રાસાયણિક શસ્ત્રો સુધરેલી પ્રજાનું શરમજનક હથિયાર

રાસાયણિક શસ્ત્રો સુધરેલી પ્રજાનું શરમજનક હથિયાર

- in Cover Story, Politics
1787
Comments Off on રાસાયણિક શસ્ત્રો સુધરેલી પ્રજાનું શરમજનક હથિયાર

છેલ્લે 003માં ઇરાક પાસે રાસાયણિક શસ્ત્રો હોવાના મુદ્ે અમેરિકાએ કાગારોળ મચાવીને યુદ્ધ ઠોકી બેસાડયું હતું. ફરીથી અમેરિકાએ સિરિયા પર કેમિકલ્સ વેપન હોવાના મુદ્દે જંગ આદરી દીધો છે. ઇતિહાસ સાક્ષી છે કે હળાહળ ઝેરી રસાયણોનો ઉપયોગ હંમેશા સમૃદ્ધ અને સુધરેલ ગણાતા દેશોએ કરીને દુનિયાની પથારી ફેરવી છે

18 મી સદીની વાત છે. જ્યારે અમેરિકા આજના જેવો સુધરેલો દેશ ન હતો. રેડ ઇન્ડિયન આદિવાસીઓ આખા દેશમાં મુક્ત રીતે રહેતા હતા. તેની સામે યુરોપથી આવીને વસેલી ગોરી પ્રજાએ અત્યાચાર શરૂ કરી દીધા હતા. નિર્દોષ આદિવાસીઓને મારી નાખીને તેમનો વિસ્તાર ખાલી કરાવી દેવો એ યુરોપિયનોનું મૂળભૂત કલંકિત કામ હતું. એ વખતે જેરોનિમો નામનો એક યોદ્ધો યુરોપિયન ટુકડી સામે પડ્યો. જેરોનિમોને કોઇ રીતે હરાવી શકાતો ન હતો. માટે યુરોપિયનોએ પછી આદિવાસીઓ સાથે સંધિ કરી. મૈત્રીની શુભેચ્છા રૂપે ધાબળા ભેટમાં આપ્યા. થોડાં સમય પછી ઘણાખરા આદિવાસી મૃત્યુ પામ્યા. કેમ કે, ધાબળા ઝેરી પાણીમાં બોળાયેલા હતા.

એ શસ્ત્રોને આજની ભાષામાં કેમિકલ્સ કે પછી બાયોલોજિકલ વેપન્સ કહેવામાં આવે છે. એ એવા હથિયારો છે જે જોઇને ઓળખી શકાતા નથી. સૂંઘીને પારખી શકાતા નથી અને બાજુમાં પડ્યા હોય તો પણ તેની જીવલેણ અસરથી વાકેફ થઇ શકાતું નથી. એટલે જ આખું જગત કેમિકલ્સ વેપનનું નામ પડે ત્યાં થર થર ધ્રૂજવા માંડે છે.

સિરિયાની સમસ્યા શું છે?

સિરિયા પાસે કેમિકલ્સ વેપન છે અને ત્યાંના માથાભારે પ્રમુખ બશર અલ અસદ એ હથિયારો પોતાની જ પ્રજા સામે વાપરે છે. એ કૃત્ય સ્પષ્ટ સ્વરૂપે જઘન્ય છે. ર000ની સાલમાં પોતાના પિતા પાસેથી બશર અલ અસદે સિરિયાની સત્તા સંભાળી ત્યારે તેમની ઓળખ સુધારાવાદી રાષ્ટ્રપતિ તરીકે બની હતી. સુધારાઓ કહી શકાય એવા પગલાંઓ પણ તેમણે લીધા હતા. સત્તા હાથમાં આવ્યા પછી થોડા સમયમાં જ દેશ પર પોતાનું એકચક્રી શાસન જામી રહે એવા કારનામા કરવા માંડ્યા. ચૂંટણી થઇ તો પણ પોતે જ વિજેતા બને એવી પણ ગોઠવણ તેમણે કરી હતી. સિરિયાની પ્રજામાં હીરો બનીને આવેલા અસદ એક દાયકામાં ઝીરો સાબિત થયા. સિરિયાની પ્રજા તેમને ઉખેડી ફેંકવા માગે છે, પણ અસદ અંગદના પગની જેમ મજબૂત ખીલો ખોડીને બેઠા છે. અસદને રશિયાનું પીઠબળ છે.

