– પ્રદીપ ત્રિવેદી
એટલાન્ટા એ યુએસમાં સૌથી વધુ જોવાલાયક શહેરોમાં સાતમો ક્રમ ધરાવતું શહેર છે. વિશ્ર્વનું સૌથી મોટું ઇન્ડોર માછલીઘર ધરાવતું એટલાન્ટા પ્રવાસ, કલા, શિક્ષણ, ટેક્ધોલોજિ અને મનોરંજન માટે વિશ્ર્વવિખ્યાત છે.
વિશ્ર્વનું સૌથી વ્યસ્ત હવાઇમથક અને પ્રગતિશીલ વિચારો માટે વિશ્ર્વવિખ્યાત એવું એટલાન્ટા શહેર એ યુએસના જ્યોર્જિયા રાજ્યની રાજધાની છે. સાંસ્કૃતિક અને આર્થિક વિકાસનું એ હબ છે.
યુનાઇટેડ સ્ટેટસમાં સૌથી વધુ જોવાલાયક શહેરોમાં સાતમો ક્રમ ધરાવતું એટલાન્ટા છે. જે આપણા મુંબઇથી ૮૪૯૮ માઇલ યાને ૧૩,૬૭૬.૨૧ કિ.મી. દૂર આવેલું, ગાડીઓના ધમધમાટવાળું, સતત દોડતું શહેર છે. નોટિકલ માઇલ પ્રમાણે તેનું અંતર ૭૩૮૪.પ૬ માઇલ છે. મુંબઇના સમયથી સાડા નવ કલાક પાછળ સમય ધરાવતું એટલાન્ટા યુનાઇટેડ સ્ટેટસમાં નવમું સૌથી મોટું મેટ્રો પોલિટન શહેર છે. જેની અંદાજે વસતી ૪,૭ર,પરરની છે. (૨૦૧૬)
વિશ્ર્વનું સૌથી મોટું ઇન્ડોર માછલીઘર ધરાવતું એટલાન્ટા પ્રવાસ, કલા, શિક્ષણ, ટેક્ધોલોજી અને મનોરંજન માટે જાણીતું છે. વિશ્ર્વના શહેરોમાં ૪૦મો ક્રમ અને ર૭૦ અબજ ડોલરના કુલ ઘરેલું ઉત્પાદન સાથે રાષ્ટ્રમાં આઠમું સ્થાન ધરાવતું એટલાન્ટા લોજિસ્ટિક્સ પ્રોફેશનલ, બિઝનેસ સર્વિસીસ, મીડિયા ઓપરેશન્સ, ઇન્ફર્મેશન ટેક્ધોલોજીનું હબ છે.
વિશ્ર્વની સૌથી મોટી ડ્રાઇવ-ઇન રેસ્ટોરન્ટ ધરાવતા એટલાન્ટામાં ખાણીપીણીની જયાફત માણવાની ખૂબ મજા આવે છે. અહીં વિશ્ર્વના તમામ પ્રકારના ભોજન અને પીણાઓ મળે છે. પીણામાં વિશ્ર્વવિખ્યાત ‘કોકાકોલા’નું મ્યૂઝિયમ પણ ખાસ જોવા જેવું તો ખરું! પણ સાથોસાથ વિશ્ર્વભરના પીણાં ચાખવાનું પીણાં કેન્દ્ર પણ છે! અહીં તમામ દેશોની વિવિધ ફ્લેવરની કોક સાવ મફતમાં પી શકાય તેટલી પીવા મળે છે. વિવિધ ખાણીપીણી સાથે ડિકેટર વિસ્તારમાં આવેલ ‘ચાય-પાની’ રેસ્ટોરન્ટમાં આપણા ગુજરાતી ટેસ્ટવાળા પ. પૂ. મોરારી બાપુને ભાવે છે તેવા ભજિયાં, ઢોકળાં, પાણીપુરી, દહીંપુરી, હાંડવો, પતરવેલા વગેરે મળે છે. મજાની વાત તો એ છે કે આ રેસ્ટોરન્ટમાં કોઇ ગુજરાતી વ્યક્તિ નથી.
