પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાળું નાણું, નકલી નોટો, સંગ્રહખોરો, હવાલા, આતંકવાદ અને ભ્રષ્ટાચારીઓને ડામવા માસ્ટર સ્ટ્રોક મારીને રૂપિયા પ૦૦-૧૦૦૦ની જૂની ચલણી નોટો પર પ્રતિબંધ લગાવી દીધો. તેમનો આ આક્રમક નિર્ણય દેશહિતમાં કેટલો કામે આવે છે એ તો સમયચક્ર જ બતાવશે, પણ તેમનું આ પગલું આવકાર્ય છે. એવું પણ નથી કે તેમણે કાળાનાણા આધારિત વ્યવહાર કરનારાને ચેતવણી નથી આપી. ર૭ જૂન, ર૦૧૬ના રોજ કાળાનાણાના સંગ્રહખોરોને ચેતવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું હતું કે, હું તમને બતાવીશ કાયદો એટલે શું? તેમની વાતને પરંપરાગત વડાપ્રધાન માનીને અવગણનારા બ્લેક મનીના રખેવાળો આજે રાત-દિવસ ઉજાગરા કરતાં થઇ ગયા છે.
શાક માર્કેટથી સ્ટોકમાર્કેટ સુધી એક જ વાત ધમધમે છે કે આ નોટબંધીનું શું થશે? કેન્દ્ર સરકારના નોટબંધીના આક્રમક નિર્ણય પછી ઘણાં બજારો મંદી જેવો માહોલ અનુભવી રહ્યા છે પણ સિનેમાના બોક્સઓફિસ રિપોર્ટ પર સ્માઇલી જોવા મળે છે…
ફિલ્મી લાગતી વાત નરેન્દ્ર મોદીએ હકીકતમાં બદલવાની કોશિશ કરી છે. કાળાનાણાની રખેવાળી અને તેની હેરાફેરી કરતા બેઇમાન લોકોની કહાનીને ફિલ્મી પડદે અનેકવાર વાચા મળી છે. આમ જુઓ તો રાજનીતિ, ઉદ્યોગ, સિસ્ટમ કે સંગઠનોની વાત કરતી ફિલ્મ હોય એટલે તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાળું નાણું મહત્ત્વની ભૂમિકા ભજવતું જ હોય છે. કાળાનાણાના ભરડામાં સરકારી અવ્યવસ્થાને લીધે સામાન્ય જનતાએ તો પીડા સહન કરવી જ પડે છે, પણ તેના લીધે સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી શુદ્ધ અને પવિત્ર ગણાતી સેવાઓમાં ઠેરઠેર ગંદકી ફેલાઇ ગઇ છે. ગંગાજળના બે ટીપાં નાખવાથી ગટર શુદ્ધ નથી થઇ જતી પણ તેને સાફ કરવા માટે આખી ને આખી ગટરને ઊથલાવી નાખવી પડે છે. તેમ કાળાનાણાનો ફેલાવો
કરનારા એક-બેને ભીંસમાં લેવાથી આ ગટર અટકી નથી જવાની પણ એ ગટરના દરવાજા જ બંધ કરવા પડે. આવી જ વાતને દક્ષિણના દિગ્દર્શક શંકરે ‘શિવાજી – ધ બોસ’ ફિલ્મમાં સુપર્બ રીતે રજૂ કરી હતી.
શંકર દક્ષિણ સિનેમાનું જ નહીં, પણ વૈશ્ર્વિક સિનેમાનું ગૌરવ છે. ભટકેલી સિસ્ટમને રાહ બતાવવાની ફિલ્મકળા તેમની પાસે દૈવીશક્તિ સમાન છે. શંકરે વર્ષ ર૦૦૭માં ‘શિવાજી – ધ બોસ’ ફિલ્મ બનાવી હતી. તમિલ-તેલુગુમાં બનેલી આ ફિલ્મનું પાછળથી હિન્દી વર્ઝન પણ રીલિઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના નાયક હતા પડદાના સર્વશક્તિમાન સ્વયં રજનીકાંત. શંકરે રાષ્ટ્રને નુકસાન કરતાં કાળા ધનની વાર્તાને મનોરંજક અંદાજમાં રજૂ કરી હતી. દેશમાં ગરીબમાં ગરીબ માણસ મફતમાં ભણી શકે જો કાળાનાણાની દુનિયાને ખતમ કરી નાખવામાં આવે. શિક્ષણ વ્યવસ્થા અને તબીબી વ્યવસ્થા એવા લોકોના હાથમાં છે જેઓ ગુનાખોરીની દુનિયાની હકૂમત ચલાવે છે અને તેમનો આખો ય ધંધો ચાલે છે બ્લેકમની પર. શંકરની આ ફિલ્મનું ચકડોળ કાળાનાણાની આસપાસ ફરતું હતું.