વણલખ્યો નિયમ છે કે રશિયા જે છાવણીમાં હોય તેની સામે હંમેશાં અમેરિકા હોય. અસદની દાદાગીરી નહીં ચાલે એમ ઓબામા વારંવાર કહેતા રહ્યા. પણ ટ્રમ્પે કંઇ કહેવાને બદલે સીધો અસદ પર પ્રહાર શરૂ કરી દીધો. ગયા અઠવાડિયે જ ભૂમધ્ય સમુદ્રમાં ગોઠવાયેલા અમેરિકી કાફલાએ ટોમાહોક મિસાઇલ છોડીને અસદના એરપોર્ટની ધૂળી કાઢી નાખી. સિરિયા દ્વારા વારંવાર કેમિકલ વેપન્સનો ઉપયોગ થયો એ પછી અમેરિકાની કમાન છટકી છે. અગાઉ પણ સિરિયાના સત્તાધીશોએ પ્રજા પર અત્યંત ઘાતક નર્વ ગેસ છોડીને હાહાકાર મચાવી દીધો હતો.

રશિયા ઉપરાંત અમેરિકાની પણ હાજરીને કારણે સિરિયાનો મોરચો જગત માટે સળગતી સમસ્યા બન્યો છે અને સમસ્યા સળગાવવા

માટે ફરી એક વખત કેમિકલ વેપન્સ નિમિત્ત બન્યા છે.

સિરિયાના રાસાયણિક હથિયારો

2013માં થયેલી ગણતરી પ્રમાણે સિરિયા પાસે એકાદ હજાર ટન જેટલા રાસાયણિક હથિયારો છે. એ હથિયારોનો નાશ કરવા માટે સિરિયા તૈયાર થયું છે. હવે સિરિયામાં જ એ શસ્ત્રોનો નાશ કરવામાં આવે તો બિલાડીને દૂધ સંભાળવાની જવાબદારી આપવા જેવી વાત છે. થયું એવું જ. સિરિયાએ હથિયારોનો નાશ ન કર્યો, એટલે આજે વિનાશની નોબત આવી છે.

કેમિકલ વેપન્સ એટલે કે રાસાયણિક શસ્ત્રો મામૂલી શસ્ત્રો નથી. બોંબ હોય કે કારતૂસ હોય કે ગ્રેનેડ હોય કે પછી તોપના ગોળાઓ હોય. એનો નાશ કરવો કે નિષ્ક્રિય કરવા સરળ છે. રાસાયણિક શસ્ત્રોમાં તો ઘાતક રસાયણો હોય છે. સિરિયાના જે હથિયારો છે એ સારીન અને મસ્ટાર્ડ જેવા ઘાતક વાયુઓથી ભરેલા છે. આ બંને વાયુઓ તેની અસાધારણ સંહારકતા માટે જાણીતા છે. બંને પૈકી કોઇ પણ ગેસ વપરાતો હોય એવા હથિયારોને સંયુકત રાષ્ટ્રસંઘે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રિક્શન (સામૂહિક સંહારના શસ્ત્રો) તરીકે ઓળખાવવાનું નક્કી કર્યું છે. આ હથિયારો મોટા ધડાકા નથી કરતા કે નથી મકાનો-મિલકતો તોડી પાડતાં. તેનાથી જમીનમાં ખાડા નથી પડતા કે નથી લોકો લોહીલુહાણ થતાં. છતાં એ અત્યંત ઘાતક છે. કેમ કે, એ બંને ગેસ હવામાં ફેલાઇ જાય છે. એટલે કોઇને ખબર પણ પડતી નથી કે તેના પર વાયુ દ્વારા હુમલો થયો છે. અને ખબર પડે ત્યાં સુધીમાં લોકોનાં મોત થવા માંડે છે. મોત વળીસામૂહિક હોય. કેમ કે, હવા તો સર્વત્ર ફેલાયેલી હોય અને ફેલાતી રહેતી હોય. હવા પર સવાર થઇ આગળ વધતાં આ હથિયારો રસ્તામાં જે આવે તેને હડફેટે લેતા જાય.