પ્રવાસમાં જો મનગમતું ભોજન મળી જાય તો ટેસડો થઇ જાય ! વિશ્ર્વના ૩પ મિલિયન જેટલા પ્રવાસીઓ એટલાન્ટા શહેરની મુલાકાતે વર્ષ દરમિયાન આવતા હોય છે. એટલે અહીં પ્રવાસીઓની આંખ સાથે પેટનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આંખને ગમે તેવા નયનરમ્ય સ્થળો, સ્વચ્છતા અને ગ્રીનરી છે તો પેટને, જીભને મજા પડે તેવા ચટાકેદાર વ્યંજનો મળે છે. ર૧મી સદીની શરૂઆતથી એટલાન્ટા એક ‘સોફિસ્ટિકેટેડ રેસ્ટોરન્ટ ટાઉન’ તરીકે ઉપસી આવ્યું છે. વેસ્ટ મીડ ટાઉનમાં ‘બૌકાડો’, ‘બેક્કનલીયા’ અને ‘મિલર યુનિયન’ રેસ્ટોરન્ટ છે. મીડ ટાઉનમાં ‘એમ્પાયર સ્ટેટ સાઉથ’ અને ‘ઇસ્ટ સાઇડ’માં બે અર્બન લિક્સ અને રથબુન વિખ્યાત છે. જીભના ચટાકા અને પેટના પટારા ભરવા માટે અહીં વિશ્ર્વભરના પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઊમટી પડે છે. આ ઉપરાંત બફોર્ડ હાઇવે અને સિટી ઇન્ટરનેશનલ કોરિડોર પર તો વિશ્ર્વભરની ખાણીપીણી મળે છે. જ્યાં વિશ્ર્વ એક રાષ્ટ્ર છે તેવું લાગે છે. મેરી મેકની ટી રૂમ, ફાસ્ટફૂડ ચેઇન, પાસ્કલની પણ મુલાકાત લેવા જેવી છે.
એટલાન્ટા ફરવા માટે સમરની મોસમ સારી ગણાય. અહીંની આબોહવા ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય છે. વરસાદ પ્રમાણમાં પણ આખું વર્ષ પડે છે. ઉનાળો ગરમ અને ભેજવાળો રહે છે. અહીં બહુ બરફ પડતો નથી. એટલે આમ આ શહેર હવામાનની દૃષ્ટિએ ખૂબ સારું છે.
એટલાન્ટાનું એક આકર્ષણ વિશ્ર્વનું સૌથી મોટું માછલીઘર છે, જે ‘જ્યોર્જિયા એક્વેરિયમ’ છે. આ એક્વેરિયમ પેમ્બર્ટન પ્લેસ ખાતે ર૦ એકરમાં આવેલું છે જે એક્વેરિયમમાં એક લાખ (૧,૦૦,૦૦૦)થી વધુ વિવિધ પ્રકારની રંગબેરંગી અને વિવિધ કદની અદ્ભુત માછલીઓ આવેલી છે. ૭૦૦થી વધુ તો પ્રજાતિઓ છે. ડોલ્ફિન માછલીઓની કરામત ખૂબ આશ્ર્ચર્ય પમાડે તેવી છે. તેના ખાસ ટ્રેઇનરો દ્વારા તેને ટ્રેઇન કરવામાં આવે છે. સૌથી મોટી ટાંકીનું કદ ૬.૩ મિલિયન યુએસ ગેલન છે. જ્યારે ટાંકીઓનું કુલ વોલ્યુમ ૧૦ મિલિયન યુએસ ગેલનથી વધુ છે. આ જ્યોર્જિયા એક્વેરિયમ ર૩ નવેમ્બર, ર૦૦પના રોજ ખુલ્લું મૂકાયું હતું. આ એક્વેરિયમની વાર્ષિક મુલાકાતની સંખ્યા ર.૪ મિલિયનથી વધુ જોવા મળે છે. મીરર ટનલ પણ ખૂબ આકર્ષક છે. એ ટનલમાંથી પસાર થતાં માછલીઓ આપણી ઉપર તરતી-સરકતી દેખાય છે.
