વારસાને જાળવતો અંબાણી પરિવાર

વારસાને જાળવતો અંબાણી પરિવાર

- in Cover Story
2735
Comments Off on વારસાને જાળવતો અંબાણી પરિવાર
Ambani family

– એચ.દેસાઇ

રિલાયન્સનો પાયો નાંખી આજે દેશભરમાં એક અનેરી ખ્યાતિ મેળવનાર

પુરુષાર્થથી સફળતાને વરેલા ધીરુભાઇ અંબાણી પરિવારની અનોખી વાત

આપણાં સપનાં વધારે મોટા જ હોવા જોઇએ. આપણી મહત્ત્વાકાંક્ષા ઊંચી હોવી જોઇએ. આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઇએ અને આપણા પ્રયત્ન મહાન હોવા જોઇએ. રિલાયન્સ અને ભારત માટેનું આમારું સપનું છે.’

આ શબ્દો છે ‘ધીરુભાઇ’ના હુલામણા નામથી જાણીતા એવા અસામાન્ય માનવી ધીરજલાલ હિરાચંદ અંબાણીના.  ‘અસામાન્ય’ હોવા છતાં એક સામાન્ય માનવીના રૂપમાં જીવન જીવી ગયેલું આ અનેરું વ્યક્તિત્વ આજે પણ લોકોના હૈયે વસેલું છે… રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું નામ આવે એટલે ધીરુભાઇ યાદ આવે જ. ર૮ ડિસેમ્બર, ૧૯૩૨… ગુજરાતના જૂનાગઢમાં આવેલા ચોરવાડમાં હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે ખુશીનો માહોલ હતો. અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા શ્રી મોઢ વણિક પરિવારને ત્યાં બાળકનો જન્મ થયો હતો. જેનું નામ પડ્યું ધીરજ. આ નામ પાડયું ત્યારે ક્યાં ખબર હતી કે વિશ્ર્વભરમાં આ નામનો ડંકો વાગશે. તેમનું બાળપણ વીત્યું નાનકડા ગામ ચોરવાડમાં. ત્યાર બાદ તેઓએ જૂનાગઢમાં હાઇસ્કૂલ શિક્ષણ પ્રાપ્ત કર્યું. પિતા હીરાચંદ અંબાણી ચોરવાડમાં તાલુકા સ્કૂલમાં હેડમાસ્તર હતા. તેમના પાંચ સંતાનો પુત્રી તિલોત્તમા, રમણીકલાલ, ધીરુભાઇ, નટવરલાલ, પુત્રી પુષ્પાબહેન. આમ, હિરાચંદ પરિવારના બીજા સંતાન એટલે ધીરુભાઇ.

જૂનાગઢથી ૭૩ કિ.મી. દૂર આવેલા ચોરવાડ ગામમાં મોટા ભાગની વસ્તી કોળી જ્ઞાતિની હતી. જોકે થોડી ઘણી બ્રાહ્મણ, વાણિયા, હરિજન, રબારી અને મુસલમાનોની પણ વસ્તી હતી. રેલવે, રોડ વગેરેની સવલતો છતાં ૧૯૩૨ના સમયે ચોરવાડ બહુ પછાત ગામ હતું. આમ છતાં શિક્ષક પિતાના સાંનિધ્યમાં તેમણે બાળપણથી સંઘર્ષમાં જીવતાં શીખી લીધું હતું. જૂનાગઢમાં મેટ્રિક પાસ કરીને તરત જ તેમણે માત્ર ૧૭ વર્ષની ઉંમરે જિંદગીની સફર એક સાવ અજાણ્યા દેશ એડનમાં જઇને શરૂ કરી. ત્યાં એક પેટ્રોલ પંપના કર્મચારી તરીકે કામગીરી કરતાં કરતાં પોતાની પણ એક ઓઇલ રિફાઇનરી હોય એવાં સપનાં જોતાં. બાળપણથી તેઓ મોટા સપના જોવામાં માનતા. હા, એ પ્રમાણે મહેનત પણ કરતા. એડનમાં માત્ર ૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કાું.માં તેમણે કામ કર્યું. બે વર્ષ બાદ એ.બીસ એન્ડ કાું. શેલ ઉત્પાદનોની ડિસ્ટ્રિબ્યુટર બની અને ધીરુભાઇને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી.