મરેલો હાથી સવા લાખનો સંયુક્ત રાષ્ટ્રસંઘે આમ તો આવા હથિયારો પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે જગતના આગેવાન કહેવાતા દેશો આવા શસ્ત્રો રાખી શકતા નથી કે નથી વિકસાવી શકતા. ભારત જેવા પોતાને શાંતિપ્રિય ગણાવતા દેશો પણ આવા હથિયારોમાં હાથ ન નાખે એ સ્વાભાવિક છે. પણ જે દેશો કોઇની સાડાબારી રાખતા નથી, જેમના શાસકો પર પહેલેથી જ અમેરિકા સહિતના વૈશ્ર્વિક શાંતિસેનાનીઓની નજર છે, જેમના પર બંડખોર હોવાની છાપ છે એ બધા દેશો પહેલું કામ આવા હથિયારો વિકસાવાનું કરે છે. આવા હથિયારો કોઇ દેશ પાસે હોય અને ખોટા હાથમાં જતા રહે તો આખા જગતની ઊંઘ હરામ થઇ જાય.

જીવતો હાથી લાખનો અને મરેલો સવા લાખનો, એવું જ કેમિકલ વેપન્સમાં થાય છે. કેમિકલ વેપન્સ હોવા એ જીવતા હાથી સમાન છે. તો તેનો નાશ કરવો એ મરેલા હાથી જેવું છે. એટલે કેમિકલ વેપન્સ તૈયાર કરવા કે ખરીદવા કે મેળવવા તો સરળ છે, સાચવવા પણ સરળ છે. પરંતુ જ્યારે નાશ કરવાનો આવે ત્યારે ભલભલાને પરસેવો છૂટી જાય છે! તેને દાટી શકાતા નથી, પાણીમાં ફેંકી શકાતા નથી, સળગાવી શકાતા નથી, કે ક્યાંય સ્ટોર કરી શકાતા નથી.

સિરિયામાં વરસોથી ચાલતા આંતરિક ખટરાગને કારણે એકાદ લાખ લોકોનાં મોત થયા હોવાનો સંયુક્ત રાષ્ટ્રસંઘનો અંદાજ છે. અત્યારે સ્થિતિ એટલી હદે વણસી ગઇ છે સિરિયાના 70 લાખ જેટલા લોકો કાં તો બેઘર છે કાં તો બેઘર થવાની તૈયારીમાં છે. સતત થતો રોકેટમારો, ગોળીબાર, વિસ્ફોટ વચ્ચે તેમની જિંદગીમાં સુખ-ચેન રહ્યું નથી. પરિણામે એ લોકો સિરિયા છોડવા તૈયાર છે. ર0 લાખ લોકોએ તો છોડી પણ દીધું છે.

એકલા સિરિયાને શા માટે દોષ? અગાઉ કહ્યું એમ રાસાયણિક હથિયારોની શરૂઆત સમૃદ્ધ દેશોએ કરી છે. ઇરાક કે સિરિયા જેવા દેશોએ નહીં. ર003માં અમેરિકાએ મોટા પાયે ઇરાક પર હુમલો કરી ગલ્ફ વિસ્તારને લોહીલુહાણ કર્યો હતો. પણ ત્યાંથી ખાસ કંઇ હથિયારો મળ્યા ન હતા. બીજી તરફ અમેરિકા પોતે વિયેટનામની નિર્દોષ પ્રજા પર અડધી સદી પહેલાં એજન્ટ ઓરેન્જ સહિતના ઘાતક હથિયારોનો ઉપયોગ કરી ચૂકયું છે. માટે વિયેટનામમાં આજે પણ બાળકો લૂલા-લંગડા, અન્ય શારીરિક ખોડ ધરાવતા જન્મે છે. રશિયાએ નિર્દોષ અફઘાની પ્રજા પર 1991માં ઘાતક કેમિકલ હથિયારોનો પ્રયોગ કર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં પણ ઇંગ્લેન્ડથી તડીપાર થયેલા અંગ્રેજોએ આદિવાસીઓને મારવા માટે ઝેરી તત્ત્વોનો ઉપયોગ કર્યો હતો. એટલે સિરિયામાં આજે જે થઇ રહ્યું છે એ તો બહુ સામાન્ય વાત કહી શકાય એવો અમેરિકા-રશિયા-યુરોપિયન પ્રજાનો ઇતિહાસ રહ્યો છે.