આ વિસ્તારમાં જ આવેલ કોકાકોલાનું વર્લ્ડ ઓફ કોકાકોલા, સેનેટેનિયલ ઓલિમ્પિક પાર્ક, જ્યોર્જિયા ડોમ, ફિલિપ્સ એરેના, વિખ્યાત સીએનએન સેન્ટર અને ડાઉન-ટાઉન ખાસ જોવા જેવા છે. આ બધું જ્યોર્જિયા એક્વેરિયમની આજુબાજુ જ આવેલ હોઈ એકસાથે બધું ચાલતા-ચાલતા જોઇ શકાય છે.
સીએનએન સેન્ટર એ સીએનએનનું મુખ્ય મથક છે. સીએનએનની કેટલીક ચેનલો માટે મુખ્ય ન્યૂઝ રૂમ અને સ્ટુડિયો છે. ટાઇમ વોર્નરની પેટા કંપની ટર્નર બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ પણ કાર્યરત છે. સીએનએન સેન્ટર ડાઉન-ટાઉન એટલાન્ટા જ્યોર્જિયામાં છે, જે સેન્ટેનિયલ ઓલિમ્પિક પાર્કની નજીક છે.
‘વર્લ્ડ ઓફ કોકાકોલા’ મ્યૂઝિયમ પણ જોવા જેવું છે. ૯ર,૦૦૦ ચો. ફૂટમાં પથરાયેલું આ મ્યૂઝિયમ ૯૭ મિલિયન ડોલરના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને તેને ર૦૦૭માં ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. આ મ્યૂઝિયમમાં કોકાકોલાનો ઇતિહાસ અને તેની ફોર્મ્યુલા દર્શાવવામાં આવેલ છે. મુલાકાતીઓ વિશ્ર્વભરના જુદા જુદા ૬૦ પ્રકારના સ્વાદ અહીંના પીણા પીને માણી શકે છે.
વિવિધ બોટલોના આકાર અને ડિઝાઇનનું પણ અદ્ભુત પ્રદર્શન છે. અહીંનું ફોર-ડી થિયેટર પણ જોવા કરતાં અનુભવવા જેવું રોમાંચક છે.
અહીં જ્યોર્જિયા એક્વેરિયમ, સીએનએન અને વર્લ્ડ ઓફ કોકાકોલાની પેકેજ ટિકિટ મળે છે. આ ઉપરાંત એટલાન્ટામાં માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર નેશનલ હિસ્ટોરિક સાઇટ સહિતના ઐતિહાસિક સંગ્રહાલયો, એટલાન્ટા સાયક્લોરામા એન્ડ સિવિલ વોર મ્યૂઝિયમ, કાર્ટર સેન્ટર અને પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી, સ્ટોન માઉન્ટેઇન પાર્ક, એટલાન્ટા બોટોનિકલ ગાર્ડન, મ્યૂઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટ ઓફ જ્યોર્જિયા વગેરે જોવા જેવા છે. માર્ગારેટ મિશેલ હાઉસ એન્ડ મ્યૂઝિયમ પણ વિશ્ર્વવિખ્યાત છે. શિખરબદ્ધ સ્વામિનારાયણનું મંદિર પણ
દર્શનીય છે.
‘બહારોં ફૂલ બરસાઓ…મેરા મહેબૂબ આયા હૈ…’ આ મોંઘેરા, પ્રિય મહેબૂબને ફૂલોથી નવાજવા એટલાન્ટા શહેરમાં ૩૪૩ જેટલા પાર્ક્સ, ઉદ્યાનો આવેલા છે. જે લીલીછમ હરિયાળી લોન અને વૃક્ષો સાથે રંગબેરંગી ફૂલોથી સજાવેલા જોવા મળે છે. આ બધામાં સૌથી વધુ આકર્ષણરૂપ પિડમોન્ટ પાર્ક છે, જે મીડ ટાઉનમાં આવેલ છે. આ પાર્કનું સૌંદર્ય નિહાળવા વિશ્ર્વભરના પ્રવાસીઓ ઊમટી પડે છે. આ ઉપરાંત સેન્ટોનિયલ ઓલિમ્પિક પાર્ક, વુડ્રફ પાર્ક, ગ્રાન્ટ પાર્ક અને ચેસ્ટન પાર્ક પણ વિશિષ્ટતા ધરાવતા પાર્ક છે. પાઇડમોન્ટ પાર્કની બાજુમાં આવેલા એટલાન્ટા બોટનિકલ ગાર્ડનમાં ઔષધીય બગીચાઓ છે જેમાં જાપાનનો બગીચો અને રોઝ ગાર્ડન, જંગલ વિસ્તારો અને વરસાદી તેમજ રણપ્રદેશમાંથી છોડના ઇન્ડોર પ્રદર્શનનો સમાવેશ થાય છે. કેનડેડા કેનોપી વૉક બોટનિકલ ગાર્ડન જે છતવાળું છે તે જોવા જેવું છે.