આઠ વર્ષના તેમના એડનના સમયકાળ દરમિયાન ધીરુભાઇએ પેટ્રોલ ઉદ્યોગ અંગેની વિસ્તૃત માહિતી મેળવી…જે ભવિષ્યમાં તેમને ખૂબ જ ઉપયોગી બની. એડનમાં રહીને તેઓએ કમાણી કરવાની કોઇ પણ તક જતી ન કરવી તેમજ રોજબરોજની કામગીરી સાથે વધુ અર્થોપાર્જનની તકો ઊભી કરવાની ચીવટ મેળવી. સાથે સાથે અહીં આરબ દેશો સાથે સંબંધો કેળવવાની ભૂમિકા પણ ઊભી કરી લીધી…. આ દરમિયાન તેમના લગ્ન થયા કોકિલાબેન સાથે. જેના થકી તેમને બે દીકરા મુકેશ અને અનિલ તથા બે દીકરીઓ નીતા કોઠારી અને હીના સલગાંવકર થયા.

The-legendary-Dhirubhai-Ambani-Wallpaper-1-580x422

રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન

૧૯૬રમાં ધીરુભાઇ ભારત પાછા આવ્યા અને મુંબઇમાં રહીને ધંધો કરવો એવું નક્કી કર્યું. પરંતુ તે માટે તેમની પાસે પૂરતી મૂડી ન હતી. તેથી ભાગીદારીમાં કામકાજ શરૂ કરવું એમ નક્કી કર્યું. પોતાની નાનકડી મૂડી અને ભાગીદારીથી ઊભી થયેલી રૂા.૧૫,૦૦૦ની મૂડીથી ધીરુભાઇએ રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન સ્થાપના કરી. રિલાયન્સ એ પોલિયેસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી.

ચંપકલાલ દામાણી તેમના બીજા પિતરાઇ કે જેઓ એડન, યમનમાં તેમની સાથે હતા. તેમની સાથે ભાગીદારીમાં કારોબાર શરૂ કર્યો. રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની પ્રથમ ઓફિસ મસ્જિદ બંદરની નરસીનાથ ગલી ખાતે શરૂ કરવામાં આવી. જેમાં ૩પ૦ ચો. ફૂટ, એક ટેલિફોન, એક ટેબલ અને ત્રણ ખુરશી સાથેનો ઓરડો હતો. શરૂઆતમાં કારોબારમાં મદદ કરવા તેમની પાસે બે સહાયક હતા. ૧૯૬પમાં ચંપકલાલ દામાણી અને ધીરુભાઇ અંબાણી વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યો અને ધીરુભાઇએ પોતાની રીતે શરૂઆત કરી. બંનેની પ્રકૃતિ અને કારોબારની કામગીરીમાં અલગ પદ્ધતિ હોવાનું માનવામાં આવે છે. દામાણી સાવધ વેપારી હતા અને યાર્નના માલ-સામાનના નિર્માણમાં રોકાણ માટે અસંમત હતા. જ્યારે કે ધીરુભાઇ સાહસવૃત્તિ માટે જાણીતા હતા અને તેઓ માનતા હતા કે ભવિષ્યમાં કિંમતો વધશે અને તેથી નફો મેળવવા માટે માલ-સામાનનું નિર્માણ જરૂરી હતું. ૧૯૬૮માં તેઓ દક્ષિણ મુંબઇના અલ્ટમાઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. ૧૯૭૦ના દસકાના અંત સુધીમાં અંબાણીની અંદાજિત સંપત્તિ રૂપિયા ૧૦ લાખ હતી.

રિલાયન્સ ટેક્સટાઇલ :

ટેક્સટાઇલના વ્યવસાયમાં ઉજળી તકો હોવાનું લાગતાં ધીરુભાઇએ પોતાની પ્રથમ ટેક્સટાઇલ મિલ ૧૯૭૭ના વર્ષમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં શરૂ કરી. પોલિયેસ્ટર ફાઇબર યાર્નના ઉપયોગથી ટેક્સટાઇલનું ઉત્પાદન થતું હતું. ધીરુભાઇએ ‘વિમલ’ બ્રાન્ડ શરૂ કરી. પોતાના મોટા ભાઇ રમણીકભાઇ અંબાણીના દીકરા વિમલ અંબાણીના નામ પરથી તેમણે આ નામ રાખ્યું હતું. ભારતના અંતરિયાળ ગામડાઓમાં સઘન માર્કેટિંગના કારણે ‘વિમલ’ નામ ઘરે ઘરે જાણીતું નામ બન્યું. ફ્રેન્ચાઇઝી રિટેઇલ આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા અને તેઓ ‘ઓન્લી વિમલ’ બ્રાન્ડના કાપડ વેચતા. ૧૯૭પના વર્ષમાં વિશ્ર્વ બેંકની ટેક્ધિકલ ટીમે વિમલના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી. તે સમયે આ એકમને વિકસિત દેશના ધોરણો મુજબ પણ શ્રેષ્ઠ હોવાનું પ્રમાણપત્ર અપાયું હતું. આજે રિલાયન્સ ટેક્સટાઇલ મિલ એ ભારતની સૌથી મોટી ટેક્સટાઇલ મિલ ગણાય છે. ખૂબ જ અદ્યતન એવી આ મિલમાં આજે ૧૦,૦૦૦થી વધુ કામદારો રોજી મેળવે છે.

