એક આંખવાળી મા!

એક આંખવાળી મા!

- in I K Vijaliwala
3224
Comments Off on એક આંખવાળી મા!

આઈ.કે. વીજળીવાળા

એક છોકરાની માતાને એક જ આંખ હતી. બીજી આંખની જગ્યાએ ફક્ત એક ખાડો હતો. એ છોકરાને એનાથી ખૂબ જ શરમ આવતી. એ અને એની મા એમ બે જ જણ ઘરમાં રહેતાં હતાં. એ લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. એની મા પારકા ઘરનાં કામ કરીને એ બંનેનું પૂરું કરતી હતી. મા રોટલો રળવામાં રાત-દિવસ એક કરીને મજૂરી કરી રહી છે એ પેલા છોકરાના ધ્યાનમાં ક્યારેય આવતું નહીં. એને તો બસ પોતાની કાણી માનો દેખાવ જ ખટક્યા કરતો.

એક દિવસ કોઇક જરૂરી કામથી એની મા એની નિશાળે આવી હતી. પોતાની કાણી મા આવી એ પેલા છોકરાને જરા પણ ન ગમ્યું. પોતાની મા સાથે વાત કરવાને બદલે એ દોડતો ત્યાંથી ભાગી ગયો. એ દિવસે ઘરે પહોંચીને એ પોતાની મા સાથે બરાબરનો ઝઘડ્યો. બરાડા પાડીને એણે કહ્યું, “તું મારી નિશાળે શું કામ આવી? બધા મારી મશ્કરી કરે એ તને ગમતું લાગે છે કાં?’ ‘તારી મા તો એક આંખે કાણી છે’ એવું કહીને બધા મને ચીડવે છે. આના કરતાં તો હું ક્યાંક ભાગી જાઉં અથવા તું જતી રહે અથવા તું મરી જા!

આવેશમાં ને આવેશમાં એ આવું કેટલું અને કેવું બોલી ગયો. એનો એને ખ્યાલ જ નહોતો રહ્યો. પણ એની માતા કાંઇ ન બોલી. ચૂપચાપ ઊભાં ઊભાં એ આંસુ સારતી રહી.

પછી તો દિવસો એમ જ પસાર થતા ગયા. પેલો છોકરો મોટો થયો. કોલેજ પૂરી કરી એ પરદેશ જતો રહ્યો. ત્યાંની જ એક છોકરી સાથે એણે લગ્ન કરી લીધાં. એ વખતે માતાને જાણ કરવા માટે પોતાના સરનામાવાળો કાગળ એને લખેલો. બસ, એ પછી કોઇ જ જાતનો પત્રવ્યવહાર એણે પુત્ર સાથે ક્યારેય કરેલો જ નહીં. વરસો વીતતાં ગયાં. એને ત્યાં પણ બાળકો થયાં.

એક દિવસ એની મા અચાનક એના લગ્ન વખતે લખેલ પત્રમાં રહેલા સરનામાને આધારે શોધતી શોધતી એના ઘરે પરદેશ પહોંચી ગઇ. દીકરાને જોયાને એક દાયકાથી પણ વધારે સમય પસાર થઇ ગયો હતો એટલે એનાથી રહેવાયું નહીં. એણે પોતાના એક દાયકાની કમાણીમાંથી પાઇ પાઇ બચાવીને ટિકિટ ખરીદી હતી અને માંડ પરદેશ પહોંચી હતી. દીકરાને ત્યાં પણ હવે દીકરા-દીકરી આવી ગયાં હશે એ વિચારથી જ એને આનંદ થતો હતો. પૌત્ર-પૌત્રીને જોવાની એક છૂપી તાલાવેલી પણ એના મનમાં સ્થાન લઇ ચૂકી હતી.

એ દિવસે ઘરે પહોંચીને એ પોતાની મા સાથે બરાબરનો ઝઘડ્યો. બરાડા પાડીને એણે કહ્યું, ‘તું મારી નિશાળે શું કામ આવી? તારી મા તો એક આંખે કાણી છે- એવું કહીને બધા મને ચીડવે છે.’

