જેમ ભારતમાં મક્કમ મનોબળથી સ્પષ્ટપણે પોતાની મનની વાત કરે, રાષ્ટ્રહિતમાં પગલાં ભરે એવા નેતાની જરૂર હતી એવી જ જરૂરિયાત અમેરિકામાં પણ હતી. કાળું નાણું બહાર કાઢવા માટે જેવી નોટબંધીની શરૂઆત થઇ એવી જ કોઇક શરૂઆત હવે અમેરિકી પક્ષે પણ થઇ શકે એવી ધારણા રાજકીય પંડિતો સેવી રહ્યા છે. કારણ કે, આમ તો અમેરિકાએ હિલેરીને જાહેરમાં ટેકો કર્યો હતો પણ પડદા પાછળ તેમણે આખાબોલા ટ્રમ્પને પસંદ કર્યા અને જીતાડ્યા.
હિલેરી સામે ટ્રમ્પ નબળા હતા, છતાં જીતી ગયા હતા. કેમ કે, તેમણે અમેરિકનોની મુશ્કેલીની સતત ચર્ચા કરી હતી. ટ્રમ્પેમાય અમેરિકા, ફર્સ્ટ માય નેશન જેવા ઉદ્ગારો દરેક ભાષામાં કહે રાખ્યા હતા. જેના કારણે સ્થાનિક અમેરિકનોમાં પોતાના માટે કામ કરનારા એક નેતાની જરૂરિયાત તેઓ કાયમ અનુભવતા હતા એ આશાનું કિરણ એમને ટ્રમ્પમાં દેખાયું. આ પરિબળ અનુભવી હિલેરીની સામે નવા-સવા ટ્રમ્પને જીત અપાવી ગયું. ટ્રમ્પનું કરિયર ફિનિક્સ-દેવહુમા પક્ષી જેવું રહ્યું છે.
આજે અબજોની મિલકત અને વેપાર ધરાવતા ટ્રમ્પ અમેરિકાના સફળ બિલ્ડર છે. એમની કંપનીનું ભારતમાં પણ રોકાણ છે. એટલે ભારત સાથે એમના રાજકીય ઉપરાંત વ્યક્તિગત હિત પણ સંકળાયેલા છે. ૬૯ વર્ષીય ટ્રમ્પ અબજોપતિ છે. દુનિયાના માતબર શહેરોના પોશ એરિયા સાથે સંકળાયેલા રિયલ એસ્ટેટના કારોબારમાં ઊંડે સુધી ખૂંપેલી તેમની કંપની ટોચની ગણાય છે. એ સિવાય પણ અનેક ક્ષેત્રમાં તેમનો કારોબાર ફેલાયેલો છે.
પંદર વર્ષ પહેલાં જ પ્રમુખપદની ચૂંટણી લડવાની તૈયારી કરી ચૂકેલા ટ્રમ્પને ત્યારે આરંભિક નિષ્ફળતાઓ મળી હતી. એટલે સમય વર્તીને તેમણે પીછેહઠ કરી લીધી હતી. જોકે, આ વખતે તેમણે પાક્કી તૈયારી સાથે ઝંપલાવ્યું. અમેરિકન પ્રમુખપદની ચૂંટણીની વિશેષતા એ છે કે પ્રમુખપદની રેસમાં સામેલ થતાં પહેલાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે રાષ્ટ્રવ્યાપી સમર્થન મેળવવું પડે. ટ્રમ્પ આશ્ર્ચર્યજનક રીતે આ દરેક કસોટીમાં ખરા ઉતર્યા છે.
ટ્રમ્પે બહુ શરૂઆતથી જ વિવાદાસ્પદ, આખાબોલા અને ચોંકાવનારા વિધાનો વડે નોખો ચીલો ચાતર્યો હતો. એક ચૂંટણીસભામાં તેમણે અમેરિકન વોરહીરો જ્યોર્જ પેટનના યાદગાર ભાષણના અંશો કહ્યા હતા, જેમાં સરેરાશ જનતા અને વૈશ્ર્વિક માધ્યમો પોતાની નોંધ લે એ માટે ટ્રમ્પે જીભને છૂટ્ટી મૂકી દીધી હતી. ખાસ કરીને તેમના મુસ્લિમવિરોધી વલણને લીધે મળેલી કુખ્યાતિને તેઓ બહુ ચબરાકીથી ખ્યાતિમાં પરિવર્તિત કરી શક્યા છે અને એનું પરિણામ આપણી સામે છે.
ટ્રમ્પ પોતાના વ્યક્તિગત જીવનમાં ખૂબ જ રંગીન રહ્યા છે. એક પછી એક મોડેલ, હિરોઇન સાથે ત્રણ-ત્રણ લગ્ન કરી ચૂકેલા ટ્રમ્પની લીલી વાડી છે. પોતાના વ્યવસાય માટે જે રીતે ફાયદાકારક નિર્ણયો લેવામાં એમની માસ્ટરી છે એવી માસ્ટરી એ રાજનીતિમાં પણ બતાવશે એવી આશા રાખવી અસ્થાને નથી.