– મનોજ વ્યાસ
માત્ર 8 વર્ષની વયે પોતાના ડ્રોઈંગના કસબને જીવંત કરનાર, 1956ની સાલમાં જન્મેલા મનોજ વ્યાસની આર્ટને તેમના પિતાજીએ ઓળખી. તેમણે પોતાના બાળક મનોજના ઈંટના ટૂકડાથી શેરીના લોકોની ભીંતો ચીતરવાના કસબમાં એક વિશિષ્ટ સર્જનાત્મકતાને નિહાળી. તેમના પિતાએ જ તેમને આર્ટ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા આપી.
શાળાકાળ પછી પોતાના પેઈન્ટીંગ્સમાં નિખાર લાવવા માટે તેમણે એસએસજી સ્કૂલ ઑફ આર્ટસ જોઈન કરીને આગળ જતા વધુ અભ્યાસાર્થે વિખ્યાત જે.જે.સ્કૂલ ઓફ આર્ટસ, મુંબઈમાં આર્ટસ વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી.
મુંબઈના ખ્યાતનામ અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ સાથે તેમણે સ્કૅચ અને લે-આઉટ આર્ટિસ્ટ્ તરીકેની કારકિર્દી શરૂ કરી. મનોજભાઈએ 1985ના વર્ષમાં ન્યૂયોર્ક જવાનો નિર્ણય લીધો ત્યારે શરૂઆતમાં ત્યાં ગયા પછી તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. પછી ઈન્ડીયા અબ્રોડ ન્યૂઝ પેપર્સ સાથે તેમણે દિવસ-રાત કામ કર્યું. પરંતુ, આ કામના ભારણમાં અને પારિવારિક જવાબદારીઓમાં તેઓ પોતાની કલાને ન્યાય ન આપી શકતા તેમણે પોતાની કલાને એક શોખ તરીકે પણ જીવંત રાખવાનું નક્કી કર્યું.
આજે મનોજભાઈના દરેક પેઈન્ટીંગ્સની થીમમાં જુદીજુદી વિચારધારાઓ પ્રવર્તે છે. જેમાં આધુનિક જગતના નવા દ્રષ્ટિકોણ સાથે સાત રંગોની માનવજીવનના જુદા જુદા પ્રસંગોમાં અભિવ્યક્તિની વિશેષતા તેમના પેઈન્ટીંગ્સમાં જોવા મળે છે.
મનોજભાઈ નિખાલસ રીતે જણાવતા કહે છે કે, ‘હું મારા પેઈન્ટીંગ્સને અન્ય પ્રોફેશનલ આર્ટિસ્ટ્સની જેમ બજારમાં વેચતો નથી કારણકે, મને પ્રોફેશનલ બેઝ પર એમાંથી રૂપિયા કમાવીને મારી કલાનું કોમર્શીયલાઈઝેશન કરવું ગમતું નથી.’ સ્ત્રીઓના હાવભાવની રંગ અભિવ્યક્તિને તેમણે તેમના ન્યૂડ પેઈન્ટીંગમાં ખૂબ જ તાદ્શરૂપે રજૂ કરેલું પેઈન્ટીંગ ખૂબ વખણાયું. જેમાં ન્યૂડીટી સાથે વપરાયેલા અનેક રંગો વિશે તેમને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ‘સ્ત્રીને અત્યાર સુધી કોઈ કળી નથી શક્યું કે વાસ્તવમાં સ્ત્રીને ક્યો રંગ વધું પસંદ છે. અથવા તો સ્ત્રીના મનને કળી શકવામાં અત્યાર સુધી બધા જ અસમર્થ રહ્યા છે. તેને કારણે આ પેઈન્ટીંગમાં પણ એવી જ રીતે ન્યૂડીટીને જુદા જુદા રંગો થકી આલેખવામાં આવી છે.’ જ્યારે જગતને આર્ટ વિશે અને અન્ય કોઈ બાબતે સંદેશો આપવો હોય તો મનોજભાઈ પોતાના પેઈન્ટીંગ્સથી આપે છે. અશોક જૈન ગેલરીમાં તેમની કલાને લોકોએ ખૂબ જ વખાણી હતી. તેમના પેઈન્ટીંગમાં બાજીરાવ મસ્તાનીનું પેઈન્ટીંગ ખૂબ જ આકર્ષક છે અને તેમની કલાત્મકતા સાથે જુદાજુદા રંગોની તેમની પરખને જીવંતરૂપે વર્ણવે છે. આ પેઈન્ટીંગ બનાવતા તેમને લગભગ 8 વર્ષ જેવો સમય લાગ્યો હતો. તેની વિશેષતા એ છે કે તેમાં પ્રેમના પ્રતિકરૂપે લીલા રંગનો ખૂબ જ અપીલીંગ ઉપયોગ કર્યો છે.
રંગોળી વિશે જણાવતા તેઓ કહે છે કે, ‘ભારતમાં પાવડરની રંગોળી થાય છે. પરંતુ અહીં એવી રંગોળી મળતી નથી તેથી હવે દૂધના જુદાજુદા ઢાંકણાઓ ભેગા કરીને તેમાં માર્બલ પીસીસ રાખીને તેની રંગોળી બનાવવાનો એક નવો પ્રયોગ કર્યો. જેમાં તેને રીયુઝ કરવાનો પણ અવકાશ રહે છે.’
તેઓ વધુમાં જણાવે છે કે,‘અનેક રંગથી લાગણીઓ અને સંવેદનો પ્રકટ કરી શકાય છે પરંતુ પ્રેમ માટે એક્ઝેટ ક્યો રંગ છે તે વિશે કોઈ હજી સુધી સમજી શક્યું નથી.’
આજે વૈશ્ર્વિક શાંતિ માટે શું કલાકારની કોઈ ભૂમિકા છે? તો તે બાબતે મનોજ વ્યાસ જણાવે છે કે,‘ થાય ત્યાં સુધી એકમેકને મદદરૂપ થતા રહેવું. કલાકાર ખરેખર તો પોતાની કલાથી વિશ્ર્વમાં શાંતિનો સંદેશ ફેલાવી શકે- એવો તેનો અભિગમ હોવો જોઈએ.’
બાજીરાવ મસ્તાનીનું પેઈન્ટીંગ પૂર્ણ કરતા આઠ વર્ષ જેટલો ધીરજ માંગી લેનારો સમય લાગ્યો. જેમાં લીલો રંગ લવ થીમ તરીકે રાખ્યો છે.