સીમકાર્ડમાં ડાટા સાથે આટા!

સીમકાર્ડમાં ડાટા સાથે આટા!

- in Entertainment, Laughing Zone
2788
Comments Off on સીમકાર્ડમાં ડાટા સાથે આટા!

આપણા દેશના લોકોને કોઇ ફિલ્મ સ્ટાર, ખેલાડી કે અન્ય સેલિબ્રિટી ગમી જાય પછી લાડમાં એને એના હુલામણા નામથી બોલાવવાનું ચાલુ થઇ જાય છે. જેમ કે, અક્ષય કુમારને અક્કી, યુવરાજ સિંહને યુવી કે સંજય દત્તને મુન્નાભાઇ તરીકે સંબોધવાનો રિવાજ છે. હમણાં સુધી કોઇ ઉદ્યોગપતિને આ માન મળ્યું નહોતું. પણ ગઇ દિવાળીથી એ મ્હેણું પણ ભાંગ્યું છે. ધનતેરસના દિવસે મારી ઉપર એક મેસેજ આવ્યો કે ‘મુકેશ અંબાણી ધન પૂજા માટે તિજોરીમાંથી સિક્કા બહાર કાઢતા હતા ત્યારે લક્ષ્મીજીએ એમનો હાથ પકડીને કહ્યું, મુકા, તું રહેવા દે!’ કવિ અહીં કહેવા એ માગે છે કે દુનિયાના ટોચના અબજપતિ તરીકે પ્રખ્યાત મુકેશભાઇ સોશિયલ મીડિયા માટે ‘ધીરુભાઇનો મુકો’ બની ગયા છે! કદાચ દેશબંધુઓએ બતાવેલી આ આત્મીયતાને લઇને જ મુકાભાઇએ મફત કોલિંગ અને અનલિમિટેડ 4જી ડેટા સાથેની જિઓની સેવા તરતી મૂકી અને ફક્ત 170 દિવસમાં એમાં દસ કરોડ ગ્રાહકો તરતા થઇ ગયા! માત્ર તરતા જ નહિ પણ એમાં ભારતના દરેક બાબ્ભઇ, બચુભાઇ અને રંછોડભઇઓ ધૂબાકા મારતા થઇ ગયા છે!

શિંગ-સાકરિયાના પ્રસાદની જેમ જિઓના સીમકાર્ડ વહેંચવાના શરૂ થયા એ પહેલાં સમાજમાં બે ભાગ પડી ગયા હતા. જેઓ પાસે જિઓના સીમકાર્ડ હતા એમાંના ઇન્ટરનેટ હૉટ-સ્પૉટ પર મફતમાં ટીંગાવા માટે પડાપડી શરૂ થઇ ગઇ હતી. જેમની પાસે એકસ્ટ્રા સીમકાર્ડ હતું એમાંના કેટલાકને ગર્લફ્રેન્ડ પણ મળી હતી. ભીખારીઓએ તો શિયાળામાં ધાબળા ઓઢાડનારને ન આપ્યા હોય એટલા આશીર્વાદ મુકેશભાઇને આપ્યા છે.

આ સ્કીમ પાછળ લોજિક છે. ગ્રાહકોને સ્વાદનો ચસકો લાગે અને એ મીઠાઇ ખરીદવા પ્રેરાય એ માટે મીઠાઇવાળા એમને મીઠાઇ ચખાડતા હોય છે. બરોબર એમ જ આ સ્કીમના પહેલા તબક્કામાં રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડે ગ્રાહકોને ત્રણ મહિના માટે મફતમાં ચખાડી હતી. એ એમની માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી અને પછી લોકોને એવો ચસકો લાગ્યો કે અમુક તો આવી રીતે મળતું મફતનું ચંદન ઘસવા માટે અડધી રાત્રે પણ ઓનલાઇન રહેવા માંડ્યા છે. જોકે, હવે તો પૈસા ભરવા પડશે. પણ કેટલાક લોકોને આ ચખાડવાની સિસ્ટમ ગમી ગઇ છે અને બીજા ક્ષેત્રોમાં પણ આ પ્રકારની યોજના લાગુ કરવાની માગણી ઊઠી છે.

