ભારતીય રાજનીતિમાં પાંચ પેઢીનો દબદબો મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી

ભારતીય રાજનીતિમાં પાંચ પેઢીનો દબદબો મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી

- in Politics
6069
Comments Off on ભારતીય રાજનીતિમાં પાંચ પેઢીનો દબદબો મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી

– પરિક્ષીત જોશી

ભારત દેશની રાજનીતિમાં પહેલેથી જ કેન્દ્રસ્થાને રહીને લગભગ હંમેશાં સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હોય એવો એક જ પરિવાર છે.. નહેરુ-ગાંધી પરિવાર. સતત પાંચ પેઢી એટલે કે, ૧૨૫ કરતાં વધુ વરસોથી ભારતીય રાજનીતિમાં એ મજબૂત પકડ ધરાવે છે…

જનરેશન ટુ જનરેશન એટલે કે પેઢી દર પેઢીની વાતને ભારતીય રાજનીતિની રીતે ચકાસવા બેસીએ તો વરસોના વરસ લાગે. કારણ કે, આ બાબતે અગણિત નેતાઓના પરિવારોએ વિવિધ તબક્કે અને સ્તરે પોતાનું પ્રદાન કર્યું છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જો દેશની રાજનીતિમાં પહેલેથી જ કેન્દ્રસ્થાને રહીને લગભગ હંમેશાં સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હોય તો એવો એક જ પરિવાર છે… નહેરુ-ગાંધી પરિવાર.  સતત પાંચ પેઢી એટલે કે, ૧૨પ કરતાં વધુ વરસોથી ભારતીય રાજનીતિમાં એ મજબૂત પકડ ધરાવે છે.

Jawaharlal-Nehru

છેક આઝાદીકાળ પહેલાંથી જોવા જઇએ તો જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ તરીકે અસ્તિત્વ ધરાવતો હતો. ઇ.સ. ૧૮૮પમાં સ્થપાયેલ કોંગ્રેસના મૂળ પક્ષમાં મોટા ભાગે ત્યારે સર્વોચ્ચ સ્થાને ભારતહિતેચ્છુ અંગ્રેજો અને બંગાળીઓ હતા. પરંતુ થોડાં જ સમયમાં એ પક્ષની બાગડોરમાં બદલાવ આવ્યો. અહીં કોંગ્રેસનો ઇતિહાસ લખવાનો આશય નથી એટલે એના ઇતિહાસમાં પડ્યા વગર આપણા મુખ્ય વિષય એવા નહેરુ ગાંધી પરિવારના રાજકીય ઇતિહાસના કેટલાંક તથ્યો તરફ જઇએ.

rajiv gandhi

મહાત્મા ગાંધી ૧૯૧પમાં ભારત પરત આવ્યા ત્યારે કોંગ્રેસમાં બાલ, લાલ અને પાલની ત્રિપુટીનું અદકેરું મહત્ત્વ હતું. નહેરુ-ગાંધી કુટુંબના સર્વ પ્રથમ રાજપુરુષ એવા મોતીલાલ નહેરુ (૧૮૬૧-૧૯૩૧) એ વખતે કોંગ્રેસમાં વગદાર નેતા ગણાતા. એમની સક્રિયતાને કારણે જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ (૧૮૮૯-૧૯૬૪) પણ કોંગ્રેસમાં પ્રવેશ્યા ત્યારે એમને માટે એ પ્રવેશ એક કાર્યકર કરતાં એક નેતા તરીકેનો વધુ રહ્યો. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે તત્કાલીન સમયગાળાના નેતાઓમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલને બાદ કરતાં લગભગ દરેક નેતાના કુટુંબીજનોએ આઝાદી પછીથી રાજનીતિને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને એટલું જ નહીં, પોતાના જે તે સ્થાનિક કે રાષ્ટ્રીય વિસ્તારમાં યેનકેન પ્રકારેણ આધિપત્ય જાળવી પણ રાખ્યું છે. આખી યાદી કરવા જઇએ તો એક સ્વતંત્ર પુસ્તક કરવું પડે એટલી મોટી યાદી બને એમ છે. પણ જે બે નેતાઓને આપણે અપવાદ ગણ્યા એમના કુટુંબીઓએ આ ક્ષેત્રમાં આવવાનું લગભગ ટાળ્યું છે. જોકે, ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીના દીકરાઓમાંથી જેમના વૈવાહિક સંબંધ એ સમયગાળાના અન્ય રાજનેતાઓના કુટુંબ સાથે થયા એમની પરંપરામાં પછી વારસાગત રાજનીતિમાં પ્રવેશ ચાલુ રહ્યો હતો.

