સૂટકેસ!

સૂટકેસ!

- in I K Vijaliwala, Inspiring Story
1584
Comments Off on સૂટકેસ!

એક માણસને લાગ્યું કે એ મૃત્યુ પામ્યો. મૃત્યુ પામ્યા પછી એણે જોયું કે એની આજુબાજુનાં વાદળોમાંથી સફેદ પ્રકાશ આવી રહ્યો હતો. થોડીવાર પછી એ પ્રકાશ એકદમ તીવ્ર બની ગયો અને અચાનક એમાંથી ભગવાન પ્રગટ થયા. સંપૂર્ણપણે અંજાઇ ગયેલા એ માણસે માંડ માંડ આંખો ખોલી.

એણે જોયું કે ભગવાન એની એકદમ પાસે આવી ગયા હતા. એની આંખ બરાબર જોતી થઇ ત્યારે એને એકદમ નવાઇ લાગી. ભગવાનના હાથમાં એક મોટી સૂટકેસ હતી. એને ઉત્સુકતા તો ઘણી થઇ પણ એ ચૂપ રહ્યો.

‘ચાલ દીકરા! હવે જવાનો સમય થઇ ગયો છે!’ મંદ મંદ હસતા ભગવાન બોલ્યા.

‘પરંતુ ભગવાન! આટલું બધું જલદી?’ પેલો માણસ થોડા ખચકાટ અને ઘણી બધી નારાજગી સાથે બોલ્યો, ‘હજુ તો મારે ઘણા કામ બાકી છે, મારા ઘણા પ્લાન અધૂરા છે. ઘણી વસ્તુઓ કરવાની બાકી છે અને ઘણું બધું મેળવવાનું પણ રહી ગયું છે!’

‘હું એ બધું જાણું છું દીકરા!’ ભગવાન બોલ્યા, ‘પરંતુ જ્યારે જવાનો સમય આવે ત્યારે કોઇનાથી એક ક્ષણ પણ રોકાઇ શકાતું નથી. એટલે ચાલો હવે!’

ન છૂટકે ચાલવાની તૈયારી કરતાં પેલાએ પૂછ્યું, ‘હું એક વાત પૂછી શકું પ્રભુ?’

‘હા, કેમ નહીં? પૂછ, શું પૂછવું છે તારે?’

‘આ તમારા હાથમાં છે એ સૂટકેસમાં શું છે?’ એણે પોતાનું કુતૂહલ વ્યક્ત કર્યું.

‘અરે! આ મારા હાથમાં છે એ સૂટકેસમાં?’ ભગવાન હસી પડતાં બોલ્યાં, ‘એમાં તારી આખીય જિંદગીમાં તારું કહી શકાય એવું જે કાંઇ હતું એ બધું છે! અહીં નિયમ છે કે જે તમારું હોય એ જ તમારી સાથે આવે!’

‘મારું એટલે?’ પેલાએ પૂછ્યું.

‘તારું એટલે તારા અધિકારમાં જે હતું અને જેનો માલિક તું હતો એ બધું!’ ભગવાને જવાબ આપ્યો.

પેલા માણસની ઉત્સુકતા હવે તો એકદમ વધી ગઇ. એનાથી પૂછ્યા વિના ન રહેવાયું. એ બોલી ઊઠ્યો, ‘એટલે પ્રભુ! તમારા કહેવાનો અર્થ એવો છે કે એમાં મારી વસ્તુઓ, એટલે કે મારાં કપડાં, મોબાઇલ ફોન, પૈસા, ઘરેણાં એવું બધું છે?’

‘ના દીકરા! એ બધું તો ધરતીનું હતું, તારું નહીં, એટલે એમાંનું કાંઇ નથી!’ ભગવાને જવાબ આપ્યો.

‘તો પછી મારી સારી કે ખરાબ સ્મૃતિઓ કે યાદગીરીઓ હશે, બરાબર?’

‘ના, એ તો બધું સમયના અધિકારમાં હતું! તારા અધિકારમાં નહીં?’

‘તો પછી એમાં મારી બુદ્ધિ, મારી સ્માર્ટનેસ છે?’ આટલું પૂછતાં પણ એ માણસના અવાજમાં થોડો ગર્વ છલકી ગયો.

ભગવાન મલક્યા, પછી બોલ્યા, ‘ના બેટા! એ બધું તો જે તે ઘટનાનું હતું. એ તારું નહોતું!’

હવે પેલાના મનમાં બરાબરનો ગૂંચવાડો ઊભો થયો. એને હવે આ બધું કોયડા જેવું લાગવા માંડ્યું હતું. એ બોલ્યો, ‘તો પ્રભુ! એમાં મારા મિત્રો, કુટુંબીજનોના અસ્તિત્વના સૂક્ષ્મ અંશો છે?’

