તંત્રી સ્થાનેથી
સહુ વાચકમિત્રોને વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં હર્ષભેર ભાગ લેવા બદલ હાર્દિક અભિનંદન. ખાસ તો ગુજરાત ખાતે અમદાવાદમાં યોગ દિવસની ભવ્ય ઉજવણીરૂપે બાબા રામદેવે હાજરી આપી આખા ઈવેન્ટને યાદગાર બનાવ્યો. જોકે, વિશ્ર્વ સ્તરે યોગને લોકો સુધી પહોંચાડવામાં તથા ભારતીય મૂળ સહિત વિદેશી લોકોને પણ યોગનું જીવનમાં મહત્વ શું છે તે અંગે જાગૃતિ લાવવામાં આપણાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો ફાળો સૌથી મહત્વનો કહી શકાય.
જ્યારે માણસને તંદુરસ્તીસભર જીવન જીવવા માટે યોગની સાથે પર્યાવરણ પણ એટલું જ સ્વચ્છ અને ખૂશનુમા હોવું જરૂરી છે. જે બાબતે વિશ્ર્વ આખામાં ૫ મી જૂને પર્યાવરણ દિવસની પણ સરસ રીતે ઉજવણી કરવામાં આવી. તેમાંય ખાસ કરીને આજે વિશ્ર્વ સ્તરે પ્લાસ્ટિકનો જે રીતે વપરાશ વધ્યો છે તે જોતા પ્લાસ્ટિકથી માનવ અને જળચર સૃષ્ટિને જોખમી લાગતા પરિબળો વિશે બધા દેશો આજે જાગૃત થયા છે.
જ્યારે બીજી તરફ દેશમાં નકસલવાદ,આતંકવાદની પીડા પણ એટલી જ દાહક બની છે. તો બીજી તરફ અમેરિકા જેવા દેશમાં સ્થાયી થયેલા આપણાં ગુજરાતી બાંધવોએ ગુજરાતની છબી એટલી સરસ બનાવી છે. આજે અમેરિકન રાજકીય ક્ષેત્રે પણ ભારતીયોની બોલબાલા છે. તેની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના જુદા જુદા ઉત્સવોમાં અમેરિકનો પણ એટલા જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે જે ભારતની ભાતીગળ સંસ્કૃતિનું વિદેશની ધરતી પર એક વિશિષ્ટ ગૌરવ કહી શકાય.
આ અંકમાં પણ ખાસ કરીને પર્યાવરણ વિષયક આર્ટિકલ વાંચવો ખૂબ ગમશે. તો અમેરિકામાં ભારતીયો દ્વારા કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિશેની માહિતી પણ એટલી જ રોચક છે. જ્યારે નિયમિત સ્ટોરીઝ સાથે યોગ વિશેષ આર્ટિકલ સાથેનો આ અંક ઘણાં મુદ્દાઓ પર દ્રષ્ટિપાત કરાવનારો છે..!