INDIRA GANDHI PORTRAIT
Portrait of India Prime Minister Mrs Indira Gandhi, 1966. (no credit)

પિતા મોતીલાલ નહેરુના પગલે પગલે કોંગ્રેસમાં પ્રવેશેલા જવાહરલાલનો મહાત્મા ગાંધી સાથે ગાઢ સંબંધ રચાયો અને એ ત્યાં સુધી કે એમને બાપુના રાજકીય વારસદાર તરીકે સ્વીકારવામાં આવ્યા. પરિણામે એમને સ્વતંત્ર ભારતના સર્વ પ્રથમ વડાપ્રધાન બનવાનું સહજ સુલભ બન્યું. એનો મતલભ એ નહોતો કે જવાહરલાલ નહેરુમાં કોઇ એવી રાજકીય ક્ષમતા નહોતી કે પછી એ માત્ર પિતાની ઓળખાણ અને ગાંધીજી સાથેના સંબંધોને લીધે જ સર્વોચ્ચ પદે પહોંચી ગયા હતા. પરંતુ વરસોથી રાજનીતિમાં સક્રિય રહેલા મોતીલાલ નહેરુને એ ખ્યાલ આવી ગયો હતો કે લોકમાન્ય ટિળક પછીનો જમાનો મહાત્મા ગાંધીનો હશે. એટલે એમની સામે એક રીતે રાષ્ટ્રવાદી એવા મોહમ્મદ અલી જિન્નાહ અને સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાક નેતાઓ હતા છતાં મોતીલાલે જે રાજકીય ગણિત માંડયું એ સાચું પડયું અને એમણે ગણેલા દાખલાનો જવાબ હજુય આપણે જોઇ રહ્યા છીએ. મોતીલાલ નહેરુએ પોતાની કુશાગ્રબુદ્ધિ અને રાજકીય ગણતરીઓના આધારે જવાહરલાલ માટેનો માર્ગ પ્રમાણમાં ઘણો ચોખ્ખોચણાક કરી મૂક્યો હતો. પોતાની વિશેષતાઓ સાથે જવાહરલાલે જ્યારે ૧૯૧૭માં હોમરુલ લીગની ચળવળ દ્વારા રાજકારણમાં રસ લેવાનું શરૂ કયુર્ં ત્યારે એમના નેતૃત્વને માનનારા મિત્રોની સંખ્યા વધતી ગઇ. બીજી તરફ ૧૯૧૯માં તેઓ મહાત્મા ગાંધીના સીધા સંપર્કમાં આવ્યા. ગાંધીજીની નિ:સ્પૃહી વૃત્તિને લીધે એમનો પ્રભાવ પણ વધ્યો. પરિણામે સરદાર પટેલ અને આચાર્ય કૃપલાણી જેવા વડાપ્રધાનપદના સક્ષમ અને મહત્તમ પ્રતિનિધિ મત ધરાવનારા નેતાઓ એમના વેણને વેદવાક્યની જેમ માનવા અને અનુસરવા લાગ્યા. આ બેય પરિબળોની સંયુક્ત અસરને લીધે સ્વાભાવિકપણે ભારતીય રાજનીતિમાં એક અલગ જ વળાંક આવ્યો. જોકે, મજાની વાત એ છે કે જ્યારે ૧૯ર૮માં કોંગ્રેસનું અધિવેશન ભરાયું ત્યારે એમાં જવાહરલાલ અને સુભાષચંદ્ર બોઝે સંપૂર્ણ રાજનૈતિક સ્વતંત્રતાની માગ કરી હતી. જ્યારે કે એ સંમેલનના અધ્યક્ષ મોતીલાલ નહેરુ સહિત કેટલાક નેતાઓ બ્રિટિશ સામ્રાજ્યની અંદર જ પોતાનું રાજ્ય સ્થાપવાના પક્ષમાં હતા. જોકે, ૧૯ર૦માં લોકમાન્ય ટિળકના અવસાન પછી કોંગ્રેસ માટે સર્વમાન્ય નેતા બની ચૂકેલા મહાત્મા ગાંધીએ મધ્યમ માર્ગ કાઢ્યો.

