– ‘બધિર’ અમદાવાદી
આમ તો મારે મોર સાથે કોઇ દુશ્મની નથી. હકીકતમાં મોર મારું પ્રિય પક્ષી છે. ગુજરાતીના પેપરમાં જ્યારે જ્યારે ‘મારું પ્રિય પક્ષી’ વિશે નિબંધ લખવાનો આવ્યો છે ત્યારે મેં ‘મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે’ વાક્યથી શરૂ કરીને લાંબા લાંબા નિબંધો લખ્યા છે. ચિત્રકામના પીરિયડમાં પણ મને મોર દોરવો વધુ ગમતો. મારા ચિત્તમાં મોરલો એટલો સમાઇ ગયેલો કે હું ચકલી, પોપટ કે હંસ દોરું એમાં પણ મોરની ઝલક દેખાતી. અમારા વ્યાસ સાહેબ તો મેં દોરેલું પક્ષી કયા દેશનું છે એ મને ખાસ પૂછતા. એક શિક્ષક હોવા છતાં એમની નવું જાણવાની ઇચ્છા જોઇને એમના પ્રત્યેનો મારો અહોભાવ ઓર વધી જતો.
હમણાં સુધી મારા મનમાં પણ ફાંકો હતો, આપણે મોર વિશે બધું જાણીએ છીએ, પણ હું ખોટો હતો અને એ વાત મને રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયમૂર્તિ (નિવૃત્ત) શ્રી શર્માજીએ સમજાવી છે. એ કૈંક નવું શોધી લાવ્યા છે! એ સમજવા વિચારો કે, તમારે સાઇકલના કેરિયર પર સાવરણીઓ ભરાવીને ઘેર ઘેર જઇને સાવરણીઓ ખોલી ખોલીને બતાવવાની હોય તો તમને કેવું લાગે? તો પછી કઇ કમાણી પર મોર લોકો એવડા મોટા પૂછડાં ઊંચકીને ઢેલે ઢેલે ફરીને પૂછડાંના પથારા ખોલીને એનું પ્રદર્શન કરતાં ફરતા હશે? કોના માટે? તમે કહેશો ઢેલ માટે, પણ એવું નથી! હું પણ તમારા જેવું જ માનતો હતો. પણ જસ્ટિસ શર્મા સાહેબનું કહેવું છે કે મોર તો આજીવન બ્રહ્મચારી રહે છે! ઢેન્ટેણેન… તો પછી એના ચીતરેલા ઇંડાનું શું? તો શર્મા સાહેબ કહે છે કે ઢેલ ફક્ત મોરના આંસુ પીને ગર્ભાધાન કરે છે! વન્ડરફુલ!
આ સમાચાર સોશિયલ મીડિયાના તાવડામાં ભજિયાંની જેમ પડ્યા અને ઉપડ્યા! સોશિયલ મીડિયા આવા જ કોઇ મસાલાની તો રાહ જોતું હોય છે. તમે પણ એક મિનિટ કલ્પનાના ગધેડાને જરા છુટ્ટો મૂકીને એક સીનની કલ્પના કરો કે વાદળા ઘેરાયેલા છે. ઠમ-ઠમ વરસાદ વરસે છે અને એવામાં ઢેલ જરા રોમાન્ટિક અંદાજમાં મોરને કહે કે, ‘મોરું ડાર્લિંગ… આજે સન્ડે છે. લોંગ ફ્લાઇટ પર જઇશું?’ અને જવાબ મળે કે ‘જો ઢેલુ, આજે ભારત પાકિસ્તાનની મેચ છે અને મને રડવાની જરાય ઇચ્છા નથી! સમ અધર ડે પ્લીઝ…’ તો કેવું લાગે?
જસ્ટ જોકિંગ. પણ શર્મા સાહેબની વાત સાચી હોય તો ઘણા પ્રશ્ર્નો ઉપસ્થિત થાય. જેમ કે, અત્યારે મોરની વસ્તીમાં જે વધારો દેખાય છે એ શેને આભારી છે? શું મોર લોકોએ ટહુકવાનું છોડીને ભેંકડા તાણવાનું રાખ્યું હશે? અમારે ત્યાં તો કૂતરા કરતાં મોર વધારે છે પણ કોઇ મોરને આંસુ સારતા જોયો નથી! આમ પણ ખસીકરણને કારણે કૂતરાઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે કૂતરાઓ કરતાં મોરની સંખ્યા વધી જાય તો ઘણા ગૂંચવાડા પણ ઊભા થાય. ધારો કે કૂતરાનું સ્થાન મોર લેશે તો શું સમાજ કૂતરાને મોરનું સ્થાન આપશે? શું કવિઓ કૂતરાના ‘ભાઉ-ભાઉ’ ઉપર કવિતાઓ લખશે? મોરપીચ્છના બદલે શ્ર્વાનપૂચ્છ પર કવિતાઓ લખતાં કવિઓના હાથ તો નહિ કંપે ને? યાદ રાખજો. કૂતરાઓ ટોડલા પર બેસીને ટહુકા નથી કરવાના. એ તો તમારી ગાડીના છાપરે ચઢીને લીસોટા પાડશે જે લીસોટો તમને પાંચ હજાર રૂપિયે મીટરના ભાવે પડશે. મોર કંઇ કૂતરાની જેમ તમારા ઘરની ચોકી નથી કરવાના. એ બનીઠનીને ફર્યા કરશે. થોડાં સમય પહેલાં ગોવાના કૃષિમંત્રીએ પણ ફરિયાદ કરી હતી કે મોર પાકને નુકસાન કરે છે. બોલો આ બધું ચલાવાય? ના ને? તો પછી મોરની વસ્તી વધતી અટકાવવાના ઉપાયો વિચારવા પડશે.
આજેે મોરની વસ્તીમાં જે વધારો દેખાય છે એ બતાવે છે કે આપણાં મોરલાઓ દુ:ખી છે! હવે રાષ્ટ્રીય પક્ષીને મારી તો શકાય નહિ! એટલે સૌ પહેલાં તો મોર દુ:ખી કે ઉદાસ થઇને રડવા ન માંડે એ માટે સહુએ મળીને પ્રયત્નો કરવા પડશે. આ એક માત્ર રસ્તો છે. મોરને વરસાદ પ્રિય છે એટલે તમારા આંગણે આવેલો મોર ખુશ થઇને નાચતો-કૂદતો પાછો જાય એ માટે ઘેર-ઘેર રેઇન ડાન્સની સગવડ ઊભી કરવી જોઇશે. સાથે ડીજે રાખો તો, તો મોરના માથે કલગી! નવા આર્કિટેક્ચર પ્રમાણે બનેલા ઘરોમાં ટોડલા હોતા નથી એટલે ક્યાં બેસીને બોલવું એ મૂંઝવણમાં મોર રડતા હોય એવું પણ બને. આવા ક્ષુલ્લક કારણસર મોરના ઘરમાં બે-ચાર ખાનારા વધી જાય એના કરતાં સરકારે મોરના મનોરંજન માટે ટોડલાઓ બનાવીને એનું મફત વિતરણ કરવું જોઇએ. આપણે ગરીબોના આંસુ બહુ લૂછ્યાં, હવે સમય છે મોરનાં આંસુ લૂછવાનો. બસ, મોરને મોજમાં રાખો! એ રીતે મોરની વસતી પણ કાબૂમાં રહેશે અને રાષ્ટ્રીય પક્ષી માટેનો પ્રેમ પણ યથાવત્ રહેશે.