– આઈ.કે. વીજળીવાળા
‘ભાઇ! તમે એક એવી વ્યક્તિ છો કે જે કોઇ વૈભવશાળી હોટેલના મેનેજરનું પદ શોભાવી શકે. મારા મતે આવી નાનકડી હોટેલના ડેસ્ક-ક્લાર્ક તરીકે તમારી ક્ષમતા કરતાં તમે ઘણા નીચા પદ પર છો. કાંઇ વાંધો નહીં. ગઇ કાલ રાતના તમારા સૌહાર્દપૂર્ણ વ્યવહારથી અમે બહુ ખુશ થયા છીએ…
અમેરિકાના ફિલાડેલ્ફિઆમાં એક વરસાદી રાત્રે તેજ ફૂંકાતા પવન વચ્ચે એક ઘરડું દંપતી પોતાની કાર લઇને એક નાનકડી હોટેલમાં દાખલ થયું. પાર્કિંગથી લોબી પહોંચતાં સુધીમાં એ લોકો ખાસ્સાં પલળી ગયાં. ઉંમર અને વરસાદી પવન બંનેને લીધે રિસેપ્શન સુધી જતામાં તો બંને ધ્રૂજવા લાગ્યાં હતાં. રિસેપ્શન ટેબલ પાસે પહોંચીને પેલા વૃદ્ધ પુરુષે ડેસ્ક-ક્લાર્કને પૂછ્યું, ‘આજની રાત પૂરતી એક રૂમ મળી શકશે ખરી?’
ક્લાર્કે એમની સામે જોયું. પછી ઘડિયાળ સામે જોયું. રાતનો એક વાગ્યો હતો. એના ચહેરા પર થોડીક મૂંઝવણની રેખાઓ આવી ગઇ. એનો ચહેરો કહેતો હતો કે હોટેલમાં એક પણ રૂમ ખાલી નહોતી. છતાં શક્ય તેટલા માયાળુ અવાજે અને હસતા ચહેરે એણે જવાબ આપ્યો, ‘સોરી સર! મારે તમારી માફી માંગવી પડશે. આજે શહેરમાં મોટી મોટી ત્રણ કોન્ફરન્સ છે. અમારી બધી જ રૂમ અઠવાડિયા પહેલાં બુક થઇ ગઇ છે. હાલમાં એક પણ રૂમ ખાલી નથી. આશા રાખું છું કે તમે મને માફ કરશો.’
દાદા-દાદીએ એકબીજા સામે જોયું. એટલી તોફાની રાતે હવે હાઇવે પર આગળ કઇ રીતે વધવું એની ચિંતા બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. દાદા લાચારીના ભાવ સાથે જરાક હસ્યા અને બોલ્યા, ‘ઇટ્સ ઓલરાઇટ જેન્ટલમેન!’ પછી દાદા-દાદી બહાર જવા માટે પાછાં ફર્યાં.
બરાબર એ જ વખતે પેલો ડેસ્ક-ક્લાર્ક બોલ્યો, ‘પરંતુ સર! તમારા જેવા સરસ દંપતીને આટલી તોફાની તેમજ વરસાદી રાતે અને અત્યારે આ સમયે પાછા મોકલતાં મારો જીવ નથી ચાલતો. આજની મારી લાચારી ન હોત તો હું તમને ક્યારેય પાછા ન જવા દેત.’
‘પણ જેન્ટલમેન આમાં તમે શું કરી શકો? તમારી પાસે એક પણ રૂમ ખાલી ન હોય એમાં તમારો શો વાંક ગણાય? આવી પરિસ્થિતિમાં મને તો તમારો કોઇ વાંક નથી દેખાતો!’ દાદા બોલ્યા.
અચાનક ક્લાર્કના મગજમાં ચમકારો થયો. એ બોલ્યો, ‘એક ઉપાય થઇ શકે, સર! જો વાંધો ન હોય તો તમે બંને જણ આજની રાત મારા રૂમમાં રહી જાઓ. એ સ્વિટ-રૂમ (સૂટ) નથી, પરંતુ ખાસ્સો સુવિધાજનક તો જરૂર છે. મારું માનવું છે કે એક રાત તો આપ જરૂર આરામથી રહી શકશો.’
‘પરંતુ ભાઇ!’ દાદા ખચકાયા, ‘પછી તમે શું કરશો?’
‘અરે સર! મારે તો આજે નાઇટ ડ્યૂટી છે. મારે સૂવાનું તો છે જ નહીં. એટલે હું આમેય એ રૂમનો ઉપયોગ કરવાનો નથી. તમે લોકો નિ:સંકોચપણે મારા રૂમમાં રહી શકો છો.’
ક્લાર્કના આવા સૌહાદપૂર્ણ વ્યવહારથી દાદા-દાદી ખુશ થઇ ગયાં. એ રાત પૂરતું એ લોકોએ એના રૂમમાં ઊતરવાનું નક્કી કરી નાખ્યું.