relianceindustries

પ્રારંભિક જાહેર ભરણું (ઈંઙઘ):

ભારતમાં ઇક્વિટી કલ્ટ (શેરમાં રોકાણના પ્રવાહ)ની શરૂઆતનું શ્રેય ધીરુભાઇ અંબાણીને આપવામાં આવે છે. ૧૯૭૭માં દેશના વિવિધ ભાગોમાંથી પ૮,૦૦૦થી વધુ રોકાણકારોએ રિલાયન્સનો આઇપીઓ ભર્યો હતો. ગ્રામીણ ગુજરાતના નાના રોકાણકારોને એવું સમજાવવામાં ધીરુભાઇ સફળ રહ્યા હતા કે કંપનીના શેરધારક બનવાથી તેમને લાભ થશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાનગી ક્ષેત્રની પ્રથમ એવી કંપની હતી કે જેની વાર્ષિક સાધારણ સભાઓ સ્ટેડિયમોમાં યોજાતી હોય. ૧૯૮૬માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક સાધારણ સભા મુંબઇના ક્રોસ મેદાનમાં યોજાઇ હતી અને રિલાયન્સ પરિવારના ૩પ,૦૦૦ શેરધારકો અને રિલાયન્સ કુટુંબે તેમાં ભાગ લીધો હતો.

પ્રથમ વખત રોકાણ કરી રહેલા રિટેલ રોકાણકારોને રિલાયન્સમાં રોકાણ કરવા માટે સંમત કરવામાં ધીરુભાઇ સફળ રહ્યા હતા. ૧૯૮૦ના દસકાની શરૂઆતમાં અંબાણી પરિવારની અંદાજિત ચોખ્ખી સંપત્તિ એક અબજ રૂપિયા જેટલી હતી.

સમય વીતતાં ધીરુભાઇ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાંસલ કરવાની સાથે ટેલિકોમ્યુનિકેશન્સ, ઇન્ફર્મેશન ટેક્ધોલોજી, એનર્જિ, પાવર, રિટેલ, ટેક્સટાઇલ, ઇન્ફ્રાસ્ટ્રકચર સેવાઓમાં, મૂડી બજારો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કારોબારનો વિસ્તાર કર્યો. ત્યારે બીબીસીએ કંપનીનું વર્ણન આ રીતે કર્યું હતું… ‘૧૨ અબજ ડોલરના અંદાજિત ટર્નઓવર સાથે ૮પ,૦૦૦નું મજબૂત શ્રમબળ ધરાવનાર ઉદ્યોગ સામ્રાજ્ય એટલે રિલાયન્સ’. ધંધો જામી જતાં તેઓએ અનેક પ્રશંસા મેળવી હતી. તો સાથે સાથે ઘણી બધી ટીકાઓનો પણ સામનો કર્યો છે. છતાં પોઝિટિવ થિંકિંગ ધરાવતા ધીરુભાઇને કોઇ વાંધો ના આવ્યો.

પુત્રો મુકેશ અને અનિલે પિતાના વારસાને વેગ આપ્યો:

શૂન્યમાંથી સર્જન કરનાર ધીરુભાઇએ સર્જેલા આ મહાન ઔદ્યોગિક સામ્રાજ્યને તેમના પુત્રો મુકેશ અને અનિલે ૧પ વર્ષ દરમિયાનની પિતાની પ્રેરણા હેઠળ ઊંચી ને ઊંચી બુલંદીઓ સર કરતું કર્યું. આકાશને કોઇ મર્યાદા નથી એ સાબિત કરી દીધું… ર૪મી જૂન, ર૦૦રનો દિવસ… અંબાણી પરિવાર માટે ભારે રહ્યો હતો. ધીરુભાઇને સેરિબ્રલ સ્ટ્રોક આવ્યો. તરત જ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમને ખસેડ્યા અને શરૂ થયો તેમના જીવનનો આખરી સંગ્રામ. દરમિયાન બંને પુત્રો મુકેશ અને અનિલનો ધંધામાં સક્રિય પ્રવેશ થયો. દંતકથા રૂપ બની ગયેલ ધીરુભાઇના જીવન માટે દેશમાં અનેક સ્થળોએ પ્રાર્થના સભાઓ યોજાઇ. પરંતુ દવા કે દુઆઓ કશું જ કારગત નીવડ્યું નહીં અને ૬ જુલાઇ, ર૦૦રના રોજ તેઓ આખરી સલામ કરી ગયા.