thequint2017-068b8b63ea-c091-4c2e-a7a4-29eafca46ac3RTR10URR

જવાહરલાલ પહેલાં એમના પિતાજી મોતીલાલ નહેરુ, પછી જવાહરલાલ પોતે, એમના બહેન વિજયાલક્ષ્મી પંડિત, જવાહલાલ સાથે એમની દીકરી ઇન્દિરા, જમાઇ ફિરોજ, દોહિત્રો સંજય, રાજીવ એમની પત્નીઓ ક્રમશ: મેનકા, સોનિયા અને હવે એમનાય સંતાનો પ્રિયંકા, રાહુલ અને વરુણ રાજનીતિમાં કેન્દ્રસ્થાને પોતપોતાની ભૂમિકા ભજવી ચૂકયા છે અને ભજવી રહ્યા છે. પાંચ પેઢી એટલે કે એક પેઢીના સરેરાશ રપ વર્ષ ગણીએ તો પણ લગભગ ૧૨પ વર્ષથી ચાલતી આ કુટુંબની રાજકીય પરંપરા નિર્વિઘ્ને નિરંતર ચાલી રહી છે. મૂળ રાજકીય પુરુષ મોતીલાલ હોવા છતાં જવાહરલાલની રાજકીય કારકિર્દી ઘણી લાંબી રહી. ભારત વર્ષના સર્વપ્રથમ વડાપ્રધાન ૧પ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ બન્યા પછી છેક ર૭ મે, ૧૯૬૪ના રોજ એમનું કુદરતી અવસાન થયું ત્યાં સુધી જીવનપર્યંત તેઓ આ પદને શોભાવતા રહ્યા. જવાહરલાલને એમના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન જ દેશના સર્વોચ્ચ ભારતરત્નનું સન્માન પણ મળ્યું હતું.

જવાહરલાલ પછી એમની દીકરી ઈન્દિરા નહેરુ-ગાંધી (૧૯૧૭-૧૯૮૪) પણ દેશનાં વડાંપ્રધાન બન્યાં. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી તેઓ ભારતના વડાંપ્રધાન પદે આવનારા એકમાત્ર મહિલા છે. ૧૯૬૬થી ૧૯૮૪માં એમની હત્યા થઇ ત્યાં સુધી, વચ્ચે ૧૯૭૭-૮૦નો થોડો સમય બાદ કરતાં ઇન્દિરા પણ એમના પિતા જવાહરલાલની માફક જ સત્તામાં કેન્દ્રસ્થાને રહ્યાં. જોકે, એમનો સ્વભાવ અને કાર્યકાળ જવાહરલાલ કરતાં જરા જુદો હતો.

૧૯૪૧માં એ રાજનીતિમાં જોડાયા અને ૧૯૪રમાં ફિરોઝ ગાંધી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ૧૯૭૧નું ભારત-પાક. યુદ્ધ અને બાંગ્લાદેશની રચના તથા ૧૯૭પમાં કટોકટી જેવા બે કડક પગલાં પણ એમના વલણને સ્પષ્ટ કરે છે. ૧૯૬૯માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ, ૧૯૭૪માં પોખરણ અણુપરીક્ષણ જેવા આશ્ર્ચર્યજનક અને વિવાદાસ્પદ કાર્યો પણ એમના નામે બોલે છે. ૧૯૭૧માં એમને ભારતરત્નનું સર્વોચ્ચ સન્માન પણ મળ્યું. ૧૯૭૭માં દેશમાં પહેલીવાર બિનકોંગ્રેસી સરકાર રચાઇ અને દેશના ઇતિહાસમાં સૌ પહેલીવાર કોંગ્રેસ સત્તાથી બહાર થઇ. જોકે, ત્યાર બાદ ફરીથી કોંગ્રેસ અને ઇન્દિરાની સત્તાવાપસી થઇ. પરંતુ ત્યારે ફાટી નીકળેલી ખાલિસ્તાન ચળવળને પરિણામે કડક પગલાં લેવાને લીધે આખરે ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ એમના જ અંગરક્ષકો દ્વારા એમની કરપીણ હત્યા કરવામાં આવી.

૧૯૮૪માં ઇન્દિરાની હત્યા પછી આવેલી લહેરમાં રાજીવ ગાંધી બહુમતીથી વડાપ્રધાનપદે ચૂંટાઇ આવ્યા. મૂળે રાજનીતિનો જીવ નહોતો છતાં પોતાના નાના ભાઇ સંજય ગાંધીના ૧૯૮૦માં વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનને લીધે ઇન્દિરાના રાજકીય વારસદારનું જે સ્થાન એકદમ ખાલી પડ્યું તે ભરવા હેતુથી રાજીવનું રાજકારણમાં પ્રવેશવાનું થયું. જોકે, એક ટર્મ વડાપ્રધાનપદે રહ્યા એ દરમિયાન બોફોર્સ તોપના કૌભાંડને લીધે મુશ્કેલીઓ સર્જાઇ અને વિપક્ષના નેતા તરીકે પ્રચાર દરમિયાન તમિલ ટાઇગર્સના લોકોએ માનવબોમ્બ દ્વારા એમનો ભોગ લીધો. ૧૯૯૧ના વર્ષનું ભારતરત્ન સન્માન રાજીવને આપવામાં આવ્યું હતું.

૧૯૯૮થી કોંગ્રેસ અધ્યક્ષા તરીકે કાર્યરત સોનિયા ગાંધીએ ઇન્દિરાની જેમ જ પુનરાગમન કર્યું અને મનમોહનસિંહના વડાપ્રધાનપદ હેઠળ સરકાર બનાવી. એમના દીકરા રાહુલ કોંગ્રેસના મહાસચિવ તરીકે અતિ સક્રિય છે. દીકરી પ્રિયંકા પણ ચૂંટણી પ્રચાર ટાણે પરિવારને પડખે ઊભી હોય છે. ઇન્દિરાના નાના દીકરા સંજય ગાંધીની પત્ની મેનકા પણ સાંસદ છે પણ ભાજપાની, એમનો દીકરો વરુણ પણ ભાજપાનો

સાંસદ છે.

સરવાળે જોવા જઇએ તો મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી સુધીની કોંગ્રેસ સાથેની અને મેનકા-વરુણ સુધીની ભાજપા સાથેની નહેરુ-ગાંધી પરિવારની રાજકીય યાત્રા ઘણી રોમાંચક અને રહસ્યમય છે. એક બાહોશ વકીલ રણનીતિકારે તૈયાર કરેલા પથ ઉપર ચાલીને એક કુટુંબ છેલ્લાં ૧૨પ વર્ષથી દેશની સત્તાના કેન્દ્રસ્થાને અવિચળ રહ્યું છે. જોકે, એના કારણે કોંગ્રેસમાં પરિવારવાદ કે ભાઇ-ભત્રીજાવાદના મૂળિયા મજબૂત થયા અને ખરેખર પોતાના જનાધારને લીધે જાહેરજીવનમાં સ્થાન મેળવી શકે એવા ઉમેદવારો તકવંચિત રહ્યા એવી પણ ગંભીર ફરિયાદો ઊઠી છે. છતાં એક જ પરિવાર સતત નિરંતર આટલો પ્રભાવક રહીને દેશની સત્તા ભોગવી શકે એ કોઇપણ નાગરિક માટે પ્રેરણારૂપ ઘટના છે.