શંકરે તો માત્ર એક નાનકડી દુનિયાની જ વાત કરી હતી. સરકારના આ નિર્ણય પછી નિર્માતા વિપુલ શાહની આગામી ફિલ્મની કથા બ્લેકમનીના સંદર્ભમાં જ હશે. આ ફિલ્મ ‘કમાન્ડો’ની સિક્વલ છે. જેમાં કમાન્ડો બ્લેકમનીના જડમૂળ સુધી પહોંચીને તેનો ખાતમો બોલાવશે. જો કે, સરકારના આ આક્રમક નિર્ણયને સિને ઇન્ડસ્ટ્રીના ધુરંધરોએ માસ્ટર સ્ટ્રોક ગણાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ જેવી જાહેરાત કરી એ અરસામાં જ સલમાન ખાન, આમિર ખાન, શાહરૂખ ખાન, અજય દેવગન, રજનીકાંત, કમલ હાસન, નાના પાટેકર, નાગાર્જુન, ઐશ્ર્વર્યા રાય બચ્ચનથી લઇને ભારતીય સિનેમામાં કાર્યરત નિર્માતા, દિગ્દર્શકો, વિતરકોએ વિમુદ્રીકરણના આક્રમક નિર્ણયને રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ સાબિત થશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
આ વર્ષની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘દંગલ’ ડિસેમ્બરમાં રીલિઝ થવાની છે. સિને ટ્રેડ એક્સપર્ટના મત અનુસાર ‘દંગલ’નું ત્રણ દિવસનું બોક્સઓફિસ કલેક્શન ઓછામાં ઓછું ૧૧૦ કરોડની આસપાસ રહેશે. પરંતુ કાળાનાણા પર લેવાયેલા
આક્રમક પગલાંને ધ્યાનમાં રાખીને તેના પર અસર થાય તેવી શક્યતા છે. જોકે, ‘દંગલ’ને હજી ઘણો સમય છે ત્યાં સુધી સિને ઇન્ડસ્ટ્રી રાબેતા મુજબ ઓન ટ્રેક આવી જશે. આમિર ખાનનું કહેવું છે કે આ પરિસ્થિતિમાં આપણે એ વિચારવું જોઇએ કે દેશ માટે સારી બાબત કઇ છે. થોડાં સમય માટે લોકોએ સમસ્યાનો સામનો કરવો પડશે, પણ ટૂંકાગાળાનું વિચારવા કરતાં લાંબા ગાળાની અસરોને ધ્યાનમાં રાખવી જોઇએ. આ નિર્ણયથી મારી ફિલ્મ (દંગલ)ને નુકસાન થાય તો મને કોઇ સમસ્યા નથી.
રજનીકાંતની ‘શિવાજી ધ બોસ’ સિવાય ઘણી એવી સારી ફિલ્મો બની છે જેમાં બ્લેકમનીના મુદ્દાને ઉજાગર કરવામાં આવ્યો છે. કાળાનાણાનો સૌથી મોટો ખેલ ઇમરાન હાશ્મીની ‘જન્નત’ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો હતો. ક્રિકેટ, સટ્ટાબાજી અને બ્લેકમનીના ત્રિકોણિયા જંગમાં ફિલ્મનો વિષય દર્શકોને ગમી ગયો હતો અને ઇમરાનના ખાતામાં એક સારી, સફળ અને સરાહનીય ફિલ્મ લખાણી હતી. દિગ્દર્શક દિબાકર બેનર્જીએ ‘ખોસલા કા ઘોસલા’ ફિલ્મ બનાવીને જમીનોની લેવડદેવડ અને રિઅલ એસ્ટેટની બીજી બાજુને છતી કરી હતી. આ ફિલ્મ સામાન્ય પરિવાર પર શું આફત આવી પડે છે તેનો ઉત્તમ દાખલો હતો. તો બિઝનેસ વર્લ્ડમાં હીરાની લેવડદેવડની કાળી દુનિયાને ‘બ્લડમની’ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. તો મધુર ભંડારકરની ‘કોર્પોરેટ’ ફિલ્મ ઉદ્યોગજગતની બંધ બારણે રમાતી કાળા બજારીના દરવાજા ખોલી નાખે છે. મણિરત્નમની ‘ગુરુ’ અને નીરજ પાંડેની ‘સ્પેશિયલ છબ્બીસ’ પણ કાળાનાણાની જ વાત કરે છે. વર્ષ ૧૯૮૯માં કાળા બજારની દુનિયા કેવી હોય અને તેનો વ્યવહાર કઇ રીતે કરવામાં આવે છે તેના પર આલેખન કરતી દિગ્દર્શક રાકેશ રોશને ‘કાલા બજાર’ ફિલ્મ બનાવી હતી. રાજનેતા સાથે એક ટી મિટિંગમાં જેટલી સ્પૂન સુગરની કપમાં પડે તેટલા હવાલા કરવાના રહે છે. સરકારી અધિકારીઓથી લઇને સંસદમાં બેઠેલા ભ્રષ્ટ કાળમુખા ડ્રેગનો દેશના અર્થતંત્રને ભરડી નાખે છે અને તેમની સંપત્તિમાં અમાપ વધારો થતો જ જાય છે.