પિતાની સાથે રહી જે સઘન તાલીમ અને જવાબદારી મુકેશ અને અનિલને મળી તેનાથી તેઓ ખૂબ ઘડાઇ ગયા હતા. તેઓએ આ જ ગાળા દરમિયાન પોતાના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી દિશાઓ આપી. ઉપરાંત પેટ્રોલિયમ ક્ષેત્રે નવી સિદ્ધિઓ મેળવી અને સાથે સાથે ભાવિ માટેના ચાવીરૂપ આઇટી અને ઇન્ફોકોમ ક્ષેત્રોમાં પણ તેઓએ હળણફાળ ભરી. આજે કરોડોના ખર્ચે તેઓનું ઇન્ફોકોમ આકાર થયું છે. દેશમાં ૧૧પથી વધુ મોટા શહેરોમાં ટેલિકોમ અને આઇટી સેવાઓથી રિલાયન્સની હાજરીએ તમામ સ્તરે નક્કર સ્વરૂપ લીધું છે. આ ઉપરાંત રિલાયન્સના પેટ્રોલ પંપ સ્ટેશનોની જાળ પણ દેશભરમાં છવાઇ ગઇ છે.

આમ, ધીરુભાઇની ગેરહાજરીમાં પણ રિલાયન્સની ઉર્ધ્વગામી ઉડાન તેમના પુત્રોએ ચાલુ જ રાખી. મુકેશ અને અનિલ એકબીજાના પૂરક બની રહ્યા અને ભવિષ્યમાં પણ બની રહેશે તેમ તેની નજીકના વર્તુળો પણ શ્રદ્ધાથી કહે છે. (હા, વચ્ચે થોડો સમય બંને ભાઇઓમાં ખટરાગ થયો હતો પરંતુ સમય જતાં તે દૂર થઇ ગયો છે. બંનેની કંપનીઓ હવે અલગ છે પણ તેઓ વચ્ચે મનમેળ છે.) રિલાયન્સના ચેરમેનપદને સંભાળનાર મુકેશ ખૂબ જ ધીરગંભીર પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ છે. જ્યારે તેમના નાના ભાઇ અનિલ વધુ તરવરિયા છે. છતાં બંનેએ તેમના સમતોલ વ્યક્તિત્વનો અનેકવાર પરિચય આપેલ છે. મુકેશ પણ પિતાની જેમ જ કહે છે કે, ‘અમારા માટે વૃદ્ધિ એ જીવન છે. શ્રેષ્ઠતા હાંસલ કરવી એ અમારું ધ્યેય હોય છે અને તે માટે બધું કરી છૂટીએ છીએ.’ બંનેમાં મુકેશ એ ગ્રૂપ માટે યોજનાઓ ઘડવાનું વિચારનાર (થિંકર) અને મુખ્ય વ્યૂહરચનાકાર ગણાય છે. તો અનિલ એક વ્યવહાર કુશળ કસબી અને ઉત્સાહી અમલકર્તા ગણાય છે. આથી જ માત્ર રૂપિયા ર લાખ ૮૦ હજારની મૂડીથી શરૂ કરેલું રિલાયન્સ રૂપિયા ૬પ૦૦૦ કરોડના જંગી સામ્રાજ્યમાં પરિવર્તન થયેલું જોઇને ધીરુભાઇએ શાંતચિત્તે ચિરનિદ્રા લીધી હશે. કેમ કે, તેમને શ્રદ્ધા હતી કે પુત્રો પિતાનો વારસો માત્ર જાળવશે જ નહીં પરંતુ તેને નવી બુલંદીઓ ઉપર લઇ જશે.

ત્રીજી પેઢીનો પ્રવેશ :

પિતા ધીરુભાઇના વારસાને કુનેહપૂર્વક આગળ ધપાવનાર પુત્રો મુકેશ અને અનિલનો વાારસો જાળવવા હવે તેમના સંતાનો આગળ આવી રહ્યા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સંતાનોમાં બે પુત્રો આકાશ અને અનંત તેમજ પુત્રી ઇશા તો અનિલ અને ટીના અંબાણીના બે પુત્રો છે અનમોલ અને જય અંશુલ. રપ વર્ષના અનમોલ હાલ રિલાયન્સની કેપિટલ લિ.ના એક્ઝિ. ડાયરેકટર છે. જ્યારે રપ વર્ષના જ આકાશ અને ઇશા રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિ.ના બોર્ડ મેમ્બર્સ છે.

આમ, કુશળ બિઝનેસમેન ધીરુભાઇના સંતાનોએ વારસાને આગળ ધપાવી તેમના નામને જીવંત રાખ્યું છે.

 

Facebook Comments

You may also like

Feelings Sponsorship Profile 2019