ભગવાન ફરીથી હસી પડ્યા અને બોલ્યા, ‘અરે ગાંડિયા! એ બધા તારા થોડા હતા? એ બધા તો જિંદગીના રસ્તે મળી ગયેલા સાથીઓ હતા, હમસફર હતા!’

‘તો પછી મારા પત્ની અને બાળકો?’

‘એ પણ તારા હૃદયને વરેલાં હતાં, તારા હૃદયે એમને પોતાનાં ગણી લીધાં હતાં, એ બધાં પણ તારાં કુટુંબીજનોની માફક તારાં હમસફર જ હતાં. એ ક્યારેય તારાં હતાં જ નહીં!’

હવે પેલાને નવાઇ લાગવા માંડી. એને સમજાતું નહોતું કે પોતાનું એવું તો શું આવડી મોટી સૂટકેસમાં ભર્યું હશે કે જે ભગવાનને ખુદને ઉપાડવી પડે છે? એણે થોડાક વિચાર પછી હિંમત એકઠી કરીને પૂછી લીધું, ‘તો શું પ્રભુ! એમાં મારું શરીર છે?’

‘અરે ભાઇ! એ તો ફક્ત માટી જ હતું! એના પર તો પૃથ્વીનો અધિકાર હતો. એ તો ધૂળનું બનેલું હતું અને ધૂળમાં ભળી ગયું!’

‘તો પછી ભગવાન! હવે તો એક જ વસ્તુ બાકી રહે છે – મારો આત્મા! શું એમાં મારો આત્મા છે?’

ભગવાન આ વખતે તો ખડખડાટ હસી પડ્યા. પછી બોલ્યા, ‘વ્હાલા દીકરા! તારો આત્મા પણ ક્યાં તારો હતો? એ તો મારો હતો. એ તો મારી અમાનત હતી. તું જ જોઇ લે, તું અત્યારે મારી પાસે જ છે!’

હવે પેલાને મૂંઝવણ થઇ આવી. પૂછવા જેવું બધું જ એણે પૂછી લીધું હતું. એ વિચારમાં પડી ગયો. જ્યારે એને કાંઇ જ ન સૂઝયું ત્યારે એણે ભગવાનને વિનંતી કરી, ‘પ્રભુ! હવે હું મૂંઝાઇ ગયો છું. તમે આજ્ઞા આપો તો હું સૂટકેસમાં જોઇ શકું કે એમાં શું છે?’

‘વ્હાલા દીકરા! તારો આત્મા પણ ક્યાં તારો હતો? એ તો મારો હતો, મારી અમાનત હતી. તું જ જોઇ લે, તું અત્યારે મારી પાસે જ છે!’

‘ચોક્કસ!’ ભગવાને એનું નામ લખેલી એ મોટી સૂટકેસ એના હાથમાં આપી. કંપતા હાથે એણે એ ખોલી. અંદર જોયું, એ સ્તબ્ધ થઇ ગયો. સૂટકેસ બિલકુલ ખાલી હતી.

એણે ઘડીક ખાલી સૂટકેસ સામે જોયે રાખ્યું. એ પછી એની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. ભગવાન તરફ ફરીને, બે હાથ જોડીને એણે પૂછ્યું, ‘તો શું પ્રભુ! દુનિયામાં મારું કાંઇ કરતાં કાંઇ જ નહોતું?’

‘હા મારા દીકરા! તેં જે કાંઇ ગણાવ્યું એમાંનું કાંઇ પણ તારું હતું જ નહીં. તારું જો કાંઇ પણ કહી શકાય એવું હોય તો એ હતી તને જે જીવવા મળી હતી, માણવા મળી હતી, બધા જોડે રહેવા મળી હતી એ ક્ષણ.’

‘મને યાદ કરવા મળી હતી એ બધી ક્ષણો! બસ, એ ક્ષણો જ તારી માલિકીની હતી. બાકી કશું જ તારું નહોતું!’

શૂન્યમનસ્ક બનીને પેલો ઊભો રહી ગયો. ભગવાન મંદ હાસ્ય વેરતા ઊભા રહ્યા. બસ, ત્યારે જ એ માણસની આંખ ખૂલી ગઇ.

* * *

નથી લાગતું કે ઘણું બધું ભેગું કરવામાં લાગી રહેવા કરતાં ભેગા થઇને જીવી લેવું જોઇએ. જીવનની દરેક ક્ષણને માણવી જોઇએ. દરેક ક્ષણે મન ભરીને જીવવું એનું નામ જ ઉત્તમ જિંદગી!

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