ઓલિમ્પિક રમતોત્સવની શતાબ્દિ (૧૯૯૬નો ઓલિ. રમતોત્સવ) જ્યાં રંગચંગે ઉજવવામાં આવી હતી તે એટલાન્ટા શહેરમાં જોગિંગ એ લોકપ્રિય સ્થાનિક રમત છે. વિશ્ર્વની સૌથી મોટી ૧૦ કિ.મી. રેસ અહીં ઇન્ડિપેન્ડેન્સ-ડેના રોજ દર વર્ષે યોજાય છે. જ્યોર્જિયા મેરેથોન જે સેન્ટેનિયલ ઓલિમ્પિક પાર્કમાં શરૂ થાય છે અને સમાપ્ત થાય છે. એટલાન્ટામાં ગોલ્ફ અને ટેનિસ પણ લોકપ્રિય રમત રહી છે. શહેરમાં છ હજાર ગોલ્ફ કોર્સ અને ૧૮ર ટેનિસ કોર્ટ છે. જ્યારે ચટ્ટાહુચી નદીના કિનારે વૉટર સ્પોર્ટસ ઉત્સાહીઓને કાયકિંગ, કેનોઇંગ, બોટિંગ-ટ્યુબિંગ જેવી રમતોને રમી શકાય છે. જ્યારે હિસ્ટોરિક ફોર્થ વોર્ડ પાર્કમાં એક માત્ર સ્કેટ પાર્ક આવેલ છે જે ૧પ,૦૦૦ ચો. ફૂટની છે. કોલેજ ફૂટબોલ હોલ ઓફ ફેમ જે કોલેજ ફૂટબોલ અને રમતવીરોને સન્માન આપે છે.
માર્ટિન લ્યુથર કિંગ જુનિ. જિમી કાર્ટર (જ્યોર્જિયાના ગવર્નર, ૩૯મા પ્રેસિડેન્ટ), જેમ્સ વેગનર (ઇમોસ યુનિ.ના પ્રેસિડેન્ટ), ગુન્નાર બેન્ટઝ (ઓલિમ્પિયન) ટેડ ટર્નર (મીડિયા મોગલ) એને ટી હિલ (ફેશન ડિઝાઇનર), માર્ગારેટ મિશેલ (રાઇટર) ઇસાબેલ, મોનિકા કાલ્હુન, જુલિયા રોબર્ટસ, હોલિ હન્ટર (અભિનેતા-અભિનેત્રી) જેવા મહાનુભાવો દેશને આપનાર એટલાન્ટા ગ્રીસનું ઓલિમ્પિયા, જાપાનનું ફુકુઓકા, રોમાનિયાનું બુખારેસ્ટ, બેલ્જિયમનું બ્રસેલ્સ, બ્રાઝિલનું રિયો ડિ જનેરિયો, ફ્રાન્સનું તાઉલોઉસ જેવા ૧૭ શહેરોનું સિસ્ટર સિટીઝ છે.
એટલાન્ટા એ ‘સિટી ઇન એ ફોરેસ્ટ’થી વિખ્યાત છે. એ ‘ડોગવૂડ ફેસ્ટિવલ’નું હબ છે. એટલાન્ટામાં ‘ડેલ્ટા’ એરલાઇન્સનું હબ છે. નેશનલ જ્યોગ્રાફિક્સ દ્વારા એટલાન્ટાને ‘પ્લેસ ઓફ અ લાઇફ ટાઇમ’ નામ આપેલ છે. આમ, વૃક્ષોથી છવાયેલું, હરિયાળું એટલાન્ટા શહેર એ સૌંદર્યવાન અને જોવાલાયક શહેર છે.