ટ્રાન્સમીડિયા દ્વારા 50 જેટલા ગુજરાતી કલાકારોનું સન્માન કરાયું
ગુજરાતી ફિલ્મ-ટીવી અને તખ્તાના કલાકારોને એક જ મંચ પરથી દર વર્ષે સન્માનવાની ટ્રાન્સમીડિયાની પરંપરા છે. 16 વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ તાજેતરમાં જ 50 ગુજરાતી કલાકારોનું મુંબઇ ખાતે સન્માન કરાયું હતું. સમારોહમાં ફિલ્મ-ટીવી-સ્ટેજની હસ્તીઓ ઉપરાંત મનોહર કાનુન્ગો, પેન વીડિયોના જેન્તી ગડા, કલર્સ વાયકોમ 18ના ચેનલ હેડ અનુજ પોદ્દાર, તેના સિનિ.વીપી ક્ધટેન્ટ સંજય ઉપાધ્યાય, ડાયમંડ કિંગ ભરત શાહ વગેરે ઉપસ્થિત હતા. ગુજરાતી ફિલ્મોના ડાન્સિંગ સ્ટાર નરેશ કનોડિયાને જાણીતા એક્ટર જીતેન્દ્રના હસ્તે લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો. સમારોહનું પ્રસારણ કલર્સ ગુજરાતી ચેનલ પરથી કરાશે.
– ધર્મેશ વકીલ
અમદાવાદની નોવોટેલ હોટલમાં રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ યોજાયો
અમદાવાદની હોટલ નોવોટેલના જનરલ મેનેજર તેજસ જોસે અને તેના એક્ઝિક્યુટિવ શેફ રાકેશ પ્રસાદ દ્વારા હોટલ નોવોટેલમાં રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલનો આરંભ કરાયો હતો. તા.2 માર્ચથી 10 દિવસ ચાલનારા આ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારની ડીશો માણવા મળી રહી છે.
– સુરેશ ઠક્કર
જર્નાલિઝમ વિભાગમાં પાંચ વર્ષથી સેવા આપનાર પ્રદીપ ત્રિવેદીનું સન્માન
ભારતીય વિદ્યાભવનની એચ.બી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન અને મેનેજમેન્ટ દ્વારા સંચાલિત ‘જર્નાલિઝમ’ વિભાગમાં ફેકલ્ટી પ્રદીપ ત્રિવેદીને તેમની બહુમૂલી સેવા બદલ સન્માન્યા હતા. 48મા કોન્વોકેશનના મુખ્ય મહેમાન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મીડિયા પ્રેસિડેન્ટ ઉમેશ ઉપાધ્યાયના હસ્તે તેમનું એવોર્ડ આપી આ સન્માન કરવામાં આવ્યું હતું.
મસ્કત ગુજરાતી સમાજ દ્વારા નાટકનું આયોજન
મસ્કત ગુજરાતી સમાજ દ્વારા એવોર્ડ વિજેતા નાટક- ‘ધ વેઇટિંગ રૂમ’નું અલ ફલાજ હોટલના હોલમાં મંચન કરાયું હતું. જેને જોવા મસ્કત સ્થિત ગુજરાતીઓ ઉમટ્યા હતા.
બે વર્ષથી સામાજિક સેવામાં કાર્યરત ગ્રૂપ : હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશન
આજના યુવાનોમાં એક વાત ખૂબ સારી જોવા મળે છે. અભ્યાસની સાથે સાથે તેઓ સામાજિક સેવામાં પણ રસ દાખવે છે. ગરીબ અને જરૂરિયાતમંદોને વિવિધ સહાય કરવા આજે ઘણાં ગ્રૂપો આગળ આવ્યા છે. આવું જ એક ગ્રૂપ છે વડોદરાનું ‘હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશન’. 22 જુલાઇ, 2015માં માત્ર 4 મિત્રોથી શરૂ થયેલ આ ગ્રૂપમાં આજે 40થી વધુ એક્ટિવ સભ્યો છે. જ્યારે 150 જેટલા સપોર્ટર્સ છે. વિવિધ સહાય માટે જોઇતું ફંડ ગ્રૂપના સભ્યોના પોકેટમનીમાંથી ભેગું કરવામાં આવતું હતું. ધીરે ધીરે તેમના સગા સંબંધીઓ પાસેથી ફંડ મેળવવાનું શરૂ કર્યું અને આમ એમની સેવાની પ્રવૃત્તિઓ આગળ ચાલી. ગ્રૂપના વાઇસ પ્રેસિડન્ટ વિઘ્નેશ વ્યાસ અને ટીમ કૃતાર્થ, પ્રગતિ, સંકેત સાથે ફીલિંગ્સે કરેલી વાતચીત દરમિયાન તેમની પ્રવૃત્તિઓની ઘણી વાતો જાણવા મળી. ગ્રૂપના પ્રેસિડન્ટ અર્જુન ગોવર્ધનની રાહબરી હેઠળ થતી તેમની પ્રવૃત્ત્ાિઓમાં ખાસ કરીને ગરીબ અને નિરાધાર બાળકોને શિક્ષણ આપવાની પ્રવૃત્તિ, વૃદ્ધાશ્રમમાં જઇ તેઓની સાથે સમય ગાળી તેમને જરૂરી સહાય આપવાની પ્રવૃત્તિ વધુ થાય છે. આ ગ્રૂપમાં 80 ટકા સ્ટુડન્ટ્સ છે અને બાકીના નોકરી ધંધો કરી રહ્યા છે. તેમના વ્યસ્ત સમયમાંથી આ રીતે સેવાનું કાર્ય કરતા આ યુવાઓને તેમના પરિવારમાંથી પણ સારો રિસ્પોન્સ મળે છે.