અત્યારે આખું જગત સુધરેલી પ્રજાનું બનેલું ગણાય છે, પણ એ પ્રજા જ કેમિકલ વેપન્સ જેવા શરમજનક કૃત્યો કરી રહી છે. હવે સિરિયાના મુદ્દે કેમિકલ વેપન્સની સૌથી મોટી દુકાન ધરાવતા બે દેશો રશિયા અને અમેરિકા ફરી સામ-સામે આવ્યા છે. તેનાથી વિશ્ર્વયુદ્ધ ન થાય તો પણ જગત માટે અશાંતિની સ્થિતિ તો સર્જાઇ જ ચૂકી છે.

  • જીવતો હાથી લાખનો અને મરેલો સવા લાખનો. કેમિકલ વેપન્સ હોવા એ જીવતા હાથી સમાન છે, તો તેનો નાશ કરવો એ મરેલા હાથી જેવું છે…

 

રાસાયણિક શસ્ત્રોમાં વપરાતા ગેસ

વિવિધ પ્રકારના રાસાયણિક શસ્ત્રો બની શકે અને તેમાં વિવિધ પ્રકારના ઝેરી વાયુઓ વપરાતા રહે છે. વ્યાપકપણે વપરાતા કેટલાક ગેસનો અત્રે થોડો પરિચય મેળવીએ…

*  જર્મન વિજ્ઞાની ગેરહાલ્ડ શ્રેડરે 1936માં ટેબ્યુન નામનો વાયુ શાધ્યો. આ ગેસથી અંધાપો આવવો, શ્ર્વાસ લેવામાં તકલીફ થવી, ઊલટી થવી, અકળામણ થવી વગેરે સહિતની અનેક સમસ્યા થઇ શકે છે.

*  ખેતરમાં ઉપદ્રવ મચાવતી જીવાતનો નાશ કરવા માટે 1938માં સારીન નામનો ગેસ બન્યો હતો, જે આજે જીવાતને બદલે નિર્દોષ જીવનો નાશ કરી રહ્યો છે. સિરિયા પાસે આ ગેસના હથિયારો છે. ગેસ શ્ર્વાસમાં જાય પછી અડધી કલાકમાં જ ફેફસાંનું કામ ખોરવી નાખે છે. એ સિવાય ઘણી નાની મોટી પીડા તો થાય જ.

*  સૌથી વધુ બદનામ થયેલો ગેસ મસ્ટાર્ડ છે. બસ્સો કરતાં વધુ વરસોથી વપરાતો આવતો આ ગેસ પહેલા વિશ્ર્વયુદ્ધ વખતે જર્મનીએ વાપર્યો હતો. માનવ શરીર કોષોનું બનેલું છે. કોષોનું વિભાજન અટકી પડે તો શરીરનું અસ્તિત્વ લાંબો સમય ટકી શકતું નથી. એટલે મસ્ટાર્ડ ગેસ રણમેદાનમાં ઊતરે એ પછી થોડી મિનિટોમાં જ લાશોના ઢગલા થવા લાગે. કેમિકલ વેપન્સ ધરાવતા લગભગ દરેક દેશ પાસે આ ગેસ હોવાનો જ.

*  સોમન નામનો બીજા વિશ્ર્વયુદ્ધ વખતે શોધાયેલો ગેસ શ્ર્વસનતંત્રને અવરોધે છે. તેનાથી તુરંત મોત નથી થતું, પણ લોકો રીબાઇને મૃત્યુ પામે છે.

*  વીએક્સ નામનો ગેસ બ્રિટને શોધ્યો છે અને તેના મિત્ર અમેરિકાએ તેનો વિયેટનામ યુદ્ધ વખતે વ્યાપક ઉપયોગ કર્યો હતો. શરીરને લકવાગ્રસ્ત કરવા સહિતના કારનામા આ ગેસ કરી શકે છે.

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