ઘણી મહેનત પછી એને દીકરાનું ઘર મળ્યું. ઘરનાં બારણાં પર દીકરાના નામની તકતી વાંચીને જ એની આંખમાં આંસુ આવી ગયાં. એણે વહાલથી એ તકતી ઉપર બે વાર હાથફેરવી લીધો. પછી ધ્રૂજતા હાથે ડોરબેલ વગાડી. દીકરાના મોટા દીકરાએ બારણું ખોલ્યું. એની જોડે એનાથી નાની બહેન હતી. બંને છોકરાં વિચિત્ર પોશાક પહેરેલી એક આંખવાળી વૃદ્ધ સ્ત્રીને જોઇને જોરજોરથી હસવા લાગ્યાં. પણ સૌથી નાનો દીકરો એને જોઇને રડવા લાગ્યો. એના રડવાનો અવાજ સાંભળીને અંદરથી એનો દીકરો દોડતો બહાર આવ્યો. પોતાની કાણી માને જોઇને એક ક્ષણમાં જ એ પરિસ્થિતિ પામી ગયો અને એક વખત નિશાળમાં મા આવી ગઇ હતી અને એ જેવી રીતે ગુસ્સે થયો હતો એવી જ રીતે ગુસ્સે થઇને બરાડ્યો, ‘અરે! મારી અભાગણી મા! તું અહીંયાં પણ મારા બાળકોને ડરાવવા આવી પહોંચી? પણ કાન ખોલીને સાંભળી લે, તારા માટે આ ઘરમાં કોઇ જ જગ્યા નથી. સારું તો એ જ રહેશે કે તું અહીંયાંથી ચાલી જા.’

એ જ વખતે એની પત્ની અંદરથી બહાર આવી. એક આંખવાળા માજીને રડતાં જોઇને એણે પોતાના પતિને પૂછ્યું, ‘કોણ છે આ માજી? એમને શું જોઇએ છે?’

દીકરો કાંઇ બોલ્યો નહીં. એણે કરડી નજરે એની મા સામે જોયા કર્યું.

માને થયું કે હવે દીકરાને વધારે ક્ષોભમાં નથી મૂકવો. એણે મન વાળ્યું કે પુત્રવધૂ અને દીકરાના સંતાનોને જોવાની ઇચ્છા તો પૂરી થઇ જ ગઇ હતી. આંખો લૂછીને એ બોલી, ‘માફ કરજો ભાઇ! મેં તમને સૌને ખોટા હેરાન કર્યા. મને કદાચ ખોટું સરનામું મળ્યું લાગે છે!’ એટલું કહીને એ ત્યાંથી નીકળી ગઇ.

એ પછી એકાદ વરસે એનો દીકરો જ્યાં ભણ્યો હતો એ નિશાળમાં એક સ્નેહમિલન સમારંભ રાખવામાં આવ્યો હતો. એમાં જે તે વરસમાં ભણતા બધા વિદ્યાર્થીઓને હાજર રહેવાનું શાળા તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. એ છોકરાની શાળામાં ભણી ચૂકેલા એના બધા મિત્રોએ એને હાજર રહેવા માટે ખૂબ ભારપૂર્વક આગ્રહ કર્યો હતો. બધાના આગ્રહને કારણે એ પોતાની પત્ની અને બાળકોની રજા લઇને પોતાના ગામ આવ્યો.

ગામમાં આવ્યા પછી પ્રથમ વખત એને પોતાના ઘરે જવાની ઇચ્છા થઇ. એ ઘરે જ્યાં પોતે પોતાનું બાળપણ પસાર કર્યું હતું. ઘડીક એણે મનને મારીને રાખ્યું. સ્નેહમિલન સમારંભ શરૂ થવામાં હજુ ઘણી વાર હતી. એનાથી રહેવાયું નહીં. મિત્રને કહીને એ ત્યાંથી નીકળ્યો અને બાળપણના ઘરે પહોંચ્યો. જઇને જોયું તો ખંડેર બની ગયેલું એ ઘર બંધ હાલતમાં હતું. એણે પાડોશીને પૂછયું તો એમણે જણાવ્યું કે છ મહિના પહેલાં એની મા મૃત્યુ પામી હતી અને મરતાં પહેલાં એક પત્ર આપતી ગઇ હતી અને કહેતી ગઇ હતી કે કોઇ દિવસ એનો દીકરો આવે તો એને એ પત્ર આપવો.

દીકરો એટલો નીંભર હતો કે માના મોતની વાતથી પણ એને કોઇ દુ:ખ ન થયું. પરંતુ કાણી માએ પત્રમાં શું લખ્યું હશે એ જાણવાની એને ઇચ્છા જરૂર થઇ હતી. એણે પત્ર ખોલ્યો. પત્રમાં એની માએ લખ્યું હતું :

‘મારા વહાલા દીકરા!

દરેક ક્ષણે અને દરેક શ્ર્વાસે હું તને જ યાદ કરું છું અને મરતાં સુધી યાદ કરતી રહીશ. એ દિવસે તારાં બાળકો ડરી ગયાં હતાં એના માટે હું તારી માફી માગું છું.

આ સાથે જ બીજી એક વાતની પણ હું માફી લઉં છું. મારા એક આંખવાળા ચહેરાને કારણે તારે જે નાનમ અનુભવવી પડી એના માટે હું શરમિંદા છું. પણ શું કરું દીકરા? તું નાનો હતો ત્યારે તને એક અકસ્માત નડેલો. એમાં તારી એક આંખમાં ખૂબ નુકસાન થયેલું. તારી આંખના આગળના કાળા ભાગમાં સફેદ ફૂલું થઇ ગયેલું. તું આખી જિંદગી એક આંખ સાથે જીવે એ મને જરાય પસંદ નહોતું. એના માટે મેં મારી એક આંખનો એ ભાગ કઢાવીને તારી આંખમાં બેસાડાવ્યો હતો. એના લીધે મારી આંખ કાયમ માટે નકામી થઇ ગઇ. પણ તું બંને આંખે દેખતો થઇ ગયો એ મારા માટે સૌથી મોટી વાત હતી. હું ભલે આખી જિંદગી કાણી રહી, પણ તને કોઇ કાણિયો નહીં કહે એનો આનંદ મને હંમેશાં રહ્યો છે અને રહેશે બેટા!

બસ! મારી આંખેથી પણ તું દુનિયા જોતો રહીશ એનાથી મને હંમેશાં સુખ મળતું રહેશે. મારા મર્યા પછી પણ તું અને તારું કુટુંબ કાયમ સુખી અને ખુશ રહો એવા મારા અંતરના આશીર્વાદ…’

– એ જ લિ. તારી કાણી માના આશીર્વાદ,

પત્ર પૂરો થયો. એ નીંભર માણસની આંખમાંથી ગંગા-જમના વહેવા લાગ્યાં. પત્રને છાતીએ લગાવીને ધ્રૂસકે ધ્રૂસકે રડતો એ બેસી ગયો. જિંદગીમાં પહેલી વાર એને પોતાની ભૂલ સમજાઇ. જીવતી માને હંમેશાં એણે નફરત જ કરી હતી, પરંતુ આજે એને પોતાની મરેલી મા ખૂબ વહાલી લાગવા માંડી હતી. એને પારાવાર પસ્તાવો થવા લાગ્યો. પણ જેણે નફરતનાં વૃક્ષો જ વાવ્યાં હોય એના નસીબમાં પસ્તાવાની છાંયડી ક્યારેય નથી હોતી. એની સાથે પણ એમ જ બન્યું હતું.

નીંભર માણસની આંખમાંથી ગંગા-જમના વહેવા લાગ્યા. પત્રને છાતીએ લગાવીને ધ્રૂસકે ધ્રૂસકે રડતો એ જમીન પર બેસી ગયો…

 

Facebook Comments

You may also like

Feelings Post – November 2025

Feelings, one of India’s most trusted family magazine