્ર્વાસ જરૂર ઊઠી જશે.

Facebook Comments

You may also like

Feelings Post – November 2025

Feelings, one of India’s most trusted family magazine