સવારે બિલ ચૂકવતી વખતે દાદાએ અત્યંત આભારની લાગણી સાથે ડેસ્ક-ક્લાર્ક જોડે હાથ મિલાવતાં કહ્યું, ‘ભાઇ! તમે એક એવી વ્યક્તિ છો કે જે કોઇ વૈભવશાળી હોટેલનાં મેનેજરનું પદ શોભાવી શકે. મારા મતે આવી નાનકડી હોટેલના ડેસ્ક-ક્લાર્ક તરીકે તમારી ક્ષમતા કરતાં તમે ઘણા નીચા પદ પર છો. કાંઇ વાંધો નહીં. ગઇ કાલ રાતના તમારા સૌહાર્દપૂર્ણ વ્યવહારથી અમે બહુ ખુશ થયાં છીએ. મને થાય છે કે એકાદ દિવસ હું તમારા માટે એક અતિ વૈભવશાળી હોટેલ જરૂર બનાવીશ!’ એટલું કહી તેઓે આગળ વધી ગયાં.
આ વાતને બે વરસ થઇ ગયાં. ડેસ્ક-ક્લાર્કના મગજમાંથી તો આ વાત સંપૂર્ણપણે નીકળી પણ ગઇ હતી. એ અરસામાં પેલા દાદા તરફથી એને એક કાગળ મળ્યો. ક્લાર્કે નવાઇ સાથે કાગળ ખોલ્યો. એમાં એ રાતનાં તોફાનની, અવિરત પડેલા વરસાદની, ક્લાર્કે પોતાનો રૂમ આપીને કરેલા ઉપકારની વાતો લખી હતી. એ ઉપરાંત દાદા-દાદીએ એને ન્યૂયોર્ક જલદી આવી જવા માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. સાથે ન્યૂયોર્કની રિટર્ન ટિકિટ પણ સામેલ હતી.
આશ્ર્ચર્ય સાથે એ ક્લાર્ક ન્યૂયોર્ક પહોંચ્યો. પેલા દાદા-દાદીને મળ્યો. દાદા અને દાદી એને ન્યૂયોર્કના ફિફ્થ એવેન્યુ તરીકે ઓળખાતા રસ્તાના ખૂણા પર પડતી તેંત્રીસ નંબરની શેરી સુધી લઇ ગયા. ત્યાં જઇ, એક આછા રતુંબડા રંગની તેર માળની ભવ્ય ઇમારત સામે આંગળી ચીંધીને દાદાએ કહ્યું, ‘જો ભાઇ, આ હોટેલ સામે જો ! આ વિશાળ હોટેલ મેં તારા માટે બનાવી છે. મેં તને કહ્યું હતું ને કે તું એક નાનકડી હોટેલના ક્લાર્ક તરીકે નહીં, પરંતુ કોઇ વૈભવશાળી હોટેલના મેનેજર તરીકે જ શોભે યાદ છે? હવે આ હોટેલના મેનેજરનું પદ તારે સંભાળવાનું છે! હવે તું જ એનો મેનેજર અને તું જ એનો બોસ!’
આ સાંભળીને પેલો ક્લાર્ક બિલકુલ બઘવાઇ ગયો. ઘડીક તો આ વાત એના માન્યામાં જ ન આવી. થોથવાતા અવાજે એ બોલ્યો, ‘નહીં સર! લાગે છે કે તમે મારી મશ્કરી કરી રહ્યા છો!’
‘નહીં મારા ભાઇ! હું સાવ સાચું જ કહું છું! તું જ હવેથી આ હોટેલનો સર્વેસર્વા મેનેજર અને બોસ છો! બસ, જલદીથી આવીને તારું કામ સંભાળી લે અને એ કામને તારા ઉત્તમ વર્તનથી દિપાવ!’ માયાળુ અવાજે અને સત્યના નક્કર રણકા સાથે દાદા બોલ્યા.
પેલો ક્લાર્ક કશું જ બોલી ન શક્યો. એને ગળે ડૂમો ભરાઇ ગયો. એણે દાદાના બંને હાથ પકડી લીધા. મૌનની એ ક્ષણોમાં કોઇ બોલતું નહોતું, પરંતુ બંનેને એકબીજાની વાત બરાબર સમજાતી હતી.
***
એ દાદાનું નામ હતું વિલિયમ વાલ્ડોર્ફ એસ્ટર અને એ ભવ્યાતિભવ્ય ફાઇવસ્ટાર હોટેલ હતી વાલ્ડોર્ફ એસ્ટોરિયા હોટેલ. પેલો યુવાન જે વાલ્ડોર્ફ એસ્ટોરિયા હોટેલનો પ્રથમ મેનેજર બન્યો એ હતો જ્યોર્જ સી.બોલ્ટ.
ક્યારેક કોઇને નિ:સ્વાર્થ મદદ કરતી વેળાએ આપણે એના હૃદયને અજાણપણે જ સ્પર્શી જતાં હોઇએ છીએ! કોના હૃદયને ક્યારે સ્પર્શી જઇશું એ આપણને ક્યાં ખબર છે?