આપણા સમાજમાં લગ્ન એ બે કુટુંબો વચ્ચેનું સો વરસનું સગપણ ગણવામાં આવે છે. પત્ની પણ ભવોભવ એનો એ જ પતિ મળે એ માટે વ્રત કરતી હોય છે. પણ જ્યારથી મોબાઇલ નામની બલા આપણા જીવનમાં પ્રવેશી છે ત્યારથી બળતરાનું પ્રમાણ વધ્યું છે. આજકાલ દર બે-ત્રણ મહિનામાં વધુ સારા ફીચર્સ ધરાવતું મોબાઇલનું નવું મોડેલ અગાઉ કરતાં ઓછી કિંમતે મળવા લાગે છે. જે લોકો એ પહેલાં મોબાઇલ ખરીદી ચૂકયા હોય છે એ ‘સાલું થોડી રાહ જોઇ હોત તો સારું મોડલ મળ્યું હોત ને!’ એવું વિચારીને જીવ બાળતા હોય છે. એ જ રીતે ઘણાને લગ્નમાં ઉતાવળ કરી નાખી એવું લાગતું હોય છે. પણ એમાં પડ્યું પાનું નિભાવવા સિવાય કોઇ છૂટકો નથી હોતો. આ સંજોગોમાં લગ્નમાં જિઓ જેવી સ્કીમ આવવી જોઇએ. લગ્ન પછી ત્રણ મહિનામાં ફાવી જાય તો સાથે રહેવાનું નહિ તો કંપનીના ગોર મહારાજ આવીને ઊંધા ફેરા ફેરવીને લગન ઉતારી જાય. હોવ.

આ દરમિયાનમાં બજારમાં જિઓ બ્રાન્ડનેમ નીચે ઘઉં મળતા થઇ ગયા છે. ના, હજી મૂકાભાઇએ આ ક્ષેત્રમાં ઝૂકાવ્યું નથી પણ લોકો ઘઉંમાં એમની ટાઇપની સ્કીમની આશા રાખતા હોય તો નવાઇ નહિ. જેમ કે, કોઇ નવરાએ જિઓ બ્રાન્ડના ઘઉંની બોરીના ફોટો સાથે અમને મેસેજ મોકલ્યો કે આ ઘઉં ખરીદનારને ત્યાં કંપની તરફથી ત્રણ મહિના સુધી મહારાજ આવીને મફત રોટલી વણી જશે! જય હો. પછી જિઓ બ્રાન્ડની શેવિંગ ક્રીમ બજારમાં આવે જે ખરીદો તો ત્રણ મહિના સુધી કંપનીનો કારીગર આવીને તમારી દાઢી કરી જાય. એનું કામ ફાવી જાય તો પેઇડ સર્વિસ બંધાવી દેવાની. જિઓ બ્રાન્ડના વાસણ પણ આવવા જોઇએ, જેમાં ત્રણ મહિના સુધી કંપનીનો રામલો આવીને મફત વાસણ માંજી જાય. એટલું જ નહિ, પણ વાસણ લૂછીને રેકમાં કે શૅલ્ફ પર ગોઠવતો પણ જાય. આમ કરતાં તમને મહારાજ કે રામલાનું કામ ગમી જાય તો પછી ત્રીજા મહિના પછી પૈસા ભરીને તમે એની સેવાઓ ચાલુ રાખી શકો. સિમ્પલ!

છેલ્લા ડેવલપમેન્ટ પ્રમાણે અત્યારે જે રીતે મોટી મોટી બ્રાન્ડ્સ સામે બાબા રામદેવ મેદાને આવ્યા છે એ જોતાં આગામી સમયમાં લોકો પતંજલિનું સીમકાર્ડ આવે એની રાહ જોઇને બેઠા છે. કહે છે કે, પતંજલિના સીમકાર્ડમાં ડાટા સાથે બાબા ‘પતંજલિકા ફાઇબર યુક્ત, ભૂરે રંગકા શુદ્ધ આટા’ની બોરી આપવાના છે.

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