ફિલ્મના પડદે તો કાળાનાણાની અફરાતફરી ઘણીવાર જોવા મળી છે. પણ આવું પ્રથમ વખત સંભવત: થયું છે કે બ્લેકમની સામે કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇકને લીધે
બોક્સઓફિસ પર થોડી અસર જોવા મળી હોય. નિર્ણય પછી વર્ષ ર૦૧૬ના અંત સુધીમાં તમિલમાં ૨૧ ફિલ્મો, તેલુગુમાં પ, ગુજરાતીમાં ૮, મલયાલમની ર, મરાઠીમાં ૯, પંજાબીમાં ૭ અને કન્નડની ર ફિલ્મો રીલિઝ થવાની હતી. જેમાં રપ નવેમ્બર સુધીમાં કુલ પ્રાદેશિક અને હિન્દી ફિલ્મોની ૧૧ ફિલ્મો રજૂ થઇ ગઇ છે. છેલ્લાં બે અઠવાડિયામાં સૌથી વધુ નુકસાન તેલુગુ સિનેમાની ટિકિટબારી પર નોંધાયું છે.
મધુર ભંડારકરની ‘કોર્પોરેટ’ ફિલ્મ ઉદ્યોગજગતની કાળા બજારીના દરવાજા ખોલી નાખે છે. તો મણિરત્નમની ‘ગુરુ’ અને નીરજ પાંડેની ‘સ્પેશિયલ છબ્બીસ’ પણ કાળા નાણાની જ વાત કરે છે…
નિર્ણયના બીજા દિવસે તેલુગુ સિને બોક્સઓફિસ પર પ૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેનું એક કારણ એ છે કે તેલુગુ સિનેમાનો બહોળો દર્શકવર્ગ મધ્યમવર્ગમાંથી મળી રહે છે.
હિન્દીમાં દિવાળી પછી બિગ બજેટ ફિલ્મમાં રજૂ થયેલી ‘રોક ઓન-ર’ હતી. જોકે, આ ફિલ્મની નિષ્ફળતામાં વિમુદ્રીકરણ કરતાં તે ફિલ્મ પોતે જ જવાબદાર છે. સ્ક્રીન અને સીટોની સંખ્યાના હિસાબે આ ફિલ્મને ફર્સ્ટ વીકેન્ડમાં માત્ર દસ ટકા જ દર્શકો મળ્યા હતા અને તેનો લાઇફટાઇમ બિઝનેસ ૧૩ કરોડ રૂપિયાથી વધે તેવું લાગતું નથી. ડિમોનિટાઇઝેશનના ફેંસલા પછી તરત જ એટલે કે ૧૧ નવેમ્બરે ‘રોક ઓન-ર’ રજૂ થઇ હતી. બિગ બજેટ કહી શકાય તેવી ફિલ્મોમાં જ્હોન અબ્રાહમ-સોનાક્ષી સિંહાની ‘ફોર્સ-ર’ આવી હતી. આ ફિલ્મને શાનદાર સ્ટાર્ટઅપ નહોતું મળ્યું, પણ ચોક્કસ બેલેન્સિંગ કલેક્શન તો મળ્યું જ હતું. ફોર્સ-ર સુપરડુપર હિટ ન થઇ પણ નિર્માતાના ખાતામાં વકરો કરાવતી ગઇ. ત્યાર બાદ શાહરૂખ ખાન-આલિયા ભટ્ટની ‘ડિયર જિંદગી’ આવી હતી. આ ફિલ્મને રોકિંગ સફળતા મળી તેમ કહી શકાય. ખાન બ્રાન્ડ વેલ્યૂની સાથે એક સરસ મજાની ફિલ્મ પણ છે. આ ફિલ્મનું વીકેન્ડ ૩૫ કરોડની આસપાસ રહ્યું હતું. હવે ત્રણ ફિલ્મો ડિસેમ્બરમાં આવવાની છે. ર ડિસેમ્બરના વિદ્યા બાલનની ‘કહાની-ર’, ૯ ડિસેમ્બરના આદિત્ય ચોપરાની ‘બેફિકરે’ અને ૨૩ ડિસેમ્બરના આમિર ખાનની ‘દંગલ’ ફિલ્મ રાબેતા મુજબ જ રજૂ થશે.