કોંગ્રેસને આજીવન અધ્યક્ષ આપતો પરિવાર

Jawaharlal_Nehru_with_his_mother_Swarup_Rani_and_father_Motilal_Nehru,_1894

કોંગ્રેસની સ્થાપના થઇ ૧૮૮પમાં. આજે ર૦૧૭માં એ ૧૩૨ વર્ષની થઇ. આ ૧૩૨ વરસોમાં એના અધ્યક્ષપદને શોભાવનારા એક જ કુટુંબની વાત કરવી હોય તો એ છે મોતીલાલ નહેરુનું કુટુંબ. મોતીલાલ નહેરુ પોતે ૧૯૧૯ અને ૧૯ર૮માં કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. ૧૯ર૮માં મોતીલાલ નહેરુ પછી તરત જ બીજા વર્ષો ૧૯ર૯-૩૦માં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જવાહરલાલ રહ્યા હતા. એ પછી ૧૯૩૬-૩૭ અને ૧૯પ૧-પર-૫૩-૫૪માં જવાહરલાલ કોંગ્રેસના અધ્યક્ષપદે રહ્યા હતા. એમની હયાતીમાં એમણે એમની દીકરી ઇન્દિરાને પણ ૧૯પ૯માં કોંગ્રેસ અધ્યક્ષા બનાવી હતી. જે ત્યાર પછી ૧૯૭૮-૮૪ સુધી એ પદે રહ્યાં હતાં. ઇન્દિરાના આકસ્મિક અવસાન પછી એમના મોટા દીકરા રાજીવ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા, જે આ પદ ઉપર ૧૯૮પ-૯૧ સુધી રહ્યા. ૧૯૯૮માં કોંગ્રેસના અધ્યક્ષાપદે આવેલા સોનિયા ગાંધી આજપર્યંત એ પદે કાર્યરત છે. આમ ૧૩૨ વર્ષના કોંગ્રેસના ઇતિહાસ સાથે છેલ્લાં ૯૮ વર્ષથી એટલે કે નવ દાયકાથી એક યા બીજી રીતે સંકળાયેલા રહેલા નહેરુ-ગાંધી કુટુંબ પાસે ૪૫ વર્ષ (મોતીલાલના બે વર્ષ, જવાહરલાલના ૮, ઇન્દિરાના ૮, રાજીવના ૭ અને સોનિયા ગાંધીના ર૦) તો અધ્યક્ષપદ રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે જવાહરલાલ, ઇન્દિરા અને રાજીવ ત્રણેય કોંગ્રેસના મરણપર્યંત અધ્યક્ષ રહ્યા છે. જો કે, ૮ વર્ષ કોંગ્રેસ અધ્યક્ષ રહેલા જવાહરલાલ કરતાં આજે સોનિયા ગાંધી ર૦ વર્ષ સતત અધ્યક્ષા બની રહ્યાંનો એક નવો વિક્રમ રચી ચૂક્યાં છે. આ સંદર્ભમાં આ કુટુંબનું રાજનૈતિક પ્રદાન પણ એ દૃષ્ટિએ ઐતિહાસિક છે.

એક જ કુટુંબમાંથી ત્રણ વડાપ્રધાન અને ત્રણેય ભારતરત્ન

એક જ કુટુંબમાંથી ત્રણ વડાપ્રધાન અને ત્રણેય ભારતરત્ન નહેરુ-ગાંધી કુટુંબમાંથી દેશને ત્રણ વડાપ્રધાન મળ્યા છે. જવાહરલાલ ભારત વર્ષના સર્વપ્રથમ વડાપ્રધાન ૧પ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ બન્યા. પછી છેક ર૭ મે, ૧૯૬૪ના રોજ એમનું કુદરતી અવસાન થયું ત્યાં સુધી જીવનપર્યંત તેઓ આ પદને શોભાવતા રહ્યા. જવાહરલાલ પછી એમની દીકરી ઇન્દિરા નહેરુ-ગાંધી ભારતના વડાપ્રધાન પદે આવનારા એકમાત્ર મહિલા બન્યાં. ૧૯૬૬થી ૧૯૮૪માં એમની હત્યા થઇ ત્યાં સુધી, વચ્ચે ૧૯૭૭-૮૦નો થોડો સમય બાદ કરતાં ઇન્દિરા પણ એમના પિતા જવાહરલાલની માફક જ સત્તામાં કેન્દ્રસ્થાને રહ્યાં. ઇન્દિરાના આકસ્મિક અવસાનથી એમના પછી એમના મોટા દીકરા રાજીવ ગાંધી વડાપ્રધાનપદે આવ્યા જે ૧૯૮૪થી ૧૯૮૯ સુધી એ પદ ઉપર રહ્યા. જો કે, જવાહરલાલને બાદ કરતાં બાકીના બેય, ઇન્દિરા અને રાજીવની રાજકીય કારણોસર હત્યા થઇ હતી. રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યારે એ વડાપ્રધાનપદે ન હતા. બાકી અન્ય બેય વડાપ્રધાન સત્તામાં હતા ત્યારે અવસાન પામ્યા હતા. જવાહરલાલને ૧૯પપમાં, ઇન્દિરાને ૧૯૭૧માં અને રાજીવને ૧૯૯૧માં ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો