‘બાહુબલી’ની સફળતાથી સેક્યુલરોને પેટમાં કેમ દુ:ખે છે?

‘બાહુબલી’ની સફળતાથી સેક્યુલરોને પેટમાં કેમ દુ:ખે છે?

- in Filmy Feelings
2663
Comments Off on ‘બાહુબલી’ની સફળતાથી સેક્યુલરોને પેટમાં કેમ દુ:ખે છે?

મેઘવિરાસ

દિગ્દર્શક રાજામૌલીએ સર્વથા સિદ્ધ કરી બતાવ્યું કે, ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું સન્માન કરીને બનાવવામાં આવેલી કૃતિ પણ મહાનતમ સફળ થઇ શકે છે…

‘દંગલ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધનવર્ષા કરી હતી. આ વાતને ચાર મહિના વીત્યા ત્યાં તો બોક્સ ઓફિસ પર એવું સુનામી આવ્યું કે સિનેમાઘરના માલિકો રાજીના રેડ થઇ ગયા. આ રોકડવર્ષા રૂપી સુનામીનો પ્રચંડ વ્યાપ એટલો છે કે ટિકિટબારી પર લોકો ટિકિટ લેવા પડાપડી કરી રહ્યા હતા. ઓનલાઇન ટિકિટ એપ્લિકેશનો અને વેબસાઇટો પર એટલો મારો હતો કે નેટવર્ક ડાઉન થવા લાગ્યા હતા. આખાય દેશમાં એક જ વાત ગૂંજવા લાગી કે ‘બાહુબલી’ અને માત્ર ‘બાહુબલી’! દિગ્દર્શક રાજામૌલીના કેમેરારૂપી ત્રિનેત્રમાંથી સર્જન થયેલી આ યશગાથા દર્શકોને માત્ર ગમી જ નથી પણ તેમાં ખોવાઇ ગયા છે. દરેક વ્યક્તિને વારેવારે જોવાનું મન કરી દે તેવી આ ફિલ્મ છે. વિવેચકો, ફિલ્મકારો દર્શકોથી લઇને જ્યાં જ્યાં ‘બાહુબલી’ પહોંચી છે ત્યાં ત્યાં તેનો ભવ્ય સત્કાર કરવામાં આવ્યો છે. ‘બાહુબલી’ શું છે? કેવી છે? તેની મહાનતા શું છે? કેમ આ ફિલ્મ ભારતીય સિનેમાની દ્રષ્ટિએ ઐતિહાસિક છે? આ પ્રશ્ર્નના જવાબ તમારી સામે અત્યાર સુધીમાં આવી ગયા હશે. ઢગલાબંધ તેના પર લખાયું છે અને ઇતિહાસમાં લખાતું રહેશે. જ્યારે જ્યારે ભારતીય સિનેમાના સુવર્ણ ઇતિહાસના પાનાઓ ખોલવામાં આવશે ત્યારે ત્યારે ‘બાહુબલી’નું નામ ચમકતું હશે. આ ફિલ્મ નથી પણ રાજામૌલીનું તર્પણ છે. તેમની સાધનામાંથી સાકાર થયેલી આ કથા છે, જેનું પરિણામ તેમને મહાયશસ્વી સફળતા સ્વરૂપે મળ્યું છે.

રાજામૌલીની આ સફળતાથી ઘણા મંદબુદ્ધિના સેક્યુલરોના પેટમાં તેલ રેડાયું છે. સોશિયલ મીડિયામાં ધીમે ધીમે તેની વિરુદ્ધમાં ષડયંત્ર પણ શરૂ કરી દીધું કે રાજામૌલીએ ‘બાહુબલી’ ફિલ્મ હિન્દુ ધર્મને પ્રમોટ કરવા માટે બનાવી છે. માત્ર હિન્દુ ધર્મને જ મહાન સાબિત કર્યો છે. આખી દુનિયામાં તેઓ ભારતીય સનાતન ધર્મને મહાન બતાવી રહ્યા છે. ફિલ્મમાં પરોક્ષ રીતે ભગવાનની કૃપા અને ભક્તિનો મહિમા વાગોળવામાં આવ્યો છે. કહેવાતા ઢોંગી સેક્યુલરોના મતે આ ફિલ્મથી હિન્દુ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે.

હા, રાજામૌલીએ તેમના જીવનમાં થયેલી અનુભૂતિ અને જ્ઞાનને રજૂ કર્યું છે. અરે જે વ્યક્તિ ભારતના ઇતિહાસમાં ખોવાયેલી રહે અને જેમની રગ રગમાં પૌરાણિક ગ્રંથો, ધર્મગ્રંથો અને મહાપુરુષોના જીવન-કવન વહેતા હોય તે વ્યક્તિ જ આવી મહાન ફિલ્મ બનાવી શકે. બીજું કે તેમણે સનાતન ધર્મનો આધાર લઇને ‘બાહુબલી’માં પ્રાણ પૂર્યો છે તો તેમાં ખોટું શું છે? તેમણે કોઇ અન્ય ધર્મને ઠેસ પહોંચાડી હોય તો તેઓ અવશ્ય ટીકાને પાત્ર બને છે, પરંતુ જે સત્ય છે, શ્રેષ્ઠ છે અને સર્વોત્તમ છે તે વાતને રજૂ કરે તો તેમાં કોઇ બાબત ટીકાને પાત્ર નથી બનતી. શું આ દેશમાં સનાતન ધર્મનો આધાર લઇને ફિલ્મ ન બનાવી શકાય?

રાજામૌલીની આ એક જ ફિલ્મ નહીં પણ તેમની દરેક ફિલ્મનો આધાર ભારતીય પરંપરા પર રહેલો છે. હા, એ ફિલ્મોમાં ઐતિહાસિક વાત ન હતી પણ તેમના પાત્રોમાં અવશ્ય ભારતીય પાત્રોની ઝલક જોવા મળે છે. બીજું કે તેમણે સફળતાના માપદંડ બદલી નાખ્યા છે. તેમણે એ સિદ્ધ કરી બતાવ્યું કે ફિલ્મને સફળ બનાવવા માટે અશ્લીલતા કે

દ્વિઅર્થી સંવાદોની જરૂરિયાત ક્યારેય હતી જ નહીં. આ તો હલકી માનસિકતાના લોકો માટેનો રસ્તો છે. જેઓ માત્ર અને માત્ર પૈસા કમાવવાના હેતુથી આવી ફિલ્મો બનાવે છે. અલબત્ત, દક્ષિણ ભારતના શ્રેષ્ઠ ગણાતા દિગ્દર્શકો ક્યારેય સિનેમાના નામે અશ્લીલતા પ્રદર્શિત નથી કરતા. શંકર, એ. આર. મુરુગાદોસથી લઇને રાજામૌલી જેવા દિગ્દર્શકો દક્ષિણ સિનેમાનો પ્રાણ છે. આ એવા દિગ્દર્શકો છે જેઓ ફિલ્મ તો તમિલ, તેલુગુમાં બનાવે છે પણ તેમની વાત સમગ્ર વિશ્ર્વને સ્પર્શે તેવી હોય છે.

‘બાહુબલી’ને મળેલી સફળતા તો એ વાતનું નક્કર પરિણામ આપે છે કે દર્શકોને આવી જ ફિલ્મો ગમે છે. તો પછી શા માટે કોઇનું અપમાન કરવું જોઇએ? હા, એવા વિષયો પર પ્રકાશ અવશ્ય પાડવો જોઇએ જેમાંથી લોકોને પ્રેરણા મળે. રાજામૌલી તો કહે છે કે, હું ળફતત ફિલ્મ બનાવું છું, બનાવતો રહીશ પણ કયારેય તકલાદી, હલકી, જંગલી કે દુરાચારી ફિલ્મ નહીં બનાવું. ફિલ્મને ખરા અર્થમાં સમજનારા દિગ્દર્શકો બહુ ઓછા હોય છે. ઘણા માટે કેમેરા પાછળ રહીને ત્રણ કલાકનો મસાલો પૂરો પાડી દેવાનું ધ્યેય હોય છે. પરંતુ સારા અને સમજુ દિગ્દર્શકો સિનેમાને સાધના માને છે.

મહાન ફિલ્મકાર ગુરુદત્ત કહેતા કે સિનેમા એ મારા માટે તપ છે, સાધના છે. જેની સાથે હું ક્યારેય દુરાચાર ન કરી શકું. આખી ફિલ્મનો આધાર પટકથા પર હોય છે. એ પટકથાનો ઉછેર દિગ્દર્શકના હાથમાં હોય છે. રાજામૌલી કહે છે કે, પટકથા એક બાળક જેટલી માસૂમ હોય છે. તેમાં કોઇ ક્ષતિ ન રહેવી જોઇએ. જેટલું બાળક બાળપણથી મજબૂત, હોશિયાર ને ચબરાક હોય તેટલો તેનો વિકાસ બમણો થાય છે. તેમ ફિલ્મનો પ્રાણ તેની પટકથા છે. જે ફિલ્મને પોતાનું બાળક માનીને ઉછેર કરતાં હોય તેઓ ક્યારેય તેનો દુરુપયોગ ન કરી શકે. રાજામૌલીની ખ્યાતિથી હિન્દી સિનેમાવાળા છેલ્લાં થોડાં વરસોથી પરિચિત થયા પણ તેની ફિલ્મોગ્રાફી પર નજર કરશો તો ખ્યાલ આવશે કે મહાશયે કેવી અને કેટલી મહાન ફિલ્મો આપી છે.

‘બાહુબલી’ હોલિવૂડથી પણ એક કદમ આગળ છે. ખરેખરમાં આ સ્પર્ધા હવે સંભવ બની શકી છે કે આપણી ફિલ્મ હોલિવૂડ કરતાં પણ સારી બની શકે છે. હોલિવૂડની સામે આપણું બજેટ બહુ નાનું હોય છે. ત્યાં સુધી કે તેના બજેટના 10થી 15 ટકામાં આપણે ફિલ્મને રીલીઝ કરી દેવી પડે છે. આપણી પાસે વિશાળ દર્શક વર્ગ છે પણ હોલિવૂડ જેટલો વિસ્તાર નથી. મર્યાદાની વચ્ચે આગળ વધવું બહુ કઠિન હોય છે. તેમાં પણ જ્યારે લાર્જર ધેન લાઇફ ફિલ્મ બનાવવાની હોય. રાજામૌલીએ ‘મગધીરા’ અને ‘ઇગા’ ફિલ્મથી એ કૌશલ્ય પરિપક્વ કર્યું કે તેઓ ઐતિહાસિક અને એનિમેશનને સમજી શકે છે અને શ્રેષ્ઠતમ કામ કરી શકે છે. તે કહે છે કે, ફિલ્મમાં એનિમેશન સૌથી ડિફિકલ્ટ પાર્ટ હોય છે. આખી ફિલ્મ એનિમેશન હોય તે વાત અલગ છે અને માનવીય પાત્રોની વચ્ચે એનિમેશનને રિઅલ લૂક આપવો તે બાબત ભિન્ન છે.

આટલી મહાન વિચારધારાથી ઘડાયેલા આ દિગ્દર્શકની પટકથાનો આધાર મહત્તમ રીતે રામાયણ અને મહાભારત પર રહેલો છે. હવે, રામાયણ અને મહાભારત જેમને બાળપણથી જ પ્રાપ્ત થયા છે તેના પર તેનો પ્રભાવ પડવાનો જ. તે કહે છે કે મારી ફિલ્મોની પ્રેરણા રામાયણ-મહાભારત જેવા પૌરાણિક ગ્રંથો છે કારણ કે, આ ધર્મગ્રંથોની વચ્ચે હું ઉછર્યો છું. જેના લીધે હું લાર્જર ધેન લાઇફ કેરકટરની કલ્પના કરતાં શીખ્યો. મારી ફિલ્મોના કિરદારોમાં જે લાગણીભર્યા સંબંધો વાસ્તવિક લાગે છે એ આ ગ્રંથોની જ દેન છે.

રાજામૌલી, તમે આગળ વધો. આવા સેક્યુલરો તો ભસ્યા કરે. તેમનું કામ જ પોતાની પબ્લિસિટી મેળવવાનું છે. તમારી શ્રેષ્ઠતા તમારું કર્મ છે અને એ કર્મ તમારો મહાન ધર્મ છે. ભારતને આવી અનેક સારી ફિલ્મો આપો તેવી અપેક્ષા છે. એ સફળતાથી આવા અદેખાઈ કરવાવાળા ઇર્ષામાં બળ્યા જ કરશે અને એ જ તમારો વિજય છે.

રાજામૌલી તો કહે છે કે,‘ હું મારી ફિલ્મ બનાવું છું, બનાવતો રહીશ પણ કયારેય તકલાદી, હલકી, જંગલી કે દુરાચારી ફિલ્મ નહીં બનાવું.’ ફિલ્મને ખરા અર્થમાં સમજનારા દિગ્દર્શકો બહુ ઓછા હોય છે. મહાન ફિલ્મકાર ગુરુદત્ત કહેતા કે,‘સિનેમા એ મારા માટે તપ છે, સાધના છે. જેની સાથે હું ક્યારેય દુરાચાર ન કરી શકું….’!!!

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો